ગરીબી ટાળવા ગરીબ રહો

ગરીબી ટાળવા ગરીબ રહો
October 1, 2022

એક વાતથી મારા જીવનમાં એવો જબરો વળાંક આવ્યો કે ન પૂછો વાત ! જ્યારથી આ વાત હૃદયમાં ઠસી ગઈ, ત્યારથી માન-અપમાનમાં પડતા લીસોટા નહિવત્ થઈ ગયા. આધ્યાત્મિક માર્ગ ના અનેક વિક્ષેપો મારા માર્ગમાંથી હટવા લાગ્યા. માન-અહંકાર સામે લડવાનો ઘણો બધો સરંજામ મળી ગયો. બરોબરીયાપણું અને સાત્વિક અહં ટાળવાનો રામબાણ ઇલાજ હાથ આવી ગયો. હવે સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય અને મારો વાંક કે સામાનો વાંક; આ બધું ચૂંથણું કરવું ગમતું નથી. નિર્દોષતાની સાબિતી આપવામાં બગડતો મારો ઘણો બધો સમય બચી ગયો. કલ્પના કરો... એવી તે વળી કઈ વાત હશે કે, જેણે મુજ અહંકારી જીવનો રસ્તો સાવ બદલી નાંખ્યો...! આવી અમૂલ્ય અર્કરૂપ વાત કરું, એ પહેલા મારો એક આનુષંગિક પ્રસંગ અચૂક સાંભળવો પડશે... કેમ જે, મારા જીવનની સ્ટ્રગલ કદાચ તમને પણ આધ્યાત્મિક માર્ગ માં કશુંક નવું શીખવી સમજાવી શકે છે.

મારું નામ આશ્રય. મારાં ગરીબ માતા-પિતાનો હું એકનો એક લાડકવાયો દીકરો. મારા કઝીનબ્રધરને મુંબઈમાં બહુ મોટો ટેક્ષટાઈલનો બિઝનેસ. હું મારું H.S.C. પૂરું કરી મારો પોતાનો બિઝનેસ વિકસાવવાના સપના સેવતો હતો, પરંતુ મારા ઘરની પરિસ્થિતિવશ પપ્પા ના આગ્રહથી મારે મારા કઝીન સાથે ટેક્ષટાઈલમાં જોડાવું પડયું. બસ એ જ સમય... મારે તમને એની જ વાત કરવાની છે... એ વખતની મારી સ્ટ્રગલ મારા માટે મહાભારતના ભીષણ યુદ્ધ જેવી જ હતી.

એક દિવસ મારાં મમ્મી-પપ્પા એ મને બહુ મોટી આશા અને લાગણીના ભાવ સાથે, મુંબઈની ટ્રેનમાં બેસાડી વિદાય આપી દીધી. પપ્પાના કહેવા મુજબ મારે અહીં કઝીન નીચે જોબમાં ઓફિસીયલ કોમ્પ્યુટર વર્ક કરવાનું હતું. પણ... એ પહેલાં આ ફીલ્ડ ની માસ્ટરી માટે મારે દોઢ મહિનો પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની હતી. ટ્રેનિંગ શરૂ થઈ... કલાકોનું ડ્રાઇવિંગ, ખોટા માણસો સાથે લેવડ-દેવડ, ઉઘરાણીના અનેક ધક્કા, કારીગરો સાથે લમણાજીક, અલાયદી ભાષા, મોડે સુધી હાર્ડવર્ક, ભયંકર ભીડો, સૂવા-જાગવાનો કાંઈ મેળ નહીં.... ઉપર જતા અપમાન... આવી બધી જ પ્રકારની ટ્રેનિંગ આપનાર મારા કઝીન બ્રધરનું નામ આસુતોષ હતું, પણ આ સમયમાં મારા માટે તો એ અસંતોષ ઉપજાવનાર એક માથાફોડ માણસ હતો. હું સત્સંગી ને એ... મારે એક પણ વ્યસન નહીં ને એને તો... બીજી તો તમને એની શું વાત કરું ?

આવા વાતાવરણમાં મારે એક અઠવાડિયું તો માંડ પસાર થયું હશે; હું તો કંટાળી ગયો. એ વખતના મારા વિચારોનો પ્રવાહ મારા અહંકારને સ્પર્શતો હતો. મનમાં થતું કે, હું આવો ગરીબ કેમ ? ગરીબીમાંથી બહાર નીકળવા સંસારના આવા સ્વાર્થી સગાંઓ સાથે જીવવાનું ? એના દાસ થવાનું ? પૈસાવાળા થવા એ કહે એમ કરવાનું ? તમે નહિ માનો... જાણે કે, હું મારા કઝીનનો એક નોકર ન હોઉં ! એમ એ મને રાખતો. આવા સમયે આ બધી કડાકૂટ કરવા કરતા, મારો પ્રભુ જેટલું આપે તેટલામાં સંતોષ રાખવાનું મને વધારે ઉચિત લાગતું હતું. પૈસા માટે અપમાન સહન કરવા, એ મારા માટે પડકારરુપ હતું. તેથી હું ખૂબ જ ઉદાસ હતો. મુંબઈ આવતા પહેલાં મને એવી આશા હતી કે, મારા કઝીન નીચે તો હું એક મેનેજરની જેમ જીવીશ, પણ મારા આ બધા મનોરથ મનમાં ને મનમાં એમ જ પડ્યા રહ્યા. પાંચ-સાત દિવસમાં તો મેં પરત ઘેર આવવા નક્કી પણ કરી લીધું. પરંતુ છેવટે એવું વિચાર્યું કે, એકવાર મમ્મી-પપ્પા ને ફોન કરી બધી બાબત જણાવી તો દઉં... મેં ફોન કરી એક પછી એક ફરિયાદ કરવા જ માંડી... પપ્પા ! આ આસુતોષ તો...

