ગુણ આવવાનું દ્વાર : "ગુણિયલનો સ્વીકાર"

ગુણ આવવાનું દ્વાર : "ગુણિયલનો સ્વીકાર"

જો કોઈને ખ્યાલ આવે કે મારા ગામના દુકાનદારો બાજુના શહેરમાંથી સસ્તી કેરી જથ્થાબંધ લાવી ૧૫ રૂપિયે કિલો વેચે છે; તેથી સસ્તુ લેવાની આશાએ જો તે માણસ પોતાના ગામની ૧૦ દુકાનો છોડી, ૧૦ રૂપિયા ભાડું ખર્ચી, ૧૫ રૂપિયાની ફક્ત કિલો કેરી શહેરમાંથી લાવે તો આપણે સહુ તેને મૂરખ જ માનીએ, પણ આવી જ મૂર્ખતા આધ્યાત્મિક માર્ગમાં આપણે પણ અજ્ઞાનવશાત્ ખૂબ કરીએ છીએ.

આપણે જાણીએ છીએ કે, મારે રાજીપો લેવા, આગળ વધવા જે ગુણો કે સમજણ જરૂરી છે તે આ સંત-ભક્તમાં ખૂબ જ સહજ છે; છતાં તેમની પાસેથી તે ગુણ કે સમજણ મેળવવાને બદલે આપણે ઘણા બધા મનઘડંત પ્રયાસો કરીએ છીએ. પરિણામે વર્ષોથી સત્સંગ કરવા છતાં દોષોની પીડા શમતી નથી કે ભગવાન તરફ આગળ વધાતું હોય તેવું પણ લાગતું નથી. કારણ..! તે વ્યક્તિના આવા મોટા ગુણોને છોડી આપણે તેની ૧% જેટલી નબળાઈ પણ માક્રોસ્કોપ મૂકી મોટી કલ્પીએ છીએ. તેથી વચ. ગ.પ્ર.૭૮માં શૂન્યાતીતાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તર મુજબ અસદ્દવાસનાની વૃદ્ધિ થતાં વર્ષો પછી પણ પ્રગતિ થતી નથી. ખરેખર તો સદ્.પ્રેમાનંદ સ્વામીએ ધ્યાનમંજરીમાં લખ્યું છે કે,

परगुन अनु पर्बत करी माने,
निज गुन गिरी सम अनु करी जाने.

આ મુજબ જો કોઈમાં ૧% જ સદ્દગુણ દેખાય તેને મોટો કરી પ્રભાવિત થઈએ તો આપણે સદ્દગુણોથી ભરાઈ જઈએ.

પણ જ્યારે આપણને કોઈનો સદ્દગુણ દેખાય ત્યારે વિચારીએ છીએ કે, હા તેમનામાં આ ગુણ સારો છે પણ આ જરાક નબળાઈ ખરી... જે મારામાં નથી અથવા તો તેમનામાં આ સારું છે તો મારામાં પણ આ સારું છે.સ્વશ્રેષ્ઠતાનું તાળું જ સદ્દગુણોના પ્રવેશનો દ્વાર બંધ કરી નાંખે છે. અને જેની-તેની સાથે ઈર્ષ્યા કરાવે છે.

નારદજીને ખ્યાલ જ હતો કે તુંબરુંમાં કાંઈક વિશેષ છે, જેનાથી પ્રભુ ખૂબ રાજી છે. તે ખ્યાલ આવતાં જ તુંબરુંના ગુણનો સ્વીકાર કરી તેમની પાસે તે ટ્રીક શીખી લીધી હોત તો જીવનનો સાત મન્વંતર જેટલો લાંબો સમય બગડ્યો ન હોત..! છેવટે તેમને થાકીને તુંબરુંના શરણે તો જાવું જ પડ્યું. આમ, આપણે પણ કોઈનાથી નાના ગણાવવાની બીકે સ્વશ્રેષ્ઠતા છોડી તેમના સદ્દગુણોથી પ્રભાવિત થઈ શકતા નથી. પરિણામે આપણે જ તેટલા ઉણા રહીએ છીએ. ‘એમના જેવા થવાનું છોડી જો એમના થઈ જઈએ, તો ટૂંક સમયમાં આગળ વધી જઈએ.’

ખરેખર ગુણમાત્ર ભગવાનના છે. કોઈના ગુણોનો અસ્વીકાર તે ભગવાનનો જ અસ્વીકાર છે. ભગવાન સર્વને તેમના ગુણો આપી સુખી કરવા ચ્છે છે, પણ કોઈ ને કોઈ સંત-ભક્ત દ્વારા..!! જ્યાં સુધી આપણે જ સ્વશ્રેષ્ઠતાનું તાળું મારી સદ્દગુણો હોવાનો દેખાવ કરીએ છીએ ત્યાં સુધી અંતર્યામી કોઈને તે વાતની હા પડવા દેતા નથી; પરંતુ જ્યારે આપણે સ્વયં તે તાળું તોડી, અહં છોડી, દિલથી કોઈની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે અંતર્યામી પરમાત્મા જ આપણામાં તે સદ્દગુણોનાં દ્વાર ખુલ્લાં કરે છે.