
હિમાલયમાં આવેલા માનસરોવરના સુંદર મજાના કુદરતી વાતાવરણમાં એક ઋષિ મહારાજ પોતાના એક શિષ્ય સાથે પ્રભુ આરાધના કરતાં હતા. એકવાર ઋષિ મહારાજે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું, “ બેટા ! આપણે આ પવિત્ર સ્થાનમાં રહીને ભજન-ભક્તિ કરીએ છીએ, તે ભગવાનની મોટી કૃપા છે. પરંતુ આજથી બસો વર્ષ પહેલાં સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રગટ થઈને અનેક લીલાચરિત્રો કરીને ભારતની આ ધરાને પાવન કરી છે આપણા દેશના ગુજરાત રાજ્યમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં ઘણાં બધાં પ્રસાદીભૂત તીર્થસ્થાનો આવેલાં છે, તો મારી એવી ઈચ્છા છે કે આપણે આ તીર્થોની યાત્રા કરીએ.”
“હા ગુરુદેવ ! જેવી આપની મરજી, જ્યારે આપ આજ્ઞા કરો ત્યારે પ્રયાણ કરીશું.” આજ્ઞાંકિત શિષ્યે કહ્યું.
“જો બેટા ! આપણે ચાલીને એટલે દૂર પહોંચવું ઘણું મુશ્કેલ છે, તેથી આપણે જો માનસરોવરના હંસનું રૂપ ધારણ કરી લઈએ તો આપણી તિર્થયાત્રા સરળ બની જાય.” સમર્થ ઋષિ મહારાજે કહ્યું.
શિષ્યે કહ્યું, “હા ગુરુદેવ ! જેમ આપ કહો તેમ.” પછી તો ઋષિ મહારાજે પોતે હંસનું રૂપ ધારણ કર્યું અને શિષ્યને પણ હંસ બનાવી દીધો. બંને ઊડતાં ઊડતાં ગુજરાતમાં આવીને શ્રીજીપ્રસાદીભૂત સ્થાનોનાં દર્શન કરતાં કરતાં એક સરોવરના કિનારે આવી પહોંચ્યા.
આ સરોવરમાં એક કાચબો રહેતો હતો તે પોતાની મસ્તી મુજબ જળમાં અને સ્થળમાં સ્વેચ્છા વિહાર કર્યા કરતો. જળચર અને સ્થળચર બંને પ્રકારના જીવોના કોન્ટેક્ટમાં આવતો. કેવળ જળમાં જ વિહાર કરનારા જળચરોને સ્થળનું કોઈ જ્ઞાન ન હોવાથી કાચબાભાઈ સ્થળ ઉપરથી જ્યારે જળમાં જાય ત્યારે જળચરો સ્થળ વિષે જાણવા માટે તેની ફરતા ટોળે મળી જાય. પોતાને મળતા આવા આદર-માનથી કાચબો તો ખૂબ જ આનંદમાં આવી જતો અને સ્થળ ઉપરની અવનવી સાચી-ખોટી વાતો કરીને પોતે ખૂબ જ શ્રેષ્ઠ જ્ઞાની અને ખૂબ જ અનુભવી હોવાનો પોતાનો પ્રભાવ પાડયા કરતો. કાચબો જ્યારે સ્થળ ઉપર આવે ત્યારે ઘણાં સ્થળચરો તેની પાસે આવી જતા. આ બધાની પાસે પણ જળની કેટલીય ઊપજાવેલી વાતો કરીને બીજા પાસેથી પોતાની પ્રશંસાનો આનંદ મેળવતો. આમ આખો દિવસ બોલ-બોલ કર્યા કરે અને પોતાની શ્રેષ્ઠતા ગાયા કરે.
સરોવરના કિનારે આવેલા બંને હંસોને જોઈને કાચબો તેની પાસે પહોંચી ગયો અને પોતાની ખોટી વડાઈ ગાતાં ગાતાં કહેવા લાગ્યો, “જળ અને સ્થળ વિષે મારા જેટલું અહીં કોઈ જાણતું નથી. આપણા ભારત દેશના લગભગ બધાં જ તીર્થસ્થાનોની યાત્રા મેં ચાલીને કરેલી છે અને કેટલાયને કરાવેલી છે, દાસભાવે બધાની હું સેવા કર્યા કરું છું, પણ તમો બંને ક્યાંથી આવો છો ?”
“અમો માનસરોવરથી આવીએ છીએ , સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણના પ્રસાદીભૂત તીર્થસ્થાનોની યાત્રા કરીને હવે અમો પરત જઈ રહ્યા છીએ, તમારે અમારી સાથે માનસરોવરના દર્શન માટે આવવું છે ?” હંસરૂપે રહેલા ગુરુદેવે પ્રત્યુત્તર આપતાં કહ્યું.
