
એકવાર જૂનાગઢવાળા બાલમુકુંદ સ્વામી સભામાં બેઠા હતા. ત્યારે એક ભક્તે પૂછ્યું, ‘સ્વામી ! તમને સંતોને મહારાજે ભેળું કરીને જમવાની કેમ આજ્ઞા કરી ?’ ત્યારે સ્વામીએ કહ્યું કે, ‘કોઈક દી કહીશ.’
ઊનામાં વલ્લભભાઈ નામે એક નગરશેઠ હતા. તેઓ સ્વાદિયા અને સાથોસાથ બહુ ક્રોધી હતા. રસોઈ જરાય મોળી બની હોય તો ઘરમાં ડખો ડખો કરી મૂકે, પરંતુ જૂનાગઢવાળા બાલમુકુંદ સ્વામી અતિ સમર્થ છે; એવો શેઠને પાકો વિશ્વાસ હતો તેથી તે સ્વામીનું બધું માનતા.
એક દિવસ સ્વામી ઠાકોરજી જમાડતા હતા ત્યારે વલ્લભશેઠ વગેરે ભક્તો દર્શને આવ્યા. સ્વામી છાશ ને ખુરમો ભેળો કરીને જમતા હતા. આ દર્શન કરતાં શેઠના મનમાં થયું કે, ‘ઓહો હો..! આવા મોટા સંત છે છતાં છાશ અને ખુરમો, અને તે પણ ભેળું કરીને ખાય છે. આ સંતો તો બહુજ નિ:સ્વાદી અને અતિ સરળ છે.’
તે શેઠના દિલમાં એવા વિચારો ઉપડ્યા કે, ‘આવા ભગવાન જેવા સમર્થ સંતો લાકડાના પત્તરમાં બધું ચોળીને ખાય છે, જ્યારે હું નર્યો સ્વાદ જ કરું છું !’ તેમ શેઠને પરિતાપ થયો. આમ સ્વામીનો ખૂબ જ ગુણ લઈને ઘેર ગયા; પણ ઘરે પહોંચતાં અંતરમાં આંટી પાડી દીધી કે, ‘હવે જમવાની બાબતમાં ડખો કરે એ બીજા.’ પછી તો ટાણે આવીને જમી લે, કાંઈ જ બોલે નહીં. ભગવાનનું નામ લઈને જે પીરસ્યું હોય એ જમે. થોડા દિવસે ઘરના માણસ ને થયું કે, આમનામાં અચાનક આટલો બધો ફેર કેમ પડ્યો ? લાવ પૂછી તો જોઉં !
પછી શેઠના ઘરના કહે, ‘હું પરણીને આવી ત્યારથી તમે ખારું, મોળું, તીખું એમ કંકાસ કરતા જ હો ને બે-ચાર દિવસથી તમે કાંઈ બોલ્યા કેમ નથી ?’ ત્યારે શેઠ કહે, ‘કાંઈ નહિ, હવે જિંદગી માંય નહિ બોલું.’ ‘પણ.., એનું કારણ શું ?’ તો કહે, ‘બીજી મનેખબર પડતી નથી, પણ સંતોને જમતાં જોયા એટલે મને એમ થઈ ગયું કે, ધિક્કાર છે મને. સંતો કેવા નિ:સ્વાદી અને સરળ અને હું કેવો ?
પછી આ વાત શેઠે સ્વામીને કહી કે, ‘મારો સ્વાદ અને ક્રોધ જતો રહ્યો.’ ત્યારે સ્વામીએ પેલા ભગતને કહ્યું કે, ‘તમે પૂછતા હતા ને કે મહારાજે તમને આવું ભેળું કરીને જમવાની કેમ આજ્ઞા કરી ?’ ‘આ તેનો જવાબ છે, સંતોનો ગુણ આવેને દોષો ટળે, માટે મહારાજે અમને ભેળું કરીને જમવાની આજ્ઞા કરી છે.’
વહાલા ભક્તો ! જો સંતો સાથે ખરું હેત હોય અને સંતોનો વિશ્વાસ હોય તો આપણાથી ન થઈ શકે એવું કામ પણ થઈ જાય.
મહારાજે ગઢડા પ્ર.૭૩ જેવાં ઘણાં વચનામૃતમાં આ વાત સ્પષ્ટ કહી છે કે, મોટા પુરુષને નિર્દોષ સમજે છે તે સર્વે દોષોથી રહિત થઈ જાય છે અને મોટા પુરુષને વિષે દોષ પરઠે છે તો જે જે દોષ મોટા પુરુષમાં કલ્પે તે દોષ તેનામાં આવે છે.
વહાલા ભક્તો ! અભાવ-અવગુણ લેવારૂપ ખોટનો ધંધો આપણે શું કામ કરીએ છીએ ? જે સંત-ભક્ત ભગવાનને ભજતા હોય, ભગવાનની નજીક હોય, આપણને પણ અનુભવ હોય, તેમનો પ્રતાપ-મહિમા આપણે જોયો હોય તો પણ તે બધું ભૂલીને વળી તેમનામાં દોષ પરઠવા ડાહ્યા થઈએ છીએ. તેનાથી તો તે દોષો આપણામાં આવે એટલો જ ફાયદો થાય.
અમુક ધર્મ-નિયમ કદાચ ન પળે તો ભગવાન માફ કરશે, પરંતુ આ અભાવ-અવગુણ લેવાનું પાપ ભગવાન માફ કરતા નથી આપણે અંતર્યામી નથી છતાં શા માટે ખોટી કલ્પનાઓ કરી બીજામાં ન્યૂનભાવ કરવો ? અભાવ-અવગુણરૂપ પાપ કરી કરીને જ આપણે હજુસુધી દુ:ખી રહ્યા છીએ. બાકી તો કે દહાડાના વલ્લભ શેઠની જેમ શુદ્ધ થઈ ગયા હોત ! જે આ પાપ નથી કરતા, તે સર્વે દોષોથી મુક્ત થઈ ગયા છે અને હજુ પણ થાય છે.
જ્યારે આપણે નવા સત્સંગી થયા હોઈએ ત્યારે પોતામાં ઘણા દોષ દેખાતા હોય અને સંતોમાં ખૂબ દિવ્યબુદ્ધિ હોય તેથી સંતોનું જીવન જોઈ દિવસે દિવસે ગુણ આવે અને તેને લીધે પ્રગતિ થતી જાય; પરંતુ જેમ જેમ જૂના થઈએ, આપણા દોષો દેખાતા બંધ થાય અને સંતોમાં સામાન્ય બુદ્ધિ થઈ જાય તો સંતોના મોટા મોટા ગુણોનો પણ પ્રભાવ ન પડે, તેથી પ્રગતિ અટકી જાય છે...