ગુરુભક્તિ

ગુરુભક્તિ

સ્વામી રામદાસને એક વખત પગમાં અચાનક અસહ્ય પીડા થવા લાગી. એ બૂમો પાડવા લાગ્યા. અરે, એમણે તો રડવાનું પણ શરૂ કરી દીધું. તેમના બધા શિષ્યો ભેગા થઈ ગયા.

શિષ્યો સૌ પૂછવા લાગ્યા , “શું થયું ? શું થયું ? ગુરુજી કેમ બૂમો પાડે છે ? હમણાં તો આનંદમાં હતા !”

એટલામાં રામદાસ ઉતાવળે ઉતાવળે કહેવા લાગ્યા, “હવે નહિ રહેવાય. આ ગૂમડાથી તો તોબા. આખો પગ ફાટી જાય છે. ખૂબ સણકા નાંખે છે.” આમ કહીને એમણે સૂતા સૂતા ઓશીકું ફેંકી દીધું અને ઓઢવાનું પણ દૂર કર્યું. દાંત દાબ્યા અને પગ પછાડયા. એ તો એમના ભગવા અંચળાને પણ આમ તેમ ખેંચવા લાગ્યા. શિષ્યોએ ઘણા ઉપચારો કર્યા, પણ મટવાનું તો નામ નહીં. છેવટે ગુરુ બોલવા લાગ્યા, “આની પીડા તો અસહ્ય છે. હવે આ દેહ નહિ ટકે.” બધા શિષ્યો ગભરાઈ ગયા.

તેમાંનો એક શિષ્ય કહેવા લાગ્યો, “ગુરુદેવ, પણ આ પીડાથી બચવાનો કોઈ ઉપાય છે ? એનો કાંઈ ઉપાય હોય તો બતાવશો ?

ગુરુ(રામદાસ) કહે, “ભાઈ, જવા દો ને એ બધી વાતો. આ રોગ જ ભયંકર છે. ઉપાય તો છે, પણ તે જીવલેણ છે. જો કોઈ આ ગૂમડાને ચૂસી લે તો મારું દુ:ખ દૂર થાય; પણ ચૂસનારનું મરણ થાય !” સૌ એક બીજાની સામું જોવા લાગ્યા. સૌ કોઈને પોતાનો દેહ તો વહાલો હોય જ ને ?!

પરંતુ તેમાં કલ્યાણ નામનો એક શિષ્ય હતો. એ ખરેખરો ગુરુભક્ત હતો. એ ઊભો થયો અને ગુરુ પાસે પહોંચ્યો. એ બોલવા લાગ્યો, “ગુરુદેવ, આપના દેહ કરતાં આ દેહની કિંમત કંઈ વધારે નથી. આપ મને આ ગૂમડું ચૂસવાની આજ્ઞા આપો.”

ગુરુ રામદાસ કહે, “ભાઈ, રહેવા દે ને હવે. શા માટે આ તારા ખીલતા દેહને કરમાવે છે ? જીવનનો કોઈ બીજા સારા કામમાં સદુપયોગ કરજે ને !”

શિષ્ય કહેવા લાગ્યો, “ગુરૂદેવ, આપના અર્થે આ દેહ પડે એમાં જ હું મારા દેહનો સદુપયોગ થયો માનું છું. આપ મને આજ્ઞા આપો એટલે બસ.

રામદાસ ગુરુએ મંદ હાસ્ય સાથે મસ્તક હલાવી હા કહી.

ગુરુની આજ્ઞા મળતાં જ કલ્યાણ ગૂમડું ચૂસવા લાગ્યો. એને તો પોતાના ગુરુને સુખ દેવાનો આનંદ હતો. હસતા હસતા એ તો આખું ગૂમડું ચૂસી ગયો. પછી હમણાં દેહ પડી જશે એવી આશાથી પ્રણામ કરીને એક બાજુ બેસી ગયો અને આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. બધા શિષ્યો એક નજરે તેની સામું જોઈ રહ્યા હતા, પણ આ શું? કલ્યાણને તો કાંઈ ન થયું ! બધા વિચારમાં પડી ગયા. કલ્યાણને પણ આશ્ચર્યનો પાર ન રહ્યો.

છેવટે હસતા હસતા (રામદાસ) ગુરુએ કહ્યું, “આ ગૂમડું નહોતું, પણ તમારી કસોટી માટે મેં પાકેલી કેરી  મારા પગે બાંધી હતી. કલ્યાણે પાકેલી કેરી ચૂસી છે. ગૂમડું નહીં.” બધા શિષ્યો શરમાઈ ગયા અને પોતાની ગુરુનિષ્ઠાની કચાશ સ્વીકારી ગુરુજીને પ્રાર્થના કરીને માફી માંગી.

વહાલા ભક્તો ! આ ગુરુપૂર્ણિમા નિમિત્તે આપણે પણ તપાસી લઈએ કે મારે મારા ગુરુજી માટે આવું કરવાનું થાય તો ? કલ્યાણે તો કોઈ પણ પ્રકારની શંકા કે બુદ્ધિનું ડહાપણ કર્યા વિના, અરે પોતાના દેહની પણ પરવા કર્યા વિના તેમના ગુરુ રામદાસને સુખી કરવા મોતને પણ સ્વીકારી લીધું. જ્યારે આપણે તો આ લોકના માયિક તુચ્છ સુખ માટે પણ આપણા ગુરુને છેતરતા અચકાતા નથી. એમનાથી છાના-છૂપા આપણી ભૂંડી ઈચ્છાઓ પૂરી કરી લઈએ છીએ. આપણે ખરેખર કોના ભક્ત છીએ ? ગુરુના કે દેહના ?

ખરા ગુરુભક્તને તો હંમેશાં ‘મારા ગુરુજી કેમ સુખી થાય ?’ એવી જ ચિંતા રહ્યા કરે. એના માટે ગમે તેટલું દુ:ખ સહન કરવા કે પોતાના પ્રાણ આપવા માટે પણ એ સદા તત્પર રહે છે. પોતાના સુખની તો તેને કંઈ પડી જ ન હોય. આવા ગુરુનિષ્ઠ શિષ્યને જ સદ્‌ગુરુની કૃપા મળે છે.

આપણને આરુણી, ઉપમન્યુ, એકલવ્ય વગેરેને મળેલી પ્રાપ્તિ કે સિદ્ધિ જોઈને એવું મેળવવાની ઈચ્છા થાય કે ‘ગુરુજી મને પણ એવા આશીર્વાદ આપી દે ને તો મારું કામ થઈ જાય.’ પણ તેમાં આપણે ગુરુજીને સુખ આપવા કરતા પોતે સુખી થવાનો આશય હોય છે. તેથી કૃપા મળતી નથી. પોતાના ગુરુજી પ્રત્યે આત્મબુદ્ધિ અને દાસભાવ દૃઢ હોય તો જ સદ્‌ગુરુને સેવી શકાય છે.

જેવો વાલો છે પોતાનો દેહ, એથી અધિક કરવો સ્નેહ;
હાથ જોડીને રહેવું હજૂર, એના વેણે  થાવું ચકચૂર.

પુ.ચ.પુ. ૬/૨૮

અરે ! સાચા શિષ્યને તો પોતાના ગુરુજીના સુખમાં જ પોતાનું કલ્યાણ મનાય છે તેમનો રાજીપો એ જ એમના જીવનની સાચી કમાણી અને એ જ સર્વોચ્ચ પ્રાપ્તિ મનાય છે. આવી સમજણ જેનામાં દૃઢ હોય તેવા શિષ્યો જ આવી ગહન કસોટીમાં પાર પડે અને ગુરુજીના દિલના સાચા રાજીપાના અધિકારી બની શકે છે. આપણા વહાલા પૂ.ભજનપ્રકાશદાસજી સ્વામી પણ આવા જ ભક્તિવાળા સંત હતા તેમને આદર્શ રાખીને આપણે પણ આવી ભક્તિ કેળવીએ.