
વહાલા ભક્તો ! સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા ને ભરતખંડમાં મનુષ્યરૂપે થઈ વિચરી અનંત જીવોનાં આત્યંતિક કલ્યાણ માટે મહારાજે અનંત ચરિત્રો કર્યાં, જ્ઞાનોપદેશ આપી ભવબંધન છોડાવીને મહામુક્ત બનાવ્યા. પોતાના આશ્રિતને ભગવાન વિના બીજો આધાર કે બંધનને છોડાવી પોતાના સ્વરૂપમાં જોડીને પોતાની મૂર્તિનો મહા આનંદ પમાડવા મહારાજ વિધવિધ પ્રકારની સમજણ આપતા. વળી, પોતાનો પ્રતાપ દેખાડીને સહજમાં જીવને માયાનાં બંધન છોડાવતા, તે એક ચરિત્ર દ્વારા જોઈએ.
સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન પ્રગટ પ્રમાણ મનુષ્યરૂપે જ્યાં વિરાજતા ત્યાં નિત્ય નવા આનંદ ને ઉત્સવો સહજમાં થતા. મહારાજના આશ્રિતો મહારાજને રાજી કરવા તન-મન-ધનથી શ્રદ્ધાપૂર્વક સેવા કરતા. મહારાજ ગઢપુરને વિશે દાદાખાચરના દરબારમાં વધુ ને વધુ રહ્યા ને બહુ જ ઉત્સવ-સમૈયા કર્યા. દેશ-દેશાંતરથી ભક્તો આવે ને જન્માષ્ટમી, રામનવમી, રંગોત્સવ, અન્નકૂટ ઉત્સવ આદિક ઉત્સવો થતા. તેમાં ભક્તો પોતાની સંપત્તિ આપી મહારાજને રાજી કરવા ઉત્સવ-સમૈયા કરાવતા ને લાભ લેતા. એક દિવસ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સંતો-ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે મહારાજે દાદાખાચરને વાત કરી કે હમણાં અન્નકૂટનો ઉત્સવ આવે છે, તો તેમાં આપનાં સોમાફૂઈને યજમાન કરીએ ને તેમને એ સેવાનો લાભ આપીએ. આ સાંભળી દાદાખાચર કહે, ‘મહારાજ ! મારાં ફઈ રૂપિયા વાવરે તેવાં નથી. તેઓ તો હંમેશાં મારે ત્યાંથી રોટલો ને દાળ લઈ જાય છે ને અડધો રોટલો બપોરે ને અડધો સાંજે જમે છે.’ મહારાજ કહે, ‘ભલે, પણ આ વખતે અન્નકૂટ ઉત્સવના યજમાન અમારે સોમફઈને જ કરવાં છે.’ દાદાખાચર કહે, ‘મહારાજ ! આપ તો ભગવાન છો, ધારો તે કરો.’
પછી એક દિવસ શ્રીજીમહારાજ સોમફઈના ઓરડે પધાર્યા. સોમફઈ તો મહારાજ પધાર્યા એટલે ઊભા થઈ પગે લાગ્યા ને મહારાજને સાંગામાંચી ઢાળી આપી. તે પર મહારાજ બિરાજમાન થયા. સોમફઈએ હાથ જોડી કહ્યું, ‘મહારાજ આજે કેમ પધાર્યા ?’ મહારાજ કહે, અમે દાદાના દરબારમાં બિરાજીએ છીએ; તે વર્ષોવર્ષ વિધવિધ ઉત્સવો થાય, દેશદેશના ભક્તો પધારે ને ઉત્સવના યજમાન થઈને અમારો રાજીપો લે છે. તે અમને એમ થયું કે આ વખતે અન્નકૂટનો ઉત્સવ આવે છે તે કોને યજમાન કરવા ?’ તે સાંભળી સોમફઈ કહે, ‘મહારાજ ! આપને તો હજારો હરિભક્તો છે. તે જેને કહો તે અન્નકૂટ ઉત્સવનો લાભ લેશે.’ મહારાજ કહે, ‘સોમફઈ બીજા બધાને તો લાભ મળે જ છે; પરંતુ આ વખતે અમને એમ થાય છે કે આ અન્નકૂટ ઉત્સવના યજમાનપદનો લાભ આપને આપવો છે.’ ત્યારે સોમફઈ કહે, ‘અરે મહારાજ ! મારી પાસે ક્યાં રૂપિયા છે ? કાંઈ ન મળે.’ ત્યારે સર્વાંતર્યામી મહારાજ કહે, ‘તમારા ઘરમાં હોય તો લઈ લઈએ ?’ ફઈ કહે, ‘હા મહારાજ, હોય તો લઈ લો.’ સોમફઈને એમ કે મેં રૂપિયા ક્યાં મૂક્યા છે, તેની મહારાજને ક્યાંથી ખબર હોય ! પરંતુ મહારાજ તો બધું જ જાણે, એટલે મહારાજે ઓરડાના એક ખૂણામાં ત્રણ હજાર રૂપિયા દાટેલા, તે ભગુજી પાસે ખોદાવી કઢાવ્યા. ત્યારે સોમફઈ બોલ્યા જે, ‘મહારાજ તો બધું જાણતા દીસે છે.’