કાચબાએ ડિંગ મારતાં કહ્યું, “આમ તો મેં નાનપણમાં માનસરોવરની યાત્રા કરેલી છે; પરંતુ તમારો આગ્રહ છે તો હું ના કેવી રીતે પાડી શકું ? હું જરૂર તમારી સાથે આવીશ પણ આપણે સાથે કેવી રીતે જઈશું ?”
“એક કામ કરીએ કાચબાભાઈ, અમો બંને અમારા પગમાં એક લાકડી પકડી રાખીશું અને તમે તે લાકડીને તમારા મોઢાથી પકડીને ટીંગાઈ જજો પણ જોજો સાવધાન રહેજો નીચે ન ઊતરીએ ત્યાં સુધી કાંઈ પણ બોલતા નહી કે કોઈ પણ કારાણસર તમારું મોઢું ખોલતા જ નહીં. અને જો ખોલ્યું તો તુરંત જ તમે નીચે પડશો અને તમારા રામ રમી જશે.” પરમહંસ ગુરુદેવે સાવધાની આપતાં કહ્યું.
“હું મારા મજબૂત મોઢાથી લાકડી પકડી રાખીશ, આમ તો હું ખૂબ જ સાવધાન છું તેથી મને કોઈ જ મુશ્કેલી નહિ પડે, તમે બેફીકર રહો.” કાચબાએ પોતાનાં વખાણ કરતાં કહ્યું.
પ્લાન મુજબ કાચબાને લઈને બંને હંસોએ ઊડવાનું શરૂ કર્યું. રસ્તામાં જે કોઈ સ્થાનો આવે તેની જે જે માહિતી પરમહંસ ગુરુદેવ કાચબાને આપે તેને કાચબો સાંભળતો જાય અને ટગર-ટગર જોતો જાય. વચ્ચે બોલવાનું ઘણું મન થાય પણ બોલી શકવાની પરિસ્થિતિ ન હોવાથી કાચબો કશું બોલી શકતો ન હતો, પણ તેનાથી રહેવાતું ન હતું. આગળ જતા તેઓ ગંગા નદી ઉપર આવી પહોંચ્યા એટલે હંસે તેની વાત કરી પણ આ વખતે કાચબાભાઈથી રહેવાયું નહીં. તેથી બોલવા માટે મુખ ખોલતાં જ કાચબોતો પડયો ગંગા નદીમાં !
હંસો તો ગભરાઈને તરત જ ગંગાકિનારે ઊતર્યા અને જોવા લાગ્યા, ત્યાં તો કાચબો મરણતોલ અવસ્થામાં પાણીમાં તરતો તરતો કિનારે આવ્યો અને આવતાવેંત પોતાની બડાઈ મારતાં કહેવા લાગ્યો કે,“હું કાંઈ પડી નથી ગયો પણ મને થયું કે પવિત્રગંગા નદી આવી છે તો ચાલો સ્નાન કરી લઈએ એટલે નીચે આવ્યો હતો, પણ તમે મૂંઝાતા નહીં. ચાલો, આપણે યાત્રા આગળ ધપાવીએ.”
હંસો તો બધું જ સમજી ગયા પણ કાંઈ બોલ્યા નહિ અને આગળ ઊડવાનું શરૂ કર્યું. આગળ જતા હિમાલયનો ડુંગરાળ પ્રદેશ શરૂ થયો, હંસો તો હિમાલયના ગુણગાન ગાવા લાગ્યા પણ સ્વશ્રેષ્ઠતામાં રાચતા કાચબાથી રહેવાયું નહિ અને સ્વભાવવશ બોલવા મુખ ખોલ્યું અને કાચબાભાઈનું શ્રીપતીમ્ થઈ ગયું.
વહાલા ભક્તો ! મનમાં ને મનમાં પોતાને મોટો માની ખોટી માન-મોટાઈ અને સ્વશ્રેષ્ઠતામાં જીવનારાને આ દિવ્ય સત્સંગ મળવા છતાં કોઈ જ ફાયદો થતો નથી ઊલટાનું નુકશાન થાય છે, માટે જે પોતાને નાનો માની સહુના દાસાનુદાસ થઈને નિખાલસ-નિષ્કપટ જીવશે તેને જ આ અનુપમ સત્સંગનો લાભ થશે બાકી બીજા તો પેલા કાચબાની જેમ અમૂલ્ય માનવતન ખોઈ બેસશે.
વહાલા ભક્તો ! આપણે આપણું જીવન તપાસીએ કે સત્સંગ સરોવરમાં રહીને હું આ ‘કાચબાવૃત્તિથી’ તો નથી જીવતો ને...?