
આપણે પ્રાય: ભૂતકાળની ભૂલોમાં કે ભવિષ્યકાળના ભયમાં ફફડી રહ્યા હોઈએ છીએ. વ્યાવહારિક કે આધ્યાત્મિક ઉદ્વેગમાં અશાંત રહીએ છીએ. ધાર્યું ધન ન મળે, મનધાર્યું કરવા ન મળે કે અણધારી આફત આવી પડે ત્યારે ઉપાધિરૂપી અગ્નિમાં સળગી ઊઠીએ છીએ.
જો આપણી ઇચ્છા મુજબ સફળતા મળ્યા કરતી હોય તો બીજાની ઈર્ષા કે સ્પર્ધામાં બળ્યા કરીએ છીએ. બીજા કોઈ આગળ નીકળી જશે તો ? હું ફરી પાછળ રહી જઈશ તો ? આવી ચિંતા સતત સતાવ્યા કરતી હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ મોત અને મોક્ષની ચિંતા પણ બાળ્યા કરતી હોય છે.
આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - ભગવાનનો અચળ આશરો. શ્રીહરિ તથા સદ્દગુરુની કૃપાનો પ્રેક્ટિકલ સ્વીકાર. ‘તેઓ જે કરશે તે મારું સારું જ કરશે’ એવો અટલ વિશ્વાસ.
અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે...
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ।।
સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાંતિ પામી જાય છે.
સર્વ કર્તા અને સદા હિતકર્તા શ્રીહરિનો જીવ સત્તાએ સ્વીકાર થઈ જાય તો સદા શાંતિ જ રહે છે.
એક ભગવદ્ભક્ત બહેન મહાન સંત શ્રીહનુમાનપ્રસાદ પોદ્દારજી-ભાઈજીને મળ્યા. તે લગ્ન બાદ થોડા જ સમયમાં વિધવા થયાં હતાં. પૂજ્ય ભાઈજીએ જ્યારે તેમની આંતરિક સ્થિતિ બાબતે પૂછ્યું ત્યારે તે બહેને કહ્યું, ‘પરમ કૃપાળુ પરમાત્માએ મારા ઉપર અનહદ કૃપા વરસાવી છે. જેમ કે,
તે યુવતી બહેનની આવી વાતો સાંભળી તે સંત આશ્ચર્યચકિત અને રાજી રાજી થઈ ગયા.
જો આપણે પણ આવા જ પોઝિટિવ એંગલે વિચારી શકીએ તો હરેક પરિસ્થિતિમાં પ્રભુકૃપાનો અહેસાસ થવાથી આનંદ-આનંદ થઈ જાય. આ માટે કુંડળધામ પ્રકાશિત જ્ઞાનદીપ ભાગ-૫ પુસ્તકમાંથી ગીગા ધાધલનું આખ્યાન અવશ્ય વાંચવા ને વિચારવા જેવું છે.
કદાચ તે તે વિકટ પરિસ્થિતિમાં તરત જ આવા પોઝિટિવ એંગલ ન પકડાય તોપણ જો પ્રભુજીનો પરમ વિશ્વાસ રાખીએ તોય અશાંતિ અને ઉદ્વેગથી બચી ભજનપરાયણ રહી શકીએ.
એકવાર પરમ કૃપાળુ પરમાત્મા સંતનો વેશ પહેરી નારદજીને સાથે લઈ એક વયોવૃદ્ધ માડીને ઘેર ગયા. તે માડી બહુ જ સારાં ભાવિક ભક્ત હતાં. તે માજીએ બંને સંતોની ખૂબ સારી સેવા સરભરા કરી-કરાવી. તે ડોશીમાના વિશાળ ઘરમાં તેમનો એક પૌત્ર જ જીવતો રહ્યો હતો. બીજા સર્વે સગાં ધામમાં ગયેલાં હતાં. પછી પ્રભુએ ત્યાંથી વિદાય લીધી ત્યારે તે પૌત્રનું પણ શરીર છોડાવી દીધું. તે જોઈને નારદજી ઘણા અપસેટ થઈ ગયા. ભગવાને કહ્યું, ‘ધીરજ રાખો તમને બધું સમજાઈ જશે.’
