
વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગના લોકો સાજા થઈ રહ્યા છે. ભલે ૨-૫% જ મરે છે, પણ રોજ રોજ મોતના સમાચાર આવે છે. હજી તો કોરોનાનો કહેર શાંત થતો નથી. માટે હજી આપણે ભજન વધારતા રહેવું પડશે. આવા કાળમાંથી બચવા માટે સાવધાની તથા ભગવાનને પ્રાર્થના, ભજન-સ્મરણ સિવાય કોઈ ઉપાય નથી. આપણી એક જ પ્રાર્થના છે, હે ભગવાન, બધાને બચાવો ! હે પ્રભુ, બધાની રક્ષા કરો !
પહેલાં લોકો નેગેટીવ માણસોથી ડરી દૂર રહેતા, અત્યારે લોકો કોરોના પોઝિટિવ માણસથી ડરી દૂર રહેવાનું કહે છે. ભગવાનને અત્યારે દુનિયામાં કાંઈક બદલાવ લાવવાની ઈચ્છા થઈ છે. કારણ કે, આ દુનિયાના રચયિતા પરમેશ્વરને એવું લાગ્યું કે માણસો કંઈક ઊંધે રસ્તે જાય છે, કંઈક અઘટિત કરે છે, ખોટું કરે છે; માટે એને પાઠ તો ભણાવવો પડશે. અત્યારે કાળ એવો ચાલી રહ્યો છે કે દુનિયામાં ઘણી બધી ઉથલ-પાથલ થાય છે. આમાં કેટલાય મહા મોટા સુખી હશે, તે બિચારા દુ:ખી દુ:ખી થઈ જશે; દુ:ખી હશે તે સુખી થઈ જશે. ધનવાન નિર્ધન થઈ જશે, નિર્ધન ધનવાન થઈ જશે. શું થશે એનું કાંઈ નક્કી જ નહીં.
પરમાત્માએ નક્કી કર્યું હશે તેમ થશે. માનવીનું ધાર્યું કાંઈ થતું નથી, બધું ભગવાનનું ધાર્યું થાય છે. ભગવાનની ઈચ્છા અનુસાર બધું ચાલે છે. આપણે બધાએ તો કઠપૂતળાં બની ભગવાનની આંગળીના આધારે નાચવાનું છે. જેને પોતાના આત્માના કલ્યાણના કાર્યને પરિપૂર્ણ કરવું હોય તે અત્યારે સાવધાન થઈને ભજન કરે.
આ વિશ્વમાં સૌ પ્રથમ વાર જ આ મોટી મહામારી આવી છે એવું કોઈએ માની લેવાની જરૂર નથી. આજથી ૧૦૦ વર્ષ પહેલાં દુનિયામાં જે સ્પેનિસ ફ્લુ મહામારી આવી હતી તેમાં ભારત સહિત વિશ્વના પાંચ કરોડ માણસો મરી ગયા હતા. એ ખતરનાક મહામારી પણ જતી રહી. વળી, બધા સાનુકૂળ જીવન જીવવા લાગ્યા.
જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે, તેમણે મૂંઝાવું નહીં. “હરિ ધારે એ થાય.” અમે બધા કોરોના પેશન્ટને વિનંતી કરીએ છીએ, તમે ગભરાતા નહીં. આનંદમાં રહેજો, એટલે તમારામાં ઈમ્યુનિટી પાવર વધશે, જે ધડાધડ કોરોનાની સાથે યુદ્ધ કરશે. જે સાજા છે તે પણ સાવધાની રાખી આનંદમાં રહેશે તો કોરોના સામે લડી શકશે. તમારે ચિંતા નહિ કરવાની. અમે અહીં કુંડળધામમાં તમારી ચિંતા ને પ્રભુપ્રાર્થના કરીએ છીએ, તો પછી તમારે શું ચિંતા કરવાની ? અમે બધા સંતો, પાર્ષદો, સર્મપિત ભક્તો અહીં કુંડળધામમાં બેઠા બેઠા રોજ ભજન કરીએ છીએ, તે હરિભક્તોને સારું થઈ જાય તે માટે મહારાજને અર્પણ કરીએ છીએ. અને મેં માત્ર તમને બળ દેવા માટે જ ચાર મહિનાથી રોજ રાત્રે કથા કરવાનું શરૂ કર્યું છે.
આપણે કુંડળધામમાં એક મહિનાની ધૂન કરી, એક મહિનાનો હરિયાગ કર્યો. તે એ હેતુથી જ કર્યો હતો કે કોરોના જેવા ઉપદ્રવોથી બધા બચે. અને જેટલા કાંઈ બચ્યા છે એને ભગવાને બચાવ્યા છે, ધૂન-યજ્ઞના ફળથી બચ્યા છે. રોજે સાંજ-સવાર બેય ટાઈમ કથામાં બધાને કંઈક સજગતા મળે, કંઈક શાંતિ મળે, રાહત મળે, હૂંફબળ મળે એના માટે ચાર મહિનાથી સાવધાની આપીએ છીએ. જેણે આ વાતને સારી માની, ગંભીરપણે દિલમાં ધારી ને એ પ્રમાણે સજાગતા રાખી તેને સુખ શાંતિ છે. આપણે ધૂન-ભજન, માળા હરિભક્તોનાં સુખ માટે અર્પણ કર્યાં, એટલે અમુક હરિભક્તો એવું ખોટું સમજે છે કે, ગુરુજી-સંતો અને સમર્પિત બાપાઓ કુંડળમાં અમારા સારુ ભજન કરે છે, માટે અમે ગમે તેમ રખડીએ, બહાર જઈ આવીએ તોપણ કોરોના કંઈ ના કરી શકે. પણ જેણે બહુ ગંભીરતા ના લીધી તેને તકલીફ પડી છે. જે નિયમ પાળે તે બચે, નિયમ મૂકી દે તે ચૂકે.
