કસરનું કવર...

કસરનું કવર...

એકાદશીના બપોરના ૧૨.૩૦ વાગ્યાનો સમય છે. સ્વામીએ દીપકને ફોન લગાડવા માંડયો.... ‘જય સ્વામિનારાયણ દીપક.’ ફોન ઊંચકીને દીપકે હર્ષઘેલા થઈ ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. ‘કેમ દીપક, મજામાં છે ને ?’ ‘હા સ્વામી ! મહારાજની, પૂ.ગુરુજીની અને આપની દયા છે. આજ એકાદશીને દિવસે સામે ચાલી આપનો ફોન આવ્યો, એટલે હું તો ધન્ય ધન્ય થઈ ગયો. બોલો સ્વામી, મારે લાયક કાંઈ સેવા હોય તો...’ ‘દીપક ! આમ તો તું બીજી બધી સેવા બહુ જ સારી કરે છે, પણ... આ વખતે મારે તને બીજી પણ એક સેવા સોંપવી છે, બોલ કરીશ ?’ ‘અં... હા-હા સ્વામી, કેમ નહીં !’ થોડો વિચાર કર્યો ન કર્યો, દીપકે હા ભણી દીધી.

સ્વામીએ અસ્પષ્ટ રીતે વાત આગળ વધારી, ‘પણ દીપક ! આ વખતે તું માને છે એવી સહેલી સેવા નથી હોં... માટે સમજીને હા પાડજે.’ ‘કેમ સ્વામી, એવી તે વળી શું અઘરી સેવા છે જે, તમે કહો ને મારાથી ન થાય ?’ થોડા ખચકાટ સાથે પણ દીપકે રીસ્પોન્સ તો આપી જ દીધો. સ્વામીએ કહ્યું, ‘તો સાંભળ દીપક, તારે તારી પોતાની શુદ્ધિની સેવા કરવાની છે.’

વાત જાણે એમ હતી કે, દીપકના રીપોર્ટમાં સંતોને સાંભળવા મળેલું કે, હમણાંથી તેને વિકાસભાઈ જોડે થોડું અહંનું ઘર્ષણ રહ્યા કરે છે; જોઈએ એવો તેમનો સ્વીકાર નથી. વળી, મનધાર્યું કરવામાં તે થોડો ખીજાઈ પણ જાય છે. બે-ત્રણ લીડરો પાસે કન્ફૉર્મ કરી સ્વામીએ તેનું કારણ પણ જાણી લીધું હતું. અને એ જ અનુસંધાને આજે દીપકનું ઓપરેશન બાય ફોન થઈ રહ્યું છે. દીપકે કહ્યું, ‘હું કાંઈ સમજયો નહીં સ્વામી.’ સ્વામીએ થોડું વિગતવાર કહેવા માંડ્યું, ‘દીપક ! તારી અન્ય સેવાથી હું ખુશ છું પણ... જો હરિભક્તોના સ્વીકાર બાબતે થોડું ક્લીયર થઈ જાય, તો એ તારી ઘણી મોટી સેવા ગણાશે. કોઈનો સ્વીકાર ન થવો, એ આપણો અહંકાર કહેવાય.’

આટલું સાંભળી હવે દીપકનું મન ચાલવાને બદલે દોડવા લાગ્યું. ને તેણે વાત પણ ત્યાંથી જ શરૂ કરી... ‘સ્વામી ! મને ખોટું જરાય ન ફાવે, મારાથી ખોટું સહન જ ન થાય. કોઈ પણ સેવામાં કોઈને પણ પૂછી લો; હું હાજર જ હોઉં છું , તેમ છતાં આપણા ઉપર કોઈ ખોટા... ખોટા...!!! સાચું કહું સ્વામી ! પછી તો મારે ઘણુંય નથી ખિજાવું હોતું, પણ ખિજાવું પડે છે. અને હા, હું થોડો ખિજાઈને પણ પાછો સેવાની ક્વોલીટી જાળવી સમયસર સેવા પૂરી કરાવી દઉં છું; એ પણ એમણે જોવું જોઈએ ને ! આવું બધું કરવામાં હું થોડો અહંકારી લાગું છું, પણ... સ્વામી, ખરેખર વાસ્તવિકતા કાંઈક બીજી છે.

