કર્તૃત્વની કેરી

કર્તૃત્વની કેરી

ઉનાળાના આ ધોમધખતા તાપમાં પણ સૌને શાતા અને આનંદ આપે એવું મીઠું મધુરું ફળ એટલે કેરી..! આમ તો કેરીને ફળોનો રાજા કહીએ તોપણ જરાય ખોટું નહીં. માણસ જ્યારે હળવું ભોજન કરવું હોય ત્યારે લગભગ ફ્રૂટ જમે, પણ કેરી ફ્રૂટનો એવો અપવાદ છે જે મિષ્ટાન્નની પણ ગરજ સારે. અરે ! જેની સ્પેશ્યલ રસોઈ પણ થાય. કારણ, કેરી એટલે તમામ પોષકતત્ત્વોથી ભરપૂર અને વળી મધ જેવું મીઠું ફળ.

કેસર, લંગડો, બદામ, હાફૂસ, રાજાપુરી, દશેરી વગેરે વગેરે ઘણા પ્રકારની મીઠી કેરીઓ આજે સમૃદ્ધથી લઈ સામાન્ય કક્ષાના માણસો પ્રેમથી જમતા હોય છે; પણ આ તમામ કેરીઓને ટક્કર મારે અને આ તમામની મીઠાસ જેની આગળ સાવ ફિક્કી લાગે તેવી સર્વોપરી કેરી એટલે ‘કર્તૃત્વની કેરી’.

બીજી બધી કેરીનો રસ ફક્ત ઉનાળામાં માણી શકાય અને એ પણ ફક્ત જમતી વખતે; જ્યારે કર્તૃત્વની કેરીનો રસ માણસ બારેમાસ અને વળી Any time માણી શકે. બીજી કેરીનો રસ જીભમાં ચોંટે અને ફક્ત સ્થૂળદેહને પુષ્ટ કરે; જ્યારે કર્તૃત્વની કેરીનો રસ જીવમાં ચોંટે અને કારણદેહને પુષ્ટ કરે.ન્ય કેરીના રસની આસક્તિ કદાચ એક-બે જન્મ લેવડાવે; જ્યારે કર્તૃત્વરસની આસક્તિ યુગોના યુગ સુધી મહારાજની મૂર્તિના મહાઆનંદથી વંચિત રાખે છે.

કદાચ આખી પૃથ્વીમાં એકપણ વાર કેરીનો સ્વાદ ચાખ્યો ન હોય તેવા માણસો હોઈ શકે, પણ કર્તૃત્વની કેરીનો રસ માણવામાં પામર જીવથી લઈ મહાપુરુષ સુધી લગભગ કોઈ બાકાત ન હોઈ શકે. વાસ્તવિક કર્તૃત્વરસના ભોક્તા તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમનારાયણ જ છે. તેઓ જ સર્વને પ્રકાશી રહ્યા છે. તેમને લઈને જ આપણને આપણા અસ્તિત્વનો બોધ છે. જ્યાં પણ કિંચિત્ કર્તૃત્વ જણાય છે તે સાકાર મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનને લઈને જ છે.

વનવિચરણ દરમયાન નીલકંઠવર્ણીએ જયરામદાસ દ્વારા પેલા બાવાઓને ઝેરી ફળ ખાવાની ના પાડી, પણ તે માન્યા નહીં. અને પરમેશ્વરનો વાદ લઈ તે ફળો ખાઈ મરી ગયા; તેમ આપણે પણ અજ્ઞાનવશ થઈ જે રસના ફક્ત પરમેશ્વર જ અધિકારી છે તેને આપ ડહાપણે ભોગવીએ છીએ અને હેરાન થઈએ છીએ. ખરેખર કર્તૃત્વની કેરી આપણા માટે અત્યંત ઝેરી છે પણ આપણે ભૂલીએ છીએ કે,

માનવ જાણે હું કરું, ને કરતલ બીજો કોય;
આદર્યા અધવચ રહે, ને  હરિ  કરે સો હોય.

શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે આપણે કોઈની પડી વસ્તુ તો લેતા નથી, પણ ભગવાનનું કર્તૃત્વ અત્યંત નિર્લજ્જતાથી માથે ઉપાડી લઈએ છીએ. મહારાજની મૂર્તિનો રસ માણવો હોય તેને કર્તૃત્વરસ છોડવો ફરજિયાત છે. કર્તૃત્વરસનો સ્વાદ છોડે તે મહાનિ:સ્વાદી જ નહિ પણ અનાદિ મહામુક્ત છે. અને આવા મહામુક્ત દ્વારા જ ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય વહાવે છે. હાલ પણ આવા પ્રગટ સંતો-ભક્તોમાં ભગવદ્કર્તૃત્વનો સ્વીકાર કરી તેમને મન-કર્મ-વચને સોંપાઈને રહીએ તો આપણે પણ તેવા પાત્ર બની જ શકીએ.

