
રોહન કોલેજનો અભ્યાસ પૂરો કરવા પોતાના ગામથી દૂર એક શહેરમાં ગયો છે. જમ્યા બાદ રોજની ટેવ મુજબ આજ પણ તે ઊંઘી રહ્યો છે. બપોરનો ૧૨:૩૦ વાગ્યાનો સમય છે. અચાનક મોબાઈલની રીંગ વાગવાથી આરામમાં રહેલ રોહન ઝબકીને જાગી ગયો, જોયું તો મમ્મીનો ફોન.
પ્રથમ તો એને થોડી દાઝ ચડી પણ પછી કેમેય તેણે ફોન ઉપાડ્યો. ‘બેટા રોહન ! જમી લીધું ?’ વહાલભર્યો મમ્મીનો અવાજ સાંભળી રોહનને આનંદ થવાને બદલે ઉદ્વેગ થયો. કેમ જે, આ ફોન તેના માટે માત્ર આરામનો જ નહિ, અંતરનો પણ વિક્ષેપક હતો. છેવટે તેણે ફોન ઉપાડી બને એટલો ટૂંકમાં પ્રત્યુત્તર દીધો... ‘હા.’ ‘બેટા ! કાંઈ મુશ્કેલી તો નથી ને ?’ ‘ના.’ ‘ભણવામાં કેમ ચાલે છે ? બરાબર ધ્યાન આપે છો ને ? જોજે હો ઊંઘ, આળસ કે ગાફલાઈમાં ક્યાંક...’
મમ્મીની વાત હજુ પૂરી થાય એ પહેલા જ તે ગુસ્સે થઈ બોલવા માંડ્યો, ‘બસ કર મમ્મી, તને મેં કેટલી વાર કહ્યું કે તારે મારી કોઈ ચિંતા કરવી નહીં. હવે કાંઈક તો સમજ, હું કાંઈ નાનો થોડો છું કે બધી ચિંતા તારે જ કરવી પડે ! આ બધી તારી ટકટકથી હવે તો હું થાકી ગયો છું. પપ્પા વાત કરે તોપણ એકનું એક જ... આટલી વાત થઈ ત્યાં તો રોહનના પપ્પા પણ ફોન પર આવી ગયા. મમ્મીની બાજુમાં ઊભા રહી સ્પીકર કરીને તેમણે બોલવા માંડ્યું, ‘કેમ છે બેટા ! જોજે હો સાચવજે, ખરાબ મિત્રોનો સંગ ન થઈ જાય. અને હા, મેથ્સમાં તું થોડો કાચો છે તેથી મને થોડી ચિંતા રહે છે. માટે એમાં થોડું વધુ ધ્યાન દેજે. આ વખતે મારી અને તારી મમ્મીની ધારણા ૯૦ પરસન્ટેજની છે.’
હવે રોહનથી રહેવાયું નહીં. તેણે વધુ જોરથી ઊંચા અવાજે બોલવા માંડ્યું, “પપ્પા ! તમારી ઓવર અપેક્ષા અને રોકટોક તો મારું માથું પકવી દે છે... મમ્મીને પણ મારો જરાય વિશ્વાસ નથી. દસમા ધોરણમાં ૮૦% હતા અને બારમા ધોરણમાં તો હું ૮૫% લાવ્યો હતો, તોય તમને લોકોને તો કોઈ સંતોષ જ નથી. અને સાંભળો પપ્પા ! અત્યારે પણ ઓલરેડી હું મેથ્સનો જ અભ્યાસ કરતો હતો ને તમારો ફોન આવ્યો, તે તમે બંનેએ મારી અભ્યાસની ૨૦ મિનિટ બગાડી. કયા વિષયનું કેટલું-કયું વાંચવું એ બધું આયોજન કરીને હું મારી રીતે વ્યવસ્થિત અભ્યાસ કરું છું; તેમાં પ્લીઝ હવે તમે દખલગીરી ન કરશો.’ એમ કહી તેણે ફોન કાપી નાંખ્યો.
રોહનનાં મમ્મી-પપ્પા તેનું આવું ફરી ગયેલું વાણી-વર્તન જોઈ એકબીજા સામું જોવાં લાગ્યા થોડાં દુ:ખ સાથે કેમેય મન પાછું વાળ્યું. એક-બે વખતના રોહનના આવા અનુભવથી તેમનું હૈયું ઘવાયું હતું; તેમ છતાં લાગણીવશ તેનાં મમ્મી-પપ્પાએ કોઈક બાબતને નિમિત્ત બનાવી ૧૫-૨૦ દિવસ બાદ ફરી પાછો રોહનને ફોન લગાવવા માંડ્યો, પણ આ વખતે તો રોહને પપ્પાનો મોબાઈલ નંબર જોઈ સ્વીચ ઓફ જ કરી દીધો...
