
દર્શનનું જીવન સૌને માટે આદર્શરૂપ, પ્રેરણારૂપ અને વળી અનુકરણીય પણ ખરું. તમે જ્યારે પણ એને મળો, એના મોઢે કાયમ મહિમા અને દિવ્યભાવ જ ઝરતો હોય. સત્સંગમાં હંમેશાં તેની ચડતી કળા. એનું આવું સુંદર જીવન શાથી ? એનું રહસ્ય શું ? બસ એ જ... કોઈનું નેગેટિવ બોલે નહીં, સાંભળે નહીં કે વિચારે પણ નહીં. એટલો બધો એ પોઝિટિવ કે ન પૂછો વાત. ગમે તેવા વ્યક્તિમાંથી ગુણ શોધી કાઢે. કોઈની નિંદા એના કાને પડે તો એ અકળાઈ જાય. તરત જ કાન આડા હાથ કરી દે.
દર્શનનો આટલો ટૂંકો પરિચય સાંભળી તમને સારું લાગ્યું ને ! જો આપણે પણ તેના રસ્તે ચાલવા ઈચ્છતા હોઈએ તો આપણી આજુબાજુમાંથી આપણે પણ એવો કોઈક દર્શન ખોળી કાઢવો જોઈએ. બસ હવે તેના જીવનને જોયા કરો, તેનાથી પ્રભાવિત રહો, તેની પાસેથી સમજણ શીખતા રહો. આમ દર્શનના પગલે ચાલ્યા કરવાથી એક દિવસ ચોક્કસ મારા પ્રભુનાં દર્શન થઈ જશે...
સુજ્ઞજનો હંમેશાં વ્યક્તિના સદ્દગુણોને જ ધ્યાનમાં લેતા હોય છે; તેની સ્વભાવિક પ્રકૃતિને કદાપી નહીં. તેઓની સુજ્ઞતાની એ જ તો કરામત હોય છે કે તેઓ મહિમા-દિવ્યતાના પ્રભાવમાં અન્ય દોષો જોઈ શકવા સમર્થ જ નથી રહેતા.
શ્રીહરિનો પડછાયો બનીને કાયમ પ્રભુની સાથે રહેતા એવા મૂળજી બ્રહ્મચારી, કે જેઓ ગ્રામ્યકથા ન કરવાની મહારાજની આજ્ઞા થતાં સમજ્યા વગર રામકથા ન કરવાનું કહી આવ્યા હતા. આપણે આ બાબતને તેમની ભોળપ કે વ્યવહારની સૂઝબૂઝના અભાવ તરીકે જોવી હોય તો એમ પણ જોઈ શકાય અને પ્રભુને તૃષા લાગતાં તેમણે ઝડપથી પાણી લાવવા માટે વડતાલ મંદિરની પ્રદક્ષિણામાંથી ઠેકડો માર્યો હતો. વળી, દિવાસ્વપ્નમાંથી જાગતાં જ અગ્નિ થકી બચાવવા પ્રભુને તેડીને ભાગ્યા હતા; આ તેમની પ્રભુપ્રેમની પરાકાષ્ઠાને ધ્યાનમાં લેવી હોય તો એ પણ લઈ શકાય.
આપણી દૃષ્ટિ કેવી છે ? આપણે શું લઈએ છીએ ? બસ, તેના ઉપર જ આધાર છે કે આપણી પ્રગતિ થશે કે અધોગતિ ! વચ.ગ.પ્ર.૫૮માં શ્રીહરિએ કહ્યું છે એ મુજબ ચિંતામણિ સમાન આ મુક્તોને જેવા માનીશું એવા આપણે બની જવાના.
આપણે દાદાખાચર ભેળા રહેતા હોત તો નાના મોઢાવાળા માટલામાં મોટું કોળું નાંખવાનો પ્રસંગ જોઈ આપણે તેમનું મૂલ્યાંકન કેવી રીતે કરત ? સામાન્ય બુધ્ધુ તરીકેનું કે પરમ વિશ્વાસુ અને મહાજ્ઞાની તરીકેનું ? આ પ્રસંગે વિચારી લઈએ કે વર્તમાનકાળમાં આવા સંતો-ભક્તોને જોઈને, આવાં જ કોઈક દૃશ્યો નિહાળીને એ પ્રસંગે આપણે શું વિચારીએ છીએ ? બસ, એ મુજબ આ સત્સંગમાં આપણું લેવલ બંધાવાનું, એટલું સુખ આવવાનું; કેમ જે, આપણા આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનો અથવા તો અધોગતિ તરફ ધકેલી દેવાનો આ જ એપીકસેન્ટર પોઈન્ટ છે. શ્રીહરિએ વચ.ગ.પ્ર.૫૩માં કહ્યું છે એ મુજબ સત્સંગમાં વૃદ્ધિ પામતા રહેવું હોય તો હંમેશાં અન્યના ગુણ અને પોતાના દોષ ઉપર જ દૂરબીન મુકાય. ભૂલેય આનાથી ઊલ્ટુ થઈ જાય તો મરી જઈએ.
