
મુકેશ અંકલ સમગ્ર ઝોનનો રિપોર્ટ બનાવવામાં મશગૂલ છે. જયદીપ અને હર્ષ પણ અંકલની હેલ્પમાં જોડાયા છે. રિપોર્ટ બનાવીને સાંજ સુધીમાં સંતોને પહોંચાડવાના ગોલ સાથે તેઓ ફાઈલનાં કાગળો આમથી આમ ફેરવી રહ્યા છે.
એને અચાનક યાદ આવતા હર્ષે કહ્યું,
હર્ષ: અંકલ ! એક વાત કહું ?
મુકેશ અંકલ : બોલને શું કહેવું છે !
હર્ષ: અંકલ, આપણો સાર્થક આજે જ ઈન્ડિયા લેવલે નિબંધલેખનમાં ફર્સ્ટ આવ્યો.
મુકેશ અંકલ : શું વાત કરે છે ! તો તો આપણે તેને કોંગ્રેચ્યુલેશન કહેવા જોઈએ. ‘એક કામ કર, હું આ રિપોર્ટ બનાવું ત્યાં સુધીમાં તું એને મારા મોબાઈલમાંથી ‘કોંગ્રેચ્યુલેશન’ એવા મેસેજ લખીને મોકલી દે. હું પછી આવતી કાલે એને મળી લઈશ.’
હર્ષ જ્યાં અંકલનો ફોન હાથમાં લે છે ત્યાં તો તેણે સાર્થકનો એક મેસેજ અને એક વોટ્સએપ ઓલરેડી આવેલા જોયા. તેણે તરત જ તેની જાણ અંકલને કરી.
મુકેશ અંકલે મેસેજ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે, "Thank you very much uncle for your Congratulation." વાંચીને તેઓ વિચારવા લાગ્યા કે, ‘સાર્થકની સફળતાની આ વાત તો હર્ષે મને હજુ હમણા કરી છે. મેં તો ભલા હજુ એને કોંગ્રેચ્યુલેશન કહ્યા નથી કે આ બાબતનો કોઈ મેસેજ પણ કર્યો નથી ને તોપણ... તે કોંગ્રેચ્યુલેશન બદલ આભાર કેમ માને છે ?’ વળી, મેસેજમાં સૌથી નીચે એક Note પણ લખેલી હતી "Please open my Whatsapp and read my letter" વાંચીને તરત જ અંકલે તેનો વોટ્સએપ ખોલ્યો. જોયું તો તેમાં એક ચિઠ્ઠીમાં ગરબડિયા અક્ષરે કાંઈક લખેલુ હતું. વળી મોકલેલ ચિઠ્ઠીનો ફોટો થોડો બ્લર પણ હતો. તેથી વાંચવાનું જરા મુશ્કેલી ભર્યું લાગતા સાર્થકે પોતાની સફળતા બદલ કાંઈક પ્રાર્થના લખી હશે એમ માની અંકલ તો ફરી સેવામાં જોડાઈ ગયા.
જયદીપ : અંકલ ! હું સાર્થકને થોડો નજીકથી ઓળખું છું. તે ખૂબ ડાહ્યો અને પીઢ યુવાન છે. મને એનો વિશ્વાસ છે કે પોતાની આટલી સફળતા પછી પણ તે આ બાબતનું અહં નહિ ધારે. પોતાને મળેલી સફળતા અડવા નહિ દે. અરે, સામો વધુ દીન બનશે.
મુકેશ અંકલ : જયદીપ ! જે યુવાનો તેં કહ્યું એવી રીતે પોતાને મળેલી સફળતાને પચાવી શકે એવા સમજણા છે, તેની શુદ્ધિ-વૃદ્ધિ માટે સંતો કે તેના વડીલોને વધુ ટાઈમ આપવો નથી પડતો. અને તેની કોઈ ચિંતા પણ કરવી નથી પડતી; એને તો બસ રાજીપો અને પ્રોત્સાહન જ આપવાનું રહે છે. અરે હા... જયદીપ ! જો સાર્થક પણ તેમાંનો જ એક હોય તો આપણે તેને કેમ સરપ્રાઈઝ ન આપીએ ? તને કેમ લાગે છે હર્ષ ?
