ક્થામૃતમ - હરિસ્મરણમાં શ્રદ્ધા

ક્થામૃતમ - હરિસ્મરણમાં શ્રદ્ધા

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...

વહાલા ભક્તો ! સ્મરણ કરવામાં શ્રદ્ધા ટકી રહે અને વધતી જ રહે એને માટે એક ગુરુ-શિષ્યની વાત આવે છે.

એક સંત-મહાત્મા પોતાના શિષ્યોને વારંવાર ભગવત્ સ્મૃતિ રાખવાનું કહ્યા કરે, ભગવાનનું નામ નામીએ સહિત લેવું, એમ ઉપદેશ આપ્યા કરે.

એક માથા ફરેલ ચેલાને આ વાત ન ગમતી. એને એવું લાગતું કે, ‘આમાં તે શું નવું છે ? બધાને ખબર જ છે કે, ભગવાનનું નામ મહાન છે. રોજ એની એ જ વાત, ગુરુની વાતમાં કોઈ ફેરફાર જ નહીં. જ્યારે બોલે ત્યારે એમ જ બોલે, ‘મૂર્તિ સંભારીને સ્મરણ કરો. બીજું કાંઈ આવડે છે ગુરુદેવને ?

એક દિવસ તો ચેલાથી રહેવાયું નહીં. તેણે કહ્યું, ‘તમે વારંવાર કહો છો કે, ‘પ્રભુનું નામ-સ્મરણ કરો, પણ ગુરુદેવ ! એ તો સૌ જાણે જ છે ને. એ વાતથી કોણ અજાણ છે ? એમાં તમે નવું શું કહ્યું ? અમે તો તમારી પાસેથી કાંઈક હાઈ ક્વોલિટીના ઉપદેશની આશા રાખીએ છીએ. કાંઈક તત્ત્વજ્ઞાનની વાતો કરો.’ ગુરુ તો ચેલાની સામું ને સામું જોઈ રહ્યા ! શું કહેવું આ ચેલાને ? એમ થયું.

ગુરુજીએ બધી વાત સાંભળી લીધા પછી ધીમે રહીને કહ્યું, “બેટા ! તું આ મારી જૂની ધાબળી છે એનો એક એક ઊનનો તાંતણો જુદો પાડ. એ જૂની થઈ ગઈ હોવાથી આપણે વીંખી નાંખીએ.”

પછી ચેલાએ તો તે ધાબળીમાંથી ઊનના દોરા છૂટા પાડી દીધા અને ઊનનો ઢગલો કરી નાંખ્યો.

પછી ગુરુએ શિષ્યને કહ્યું કે, “બેટા, પેલી મારી જૂની ધાબળી લાવ ને !” ચેલો કહે, ‘ગુરુજી, હવે ધાબળી ક્યાંથી લાવું ?’ ‘એનું તો ઊન થઈ ગયું !’ “એમ કેમ થયું બેટા ?” ‘તમે જ નહોતું કહ્યું કે, ‘આનો તાંતણે તાંતણો કાઢી નાંખજો ?’ “બેટા ! તું ઊનનો એક એક તાંતણો ખેંચે તો એમાં કાંઈ આખી ધાબળી થોડી જતી રહે ?

આ સાંભળીને શિષ્યે કહ્યું, ‘ગુરુજી, એક ધાબળી તો શું, પણ આમ ને આમ દોરા ખેંચવાના ચાલુ રાખીએ તો હજારો ધાબળીમાંથી ઊનના તાકાઓના તાકા થઈ જાય.’ ત્યારે ગુરુજીએ કહ્યું, “બેટા ! જેમ ધાબળીમાંથી ઊનનો એક એક દોરો ખેંચતાં ખેંચતાં ધાબળી મટીને ઊન થઈ ગઈ, તેમ શ્રદ્ધાપૂર્વક પ્રભુનું સ્વામિનારાયણ...સ્વામિનારાયણ એક એક નામ લેતાં લેતાં અંતે આપણો જીવ, જીવ મટીને બ્રહ્મરૂપ થઈ જાય ! બેટા, ધાબળીમાંથી જેટલા તાંતણા ખેંચી લઈએ એટલું ઊન જેમ એમાંથી ઓછું થતું જાય છે તેમ આપણે પ્રભુના નામનું જેટલું વધારે અને વધારે સ્મરણ કરીએ, એટલી આપણા કારણશરીરની વધારે અને વધારે શુદ્ધિ થતી હોય છે અને એટલા આપણે વધારે અને વધારે ભગવાનની નજીક જતા હોઈએ છીએ, બ્રહ્મરૂપ થઈ જઈએ છીએ અને અંતે ભગવદ્ સ્વરૂપને પામી જઈએ છીએ. ભગવાનના નામની આ તાકાત છે !”

પછી ગુરુજી બોલ્યા, ચેલા તું કહે છે કે, “નામ જપવાનું કહો છો એમાં શું નવી વાત ? પણ હું કહું છું કે, પ્રભુનું નામ-સ્મરણ કરવું એ કલ્યાણના ઉપાય માટે નવામાં નવી વાત છે અને એ જ જૂનામાં જૂની સનાતન સત્ય વાત છે, અને વર્ષો પછી આ વાત એમ ને એમ રહેશે; આને કહેવાય સિદ્ધાંત. આમાં ડહાપણ ન કરીએ એ જ સારું. ભગવાનના નામ-સ્મરણ કરતાં વધારે સારો અને વધારે સહેલો ઉપાય આ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં.