મને હતું કે, મારી વાત સાંભળી મમ્મી-પપ્પા, કાં તો મને ઘરે બોલાવી લેશે, કાં તો આસુતોષને બરોબરનો ખખડાવશે; પણ મારી આ ધારણા તદ્દન ખોટી પડી. મારી દરેક ફરિયાદના રીસ્પોન્સ માં મમ્મી-પપ્પા તરફથી મને માત્ર આશ્વાસન જ મળ્યું. વળી, ધીરજ બંધાવી તેમણે મને સમજાવવા માંડ્યું, ‘બેટા આશ્રય ! તું તો જાણે છે કે, આપણે ગરીબ છીએ ને તેથી આપણે એમની ગરજ છે. થોડું સહન કરીને પણ જો તું એ બધું શીખી લે, તો પછી કાયમ માટે આપણે શાંતિ. અને હા, તું જે જે વાત કરે છે, એ બધી જ વાત હું અગાઉથી જાણતો હતો; તેમ છતાં મેં તને મારો ડાહ્યો-સમજુ દીકરો જાણીને... અરે, કાળજું કઠણ રાખીને મુંબઈ મોકલ્યો છે. જો તું આપણી ગરીબી ટાળવા ઇચ્છતો હોય, તો આનાથી સારો બીજો આપણી પાસે કોઈ સ્કોપ નથી.’

આ વાતો સાંભળી હું મૌન થઈ ગયો. કેમ જે, મારા માટે આ તમામ સંઘર્ષોથી ઉપર ઉઠનારી એક બાબત હતી... મમ્મી-પપ્પા નો પ્રેમ; તેમને સુખી કરવાનો ભાવ; તેમની લાગણી અને ઉપકારો પ્રત્યે ની હૃદયસ્થ પડેલ એક ચિનગારી. તેનાથી મને-કમને પણ આ યુદ્ધ લડી લેવાનો મને સરંજામ મળી રહેતો. ફોન દ્વારા મારા હૃદયની વેદના કહી દઈને સંતો પાસે હૈયું ઠારી લેતો. ખરેખર સાચું કહું તો, વાતચીત સમયે મને ઘડીભર તો મમ્મી-પપ્પા માં પણ ક્રૂરતા દેખાઈ હતી. તેમનો મારા પ્રત્યેનો પ્રેમ કંઈક ઝાંખો થઈ ગયો હોય એવું લાગ્યું હતું, પણ એ મારો ખોટો આભાસ તેમની જ કેટલીક વાતોથી ટળી ગયો.

પપ્પા ના ફોન બાદ મેં મારા મનને કશુંક સમજાવી દીધું; કશુંક નક્કી કરી લીધું. હવે તન-મનનો ભીડો વેઠવામાં ઓછું અઘરું પડવા લાગ્યું. હવે ગમે તેવી અપમાનની પરિસ્થિતિને પણ હું, પોઝીટીવ રહીને ટેકલ કરવા લાગ્યો. આમ કરતા ધીરે ધીરે મારી ટ્રેનિંગના ૧ મહિનો ને ૨ દિવસ પૂરા થયા. હા, આટલા સમયમાં મને અનુભવાયેલો આસુતોષનો એક ગુણ પણ મારે સ્વીકારવો પડ્યો કે, તેનામાં બીજું બધું હોવા છતાં તે સારામાં સારો ટ્રેનર હતો. તેણે મારી ટ્રેનિંગ માટે મારાં મમ્મી-પપ્પા ને દોઢ મહિનાનો વાયદો આપ્યો હતો, તે એક મહિનામાં મને વ્યવસ્થિત ઘડીને તૈયાર કરી દીધો. હવે હું આ ફીલ્ડમાં મારા પગાર અંગે વિચારતો હતો...

