કોહિનૂર હીરો

કોહિનૂર હીરો

આધ્યાત્મિક ઓજસથી ભરેલા ગુરુદેવ પોતાના એક શિષ્ય ઉપર અપમાનજનક શબ્દોના પ્રહારો કરવા લાગ્યા. જાણે કે રણસંગ્રામમાં અર્જુનનાં બાણ વરસતાં હોય ને શું !

“તને આજ્ઞાવચનની કોઈ કિંમત જ નથી. તારામાં બુધ્ધિનો તો છાંટો પણ નથી. તું કોઈનું માનતો નથી મનધાર્યું જ કરે છે. તને સેવામાં શ્રધ્ધા જ નથી. અરે મૂરખ ! તને ગુરુનો મહિમા જ નથી. તું ગુરુદ્રોહી અને દંભી છો, તેથી મારા શિષ્ય તરીકે રહેવાને લાયક જ નથી...”

એક શિષ્ય સામું જોઈ ગુરુદેવ અંગારા ઝરતા હોય એમ લાલઘૂમ આંખો કરીને બોલ્યે જતા હતા. ગુરુનું આવું રૌદ્ર સ્વરૂપ શિષ્યોએ પ્રથમ વાર જ જોયું. ભલભલાનું હૃદય બેસી જાય એવા તલવારની તીખી ધાર જેવા આ શબ્દો પ્રતિ રામનાથ નામનો એક શિષ્ય બે હાથ જોડી માત્ર માફી જ માંગતો રહ્યો. કેમ જે, ગઈકાલે ગુરુદેવે તેને એક સેવા સોંપેલી; એ સેવા તે સમયસર કરી શક્યો નહોતો.

ખરેખર તો વાત જાણે એમ હતી કે ગુરુદેવ કેટલાક સમયથી વિચારી રહ્યા હતા કે, શિષ્યોના ઘડતરનો પાઠ શીખવવા મારે કયો હીરો પસંદ કરવો ? કે જે લાલ ન થાય, છટકી ન જાય કે તીખારા પણ ન કરે... અચાનક એકવાર ગુરુદેવની આજ્ઞા પાળવા બાબતે રામનાથથી કાંઈક શરતચૂક થઈ ગઈ અને તેમને સરસ નિમિત્ત મળી ગયું. ગુરુદેવને ખાતરી હતી કે આ હીરો તૂટી ન જાય એવો ખરેખર કોહિનૂર હીરો છે. અને એટલે જ એ હીરો તેમને પસંદ આવી ગયો. શિષ્યઘડતર માટેનો ગુરુદેવનો આ પ્લાન પૂર્વનિયોજિત હતો. આ માટે તેમણે કસોટી શરૂ કરતા પહેલાં રામનાથના ચાર-પાંચ ગુરુબંધુને બોલાવીને તેમની સાથે કાંઈક ગપસપ કરી લીધુ હતું. ગુરુદેવ દ્વારા લેવાતી આ કસોટી પ્લાનબદ્ધ છે એ બાબતની આ ચાર-પાંચ સિવાયના અન્ય કોઈ શિષ્યોને કે રામનાથને પણ ગંધ સુધ્ધા નહોતી.

ઘડતરના માલમી અને ક્ષમાના સાગરસમા ગુરુદેવ સિંહ જેવા નીડર પણ હતા. તેઓ કડક કલેજું રાખી પરીક્ષામાં આગળ વધ્યે જ જતા હતા. અચાનક તાબડતોબ સૌને ભેગા કરે. રામનાથની ભૂલ બાબતે તેને ઊભો કરી જુદા-જુદા એંગલથી તેના પર આક્રોશ અને નારાજગી ઠાલવે. પરંતુ દરેકમાં

રામનાથનું તો એક જ કામ : ભૂલ કબૂલવાની અને કરગરીને માફી માંગવાની. હંમેશાં તે પોતાની જ ભૂલનું રડ્યા કરે, ‘મેં ગુરુદેવની આજ્ઞા લોપીને તેમને દુખવ્યા. અરે રે... હું દેહભાવમાં ગુરૂદેવની સેવા ન કરી શક્યો. હું તેમને સુખરૂપ ન થઈ શક્યો.’

