ખોળી ખોટ્ય ન રાખે કાંય...

ખોળી ખોટ્ય ન રાખે કાંય...

એક નાનકડા સત્સંગ સમાજના થોડાક ભક્તોએ ભેળા મળી રજાના દિવસોમાં લોજપુરની યાત્રા કરવાનું વિચાર્યું. હમણાં હમણાં સહુએ “લોજપુરની લીલા” પુસ્તક વાંચ્યું હતું. તેથી સરજુદાસજીના ચરિત્રો માનસપટ પર રમતા હતા ત્યાં જ જો તે સ્થળોના પ્રત્યક્ષ દર્શન થઈ જાય તો તે ભગવાનની સ્મૃતિમાં વધુ લાભદાયી જાણી સહુ ભેગા થઈ લોજની યાત્રાએ પહોંચી ગયા.

આખો દિવસ લોજના તમામ પ્રસાદીભૂત સ્થાનોના શાંતિથી દર્શન કર્યા. જ્યાં જ્યાં જે તે સ્થળે સરજુદાસે કરેલી લીલાઓને તાજી કરી અંતરમાં અહોભાવ વધાર્યો. અને છેવટે સમુદ્રસ્નાન કરી ઢળતી સંધ્યાએ સહુ સમુદ્ર કિનારે ભેગા થઈ બેઠા અને સત્સંગની વાતોએ વળગ્યા.

ધીરે રહીને સહુના વડિલ દામોદરભાઈએ પ્રશ્ન મૂકયો કે, આપણે ઘણા સમયથી સત્સંગ-ભજન કરી રહ્યા છીએ અને આગળ પણ વધી રહ્યા છીએ. પરંતુ પૂ.ગુરુજી અને સંતો આપણને જેવા કરવા માંગે છે તેવા તો હજુ આપણે થઈ નથી શક્યા.

  • બીજા ગામના ભક્તો કેટલા બધા આગળ છે ? તેઓ કેટલી સરસ આત્મીયતાથી જીવે છે ?
  • અનેક દુ:ખોના સંજોગોમાં પણ તેમની નિષ્ઠા કેટલી અકબંધ રહી હતી ?
  • પૂ.ગુરુજી, સંતો કે અરસ-પરસના ભક્તો પ્રત્યે તેઓ કેટલો અદ્ભુત દિવ્યભાવ રાખી શકે છે. તેમની આંતરિક ઊંડાઈ અને ઊંચાઈ કેટલી બધી છે !
  • આપણે શું કરીએ તો તેમની જેમ આપણામાં પણ આધ્યાત્મિકતાનું લેવલ ઊંચું આવે ?

દામોદરભાઈનો પ્રશ્ન સાંભળી સહુને એક નવી દિશા મળી. સહુ તે દિશામાં વિચારવા લાગ્યા અને બધા પોતપોતાના વિચારો રજુ કરવા લાગ્યા - “આપણે કથા-વાર્તા સાંભળવાનું વધારી દઈએ, આપણે તે તે ભક્તોને ક્યારેક આપણે ત્યાં બોલાવી તેનો લાભ લઈએ, અમુક સમયે આપણે કુંડળ સેવા-સમાગમનો લાભ લેવા જઈએ વગેરે...” સહુ પોતપોતાના મંતવ્ય આપવા લાગ્યા. ત્યાં અચાનક દામોદરભાઈની નજર યુવાસભાના સંચાલક કેશવ પર પડી.

દામોદરભાઈએ વાતનો દોર હાથમાં લેતા કહ્યું, “તમારી બધાની વાત ખૂબ સારી છે અને આચરવા જેવી છે. પણ મને લાગે છે કે, કોઈ પ્રગટ આદર્શને નજર સમક્ષ રાખીને જીવીએ તો તેનાથી આપણી સ્પીડ ખૂબ વધી જશે. છેલ્લા ઘણાંક સમયથી આ કેશવની આધ્યાત્મિક ઊંચાઈ ખૂબ સ્પીડમાં વધી રહી છે. તેનું વ્યક્તિગત જીવન ખૂબ નિષ્ઠા, મહિમા, દાસત્વ આદિ ગુણોથી ભરપૂર છે. અને તેના સંગે અનેક યુવકોની ઊંચાઈ પણ વધી રહી છે.”

બધા ભક્તોને પણ કેશવની આધ્યાત્મિકતાના સારા એવા અનુભવો હતા જ. બધા પોતપોતાના અનુભવો રજુ કરવા લાગ્યા. અને કેશવની હાજરીમાં જ તેની અણધારી ગુણાનુવાદ સભા જામવા લાગી. શરૂઆતમાં તો કેશવ નીચું મોઢું રાખી સાંભળતો રહ્યો. પરંતુ ધીરે ધીરે તેનું રડવાનું ચાલુ થઈ ગયું. અને ધીરે ધીરે તેના રુદનની તીવ્રતા વધવા લાગી. અને પછી તો તે રુદને આક્રંદનું સ્વરૂપ ધારણ કરી લીધું. પ્રથમ તો બધાને લાગ્યું કે, તે ભાવુક થઈ ગયો હશે. પરંતુ તેનું આક્રંદ જોઈ દામોદરભાઈને કંઈક અલગ જ લાગ્યું. તેથી તેમણે ધીરે રહીને તે પ્રસંગને ત્યાં જ અટકાવી દીધો. કેશવને આશ્વાસન આપી સ્વસ્થ કર્યો અને બધા વિખૂટા પડયા.