એક દિવસ સવારના ૯:૦૦ વાગ્યે આસુતોષ મને મળવા આવ્યો. મારા હાથમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ સાથે એક પેન મૂકી વાત કરવા લાગ્યો, “આશ્રય ! સોરી, મેં તને આ ફીલ્ડનો માસ્ટર બનાવવા તારા ઉપર અનેક પ્રહારો કર્યા છે. સાથોસાથ ૧ મહિનાથી હું તારા નીતિમત્તા, પ્રામાણિકતા, સમયપાલનતા, કાર્યદક્ષતા અને વ્યક્તિત્વને જોઈ-ચકાસી રહ્યો છું; હવે વધુ જોવા-ચકાસવાની જરુર જ નથી. બસ હવે તો આ ડોક્યુમેન્ટમાં તારી સાઈન જ બાકી છે...” મેં કહ્યું, ‘શેના ડોક્યુમેન્ટ્સ ? શેની સાઈન ?’ આસુતોષે પ્રત્યુત્તરમાં હાથ લંબાવી મારો હાથ એના હાથમાં લઈને કહ્યું, “આશ્રય ! આપણી બંનેની પાર્ટનરશીપની ! હું તારા સત્સંગ- સંસ્કારથી ખૂબ જ પ્રભાવિત છું. અને સાંભળ, મારે પણ આ બધા વ્યસન છોડી તારી જેમ સત્સંગ કરવો છે. આમ કહેતા મારી સાઈન લઈ તેણે મને ટેક્ષટાઈલના તેના બીઝનેસમાં પાટનરશીપ આપી દીધી. હું તો વિચારતો થઈ ગયો...

માન મૂકી ગરજુ રહેવાથી આવું રીઝલ્ટ આવશે, એની તો મને કલ્પના પણ ન હતી. મમ્મી-પપ્પા એ શીખવેલ ‘ગરીબી ટાળવા ગરીબ રહો...’ આ પ્રેરકમત્રં થી હું અમીર બની ગયો. એટલું જ નહિ, આગળ જતા આધ્યાત્મિક માર્ગ માં પણ આ મંત્ર મને એટલો જ કામ લાગ્યો છે.

વહાલા વાચકો ! મારી શરૂઆતની વાતના અનુસંધાને કહું તો... આ જ વાતથી મારા જીવનમાં જબરો વળાંક આવ્યો છે. બસ, આ ગરજુ રહેવાની વાતે જ મારો રસ્તો બદલી, મને મોક્ષમાર્ગના સીધા હાઈ-વે પર ચડાવ્યો છે.

વહાલા ભક્તો ! આશ્રયના જીવનની-અનુભવની આ વાત જો આપણને સમજાઈ જાય, તો પ્રભુ અને પ્રભુ પ્યારા સંતો-ભક્તો -મુક્તો પાસે ગરીબ રહેવું અઘરું ન લાગે. જાે કલ્યાણના માર્ગ માં ભીમનાથના રાંકા જેવો ખપ તેમજ ગરજ હોય તો સંતો-ભક્તોના ગમે તેટલા અપમાન કે તિરસ્કાર સહન કરવા કઠણ ન પડે. બીજી વાત... જો આપણામાં દેહભાવ છે, દોષો-સ્વભાવો પીડે છે, ભગવાન સિવાય બીજે હેત છે, તો આપણે હજુ નિર્ધન જ છીએ. અને મોક્ષમાર્ગ ની આ ગરીબાઈ ટાળવી હોય તો પ્રભુ અને પ્રભુ પ્યારા સંતો-ભક્તો-મુકતોની કૃપાની જરૂર છે. અને કૃપા મેળવવા માટે પ્રભુને કૃપા કરવાનું મન થાય, એવા ગરજુ-દાસ રહેવું આવશ્યક છે. જેને જેની ગરજ હોય તે એની પાસે કેમ રહે ? આ વાત સમજાઈ જાય તો વિરોધ કરવો, ખોટું લાગવું, બેપરવાઈ થવું, ધોખો કરવો; આ બધું જ બંધ થઈ જાય. આ સત્સં ગનો ભીડો આનંદથી સહેવાય. વળી, કોઈ પ્રગટ સંતો-ભક્તો માં H.V.H. ની દૃઢતા કરી લઈએ, તો તો એમના પ્રેરકબળનું માધ્યમ મળતા ગરજુ રહેવું, આપણા માટે એકદમ સરળ થઈ જાય.

આ ઉપરાંત ગ.પ્ર.૫૮, ૬૧, ૭૬, ગ.મ.૨૫, ગ. અં.૧૪,૨૪,૨૮,૩૫, લો.૧૭, સા.૧૦ વગેરે જેવાં અનેક વચનામૃત મહિમાપૂર્વકની ગરજ રાખવા-વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે; તેને વાંચીશું-વિચારીશું તો આ બાબતનું ઘણું બળ મળશે. જો આપણે સંતો-ભક્તો પાસે કૃપણ, કંગાલ, દીન-આધીન, ગુલામ, ગરીબ, રાંક, ભિખારી બનીને રહીશું, દાદાખાચર અને શેખમીંયા જેવા ભક્તોની જેમ વગર વાંકે આવનાર ભીડો ખમતા રહીશું, તો મારો પ્રભુ આપણને પણ વશ થશે. માટે ચાલો આ અંગેની શ્રીહરિચરિત્રામૃત સાગરમાં લખાયેલ એક ચોપાઈ અંતરમાં કંડારી ગરજુ રહેવા કટિ બદ્ધ થઈએ...

गरजु् विन हरि हित न लावे, गरजु् पास सेजे चली आवे;
गरजु् के श्रीहरि होत हे बेली, गरजु् कुं कबु दिये न मेली.