અને વળી સાંભળો સ્વામી ! મારે નિયમિત મંગળા કરવાની, એટલે કરવાની જ !! ત્રણેક વર્ષથી મારું આ નિયમ અતૂટ રહ્યું છે. એક પણ વ્યસન નહીં, બહારનું ખાવાનું નહીં, રોજ રાત્રે ૫ માળા ફેરવ્યા વગર સૂવાનું નહીં, કથાના સમય પહેલા મારે ઝૂમમાં જોડાઈ જ જવાનું, કોઈ કરે ન કરે પણ મારે તો સેવામાં પૂરો સમય આપવાનો જ. અને સ્વામી, આટ-આટલું કરવા છતાં હમણાંથી કેટલાક લોકો મને કાંઈક બીજી જ દૃષ્ટિથી જોવા લાગ્યા છે. ખરેખર સાચું કહું તો મારી છાપ જ એવી થઈ ગઈ છે; પણ શ્યોરલી સ્વામી, હું એવો નથી.’

સ્વામીએ દીપકને સાંભળ્યા બાદ થોડો ઊંચો સ્વર કરી કહ્યું, ‘દીપક ! તારી છાપ આવી થવા પાછળનું કારણ શું ? તારી આવી છાપ થવા પાછળ જવાબદાર કોણ ? વિકાસભાઈ ? ગુંજન ? દર્શક ? રાહુલ ? આમાંથી કોને ગણી શકાય ?

દીપકે આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં માત્ર મૌન સેવ્યું. એટલે સ્વામી ફરી બોલવા લાગ્યા, ‘દીપક ! આપણા વર્તન ઉપરથી જ આપણી સારી-મોળી છાપ ઉપસતી હોય છે. માટે તારી છાપનો જવાબદાર તું પોતે છે; નહિ કે અન્ય કોઈ વ્યક્તિ. આ સિદ્ધાંતરૂપ વાતની તને જેવી અસર થશે, તેવી તરત જ તારી તમામ કસર તને સમજાવા લાગશે.’

અત્યાર સુધીની સ્વામી અને દીપક વચ્ચેની મોટાભાગની વાતો મભમ જ ચાલતી રહી, પણ હવે સ્વામી દીપકને પોતાની ભૂલ સ્પષ્ટ સમજાઈ જાય, એમ કહેવા લાગ્યા... ‘સાંભળ દીપક ! તારી મંગળા સાચી, સેવામાં શ્રદ્ધા સાચી, કથા સાચી, માળા સાચી, વ્યસનરહિત જીવન પણ સાચું. આ બધુ જ સાચું, પરંતુ તેની સાથો સાથ સેવા નિમિત્તે તું ક્રોધ કરે છે, તારા લીડર વિકાસભાઈ સાથે ઘર્ષણ-બરોબરિયાપણું રાખે છે. વળી, ‘મારો જ કક્કો સાચો’ એમ માની મનધાર્યું કરે છે, તેનું શું ? સદ્દગુણોની નીચે દબાયેલા આ બધા દોષોનું શું ? શું દોષોને સદ્દગુણરૂપી ઢાંકણ ઢાંકી દઈએ, એટલે કામ પતી ગયું ? જ્યારે કસરને ઢાંકનારું તેનું કવર ખૂલી જશે, ત્યારે બધી જ કસર ઉઘાડી દેખાઈ આવશે. માટે સદ્દગુણ, સત્ય અને સાત્વિકતાનું મહોરું પહેરીને છૂપાયેલ તારા દોષોને ઓળખ; એનાથી છેતરાઈશ નહીં. નહિ તો તારામાં રહેલ કેટલાક સારા ગુણો જ તારી કસર ટળવા નહિ દે.