આ માર્ગમાં જે સામાની બાહ્ય સ્વાભાવિક પ્રકૃતિ ન જોતાં હંમેશાં તેમના સદ્દગુણોને જ હાઈલાઈટ કરે છે, એને મોક્ષમાર્ગમાં એક પણ વિઘ્ન રુકાવટ કરી શકતું નથી; માટે સ્વાભાવિક પ્રકૃતિને સ્વાભાવિક જ રખાય. જો તેને હાઈલાઈટ કરવા જઈએ તો અન્ય ઘણા સારા સદ્દગુણો નજરે ન ચડતા સામાની નાની એવી નજીવી બાબત જ દેખાયા કરે; એમાં આપણી દિવ્યતા સાવ મરી પરવારે. આખરે એનાથી આપણું પતન જ થાય. સ્વાભાવિક પ્રકૃતિ કે દોષ-સ્વભાવ જોવા બેસીએ તો કોનામાં ન દેખાય ! આ પૃથ્વી પર રહેલ હરકોઈમાં દેખાય.
અરે ખુદ મહારાજ આ પૃથ્વી પર પધાર્યા ત્યારે એમણે પણ વચ.પંચાળાના ૪માં દર્શાવ્યા મુજબ આબેહૂબ મનુષ્યની જેમ જ સ્વાભાવિક પ્રકૃતિ જણાવી છે; તો શું આપણે ભગવાનને મનુષ્ય માની લેવા ? જાળિયા ગામમાં પ્રભુ દેહનો મંદવાડ જણાવી ભુજની બજારમાં રહેલી જલેબી માગે, કરિયાણામાં આવતા દ્વેષી દિવાનથી ડરી પ્રભુ મીણબાના પટારામાં સંતાઈ જાય, વડતાલમાં ફૂલજરીની વિદાય વેળાએ પરમસ્નેહી પ્રભુ આંખમાં આાંસુ લાવીને સ્નેહ દર્શાવે; આ બધું શું કહેવાય !
આવું જ કાંઈક એના સંતો-ભક્તોમાં દેખાય ત્યારે આપણે શું વિચારાય ? આ લોકમાં રહેતા દેહના યોગે પ્રગટ સંતો-ભક્તોમાં થોડું ઘણું આમતેમ દેખાય, તો તેમાં ભાવ ઘટાડી ન બેસાય. તેમની સાથે બેઠક-ઊઠક કે લેતી-દેતીના કોઈક પ્રસંગોમાં તેમનો ગૌણભાવ કરી બેસીએ તો આપણી પ્રગતિ થવાને બદલે પડતી જ થાય. ખરેખર તો પ્રકૃતિ દેખાવા છતાં ગૌણભાવ ન થાય અને આપણા મહિમા, દિવ્યભાવ, મુક્તભાવમાં ઉમેરો થતો જાય એ જ સાચી સમજણ છે.
એક જ પ્રસંગનું મુલ્યાંકન પર્વતભાઈ જેવા મહિમાવાળા ગુણગ્રાહી ભક્તો અલગ કરે અને તેની સામે સુરા ખાચર જેવા ભક્તો પણ અલગ કરે; પરંતુુ આખરે ફાયદો તો મહિમાવાળાને જ છે. બાહ્ય દૃષ્ટિથી જોવા જઈએ તો જેઓ ખુદ શેષનારાયણના અવતાર હતા એવા શ્રીહરિજી મહારાજના મોટાભાઈ રામપ્રતાપભાઈ પણ ક્યારેક થોડા ઘણા ખીજાઈ જતા, પરંતુ તેની સામે તેઓ પ્રભુભક્તિમાં નિમગ્ન બની પૂનમે ધૂન-કીર્તન ગાતા થકા વડતાલમાં આવે ત્યારે હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને તેમને કંઠમાં હાર પહેરાવતા. આ તેમની મોટાઈ કેવી અદ્ભુત કહેવાય !
