
વહાલા ભક્તો, ઝમરાળાના એક ગૃહસ્થ હરિભક્ત મૂળજીભાઈના હૃદયમાંથી આ પદની સરવાણી ફૂટી છે. જે આખો સત્સંગ ગાય છે.
રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે;
વળી કરતાં ઘરનું કામ ઘડી ના વિસારીયે રે;
આપણે બધા ભગવાનને પામવા, ભગવાનમાં જામવા માટે નીકળ્યા છીએ; તો આ ભગવત્પ્રાપ્તિ ઇચ્છુક જે કોઈ મુમુક્ષુ હોય એને માટે ભગવત્સ્મરણ એ જ ઉત્તમમાં ઉત્તમ, સહેલામાં સહેલો ઉપાય છે. વાત નવીન નથી.
આજ દિન સુધી ધરતી ઉપર પ્રગટ થયેલા દરેક મોટા પુરુષો યુગોના યુગોથી આ જ વાત કહેતા આવ્યા છે કે, સ્મરણ કરો. કરો હરિસ્મરણ તો સુધરી જાશે મરણ.
મહર્ષિ વેદવ્યાસ રચિત નારદ પુરાણના પૂર્વાર્ધ પાદ અધ્યાય-૪૧માં વાત આવે છે કે અઠ્ઠયાસી હજાર ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં બહુ લાંબું સત્ર ગોઠવીને ભગવદ્આરાધન અને કથાશ્રવણમાં તલ્લીન થયા હતા. તે સમયે નારદજીને ચારેય યુગોના ધર્મની વાત કરતાં કરતાં વચમાં સુત પુરાણી એક એવી વાત બોલી ગયા કે, એ વાત આજ આખા વિશ્વમાં પંકાઈ ગઈ છે. દરેક સંપ્રદાયવાળાએ એ વાત પકડી લીધી છે. કઈ તે વાત ? તો,
हरेर्नामैव नामैव नामैव मम जीवनम् ।
कलौ नास्त्येव नास्त्येव नास्त्येव गतिरन्यथा ।।११५।।
અર્થ : ભગવાનનું નામ જ, નામ જ, નામ જ મારું જીવન છે. કળિયુગમાં મોક્ષનો ઉપાય બીજો કોઈ નથી જ, નથી જ, નથી જ. જીવની બીજી કોઈ ગતિ જ નથી.
ભગવાન વ્યાસે આ વાત કરી છે કે, કળિયુગમાં નામ સ્મરણ સિવાય બીજી ગતિ જ નથી ને પ્રભુ પામ્યાનો નામ સિવાય કોઈ બીજો રસ્તો જ નથી.
મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણના બારમા સ્કંધના અધ્યાય-૩માં ૫૧મો શ્ર્લોક છે તેમાં કળિયુગના ધર્મો અને કળિયુગના દોષોથી બચવાની વાતો કહેતાં કહેતાં શુકદેવજી મહારાજે પરીક્ષિતને એમ કહી દીધું કે,
कलेर्दोषनिधे राजन्नस्ति ह्येको महान् गुण: ।
કળિયુગ તો દોષની ખાણ છે, દોષોનો ભંડાર છે.
ह्येको महान् गुण: ।
પરંતુ એ કળિયુગમાં હે પરીક્ષિત, એક મોટામાં મોટો ગુણ રહેલો છે-
कीर्त्तनादेव कृष्णस्य मुक्त्तसड्ग: परं व्रजेत् ।।५१।।
કદાચ આપણે ઉગ્ર તપસ્યા ન કરી શકીએ, મોટા મોટા યજ્ઞ-યાગાદી, પાઠ વગેરે ન કરી શકીએ, પગપાળા ચાલીને ચારેય ધામની યાત્રા ન કરી શકીએ; પણ જો કોઈ પરમાત્માનું કીર્તન કર્યા કરે, ભજન-સ્મરણ કર્યા કરે તો, એટલામાત્રથી જ તમામ બંધનોથી પર થઈ, તમામ દોષોથી છૂટા થઈ જશે. એટલું જ નહિ परं व्रजेत् પરમ કૃપાળુ પરમાત્માના ધામમાં ભગવાનને પામી જશે ! આ કળિયુગનો આવો એક મોટો ગુણ છે.
આવો મનુષ્યદેહ મળ્યો છે ભગવાન સ્વામિનારાયણે આવો સત્સંગ આપ્યો, આવા ભક્તો આપ્યા, આવા સંતો આપ્યા, આવો માહોલ આપ્યો, તો ભજન કરો. આવું ભજનનું ટાણું પછી નહિ મળે.