પછી દામોદરભાઈ કેશવને એકાંતમાં મળ્યા અને તેના આક્રંદનું કારણ પૂછયું. ત્યારે કેશવે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “અંકલ ! પ્રથમ તો મને કૃતજ્ઞતાનો અહેસાસ થયો કે વહાલા મહારાજ, પૂ.ગુરુજી અને સંતો-ભક્તોએ મારા જેવા અધમ જીવ ઉપર કેવી કેવી કૃપા કરી, મારામાં કંઈ ન હોવા છતાં કેટલો બધો રાજીપો આપે છે. તેથી રુદન ચાલું થયું.

પરંતુ તે કૃતજ્ઞભાવની વચ્ચે શ્રીહરિએ મારા દ્વારા બીજાને કરેલી મદદોના અમુક પ્રસંગો સાંભળી એકવાર એવો સંકલ્પ થઈ ગયો કે, ‘હા, આવી મદદ તો મેં ઘણાને કરી છે.’ આમ, સ્વશ્રેષ્ઠતાનો સંકલ્પ થતા મને આંચકો લાગ્યો કે,

મારામાં હજુ આવી ગંદકી છે ? આ બધા ભક્તો તો મને કેવો મહાન માને છે. અને મારામાં તો આવી હલકાઈ છે. વળી, પૂ.ગુરુજી કહે છે કે, જેવી ભાવના હોય તેવું જ ફળ મળે છે મને માત્ર રાજીપાની જ નહિ, પણ આવી સ્વપ્રસંશાની ઇચ્છા હશે તેથી મહારાજે મને આ ગુણાનુવાદ સાંભળવા આપ્યા, પોતાના દર્શન ન આપ્યા. મારી આવી હલકાઈ જોઈને મારા અંતરમાં રહેલા અંતર્યામી મહારાજ અને ગુરુજી-સંતોને કેવું દુ:ખ થતું હશે ?

આ વિચાર પછી કોઈ પણ કંઈક કહે એટલે મારી વેદના વધી જતી હતી. અંકલ ! તમે બધા મને જેવો માનો છો તેવો હું નથી. મારામાં એવી શુદ્ધિ આવે એવી કૃપા કરો ને...

વહાલા ભક્તો ! સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠપદીમાં મુમુક્ષુ સંત- ભક્તનું વર્ણન કરતા કહ્યું છે કે,

ખોળી ખોટય ન રાખે કાંય, ભલી ભક્તિ ભજવવા રે;
એક રહે અંતરમાંય, તાન પ્રભુને રીઝાવવા રે.

આ પ્રસંગ પરથી આપણે પણ જરા આપણું અંતર તપાસી લઈએ કે,

  • મારામાં આવી કેટલીક ખામીઓ રહી જાય છે ?
  • મારા આશયમાં, ધ્યેયમાં કંઈક ખામી તો નથી ને ?
  • કદાચ આખો સત્સંગ મારા પર રાજી હોય, મારાથી પ્રભાવિત હોય છતાં મારા વહાલા મહારાજને, પૂ.ગુરુજીને ન ગમે તેવું મારામાં કંઈક રહી જતું તો નથી ને ?
  • આવા ભક્તિભાવથી પોતામાં તેમને ન ગમે તેવી કોઈ ખામી રહી ન જાય તે માટે કેટલા સજાગ છીએ ?
  • એમાંય જો આપણને કોઈ હિતેચ્છુ સંતો-ભક્તો આપણી ખોટ-ખામી ઓળખાવે છતાં સ્વીકારી શકતા ન હોઈએ તો તો આપણે હજુ કેટલા બધા પાછળ છીએ ? હજુ આપણે કેટલું બધું આગળ વધવાનું બાકી છે ?

હે વહાલા મહારાજ ! હે વહાલા પ્રગટ સંતો-ભક્તો ! અમારા પર એવી કરુણા કરો કે હું મારી નાનામાં નાની ખામી માટે સજાગ રહી તેને ટાળવાના પ્રયાસમાં રહું. અને એ પણ કોઈ મારામાં ખોટ-ખામી કાઢી ન શકવા જોઈએ એવા ભાવથી નહિ, પણ આપને અને આપના વહાલાઓને નહિ ગમે તો ? એવા ભક્તિભાવથી સજગ રહી આપના દિલનો રાજીપો મેળવી શકું એવી આપ કૃપા કરશો...