ગીતામાં ભગવાને કહ્યું છે કે, કોઈ જીવ કાંઈ કર્યા વિના રહી શકતો નથી. જો આપણે જે કાંઈ કરીએ તે ભગવાન અને તેમના વહાલા સંતો-ભક્તોના રાજીપા માટે કરીએ તો તે ક્રિયાથી અંત:કરણ શુદ્ધ થતાં ભગવદ્પ્રાપ્તિ થાય; પરંતુ રાજીપા માટે કરતાં કરતાં જ્યારે થોડા ગુણો પ્રાપ્ત થાય અને તે ક્રિયામાં માસ્ટરી આવતાં યશની ભૂખ જાગે, તો અહંકાર આવતા કઠણાઈ બેસી જાય. એટલે જ પૂ.ગુરુજી આપણને ઘણી વાર કહે છે,

યશ લિયા તો ફસ ગયા ઔર
યશ દિયા તો તૈર ગયા

એકવાર એક સંત ખૂબ સારી સેવા કરતા. તેથી તેમની પરીક્ષા લેવા માટે પૂ.ગુરુજી ચાહીને તેમને અવારનવાર બિરદાવવા લાગ્યા. ‘આ તમે બહુ જ સારું કર્યું... તમને બહુ સરસ આવડે છે...’ ક્યારેક અન્યને ઉદ્દેશીને કહે, ‘આ સ્વામીનું કામ એટલે કહેવું પડે હો..!’ પરંતુ પૂ.ગુરુજીના આવા પ્રશંસાત્મક વાક્યો પૂર્ણ થતાંની સાથે જ તેઓ બોલી ઊઠતા, ‘ના.. ના.. હો..! મહારાજ અને પૂ.ગુરુજીની કૃપાથી જ બધું થાય છે, આમાં મારું કાંઈ નથી..!’ તેમની યશને નહિ લેવાની આવી સાવધાની જોઈ પૂ.ગુરુજી અંતરથી ખૂબ રાજી થતા અને થોડા દિવસ બાદ એકવાર વાંચનરૂમમાં પૂ.ગુરુજી તે સંતને સંભારીને એવું બોલ્યા કે, ‘આ સાધુને આ માર્ગમાં ક્યારેય વિઘ્ન નહિ આવે. કેમ જે, તેઓ નાનો એવો યશ મળે તે પણ તરત બીજા માથે નાખી દે છે.’

કોઈ વખાણે તો સારું લાગે, પોતે કરેલું શ્રેષ્ઠ લાગે, પોતાની કૃતિ મનમાં મમળાવવાની મજા આવે, બીજાના સારા કાર્યની સરાહના ન થઈ શકે, મનમાં થયા કરે કે હું પણ તે કરી શકું, તેનાથી વધુ સારું કરી શકું, મને કેમ નથી સોંપતા, કોઈ પોતાના કાર્યમાં ખોટ કાઢે કે નિંદા કરે તો ભૂલ સમજવાને બદલે તેનો અભાવ આવે વગેરે વગેરે તમામ અહંકારજન્ય પીડાના મૂળમાં કર્તૃત્વરસ જ છે.

ઉનાળામાં કોઈના મોઢા પર ફોડલીઓ નીકળે તો સૌ કહે કે, આણે કેરીઓ વધારે ખાધી હશે; તેમ ઉપર જણાવ્યા તેવા માનજન્ય ભાવો આપણામાં ઊઠવા લાગે ત્યારે સમજવું કે હમણાં કર્તૃત્વરસ ઘણો પીધો છે. જેમ ભાવનગર નરેશે રૂપાભાઈને દારૂ પીવડાવવા ઘણી કોશિશ કરી પણ રૂપાભાઈએ શ્રીહરિની આજ્ઞા ન છોડી; તેમ આપણને પણ કોઈ વખાણરૂપી પ્યાલો લઈ કર્તૃત્વરસ પાવા આવે ત્યારે સાવધાન થઈ છટકી જઈએ અને બધું ભગવાન પર ઢોળી દઈએ તો તેના કેફથી બચી જઈએ. અને જો ગાફલાઈમાં પી લઈએ તો તેનો નશો ચડયા વગર રહે જ નહીં. જે જેટલો વધુ પીવે તે તેટલો વધુ ડોલે અને જો વધુ ગાફલ રહે તો બેભાન થઈ મોક્ષમાર્ગમાંથી પડી પણ જાય.

વહાલા ભક્તો ! કર્તૃત્વની કેરીના આ સ્વીટ અને સ્લો પોઇઝનથી બચવા પૂ.ગુરુજીના આ શ્લોક દ્વારા મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરીએ...

કર્તૃત્વરસમાનૌ મે, ત્વત્પાદેઽર્પયિતું પ્રભો !।
હૃદયેન સદેચ્છામિ, તદર્થં  દેહિ  મે  ધિયમ્

‘હે પ્રભુ ! હું કર્તૃત્વનો રસ અને માનને આપના ચરણે અર્પણ કરવા સદા હૃદયથી ઇચ્છું છું તે માટે મને કૃપા કરી સદ્બુદ્ધિ આપો.