સજની ટાણું આવ્યું રે, ભવજળ તરવાનું રે;
ફેર ફેર નહિ મળે એવું, વીજના ઝબકારા જેવું;
મોતી પરોવી લેવું.....સત્સંગ કીજીયે.
બધાય મોટા પુરુષો આપણને આમ જ કહે છે, તોપણ આપણે માયાની પાછળ ગાંડા થયા છીએ. આ લોકમાં ડંકો વગાડી દેવો છે, બધાને દેખાડી દેવું છે, આપણો વટ રહેવો જોઈએ. આમ આ લોકનું તાન ચડ્યું છે, એવું ભગવાન ભજવાનું ચડતું નથી.
ભગવાન સ્વામિનારાયણે વચ.મ.૪૭માં એવું કહ્યું કે, “શિશ્ન અને ઉદરને વિશે જે આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે.”
કામવાસના અને રસાસ્વાદ ભગવાન ભુલાડે છે, ભગવાનમાં થતી પ્રીતિનો નાશ કરે છે, ભક્તિને ખાઈ જાય છે. કળિયુગના આ બે બહુ ભયંકર દોષ છે.
સારું સારું બનાવીને ખાધા કરીએ વિષય ભોગવ્યા કરીએ તો હેત બધું તેમાંં વહી જાય. પછી ભગવાનમાં હેત ક્યાંથી થાય ? આપણે એ બેથી જેટલા સાવધાન રહીએ એમાં જેટલા ઓછા ફસાઈએ, જેટલા ઓછા લેવાઈએ; એટલા અખંડ ભગવાનમાં જોડાયેલા રહીએ.
ભગવાન સ્વામિનારાયણે વચ.સા.૨માં એમ કહ્યું કે, જેને ભગવાનને પામવું હોય તેણે બે ઇન્દ્રિયોને બરાબર કાબ રાખવી. એક આંખ અને બીજા કાન. આંખ દૂર દૂર સુધી જોઈ શકે અને કાન દૂર થતી વાતને સાંભળી શકે. એટલે એને બરાબર કંટ્રોલમાં રાખવાનું કહ્યું.
આજના આ આધુનિક યુગમાં ચોંકાવનારી બાબત ઇન્ટરનેટ - મોબાઇલ છે. ભગવાન સ્વામિનારાયણે જે બે ઇન્દ્રિયોને વર્ષો પહેલાં કાબરાખવાની કહી હતી, એ બે ઇન્દ્રિયો જ વધારે ફાલે-ફૂલે, ગાંડી થાય; એવું એમાંથી બધાને સહજતયા પોતાના ખિસ્સામાં જ પ્રાપ્ત છે. બધા રાત્રે-દિવસે-સવારે જ્યારે મન થાય ત્યારે રૂપ અને શબ્દના વિષય ભોગવી શકે છે. માટે નેત્ર અને શ્રોત્ર ઉપર બરાબર કાબ રાખજો; નહિતર કોઈ દ પૂજા, ભજન કે સરખી માનસી નહિ થાય, ક્યારેય ભગવાનમાં રસતરબતર થઈને ધ્યાન નહિ થાય.
આધારાનંદ સ્વામી કૃત શ્રીહરિચરિત્રામૃત સાગરના પૂર ૨૮ના તરંગ ૮૭માં એક અદ્ભુત વાત આવે છે.
कलिजुग तामें प्रगट हरि केरा,
नाम स्मरण कीर्तन वेर वेरा;
चित्त प्रोई उचरत जो तिनके,
उद्धार होत ततखेव इनके...१७
મહારાજે સુંદરિયાણામાં વનાશેઠ વગેરે ભક્તોને કહ્યું ‘કળિયુગમાં પ્રગટ શ્રીહરિમાં ચિત્ત પરોવીને તેમનું નામ-સ્મરણ તથા કીર્તન વારંવાર કરવામાં આવે તો તેનો તત્કાળ ઉદ્ધાર થાય છે
कीर्तन उचरत रहत हि तामें,
हरि कु प्रसन्न करन हि यामें;
चित रखत दृढ प्रेम समेता,
उद्धार होत ताके तेता...१८
જે મનુષ્ય ભગવાનને રાજી કરવા માટે તેમનાં કીર્તન બોલે છે અને દૃઢ પ્રેમે સહિત પરમાત્માના સ્વરૂપમાં ચિત્ત રાખે છે, તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. જે સતત ભગવાનનું નામ સ્મરણ કરે એ જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે.