
એક વખત ધમ્ય ઋષિએ પોતાના શિષ્ય ઉપમન્યુને બોલાવીને આજ્ઞા કરીને કહ્યું કે, ‘તું મારા આશ્રમની ગાયોને ઘણા જ પ્રેમથી નિપુણતાપૂર્વક વનમાં ઘાસ ચારવા માટે લઈ જા.’ ગુરુનું વચન માથે ચઢાવીને ઉપમન્યુ ગાયો ચારવા લાગ્યો. તે ભિક્ષા માગીને જમતો હતો. ઘણા દિવસ પછી ગુરુએ બોલાવીને તેને પૂછ્યું, તું તારો દેહનિર્વાહ કેમ કરે છે ? જેમ હોય તેમ કહે.
ઉપમન્યુએ કહ્યું, ગુરુજી ! હું ભિક્ષા લઈ આવું છું અને આનંદથી મારું ગુજરાન કરું છું. ગુરુએ કહ્યું, મને આપ્યા વિના ભિક્ષા ખાઈ લેવી તે તારા માટે યોગ્ય નથી. પછી તો ઉપમન્યુ જેટલી ભિક્ષા લાવે તે ગુરુને આપી દે, અને ગુરુ બધી ભિક્ષા લઈ લેતા અને તેમાંથી તેને ખાવા માટે કાંઈ આપતા નહીં. તેથી ઉપમન્યુ ફરીવાર ભિક્ષા માગીને ખાતો. આ વાતની ગુરુને ખબર પડી. તેથી ધમ્ય ઋષિએ ફરીને ભિક્ષા માગવાનું બંધ કરાવ્યું. ત્યારબાદ ગુરુએ તેના શરીરને હૃષ્ટપુષ્ટ દેખીને પૂછ્યું, હવે તું તારું ગુજરાન કઈ રીતે કરે છે ?
ઉપમન્યુ કહે, ગાયનું દૂધ પીઉ છું. તેનાથી ગુજરાન ચાલે છે. ત્યારે ગુરુએ ગાયનું દૂધ પીવાની પણ બંધી કરાવી ને કહ્યું, ગાયનું દૂધ તેના વાછરડા માટે છે. પછી તો દૂધ ધાવતા વાછરડાના મોઢાનું ફીણ ખાઈને ઉપમન્યુ રહેવા લાગ્યો. તે ખબર પડયા પછી ગુરુએ તે ફીણ ખાવાનું પણ બંધ કરાવી દીધું. ઉપમન્યુ ભૂખથી અતિશય પીડાયો, તેથી તેણે આકડાનાં પાંદડાં ખાધાં. તેનાથી તે અંધ થઈ ગયો. અંધ થઈ ગયો, છતાં તે ગાયોને ચારવા જાતો, છતાં ક્યારેય ગુરુનો દોષ બોલતો નહીં. ગુરુએ તેને જેમ જેમ ઘણું ભારે દુ:ખ દીધું તેમ તેમ ઉપમન્યુ પોતાના ગુરુને હિતકારી અને કૃપાળુ માનતો રહ્યો.
અંધાપામાં પણ ગાયો ચારવા ગયેલો ઉપમન્યુ એક દિવસ કૂવામાં પડી ગયો. સાંજે ગાયો આશ્રમમાં આવી, પણ ઉપમન્યુ ગાયોની સાથે ન આવ્યો. ત્યારે ગુરુ એવું બોલ્યા કે, ગમાર શિષ્ય તો ભાગી ગયો જણાય છે. તેને કાંઈ મોક્ષનો ખપ નથી. હવે તેની શું શોધખોળ કરવી ? તે દેહાભિમાની હતો. તે આજ તરત દેખાઈ આવ્યું. હવે તે ફરીને અહીં આવીને રહે તોપણ તેનો વિશ્વાસ કઈ રીતે આવે ? તેવા સમયમાં કોઈએ આવીને ગુરુ આગળ પોકારીને કહ્યું, આપનો શિષ્ય તો કૂવામાં પડયો છે અને ‘ગુરુજી...ગુરુજી’ એમ બોલ્યા કરે છે. ત્યારે ગુરુએ કહ્યું, તે શિષ્ય તો ગમાર(મૂર્ખ) છે. મારી સાથે રીસ કરીને કૂવામાં પડયો છે. તેનું શું ઠેકાણું ? ચાલો, હવે બહાર તો કાઢીએ; એમ કહી ગુરુ બીજા શિષ્યોને સાથે લઈને ઉપમન્યુ જે કૂવામાં પડયો હતો ત્યાં આવ્યા. આવીને જ્યારે જોયું ત્યારે ‘ગુરુજી...ગુરુજી’ એમ તે બોલતો સંભળાયો.