બંનેએ એક સાથે કહ્યું, ‘હા હા, અંકલ, તો તો ખૂબ સારું.’ ‘તો સાંભળો આવતી કાલે સવારે ૯.૦૦ વાગ્યે આપણે ત્રણ, આપણો મહેન્દ્ર અને પિયુષ એમ પાંચ જણ જઈએ ને તેને રાજી કરીએ.’
જયદીપ : ચોક્કસ અંકલ, હું મહેન્દ્ર અને પિયુષને ફોન કરી જણાવી દઉં છું.
સાર્થક બીજે દિવસે સવારે કોલેજ જવા તૈયાર થઈ રહ્યો હતો, ત્યાં પાંચેય જણ તેને ઘેર પહોંચ્યા ને એક સાથે બોલ્યા, ‘કોંગ્રેચ્યુલેશન સાર્થક...’
સાર્થક : અરે, અંકલ આપ ! અકલ્પનીય દૃશ્ય જોતા ભાવાવેશમાં સાર્થકની આંખ ભીની થઈ ગઈ. અને ભીના નેત્રે તે ફરી પાછો એ જ સેન્ટેન્સ બોલ્યો, "Thank you very much uncle for your congratulations" અંકલ ! આપને આ તસ્દી નહોતી લેવી. હું આપને મળવા આજે જ આવવાનો હતો; પણ મેં આપને મેસેજ અને વોટ્સએપ કર્યા હતા તે આપને મળ્યા કે ?
મુકેશ અંકલ : એ બધી વાત પછી... પહેલા મોઢું મીઠું કર...
એમ કહી અંકલે સાર્થકના મુખમાં એક પેંડો મૂકી દીધો. પછી સૌ બેઠા અને વાતે વળગ્યા.
મુકેશ અંકલ : બેટા સાર્થક અમે તો તારા વિશે આવી કલ્પના પણ નહોતી કરી. તું આટલું બધું ક્યારે શીખી ગયો ? તેં મહારાજ, ગુરુજી, સંતો અને તારા માતા-પિતાને ગૌરવ લેવાનું મન થાય એવું અદ્ભુત કાર્ય કર્યું છે. પણ સાર્થક, આટલી તારી જ્વલંત સફળતા પાછળનું રહસ્ય અમને સૌને કહીશ ?
સાર્થક : અંકલ, એ રહસ્ય તો મેં આપને ગઈ કાલનું મોકલી દીધું છે ને !
મુકેશ અંકલ : અરે હા... મારે તને એ જ પૂછવાનું હતું કે મેં તને કોંગ્રેચ્યુલેશન એવું કહ્યું નથી એ પહેલા તેં મને થેંક્યુ શેનું કહ્યું ? અને તારા પેલા વોટ્સએપમાં પણ કાંઈ ઉકલતું નહોતું.
સાર્થક : ‘ઊભા રહો અંકલ, હમણાં જ ઉકેલી દઉં.’ એમ કહી સાર્થકે કબાટના ખાનામાંથી એક વર્ષો જૂની ચિઠ્ઠી કાઢી. જર્જરીત થઈ ગયેલ એ ચિઠ્ઠીના બધા શબ્દો તો સ્પષ્ટ વંચાય એવા નહોતા; પરંતું છેલ્લે રેડ પેનથી લખેલી ૨-૩ લીટી વંચાય તેમ હતી. અંકલે તેને વાંચવા માંડી. તેમાં લખ્યું હતું કે, ‘બેટા સાર્થક ! કોંગ્રેચ્યુલેશન... ખૂબ સરસ ! તું તારી શક્તિ હજુ પણ વધુ ખીલવી શકે એમ છો. મહારાજ અને ગુરુજીને સાથે રાખી કોન્ફીડન્સથી આગળ વધતો રહે. તું જરૂર સફળ થઈશ.’
