ગુરુપૂર્ણિમા

ગુરુપૂર્ણિમા

વહાલા ભક્તો ! ચાતુર્માસના પ્રારંભમાં જ આવતી અષાઢ સુદી પૂનમ એટલે
‘ગુરુપૂર્ણિમા’. વૈદિક હિન્દુ પરંપરામાં આ પૂનમ વ્યાસપૂર્ણિમા તરીકે ઓળખાય છે. ભગવાન વ્યાસની જન્મતિથિ એટલે અષાઢ સુદી પૂનમ-
ગુરુપૂર્ણિમા. ભગવાન વ્યાસને સર્વે આચાર્યોના આચાર્ય તરીકે આપણે જાણીએ છીએ. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. તમામ હિન્દુ સંપ્રદાયોમાં આ ગુરુપૂર્ણિમા ખૂબ જ ભાવથી ઉજવવામાં આવે છે.

જીવ જ્યારે લખચોરાશીમાં ભટકતો ભટકતો મનુષ્ય દેહને પામે છે ત્યારે તેને માટે મોક્ષનું અનુપમ દ્વારરૂપ મનુષ્યતન ભગવાન પમાડવામાં અતિ ઉપયોગી થાય છે. મનુષ્યતન પામ્યા પછી જીવ આ જગતમાં પ્રારબ્ધકર્માનુસારે અનેક પ્રકારે સુખ-દુ:ખમય જીવન જીવે છે.

પરંતુ જીવ જો ચ્છે તો આ મનુષ્યદેહે કરીને ભગવદ્‌પ્રાપ્તિરૂપ અનુપમ કાર્ય કરી શકે છે. આને માટે કોઈ સમર્થ સાચા સદ્‌ગુરુની શરણાગતિ લેવી અતિ અનિવાર્ય છે. ભગવાન પમાડે એવા સદ્‌ગુરુ સંતની પ્રાપ્તિ થાય અને જીવ તેને સોંપીએ તો જ સત્યસ્વરૂપ પરમાત્માને આપણે પામીશું અને કલ્યાણરૂપ કાર્ય પૂર્ણ થશે.

મુમુક્ષુ જીવ ભગવાન પામવા તો ચ્છે છે, પરંતુ તેને ભગવાન પ્રાપ્ત કેવી રીતે કરવા તેની ખબર હોતી નથી. મુમુક્ષુ પોતાની રીતે મનમાન્યા સાધનો કરે છે, શાસ્ત્રોમાંથી વાંચી-શીખીને ભગવાન પામવાનું કાર્ય શીખે છે, પરંતુ કોઈ જીવ ગુરુ કર્યા વિના ક્યારેય પોતાની રીતે ભગવદ્‌પ્રાપ્તિ કરી શકતો નથી. આધ્યાત્મિક માર્ગમાં જો ભગવાનને પામવું હોય તો ગુરુ અનિવાર્ય છે ગુરુ કર્યા વિના પુસ્તકોમાંથી વાંચીને પોતાની રીતે જીવ મથે તો તે આ ભવાટવીમાં ક્યાંય અથડાઈ કુટાઈ જાય છે.

એક ભાઈ ઘોડેસવારી શીખવા ચ્છતો હતો. તેથી તેણે તેના મિત્રને વાત કરી. તેના મિત્રે તેને ઘોડેસવારી કેમ કરવી તે અંગેનું એક પુસ્તક આપ્યું. તે ભાઈએ તો ખૂબ જ રસપૂર્વક આખું પુસ્તક વાંચી લીધું અને મનમાં માની લીધું કે, ‘હવે હું ઘોડેસવારી ચોક્કસ કરી શકીશ. કારણ કે, મને ઘોડેસવારી કેમ કરવી તેની પૂરેપૂરી સમજ મળી ગઈ છે.’

આવું વિચારી એ ભાઈ કોઈક ઘોડાના માલીક પાસે ગયો અને તેણે તેને કહ્યું કે, ‘મને આપનો ઘોડો થોડીવાર માટે આપવાની કૃપા કરશો ?’ ઘોડાના માલીકે કહ્યું કે, ‘તને ઘોડેસવારી કરતા આવડે છે ?’ ત્યારે તે ભાઈએ કહ્યું, ‘હા..હા..  જરૂર. મને ઘોડેસવારીનું સંપૂર્ણ જ્ઞાન છે.’ ઘોડાના માલીકે તેને ઘોડો આપ્યો. પેલો ભાઈએ તો ખૂબ જ આનંદથી ઘોડાની પીઠ ઉપર સવાર થવા માટે છલાંગ લગાવી. તેવામાં અજાણ્યો અસવાર જાણી ઘોડો ભડકીને ઝાડ થયો. તરત જ તે ભાઈ નીચે પડયો.

ઘોડાના માલીકે ઘોડાને પકડી લીધો અને પેલા ભાઈને કહ્યું, ‘ભાઈ ! તેં ઘોડેસવારી કેવી રીતે શીખેલી ?’ ત્યારે તેણે કહ્યું, ‘ઘોડેસવારીનું આખે આખું પુસ્તક ખૂબ જ વ્યવસ્થિત રીતે મેં વાંચ્યું છે.’ આ સાંભળી ઘોડાના માલીકે ખડખડાટ હસતાં કહ્યું, આવું પુસ્તકીયું જ્ઞાન ઘોડેસવારીમાં કામ ન લાગે. તેને માટે તો તારે ગુરુ કરવા પડે. અને તે કહે તેમ ઘોડેસવારી શીખવી પડે.’

કોઈપણ ક્ષેત્રના દરેક પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય જ છે. તેમ છતાં માત્ર પુસ્તકથી કાર્ય થતું નથી. કોઈપણ બાબત જો શીખવી હોય તો તેને માટેના જાણકાર એવા કોઈક ગુરુ કરવા જ પડે છે. આપણા પ્રથમ ગુરુ માતા-પિતા છે. તેઓ આપણને જીવનના અનેક બોધપાઠ આપી સંસ્કારો શીખવે છે. ત્યાર પછી વિદ્યાગુરુ આપણને અનેક પ્રકારની વિદ્યાઓ શીખવે છે. આ ઉપરાંત દરેક બાબતો શીખવા માટે કોઈને કોઈ વ્યક્તિ આપણને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. આ લોકની કોઈક બાબત શીખવી હોય તો પણ જો ગુરુ કરવા પડતા હોય તો પછી અગમ્ય અગોચર દિવ્ય સાકાર એવા ભગવદ્‌સ્વરૂપની પ્રાપ્તિ માટે તો જેને ભગવાનનો સાક્ષાત્કાર છે એવા સાચા સદ્‌ગુરુ કરવા ખૂબ જ જરૂરી છે.

વહાલા ભક્તો ! જો આપણે ભગવાનને પ્રાપ્ત કરવા જ હોય તો કોઈ સાચા સમર્થ સદ્‌ગુરુના શરણે નિષ્કપટપણે જવું પડે છે. ગુરુ કૃપા કરે પછી જ આપણને ભગવદ્‌પ્રાપ્તિનો માર્ગ સમજાય છે અને આગળ વધાય છે. ગુરુની કૃપા વિના કશું જ થતું નથી.

गुरु कृपा बिन बात, होत नहिं जो जो कछु ।

जीय मन मैं बहु चात,
मनोरथ अनेक प्रकार हि के ।।

હ.ચ.સા.૩/૨૮/૨૭

ભગવાનના અવતારોએ પણ ગુરુ કર્યા છે. તેઓ આપણને ગુરુની અનિવાર્યતા બતાવે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ પૃથ્વી ઉપર

નરનાટય કર્યું ત્યારે સદ્‌ગુરુ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા હતા અને તેમના વચનમાં રહીને એક મુમુક્ષુએ ગુરુને કેમ સેવવા તેની રીત બતાવી છે.
સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે...

ગુરુ વિના જ્ઞાન રે ન પામે મનમુખી રે,
કહે છે એમ મહામુનિ વેદપુરાણ રે;
એવું તે વિચારી રે, સદ્‌ગુરુ સેવજો રે;
જેથી હરિ પામીએ પ્રગટ પ્રમાણ રે...
સદ્‌ગુરુ સાચા રે૦

અમુક લોકો માત્ર કંઠી બાંધીને કે થોડા ઘણા દાન, સેવાદિક કરીને મનમાં માને છે કે, ‘મેં ગુરુ કર્યા છે’ પણ આ તેમના મનની છેતરપીંડી છે. આપણે આપણું મનધાર્યું મૂકીને વાસ્તવિક રીતે આપણા સદ્‌ગુરુને જો સોંપાયા હઈશું તો જ આપણું કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ થશે. આપણા મન, પ્રાણ તેઓને સોંપીને તેઓની મરજી અનુસાર જીવન જીવવું જોઈએ તો જ આ અમુલ્ય મનુષ્યદેહે કરીને ભગવાનની પ્રાપ્તિરૂપ કાર્ય પૂર્ણ થશે. સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠપદીમાં કહ્યું છે કે, ‘પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો.’

વહાલા ભક્તો ! સદ્‌ગુરુનું આપણી ઉપર ન ચૂકવી શકાય એટલું ઋણ છે. માટે આપણે મન-કર્મ-વચને આપણા સદ્‌ગુરુને સાચા ભાવથી આજીવન સેવીશું અને તેના પ્રતિકરૂપે આ ગુરુપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે પૂજન કરીએ એ જ સાચા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાય...