
એક મહાત્મા વગડામાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ગામમાંથી ભાવનાવાળો એક ભક્ત રોજ એક શેર ચોખા આપી જતો. મહાત્મા તે માટલીમાં રાંધીને જમી લે, પછી ધ્યાન-ભજન કરે. મહાત્મા બહુ જ સારા હતા. તેથી ધીમેધીમે તેમનો મહિમા વધ્યો.
એક મુમુક્ષુ આ મહાત્માના સમાગમ માટે આવ્યો. તેણે કહ્યું, ‘મારે તમારી સાથે રહી તમારા સત્સંગનો લાભ લેવો છે.’ મહાત્મા સાચા મુમુક્ષુ જોઈને રાજી થતા, પણ તે મુમુક્ષુની પરીક્ષા કરવા મહાત્માએ તેને કહ્યું, ‘જુઓ, અહીં બધું સારું છે, પણ પેટ ભરવાની તકલીફ છે. એક ભક્ત રોજ એક શેર ચોખા આપી જાય છે. તે હું રાંધી ખાઉં છું. હવે તમારે અહીં રહેવું હોય, તો ખાવાનું કેમ કરશો ?’ તે ખરેખરો મુમુક્ષુ હતો. તેણે કહ્યું, ‘ગુરુદેવ, આપ રાંધતા પહેલાં ચોખાને ધોતા હશો, તે ધોવરામણ પીને હું રહીશ; પણ મને તમારી સાથે રહેવા દો.’ મહાત્મા તેનો ખપ જોઈ રાજી થયા અને સાથે રહેવાની હા પાડી.
થોડો સમય જતાં બીજો મુમુક્ષુ આવ્યો. મહાત્માએ તેને કહ્યું, ‘એક શેર ચોખા મારા માટે એક ભક્ત લાવે છે તે હું ખાઉં છું. અને આ મુમુક્ષુ છે તે ચોખાનું ધોવરામણ પીને રહે છે. હવે બીજી સગવડતા નથી.’ નવા આવેલા મુમુક્ષુએ કહ્યું, ‘ગુરુદેવ, ચોખા સાફ કરતા થોડા દાણા નીચે પડશે તે ખાઈને હું અહીં રહીશ.’ મહાત્માએ કહ્યું ,‘જો એમ હોય તો ખુશીથી રહો.’
વળી, એક ત્રીજો મુમુક્ષુ આવ્યો. મહાત્માએ કહ્યું, ‘અહીં ભોજનની મુશ્કેલી છે.’ તે મુમુક્ષુએ પૂછ્યું, ‘ગુરુદેવ, આ બે ભક્તો કેમ પેટ ભરે છે ?’ ગુરુએ કહ્યું, ‘એક ચોખાનું ધોવરામણ પીને રહે છે અને બીજો ચોખા સાફ કરતા થોડા દાણા નીચે પડે છે તે ખાઈને રહે છે.’ આ ત્રીજા મુમુક્ષુએ કહ્યું, ‘ગુરુદેવ, હું આપનું ચળું કરેલ પ્રસાદીનું પાણી પીને રહીશ.’ મહાત્માએ કહ્યું, ‘વાંધો નહિ ખુશીથી રહો.’
મહાત્માનો મહિમા સાંભળી ચોથો મુમુક્ષુ આવ્યો. તેણે કહ્યું, ‘મારે આપનો સમાગમ કરવો છે.’ મહાત્માએ કહ્યું,‘અહીં ભોજનની વ્યવસ્થા નથી. આ ત્રણ છે તે ધોવરામણ પીને, નીચે પડી ગયેલા ચોખાના દાણા ખાઈને અને ચળુંનું પાણી પીને રહે છે.’ આ મુમુક્ષુએ કહ્યું, ‘આપ જમ્યા પછી માટલી ધોતા હશો તે માટલીનું ધોવરામણ પીને રહીશ.’ મહાત્માએ તેની મુમુક્ષુતા જોઈ કહ્યું, ‘ભલે.’
પછી એક મુમુક્ષુ મહાત્માનો સમાગમ કરવા આવ્યો. મહાત્માએ કહ્યું, ‘અહીં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. મારા માટે શેર ચોખા આવે છે. તેનું ધોવરામણ, નીચે પડી ગયેલા ચોખાના દાણા, મારું ચળું પીને અને હાંડલીનું ધોવરામણ પીને આ ચાર જણ સમાગમ કરે છે.’ આ મુમુક્ષુ ઉત્તમ હતો. તેણે કહ્યું, ‘ગુરુજી, હું વાયુપાન કરીને પણ આપનો સમાગમ કરીશ.’
વહાલા ભક્તો, આપણે આપણી અંદર ઊંડા ઊતરીને તપાસીએ કે આપણને ભગવાન પામવાનો આવો ખપ છે ? આપણને તો આપણું મનગમતું મળે તો જ સત્સંગ કરવો ગમે; પણ જરા વિચાર કરીએ કે આમ ભગવાન મળે ખરા ? માટે સાવધાન, ખરેખરા ખપવાળા બનીશું પછી જ ભગવાન મળશે.
‘ખોળી ખોળીને ખોળિયું,
ખરા ખપવાળાની ખોટ રે.’