ભૂલના પ્રાયશ્ચિતમાં ગુરુદેવે રામનાથને આશ્રમની અંદરની કે પોતાની નજીકની સેવામાં ક્યાંય આવવાનું જ નહિ એવું ફરમાવેલું. રોજ ૧૦ ગુરુભાઈઓ પાસે બેસવાનું અને પોતાની ભૂલ કહેવાની. વળી, એક ટાઈમ જમવાનું અને નીચી સેવા કરવાની; આમ ઘણા સમય સુધી ચાલ્યું.

કેટલાક લાગણીશીલ શિષ્યોએ રામનાથ વતી માફી માંગી ગુરુદેવને પ્રાર્થના પણ કરી, પરંતુ ગુરુદેવે મચક ન આપતાં તેમને વઢીને કાઢી મૂક્યા. રામનાથના એક સહચર શિષ્ય આ પ્રકરણ વિષે કેટલીક વાત જાણતા હતા. તેણે એક દિવસ એકાંતમાં ગુરુદેવને વિનયપૂર્વક તેની યાદી આપવા માંડી, “ગુરુદેવ ! એ દિવસે રામનાથ આપની આજ્ઞ મુજબ સવારથી સાંજ સુધી મારી સાથે વાડીએ સેવામાં હતા. અને રામનાથના શરીરે તે દિવસે થોડું તાવ જેવું હતું. વળી, આપે ‘આ કાર્ય આજે જ પૂરું કરી દેવાનું છે’ એમ વજનપૂર્વક કહ્યું નહોતું. તેથી તેમને એમ હતું કે હું સવારે ઊઠીને એ સેવા પૂરી કરી દઈશ; આવી રીતે આપની સોંપેલી સેવા તે શરતચૂકથી નથી કરી શક્યા, તો કૃપા કરીને હવે એને માફી આપો.” આમ રામનાથના સહચર ગુરુબંધુએ આંખમાં આંસુ સાથે રડીને વિનંતી કરી, પરંતુ ગુરુએ તેની કોઈ જ વાત સાંભળી નહિ અને સાંભળવાની પણ નહોતી જ ને ! કેમ જે, ગુરુદેવને તો કોહિનૂરની કસોટી કરીને સૌને તેના જેવા બનવાની પ્રેરણા આપવાની હતી.

આદર્શ ઘડવૈયા ગુરુદેવ રામનાથની પરીક્ષામાં વચ્ચે વચ્ચે તેની મુખરેખા જોતા રહેતા. વળી, તે શું કરે છે ? ક્યાં જાય છે ? કોને મળે છે ? શું વિચારે છે ? તેની છૂપી તપાસ પણ રાખતા-રખાવતા. પરંતુ રીપોર્ટમાં ક્યારેય એવું નહોતું આવતું કે જેમાં રામનાથે કોઈ પ્રકારે ગુરુ કે ગુરુભાઈઓનો અભાવ લીધો હોય. હા,

કાળજાને વિંધી આરપાર નીકળતા ગુરુદેવના તીક્ષ્ણ તીર જેવા શબ્દો રામનાથના હૃદયમાં ગહેરી અસર જરૂર લાવતા, પણ તેનું પર્યવસન તો પોતાની જ ભૂલ વિચારવામાં થતું. કેમ જે, પ્રભુપ્રાપ્તિની કેળવણીના કોર્ષરૂપે આ પણ એક પ્રકારનો પાઠ છે એમ તેઓ સારી રીતે સમજતા હતા.