દીપક ! પ્રભુએ દરેકને બે-પાંચ સદ્દગુણો આપ્યા જ હોય છે. તેનો ઉપયોગ આપણામાં રહેલા દુર્ગુણોને કાઢવામાં કરવાનો હોય છે, તેને ઢાંકવામાં નહીં. કોઈ આપણને દોષ બતાવે ત્યારે તેની પ્રતિક્રિયામાં જો આપણે તેના આભારી થઈએ, તો પ્રભુની આપણા ઉપર કૃપા કહેવાય. પરંતુ, કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે એ જ ક્ષણે જો આપણા મનમાં પોતાના જ ગુણોની હારમાળા સર્જાઈ જાય, કે આપણે પોતે જ તેમની સમક્ષ તેનું લીસ્ટ ધરવા લાગી પડીએ, તો એ પોતાની ભૂલ ઢાંકવાનો આપણો અસાધુતાભર્યો પ્રયાસ છે. અને તે ઘણું ઘણું કહી જાય છે.

વળી, આનાથી પણ આગળ વાત કરું તો... આવા સમયે જો આપણું મન સામાના અવગુણો શોધવામાં તીવ્ર ગતિ પકડી લે, તો તો આપણું લોહી બહુ જ નીચું કહેવાય. આવા સમયે આપણા વિચારોનું વિશ્લેષણ કરીએ, તો તેમાં આવા જ કાંઈક ભાવો પ્રવાહિત થતા દેખાય...

  • ‘શું મારા એકલામાં જ આ ભૂલ છે ? તમારામાં નથી ?
  • હું જ માત્ર ભૂલવાળો છું ? મારામાં કોઈ ગુણો છે જ નહીં ?
  • મારામાં રહેલા ગુણો તમને કેમ નજરે નથી ચડતા ? બની શકે, તમને મારા ગુણો-પ્રગતિ સહન નહીં થતા હોય; મારી સાથે ઈર્ષ્યા હશે.
  • બીજા તો મારો ઘણો મહિમા રાખે છે, તમને જ કેમ મારા વિષે આવું લાગે છે ? કદાચ તમને જ મારો અભાવ હશે...’

આવા બધા પોતાના જ કારણ શરીરના પ્રતિબિંબિત વિચારો આપણને સામામાં રીફ્લેક્શનરૂપે દેખાતા હોય છે. માટે વિકાસભાઈ વગેરેની ભૂલો જોવાનું બંધ કરી, સદ્ગુણની પાછળ છૂપાયેલ તારી પોતાની ભૂલોને પકડતા શીખ.

સ્વામીની કૃપારૂપી ટકોર દીપકના હૃદયમાં રહેલ મુમુક્ષુતારૂપી દીપને પ્રજ્વલિત કરી ગઈ. દીપકના અંતરમાં રહેલ અજ્ઞાનતમ નાશ પામતાં જ્ઞાનરૂપી અંજવાળુ થયું. તેણે પૂ.સ્વામીને થેંક્યુ કહી પોતાની ભૂલ સુધારી લીધી.

વહાલા ભક્તો ! આ સ્ટોરીના બધા નહિ તો કેટલાક અંશો, જો આપણને લાગુ પડતા હોય તો ચાલો, આજથી જ એ બાબત રીપેરીંગ કરવા લાગી પડીએ.  ભૂલ પોતાના ગુણો ઉપર ફોકસ ન કરતા નિજદોષ ઉપર દૃષ્ટિ રાખીએ. કોઈ ભૂલ બતાવે તો તેને સદ્ગુણોરૂપી મુલાયમ ઢાંકણથી ઢાંકી ન દેતા, તેને સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન કરીએ. બતાવનારામાં સામી દોષદૃષ્ટિ ન કરતા, તેઓને કૃપા કરનારા આપણા હિતેચ્છુ માનવાનો ઠરાવ રાખીએ.

અંતમાં પ્રભુચરણોમાં પ્રાર્થના કરીએ કે, “હે નાથ ! અમારી કસરને ઢાંકનાર કવરથી અમ સૌની રક્ષા કરી, આપના ગમતા પાત્ર બનાવવા કૃપા કરજો.... કૃપા કરજો...”