એક બુદ્ધિશાળી શેઠ હતો, અને વળી દેશ-વિદેશમાં ફરેલો એટલે ઓવર બુદ્ધિશાળી થઈ ગયેલો. એના પિતાજી ગુજરી ગયેલા. મરતાં મરતાં છોકરાને કહેતા ગયેલા કે, મારી પાછળ ભાગવતની કથા કરાવજે.

પછી આ શેઠે ભાગવતની કથાનું આયોજન કર્યું. એક વિદ્વાન ભૂદેવને કથા માટે બોલાવ્યા. એ હતા પ્રભુપ્રેમી, ભજનાનંદી પુરુષ એટલે કથા કરતાં કરતાં રામ નામની ધૂન બહુ કરે.

આ શેઠને એમ થાય કે, ‘આમને દક્ષિણા દેવાની છે, સાત દિવસ જમાડવાના છે. વળી, કથા કરતા નથી અને રામ...રામ કરીને સમય બગાડે છે. શેઠ વિચારે કે, ‘બાપુ કાંઈક વાતો કરે, વાંચે, કાંઈક શ્લોક બોલે તો સારું. રામનામની તો બધાને ખબર છે.’ પણ એકદમ તો કાંઈ કહેવાય નહીં.

પછી એક દિવસ તો તેનાથી રહેવાયું નહિ, એટલે કહે, ‘આપની રજા હોય તો મારે થોડુંક પૂછવું છે.’ “અરે, બોલોને શેઠજી ! ‘તમે આ રામ...રામ કહ્યા કરો છો, પણ એનાથી શું અસર થાય ? મને તો કાંઈ અસર થાતી નથી.’

ભૂદેવ સમજી ગયા કે, આ બિચારો એનો બાપ કહેતો ગયો એટલે એમની પાછળ કથા કરાવે છે, પણ પૂરો આસ્તિક નથી. આને કાંઈ ભગવાનમાં ભાવ કે ભગવાનના નામનો કાંઈ વિશ્વાસ નથી.

પછી એને કહ્યું કે, “ભાઈ, તમને અસર ન થતી હોય તો ન થાય, થાતી હોય એને થાય. જેને ભગવાનમાં હેત હોય, એવો વિશ્વાસ હોય, એવો પ્રેમ હોય, દિલથી ભગવાનનું નામ લેતા હોય; એ કોઈ રામ બોલે ત્યાં તો એને આરામ થઈ જાય, એની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ જાય.

પેલા શેઠ કહે, ‘પણ રામ, બે અક્ષરનો શબ્દ છે. એનાથી કાંઈ એવડી મોટી અસર થાય ? ઘણી માથાકૂટ પછી ભૂદેવે કહ્યું કે, “બે અક્ષર પણ ઘણી બધી ઉથલ-પાથલ કરે. બે શબ્દમાં ઘણું બધું થઈ જાય એટલી શબ્દમાં તાકાત છે. તમે કહેતા હો તો શબ્દ કેટલી અસર કરે છે, એ પ્રત્યક્ષ અનુભવવા માટે હું બે શબ્દનો પ્રયોગ કરું. તમારે ખોટું નહિ લગાડવાનું.” તો કહે, ‘બોલો ને.’

પછી ભૂદેવે બધાની વચમાં કહ્યું કે, “તારો બાપ ડાહ્યો હતો પણ તું સાવ ‘મૂર્ખ’ છો.” શેઠને તો કાંઈ સુખ ન રહ્યું. એ કહે કે, ‘મને મૂર્ખ કહો છો ’ તો કહે, “બે જ શબ્દ છે. આમાં કાંઈ અસર થઈ ?” કહે, ‘હા ઘણી થઈ.’ પછી ભૂદેવ કહે કે, “તને જેમ મૂર્ખ કીધો ને એની જેમ તને નેગેટિવ અસર થઈ, એમ ભગવાનના સંત-ભક્તને રામ બોલે ત્યારે એની બહુ પોઝિટિવ અસર થાય છે. રામ તો ભગવાનનું નામ છે; સંતો-ભક્તોના મુખમાં રમતો એ દિવ્ય અલૌકિક મંત્ર છે, એની અસર કેમ ન થાય ? આ રામનામ જ તારું કામ કરી દેશે. આ તો ભગવાનનો મંત્ર છે !” પછી એને સમજાયું.

આપણે નર્યાં ઇન્દ્રિયો, અંત:કરણને અને દેહને લાડ લડાવવામાં પડયા છીએ. એને ખવડાવી, પીવડાવી, સૂવડાવીને જાણે કલ્યાણ ખાટી લેવું છે. એવી રીતે તો કેમ મેળ પડશે ? થોડુંક મક્કમ થઈને શરીર પાસેથી ભજન, ભક્તિનું કામ લેવું, સેવાનું કામ લેવું અને થોડા દૃઢ ઠરાવ સાથે મન પાસેથી ભગવદ્ સ્મરણ કરાવવું, જીભ પાસે હરિનામ રટાવવું.