ગુરુદેવ દરેક પ્રસંગમાં રામનાથની દીનતા જોઈ મનોમન ગૌરવ અનુભવતા અને ખૂબ રાજી થતા હતા, પરંતુ બાહ્ય રીતે તો એને પૂરી રીતે કસતા રહેતા. રોજ સવાર પડે ને બધાની વચ્ચે રામનાથનો વારો પડે. તેના જૂના ટળી ગયેલા દોષો અને સ્વભાવો સંભારીને પણ તેના વિષે વાતો થાય. અધૂરામાં પૂરું ગુરુદેવની સાથે પેલા ચાર-પાંચ શિષ્યો પણ ગુરુની તરફેણમાં બોલી રામનાથને તીખાં વચનો માર્યા કરે. આમ આ કસોટીનું પ્રકરણ બે-પાંચ દિવસ નહિ પૂરા દોઢ મહિના સુધી ચાલ્યું. દોઢ મહિનામાં લગભગ એવું ક્યારેય નહોતું બન્યું કે એક દિવસ પણ રામનાથ રડ્યો ન હોય,પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે રડવા છતાં રામનાથ અંદરથી સ્થિર રહી શકતા.

આ સ્થિરતાનું રહસ્ય હતું...

  • શ્રીહરિએ વચનામૃત ગ.મ.૩૭માં સ્વભાવ ટાળવા નિમિત્તે બતાવેલ ઉપાય - HVH (હેત, વિશ્વાસ અને હિતકારીપણું) આ પ્રોજેક્ટ તેમણે પોતાના જીવનમાં સારધાર રીતે જીવંત રાખ્યો હતો. અને તેથી જ તેમને સમયે સમયે ખૂબ સારું માર્ગદર્શન મળતું રહેતું. HVHને લઈને તેમના જીવનમાં SP પ્રોજેક્ટ (સવળું લેવું અને પ્રાર્થના કરવી) ની દૃઢતા પણ ખૂબ સારી થઈ ગઈ હતી. જેથી તેમના અંતરમાં સુખ રહેતું.
  • વળી, શ્રીહરિના મુખે બોલાયેલાં ગ.પ્ર.૬૧, ગ.પ્ર.૭૬, ગ.અં.૧૪, ગ.અં.૨૪, ગ.અં.૨૮, ગ.અં.૩૫, સા.૧૦ વગેરે વચનામૃતનાં કેટલાક વાક્યો તેમને જબરું બળ પૂરતાં.
  • મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચર, શેખ મિયાં, બલિ રાજા વગેરે ભક્તોના કેટલાક પ્રસંગો તેમને સાચી દિશા આપતા. પરિણામે તેઓ ગુરુદેવની કસોટીમાં પાસ થઈ ગયા.

અંતમાં એક દિવસ તમામ શિષ્યોની હાજરીમાં ગુરુદેવે કસોટી પૂરી કરી. તેઓ રામનાથને હર્ષ ભરેલાં આંસુ સાથે ભેટી પડ્યા, તેમના ઉપર વારી ગયા. આવી રીતે એક સાચા હીરાને નિમિત્ત બનાવી ગુરુદેવે અન્ય શિષ્યોને એક ઉચ્ચતમ આધ્યાત્મિક પાઠ ભણાવી દીધો. હવે સૌ કોઈને સારી રીતે સમજાઈ ગયું કે રામનાથ માત્ર ચળકતો-ચમકતો કાચનો કટકો નહિ પણ ખરો કોહિનૂર હીરો છે.

વહાલા ભક્તો ! પોતાના શિષ્યની આવી કસોટી લેતા બીક એને જ ન લાગે જે આધ્યાત્મિક ઊંચાઈ ઉપર ઉભેલા અનુભૂતિવાળા નિ:સ્વાર્થ સત્પુરુષ હોય. અજ્ઞાનમાં ડૂબેલા મોહાંધ ગુરુ આવી પરીક્ષા લઈ પણ ના શકે. ખરેખર આવા પ્રસંગો આપણને સવળું લઈને સાચા કોહિનૂર બનવાની ખૂબ સારી પ્રેરણા આપી જાય છે. કસોટીને ચાકડે ચડવાની વેળાએ થોડું અઘરું તો લાગે પણ તેનું ફળ પણ એવું જ મીઠું હોય છે. આવી પરીક્ષા પાસ કરનારને વાત્સલ્યવારિધિ મારો પ્રભુ વશ થઈ જાય છે. માટે ચાલો આપણે પણ આવા પ્રસંગો વાંચી-વિચારી એવા બનીએ કે કોહિનૂર હીરા તરીકે ગુરુદેવ આપણને ગમે ત્યારે પસંદ કરી શકે..