અંકલે જોયું તો આ શબ્દો તેમના પોતાના જ હેન્ડ રાઈટીંગમાં લખાયા હતા. તેથી તેઓ મૌન રહી ભૂતકાળમાં સરી પડયા. હવે સાર્થકે બોલવાનું શરૂ કર્યું,
સાર્થક : અંકલ ! આજથી ૭ વર્ષ પહેલાં હું જ્યારે છઠ્ઠુ ધોરણ ભણતો હતો ત્યારે મેં ‘આદર્શ બાળક’ વિષે આ નિબંધ લખેલો. એ સમયે આપે મને આ કાગળમાં છેલ્લે આવા શબ્દો લખી દીધેલા. અંકલ ! ખરું કહું તો આ શબ્દોની પોઝીટિવ અસર અને તેનું બળ જ મને આ સફળતા સુધી દોરી લાવ્યું છે. માટે ખરેખર તો આ મારી નહિ, આપની સફળતા છે. આપે મને એ સમયે આવું બળ ન આપ્યું હોત તો હું આ સફળતા મેળવી શક્યો ન હોત. માટે આ બધું આપના પ્રેમભર્યા હૂંફ-બળનું ફળ છે.’
મુકેશ અંકલ : ના ના સાર્થક, એવું કાંઈ નથી. એ તો જે મહેનત કરે તેને મહારાજ સફળતા આપતા જ હોય છે. એમ કહી અંકલે વાતના દોરને બીજા પાટે ચડાવવા કોશિષ કરી.
પરંતુ સાર્થકે બોલવાનું શરૂ રાખ્યું,
સાર્થક : અંકલ ! મારી મહેનત બીજા નંબરે છે; પહેલા નંબરે તો આપનો લખેલ ‘કોંગ્રેચ્યુલેશન’ શબ્દ જ છે. કેમ જે તેમાંથી જ પ્રેરણા લઈને હું આગળ વધ્યો છું. આમ સફળતાનો યશ ન લેવા બાબતે બંને વચ્ચે પરસ્પર ઘણી રકઝક ચાલી.
છેવટે મહેન્દ્રએ જ રસ્તો કાઢયો.
મહેન્દ્ર : સાર્થક ! મહેનત કરવા ઉપરાંત તેં સમજણ પચાવીને તારું જીવન ખરેખર સાર્થક કર્યું છે. પરંતુ તારી સફળતાના મૂળમાં અંકલનો ફાળો ઘણો મોટો છે. માટે લે આ પેંડો અંકલના મુખમાં મૂક.
અંકલ કાંઈ બોલે ન બોલે ત્યાં તો સાર્થકે અંકલના મુખમાં પેંડો મૂકી દીધો. અંકલને મૂંગા-મૂંગા એ પેંડો ખાઈ લેવો પડયો. પરંતુ મહારાજનું કર્તૃત્વ કેવું અનોખું છે ! એ વિચારોના પ્રવાહમાં તેઓ ખૂબ ઊંડા ઊતરી ગયા.
વહાલા ભક્તો ! આપણી સફળતાના યશ બાબતે આપણે શું કરીએ છીએ ? આપણી મહેનત જ યાદ આવે છે કે તેના મૂળમાં રહેલા સંતો-ભક્તો ? વળી, પ્રસ્તુત સ્ટોરીમાંથી પ્રેરણા લઈને એ પણ ચેક કરીએ કે ઘણીવાર આપણા પ્રોત્સાહનના માત્ર બે જ શબ્દો કોઈકને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે એમ હોય છે,
હા, આ સેવામાં એટલી સાવધાની ચોક્કસ રાખવી ઘટે કે કોઈ સફળતાનો યશ આપણને આપવા લાગે ત્યારે તેનો સ્વીકાર કરવા બાબતે થોડું ડરવું; નહિ તો તેનો સ્વાદ પણ કાંઈક અનેરો હોય છે...