વહાલા ભક્તો ! આટલી સ્ટોરીને પૂરી માની લઈને ચાલો આપણે અહીં જ અટકી જઈએ. વિચારી લઈએ કે મને આ બાબતે શું વિચાર આવે છે ? રોહનનું તેનાં માતા-પિતા સાથેનું વર્તન કેટલું વ્યાજબી લાગે છે ? અહીં વાત તો માતા-પિતા અને પુત્રના સંવાદની છે, પરંતુ તેને આધ્યાત્મિક માર્ગે ઘટાવીએ તો માતા-પિતાની જગ્યાએ આપણા ઘડવૈયા એવા વહાલા મહારાજ, પૂ.ગુરુજી, સંતો-ભક્તો, વડીલો, સંચાલકો, પોષકલીડરો વગેરેમાંથી કોઈ પણને લઈ શકાય. અને
હા, આપણા ઘડવૈયાની ભાવનાઓ-લાગણીઓમાં કદાચ કોઈક વાર થોડો સરખો અવિવેક, ગેરસમજ, આપણા ભલા માટેનો આગ્રહ કે કાંઈક અપેક્ષા પણ હોઈ શકે; પરંતુ એનો મતલબ એ નથી કે તેને લઈને આપણે તેમની ઉપેક્ષા કરવા લાગીએ. તેઓ આપણને એના પોતાના જાણીને આપણી ભૂલ અંગે ટકોર કરે, સાવધાની આપ્યા કરે, સુધારવાનો આગ્રહ રાખે, આપણી નાની એવી ભૂલ મોટી કરીને કહે, અરે અપમાન કરે તોપણ એ તો કેવળ એમનો અમીદૃષ્ટિ ભર્યો અનુગ્રહ જ છે માટે એમાં આપણે બીજો ત્રીજો કુભાવ ન કરતાં તેમના આપણા પ્રત્યેના ભાવ-પ્રેમને યથાર્થ રીતે સમજીને તેનાથી કરુણાભીના થવું જોઈએ. કદાચ કોઈક વાર તેઓ આપણને સમજવામાં ખરેખર કાંઈક મીશ થતા હોય, તોપણ આપણે તેમને સમજવામાં કદી મીશ ન જ થવું જોઈએ.
ખરેખર આ બાબત આપણને સારી રીતે સમજાઈ જાય તો તેમની આવી કરુણા બદલ આપણી આંખમાં આંસુ ન સુકાય.
જેઓ આપણું ઘણું ઘણું સહન કરીને પણ નિ:સ્વાર્થભાવે આપણી સેવા કરે છે, આપણને વધુ ને વધુ સુખી કરવાની ભાવનાઓ સેવે છે, આપણા મોક્ષની ચિંતા કરે છે, અરે કાળજુ કઠણ કરીને પણ આપણને વઢે-ટોકે છે; એવા આપણા ઘડવૈયાને સમજવામાં આપણે કદી ભૂલ ન કરવી જોઈએ.
જો આપણે તેમાં સવળું સમજી કૃતજ્ઞ થવાને બદલે તેમના જ પ્રત્યે અવળા ઘાટ કરીએ તો તો આપણા જેવા કૃતઘ્ની-પાપી-દુર્ભાગી આ દુનિયામાં બીજા કોઈ ન હોઈ શકે. જેમ ડોક્ટર દર્દીને ઈંજેક્શન તેનું દર્દ મટાડવા આપે છે; તેને મારવા નહીં. એવી જ રીતે આપણા ઘડવૈયા પણ આપણા ઘડતરની તમામ પ્રોસેસ આપણને પોતાના માનીને કરે છે; એમના વેરી સમજીને નહીં. આપણું જન્મ-મરણનું દુ:ખ મટાડવા કરે છે, આપણને દુ:ખી કરવા નહીં. જ્યારે આ બાબતને આપણે ભૂલી જઈએ છીએ ત્યારે કેટલીક વાર આપણે પણ રોહન જેવું જ કરવા લાગીએ છીએ.
શ્રીહરિજી મહારાજે વચ.ગ.મ.૪૫માં કહ્યુંછે કે, “તમે સર્વેમારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઈક ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજ્યો.” શ્રીજીમહારાજે પોતાના આશ્રિત પ્રતિ કરેલી આવી વાતમાં કઠોરતા હોવા છતાં ભારોભારવાત્સલ્ય ભર્યું છે.
વહાલા ભક્તો ! આપણા ઘડવૈયાના હૃદયમાં રહેલો આપણને સુખી કરવાનો શુદ્ધભાવ આપણને સારી રીતે સ્પર્શવો જોઈએ. અને એમના પ્રતિ એવો સારો રીસ્પોન્સ આપવો જોઈએ કે જેથી આપણા ઘડતરમાં તેઓ નિરુત્સાહી બની ન જાય, થાકી ન જાય, તેમને આપણને ઘડવાનું ઠેલવું કે છોડી દેવું ન પડે.
આપણને ઘડનારા મોટેરાને આપણો એવો વિશ્વાસ આવી જવો જોઈએ કે તેઓ કોઈ પણ પ્રસંગે આપણી સાચી-ખોટી વાતને જાણ્યા-તપાસ્યા વિના, આપણને સાંભળ્યા કે સમજ્યા વિના જ સીધી આજ્ઞા કરી શકે કે ‘તારે આ ભૂલનો સ્વીકાર કરી તેમાં સુધારો કરવાનો છે અથવા તો આ વ્યક્તિ ની માફી માંગવાની છે.’ જો આપણને તેમનો આવો સ્વીકાર હોય તો તેઓ આપણું ઘડતર છૂટથી સારી રીતે કરી શકે.
અને જો આપણે તેમના હેતુ કે હૃદયની ભાવનાને ન સમજી શકીએ તો તેઓ આપણું ઘડતર કરી જ ન શકે. માટે ચાલો આપણે પ્રસ્તુત સ્ટોરીમાંથી એવું શીખી લઈએ કે જેથી આપણા ઘડવૈયામાં આપણને કદી ભાવફેર ન થાય. એમની લાગણીનો તાંતણો આપણી સાથે કાયમ જોડાયેલો રહે. અને તેઓના આશિષપાત્ર રહી પ્રભુને પામી જઈએ...