લાડુબા-મોટીબા જેવાં મુક્તોને પણ મહારાજને દૂધ જમાડવાના ભાવનિમિત્તે એકવાર પરસ્પર મીઠો ઝઘડો થયેલો, પરંતુ તેની સામે પ્રભુવિયોગે તેઓ જીવી નહોતાં શકતાં એ બાબત કેટલી ઊંચી ગણાય ! નંદસંતોમાં પણ ક્યારેક કોઈક બાબતે નાના-મોટા મતભેદ થયા હોવાના આપણા શાસ્ત્રોમાં કેટલાક પ્રસંગો નોંધાયા છે, પરંતુ તેની સામે એ જ સંતો પ્રભુને પોતાનો પ્રાણ માની તેમની મરજી મુજબ દાસત્વ અને મહિમા સાથે અરસપરસ સંપ રાખીને જીવન જીવતા. આવા સ્વાભાવિક પ્રસંગોથી તેઓને ક્યારેય કાયમી આંટી નથી પડી. કેમ જે, તેઓ ટેમ્પરરી આવેલ વેગ-આવેગને ગણીને ગાંઠે નહોતા બાંધતા. માટે આપણે પણ અવગુણથી ભરેલી આપણી દૂષિત દૃષ્ટિનો ત્યાગ કરી સતત ગુણગ્રાહી બન્યા રહેવું.
આ માટે આખો દિવસ દૃષ્ટિ રાખીને દૂરબીન મૂકીને અન્યના સદ્દગુણો જ જોતા રહેવાના કે... “કેયુરભાઈની સેવા ગજબની. મૌલિકની શ્રદ્ધા કહેવી પડે, આપણા પ્રશાંતભાઈ કેવા ધીરગંભીર ! મીનેશભાઈની સમજણને કોઈ ન આંબી શકે. મનિષભાઈ તો મુક્ત જ છે. ઉચીતને સંતો-ભક્તોનો મહિમા અને દિવ્યભાવ અનોખો છે. ધર્મનિયમ અને આજ્ઞાપાલનમાં આલાપ કદી પણ બાંધછોડ ન કરે. શ્રીહરિની સર્વોપરી નિષ્ઠામાં મુકેશભાઈ નંબર વન કહેવાય.” આમ આખો દિવસ જો સારું સારું જ જોઈશું, સાંભળીશું, વાંચીશું, વિચારીશું અને લખીશું તો એની દૃઢતા થતાં આપોઆપ એ સદ્દગુણો આપણામાં પણ આવશે. જો આ દૃષ્ટિ, આ લટક, આ સમજણ હાથ લાગી ગઈ તો જીવ સુખિયો થઈ જશે. આ કરવા જેવો અભ્યાસ છે.
આ અભ્યાસમાં મિત્રમંડળ, પરિવારજનો કે સ્નેહીજનોને સહભાગી બનાવવાથી આ દિશામાં ચાલવામાં આપણને સપોર્ટ કરનારો સુંદર મજાનો માહોલ મળશે. હા, સમૂહમાં એક સાવધાની અવશ્ય રાખવી ઘટે કે રખે... આપણો રસ્તો ફંટાઈ ન જાય ! ભેગા મળીને પરસ્પર સદ્દગુણગાન કરવાને બદલે બીજા રવાડે ચડી ન જવાય. કોઈની પોઝિટિવ વાતને બદલે નેગેટિવ વાત થવા ન લાગે. ઝેર સમી નેગેટિવ વાતમાં ટમકું મૂકીને આપણા દ્વારા તેની પુષ્ટિ ન થવા લાગે. વળી અન્યના સદ્દગુણ જોવા-ગાવાની સાથોસાથ પોતામાં રહેલા સદ્દગુણોની નોંધ આવ્યા ન કરે. આટલી સાવધાની સાથે ગુણગ્રાહી બનવાનો ઠરાવ રાખીને જોરદાર અભ્યાસ કરીશું તો એ આપણા કિંચિત્ પ્રયાસથી રાજી થઈને પ્રભુ પોતે જ આ તેમના ગમતા માર્ગે ગતિ કરાવશે...