તે સાંભળીને ગુરુ બોલ્યા, “અહીંયાં આવીને કૂવામાં પડયો ને ? હવે મને તારો વિશ્વાસ રહ્યો નથી, હાથમાં લાકડી લઈને ફરે છે, છતાં બોલ કૂવામાં કેમ પડયો ? તારી ખોટી વાતને અમે માનશું નહીં. તારી બુદ્ધિ જ કપટ ભરેલી છે.” આવું આવું કહીને ગુરુએ તેનો ઘણો જ તિરસ્કાર કર્યો, તોપણ ઉપમન્યુએ ગુરુનો દોષ લીધો નહીં. પછી ઉપમન્યુએ હાથ જોડીને ગુરુને કહ્યું, હું કૂવામાં પડયો છું, તેમાં મારી જ ભૂલ છે. હવે હું કૂવાનો ખ્યાલ રાખીને ચાલીશ. ગુરુજી ! આપે મને અનુપમ વચન કહ્યાં છે. ગુરુએ આ પ્રમાણે શિષ્યને તાવ્યો-કસોટી કરી, પણ ઉપમન્યુએ લેશમાત્ર પણ ગુરુનો દોષ લીધો નહીં. તેની અતિ ધીરજ જોઈને ગુરુ ગદગદ કંઠ થઈ ગયા. પછી તેને કૂવામાંથી બહાર કાઢ્યો અને તેના ઉપર ગુરુએ અપાર હેત કર્યું. ત્યારપછી ગુરુએ ઉપમન્યુને બે અશ્વિનીકુમારની પાસે મોકલ્યો. ગુરુનાં વચને તેણે તે બંને દેવોની સ્તુતિ કરી. બંને દેવોએ તેને દર્શન દીધાં. ચતુર દેવો અત્યંત પ્રસન્ન થયા. સાકરનો એક માલપૂડો લઈને ઉપમન્યુને હેતથી આપ્યો. ત્યારે ઉપમન્યુએ કહ્યું, ગુરુજીને આપ્યા વિના આ સરસ અને અમૃત તુલ્ય માલપૂડાને હું ઝેર જેવો દેખું છે.
दोहा :
गुरुकु अरपे विन गुरु तेहि, अपुप खाये कोउ दिन;
सो बात कहि देव ताहिकु, माने नहीं प्रवीन.
धीरज अति देखी तेहि, गुरु में प्रीत अपार;
देव रिझे ततकाल तब, वचन बोले तेहि वार.
ત્યારે દેવોએ તેને કહ્યું, તારા ગુરુ તો કોઈક દિવસ તેના ગુરુને અર્પણ કર્યા વિના માલપૂડો ખાઈ લેતા, છતાં ચતુર ઉપમન્યુ માન્યો નહીં. દેવો ઉપમન્યુની આવી અપાર ધીરજ અને ગુરુમાં અપાર પ્રીતિ જોઈ તત્કાળ તેના ઉપર રીઝયા અને બોલ્યા, હે ધીર ઉપમન્યુ ! તું મહાન ગુરુભક્ત છો. માટે હે વીર ! તું અને તારા ગુરુ બંને હવે વજ્રદંત થાઓ. જે પરમ શ્રેષ્ઠ છે અને અપાર-શાશ્વત છે. જેને મોક્ષ કહેવાય છે તેને તું ચોક્કસ પામીશ. હવે તને સારા નેત્ર પણ પ્રાપ્ત થાઓ. આમ ઉપમન્યુએ બંને અશ્વિનીકુમારો પાસેથી દૃષ્ટિ (આંખો) મેળવી. પછી તરત જ ગુરુને ઘેર આવ્યો. ધીર ઉપમન્યુએ ગુરુનાં ચરણોમાં મસ્તક મૂક્યું અને ખૂબ ખૂબ વંદન કર્યા. ગુરુએ તેને પ્રેમ લાવીને પરમ શ્રેયરૂપ મોક્ષનો વર આપ્યો. જે પરમ શ્રેયરૂપ મોક્ષને મુખથી વર્ણવી શકાતો નથી. વેદ-શાસ્ત્રોમાં જેટલો ધર્મનો પરિવાર કહ્યો છે, તે ધર્મના પરિવારે સહિત ભક્તિભાવ તારામાં સદાય રહો. અને તેમાં તને ક્યારેય કોઈ વિઘ્ન ન થાઓ; આવું ગુરુ ધૌમ્ય ઋષિએ પ્રિય શિષ્ય ઉપમન્યુને વરદાન આપ્યું.
વહાલા ભક્તો ! ઉપમન્યુને પોતાના ગુરુએ ઘણી પ્રકારે તાવ્યો, છતાં પણ ગુરુનો અભાવ લીધો જ નહીં. તેને પોતાના જ દોષ જોયા ને સવળું જ વિચાર્યું, ત્યારે ગુરુની અનંત કરુણા ને પ્રસન્નતાથી અદ્ભુત વરદાન પામ્યો. આપણે પણ ગુરુની કૃપા પામવા માટે સદા સવળું જ લઈએ, પોતાના જ દોષો જોઈએ ને ઉપમન્યુની જેમ ગમે તેવી કસણીમાં પણ ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખીએ તો આપણે પણ ગુરુકૃપાથી જરૂર અક્ષરધામના અનાદિમુક્તો જેવી પદવી પામીએ ને અખંડ ભગવાનના અનુભવમાં પહોંચી જઈએ.