આપણે ભગવાન અને સંતોની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હોઈએ ને કદાચ કાંઈક શરત ચૂક થાય તો મહારાજ આપણી સાથે રહીને મદદ કરે. પરંતુ સાવધાની રાખવાની જવાબદારી આપણી છે. માટે આ કાળમાં બધાય સાવધાની રાખી ખૂબ ભજન કરો. મારી સૌને હાથ જોડીને વિનંતી છે કે, “આ કાળ જ્યાં સુધી સંપૂર્ણ નાબૂદ ના થાય ત્યાં સુધી ખૂબ સાવધાન રહેજો. આપણે બધા નિયમપાલન માટે કટિબદ્ધ થઈએ. ખૂબ ભજનપરાયણ થઈ જઈએ. ચાતુર્માસનું નિયમ લીધું હોય તો તેમાં ગમે તેટલું કષ્ટ પડે, પણ નિયમનો ત્યાગ ન કરીએ. ટેકીલા નિયમ-ધારી સત્સંગી બનીએ.” ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસના જેવો કોઈ સુખી થવાનો ઉત્તમ ઉપાય નથી. ભજન અને આજ્ઞાપરાયણ જીવન જીવીએ તો ભગવાન રાજી થાય અને એ જ આપણને બચાવે. એ જ અંદરથી સારા વિચારો આપે, એ જ એવી સ્થિતિમાં રાખે કે આપણને ખબર પણ ન હોય ને આપણે બચી જઈએ.
આખી દુનિયાના બધા માણસોને હાથ જોડીને કુંડળધામથી વિનંતી કરું છું કે, કોરોના કોઈને નહિ છોડે, એના નિયમો પાળો પ્લીઝ ! કોઈ હોંશિયારી મારતા નહીં. દરેક પોતપોતાના સ્વભાવ ઉપર સંપૂર્ણ કંટ્રોલ રાખજો. જો ઝીણી સરખી અણસમજણમાં, ગાફલાઈમાં કે અજ્ઞાનતામાં ભૂલ કરી તો કોરોના પકડી લે એવો આ રાક્ષસ છે.
આજ દી સુધી આપણે કેટલાક સરકાર, પોલીસ, ટ્રાફિક કે સમાજ વગેરેના ઘણાક નિયમો તોડયા હશે, છતાં કદાચ બચી ગયા હોઈશું, એમાંથી ઉગરી ગયા હોઈશું એટલે આપણને આત્મવિશ્વાસ છે કે કાંઈ નહિ થાય. પરંતુ કોરોનામાં એવું નહિ બને. આમાં એવું નથી કે જે મરી જાય છે એની આયુષ્ય ખૂટી ગઈ છે. જે કાળની ઝપટમાં આવે તેની આયુષ્ય બાકી હોય તોપણ મરી જાય છે. માટે ગાફલ રહેવાનો અત્યારે સમય નથી. પાંચમની છઠ થાય કે ન થાય, પણ સંભવ છે કે પાંચમની ચોથ કે ત્રીજ થઈ જાય. કોરોનાને એવું કંઈ નથી કે આ બહુ મોટા છે કે સેલિબ્રિટી છે, કે મંદિરના વડા છે, કે સંત-હરિભક્ત છે; માટે સાવધાન રહેવું.
વહાલા ભક્તો ! મહારાજ આપણી રક્ષા કરે એ તો એમની કૃપા છે, પણ સાવધાન થઈ નિયમ પાળવા એ આપણી ફરજ છે. આ કાળમાં આપણે બધા ખૂબ ભજન કરીએ અને નિયમપાલન માટે કટિબદ્ધતા દાખવીએ.
બાકી આ તો બહુ ભૂંડો કાળ છે. કલ્યાણનું કામ જેનું પૂરું થઈ ગયું હોય, નિર્વાસનિક થઈ ગયા હોય એ મરી જાય તો ધામમાં જાય; પણ હજી વાસના બળી ના હોય, દોષો ટળ્યા ના હોય, કસર ઘણી હોય, કલ્યાણનું કામ જેવું કરવું જોઈએ એવું કમ્પ્લીટ ચોખ્ખું થયું ના હોય ને રોગ લાગુ પડે અને મરવાનું થાય તો કસર ટાળવા ફરી જન્મ આવે.
કોરોનાની કોઈ દવા તો શોધાણી નથી. એટલે અત્યારે માંદા પડવું એ હરગીજ ઠીક નથી. દવાખાનામાં જગ્યા નથી. ડોકટરો ખુદ બિમાર પડયા છે. અને કદાચ દવાખાનામાં જગ્યા થાય તોપણ ખર્ચાનું કોઈ માપ રહેતું નથી. જો દવાખાનામાં આઈ.સી.યુ.માં તમારે એકલા ના રહેવું હોય, તો ઘરમાં એકલા રહેવાનું પસંદ કરો.
વહાલા ભક્તો ! બધા મહારાજનું બળ રાખજો. કેમ જે, ભગવાનના બળે જ કાળ, કર્મ ને માયાને તરી શકાય છે. ભગવાન બધાનું સારું કરશે, માટે મૂંઝાવું નહીં. બધા ખૂબ આનંદમાં રહી, નિયમમાં સાવધાન રહીને ભજન કરજો. મહારાજ અને સંતોના બળે આ વિષમ કાળમાં સદા આનંદમાં રહેવું.