
એકવાર પાતાળલોકમાં શેષનાગજી બીમાર પડયા. ધીમે ધીમે બીમારી વધવા લાગી. શરૂઆતમાં તો ઘરગથ્થું સામાન્ય દવા કરવામાં આવી, પરંતુ આની કોઈ અસર ન થઈ, એટલે પાતાળલોકમાં તો દોડા-દોડી થઈ પડી. બધા ખૂબ જ મુંઝાણા. છેવટે દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિનીકુમારે ચેકઅપ કરીને દવા તૈયાર કરી શેષનાગને આપી. અશ્વિનીકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબુમાં આવ્યો નહીં. અશ્વિનીકુમાર એકથી એક ચડિયાતી દવા આપતા જાય, તોપણ રોગ તો વધતો જ રહ્યો. બધા દેવોને લાગ્યું કે, કદાચ શેષનાગનો પ્રાણ જતો રહેશે.
અશ્વિનીકુમાર પણ મૂંઝાયા. એમને આમાં કાંઈ સમજ પડતી ન હતી કે, આવું કેમ થાય છે ? છેવટે તેમણે ભગવાનને પ્રાર્થના કરી, “હે પ્રભુ ! આપ કંઈક મદદ કરો. હું તો મારા તમામ પ્રામાણિક પ્રયાસો કરું છું, પણ મારી દવા કોઈ જ કામ કરતી નથી. મને કાંઈ જ નથી સમજાતું કે, આવું કેમ થાય છે ? આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી.”
અશ્વિનીકુમાર આવી પ્રાર્થના કરીને સુતા. રાત્રે સ્વપ્નમાં ભગવાને દર્શન દઈને અશ્વિનીકુમારને કહ્યું, “વૈદ્યરાજ ! તમે ચિંતા છોડીને આરામ કરો. સવારમાં હું શેષનાગજીની દવા કરવામાં તમને જરૂર મદદ કરીશ.” એટલું કહીને પ્રભુ જતા રહ્યા.
પાતાળલોકમાં સવાર પડતા જ એક સંત અશ્વિનીકુમાર પાસે આવ્યા અને કહ્યું, “તમે શેષનાગજીની તબિયત સુધારવા જે મહેનત કરો છો, તેમાં હું આપને શું મદદ કરું ?”
અશ્વિનીકુમાર પોતે જે રીતે ઔષધિ આપીને સારવાર કરતા હતા, તે બધી વાત તેમણે પેલા સંતને સંભળાવી. સંતે તે સાંભળીને કહ્યું, “શેષનાગજીના રોગ માટેની તમારી ઔષધિ તો બરાબર જ છે ને ? તથા જે રોગ છે, તેનો નાશ કરવા માટે આ જ પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે ને ?”
અશ્વિનીકુમારે કહ્યું, “હા, રોગનાં લક્ષણો પ્રમાણે જ મેં ઉત્તમ પ્રકારની દવા બનાવી છે અને એ દવા નિયમિતપણે પાવા છતાં નાગરાજને કોઈ જ અસર થતી નથી.”
પેલા સંતે હસતાં-હસતાં કહ્યું, “એક કામ કરો, લ્યો હું તમને આ એક કપડાનો પાટો આપું છું. દવા પાતી વખતે શેષનાગની આંખો પર તે પાટો બાંધો અને પછી દવા આપો.” બધા વિચારવા લાગ્યા કે, આંખો પરના પાટાને અને દવાની અસરને શું લેવા-દેવા ? પણ અશ્વિનીકુમારે પેલા સંતે કહ્યું તે મુજબ જ કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે અદ્ભુત ચમત્કાર થયો. નાગરાજની તબિયત તો ઝડપથી સુધરવા લાગી અને થોડા સમયમાં તો શેષનાગજીનો રોગ સાવ જતો રહ્યો.
અશ્વિનીકુમાર અને બીજા બધા દેવો ખૂબ જ ખુશ થયા. પરંતુ કોઈને નાગરાજની તબિયત કેમ સુધરી ગઈ, તે ન સમજાયું. એટલે અશ્વિનીકુમારે તે રહસ્ય સમજાવવા સંતને વિનંતી કરતા કહ્યું, “મહાત્માજી ! નાગરાજની આંખો પરના પાટાનું રહસ્ય અમને સમજાતું નથી. તો તે સમજાવવા આપ કૃપા કરશો ?”
ત્યારે સંતે કહ્યું, “વૈદ્યરાજ ! આપની ઔષધિ તો બરાબર જ હતી, પણ શેષનાગને પાવા માટે જ્યારે તે ઔષધિ તેમના મુખ પાસે લાવતા હતા,
ત્યારે શેષનાગની આંખોમાં કાતિલ ઝેર હોવાથી અમૃત જેવી ઔષધિ પણ ઝેર બની જતી હતી. પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધિમાં ભળતા અટકાવ્યું; એટલે ઔષધિની અસર થઈ અને શેષનાગજી સાજા થઈ ગયા.”
વહાલા ભક્તો ! આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી ભરી દે અને કલ્યાણ કરી નાંખે, તેવી અમૃતમય ઔષધિઓથી ઉપચાર કરનારા અનુભવી સંતો-ભક્તોરૂપી વૈદ્યો આપણી પાસે જ છે. તેઓ આપણા અનેક તોફાનો સહન કરીને પણ આપણા રોગને મટાડવા મહેનત કરે છે. પરંતુ આપણી આંખમાં રહેલ ઈર્ષા, અભાવ અને અમહિમાનું કાતિલ ઝેર, તે આપણા હિતેચ્છુઓની કલ્યાણકારી ઔષધિને પણ ઝેર બનાવી દે છે. તેથી શેષનાગની જેમ દવા પીવા છતાં પણ આપણો જન્મ-મરણરૂપી રોગ મટતો જ નથી.
હવે, વહેલી તકે જો રોગ મટાડવો હોય અને સુખી થવું હોય, તો હિતકારી ભાવથી આપણો ઉપચાર કરનારા સંતો-ભક્તો ઉપર વિશ્વાસ રાખીને, જો આપણે ઈર્ષા, અભાવ અને અમહિમારૂપી ઝેર ભળવા નહીં દઈએ; તો તેમાં રહીને ભગવાન આપણને જન્મ-મરણરૂપી રોગથી મુક્ત કરીને, અનાદિમુક્તની પદવી જરૂર પ્રદાન કરશે. પરંતુ જ્યાં સુધી સત્ય સમજાશે નહીં, ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ...