
એક નાનકડું ગામડું હતું. તે ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ હતો. તેણે એક કૂતરો પાળ્યો હતો. પોતાના પાળેલા કૂતરાને ખેડૂતે મહા મહેનતે ખૂબ જ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શીખવ્યું. કૂતરો ખૂબ જ અદ્ભુત રીતે પાણી ઉપર ચાલી શકતો હતો. ખેડૂતે વિચાર્યું કે મારા કૂતરાની આ અનોખી આવડતની વિડિઓ ક્લીપ બનાવું અને દુનિયા સમક્ષ કૂતરાની આ અદ્ભુત શક્તિને ઉજાગર કરું, જેથી સહુને જાણ થાય કે તાલીમ આપીને એક પશુ પાસેથી પણ કેવાં અનોખાં કાર્યો કરાવી શકાય છે..!
તેણે પોતાના એક મિત્રને કહ્યું, ‘તું તારો વિડિઓ-કેમેરા લઈને આવ. મારે એક અદ્ભુત વિડિઓ ક્લીપ બનાવીને તને અને વિડિઓ ક્લીપ જોનારાને મારા કૂતરાની એક વિશેષતા બતાવવી છે, અને તારે એનું શૂટિંગ કરવાનું છે.’
પેલો મિત્ર પોતાનો વિડિઓ-કેમેરો લઈને આવ્યો. ખેડૂત પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદીને કિનારે ગયો. ખેડૂત પોતાની સાથે એક દડો લાવ્યો હતો, તે દડાને તેણે નદીના પાણીમાં દૂર ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, ‘હવે તું તારા વિડિઓ-કેમેરાથી શૂટિંગ કર અને મારા આ કૂતરાની અદ્ભુત શક્તિની વિશેષતા જો.’
ખેડૂતે પોતાના કૂતરાને દડો લાવી આપવા માટે આદેશ કર્યો, એટલે તરત જ કૂતરો તો પાણી પર ચાલતાં ચાલતાં દડા સુધી ગયો અને પોતાના મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતાં ચાલતાં જ પાછો આવ્યો.
વિડિઓ-કેમેરાવાળા મિત્રે તો પોતાની વિશેષતાના કેફમાં ખુશ થઈને ખેડૂતને કહ્યું, ‘મેં ખૂબ જ સરસ શૂટિંગ ઉતારી લીધું છે, જોઈને જ તું ખૂબ જ ખુશ થઈ જઈશ. મારી શૂટિંગની કળા તને ખૂબ જ ગમશે.’
આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડૂત એના વિડિઓવાળા આ મિત્ર સામે જોઈ રહ્યો, પરંતુ મિત્રના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન દેખાયું; એટલે એનાથી ના રહેવાયું. ખેડૂતે પોતાના મિત્રને પૂછ્યું, ‘દોસ્ત, તેં શું જોયું, તને મારા કૂતરાની કોઈ વિશેષતા દેખાઈ કે નહીં ?’
પેલા મિત્રએ જવાબ આપ્યો, ‘મેં જોયું કે તારા કૂતરાને પાણીમાં તરતા આવડતું નથી તેથી તે ચાલીને પાણીમાં અવર-જવર કરતો હતો.’
વહાલા ભક્તો ! આપણે આવું જ કરીએ છીએ. સામેવાળાને જે બતાવવું છે તે નહિ, પરંતુ આપણે જે જોવું છે તે જ આપણે જોઈએ છીએ અને પરિણામે ગેરસમજણ ઊભી થાય છે; જે સંબંધોને કોરી ખાય છે.
આપણી મોટામાં મોટી એ જ નબળાઈ છે કે આપણે આપણી વિશેષતાથી એટલા બધા પ્રભાવિત થયેલા હોઈએ છીએ કે જેથી બીજાના ગુણો કે ખૂબીઓ તરફ આપણે દૃષ્ટિ નાખતા જ નથી. આપણી આ સ્વકેન્દ્રિતવૃત્તિ જ આપણને જીવનમાં આગળ વધવામાં મોટું નડતર બને છે. બીજામાં અપાર ગુણો રહેલા હોય છે, પરંતુ આપણને આપણી આ સ્વકેન્દ્રિતવૃત્તિને લઈને તેનો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી.
યાદ રાખો ! જેને પોતાનું જીવન ખૂબ જ ગુણમય બનાવીને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે, તેણે પૂ.ગુરુજીના ‘ગુણ ગોતો, ખૂબી ખોળો’ આ સૂત્રનો જીવનમાં અવશ્ય અમલ કરવો પડશે.