આગળ ગયા તો એક સજ્જન શ્રીમંત શેઠનું ઘર આવ્યું. તેમણે પણ આ બંને સંતોને આવકાર્યા. તેના બહોળા પરિવારે સંતોની ખૂબ જ સેવા કરી. સંતો બહુ જ રાજી થયા, પણ જતી વખતે તેના ઘરમાં એક અતિ કિંમતી ઘરેણું હતું તે પ્રભુએ સાથે લઈ લીધું. વળી નારદજીએ પ્રશ્નો કર્યા, ત્યારે પ્રભુએ કહ્યું, ‘ધીરજ રાખો બધું સમજાઈ જશે.’ આગળ જતા એક આલીશાન મહેલ આવ્યો. તેમાં પ્રવેશી રાજાને મળવા માટે આ સંતોએ ઘણો આગ્રહ રાખ્યો, ત્યારે ડોરકીપરે ધક્કો મારી સંતોને પાડી દીધા; છતાં શ્રીહરિએ પેલું કિંમતી આભૂષણ રાજાને ભેટ દેવા દરવાણીને આપ્યું. હવે નારદજીને ગુસ્સો આવ્યો ત્યારે પ્રભુએ ફોડ પાડ્યો.
‘આ રાજા અતિ લોભી છે, જરા પણ સંતની સેવા કે દાન-પુણ્ય કરતો નથી. હવે આ આભૂષણ પામી સંતોની સેવા-સમાગમ કરવાનું શરૂ કરશે એટલે તેનું કલ્યાણ થશે.
પેલા સજ્જન શેઠ અને તેનો પરિવાર અતિ ભોળો હતો. સાચા-ખોટાનો વિવેક રાખ્યા વગર બધાનો વિશ્વાસ કરતા, એટલે એક ઠગની ટોળી સાધુ-બાવાના વેશે તેને મારી લૂંટી જવાના પ્લાનમાં હતી. હવે શેઠ તથા તેનો પરિવાર સજાગ થઈ જશે એટલે ખોટાથી બચશે અને સાચાને સેવી કલ્યાણ પામશે.’
‘આ તો બરાબર, પણ પેલાં મહાભક્ત ડોશીમાને શા માટે રઝળાવી મૂક્યાં એ તો કહો ?’
ભગવાને ચપટી વગાડી અને નારદજીને દિવ્યધામનાં દર્શન કરાવ્યાં. ત્યાં પેલો બાળકનો જીવ મુક્તરૂપે પ્રભુની સેવામાં હાજર હતો. એ જ વખતે પેલા ડોશીમાનો આત્મા પણ મુક્ત બની ધામમાં આવ્યો.
હવે ભક્તવત્સલ ભગવાને કહ્યું, નારદજી ! ડોશીમા મારાં મહાપ્રેમી ભક્ત હતાં, પણ લાગણીવશ પેલા બાળકમાં તેને બંધન થઈ જવાનું હતું. પછી તે અમને ભૂલી તેમાં જ પ્રેમ કરત તો તે બંને જીવનું બગડી જાત; જ્યારે આ બાળકમાં યોગભ્રષ્ટ જીવ હતો, તેને ભક્ત માજીએ અમારામાં જોડી દીધો અને અમે તે બાળક છોડાવ્યો એટલે તે માડીનો જીવ પણ એક અમારા આધારે થઈ અમને પામી ગયો.
વહાલા ભક્તો ! આમ પરમકૃપાળુ પરમાત્મા આપણું સારું જ કરે છે તે વિશ્વાસ દૃઢ થઈ જાય તો આપણે અખંડ આનંદમાં રહી પ્રભુપરાયણ રહી શકીએ છીએ. વળી, પ્રભુની કૃપા જ આપણાં આ લોકથી લઈ આત્યંતિક કલ્યાણ સુધીનાં સર્વે કામ પૂરાં કરાવી દે છે. માટે આ કૃપાની કમાલ કાયમ યાદ રાખી સદા સવળું લેવું જોઈએ ને અખંડ ભજનપરાયણ રહેવું જોઈએ.