પછી મહારાજે તે રૂપિયાનો સામાન મંગાવીને સુખડાં કરાવ્યાં ને ઠાકોરજીની આગળ અન્નકૂટ ધર્યો. આરતી ઉતારી મહારાજ જમ્યા ને હજારો સંતો-ભક્તોને જમાડ્યા નેે સમૈયો નિર્વિઘ્ન પૂર્ણ થયો. પછી સભામાં મહારાજે વાત કરી કે સાંભળો...સાંભળો, આ વખતના અન્નકૂટ ઉત્સવના યજમાનપદનો લાભ સોમફઈએ લીધો છે. તે સાંભળી બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો અને સંતો-ભક્તોએ વિચાર્યું કે સોમફઈ તો રૂપિયા વાવરે એવાં નથી, પરંતુ મહારાજે વવરાવ્યા.
થોડા સમય પછી હુતાશનીનો સમૈયો આવ્યો, ત્યારે એક દિવસ મહારાજ સોમફઈને ઓરડે પધાર્યા. સોમફઈએ મહારાજ માટે ઢોલિયો બિછાવ્યો. મહારાજ બિરાજમાન થઈને કહે, ‘અમને ભૂખ લાગી છે. તે કાંઈ જમવાનું હોય તો આપો.’ સોમફઈ કહે, ‘મહારાજ ! થોડીવાર ખમો તો થાળ કરું.’ મહારાજ કહે, ‘ઓલ્યા ડબ્બામાં બાજરાનો અડધો રોટલો છે તે લાવો.’ ત્યારે સોમફઈને થયું મહારાજ તો બધું જ દેખે છે. પછી મહારાજને રોટલો ને દહીં આપ્યું. મહારાજ જમવા લાગ્યા. સોમફઈને થયું કે મહારાજ રોટલો જમી જશે તો હું સાંજે ભૂખી રહીશ. એટલે કહે, મહારાજ મને પણ ભૂખ લાગી છે. પછી મહારાજે ચોથિયું રોટલો જમીને બાકીનો રોટલો આપ્યો. પછી મહારાજ જળપાન કરી ઢોલિયે બિરાજમાન થયા.
મહારાજ કહે, ‘સોમફઈ, ગઈ વખતે તમે અન્નકૂટ ઉત્સવ કરાવ્યો ને અમને તથા સંતો-ભક્તોને રાજી કર્યા. તે હમણાં હુતાશનીનો સમૈયો આવે છે, તે અમને એમ થયું કે આ વખતે પણ સોમફઈને યજમાનપદ આપીને અમારો ને સંતો-ભક્તોના રાજીપાનો લાભ આપીએ, એટલે અમે આવ્યા છીએ.’ ત્યારે સોમફૂઈ કહે, ‘મહારાજ ! હવે તો કાંઈ નથી.’ મહારાજ કહે, ‘હોય તો લઈ લઈએ ?’ ત્યારે થોડું વિચારીને સોમફૂઈ કહે, ‘ભલે, જો હોય તો લઈ લ્યો.’ પછી મહારાજ ઊભા થયા ને કહ્યું, ‘પેલા ખૂણામાં પાંચ હજાર રૂપિયા દાટ્યા છે તે જો પડ્યા રહેશે તો તમને વાસના રહેશે ને કલ્યાણ બગડશે.’ ત્યારે સોમફૂઈ કહે, ‘મહારાજ ! તમે તો બધું જાણો છો. એ તો મારી મરણમૂડી છે, તે રહેવા દ્યો. ને આપને તો ઉત્સવના યજમાન ઘણા મળી રહેશે.’ મહારાજ કહે, ‘જુઓ સોમફૂઈ, આજથી અમારા થાળમાંથી તમને જમવાનું મોકલશું. તમારી સાજા-માંદા થયે ખબર રાખશું. કોઈ વસ્તુ જોઈતી હશે તે અપાવશું ને બહાર જવું હોય તો ખર્ચી આપશું. ને અમે ધામમાં જઈએ તે પહેલાં તમને અમારા ધામમાં અમારી સેવામાં મોકલી દેશું.’ ત્યારે સોમફૂઈ કહે, ‘હે મહારાજ ! તો લઈ જાઓ.’ પછી મહારાજે પાર્ષદોને બોલાવી ખૂણામાં ખોદાવ્યું ને પાંચ હજાર રૂપિયાનું દેગડું કઢાવીને લઈ ગયા ને હુતાશનીનો સમૈયો ધામધૂમથી કરાવ્યો. મહારાજ ને સંતો-ભક્તો રંગે રમ્યા ને ઘેલા નદીમાં સ્નાન કરીને દરબારગઢમાં પધાર્યા ને થાળ જમ્યા. હવેથી સોમફૂઈ પાસે ભગવાન સિવાય કોઈ આધાર ન રહ્યો ને ભગવાનની પ્રસન્નતા થઈ તેથી સોમફૂઈની વૃત્તિ અખંડ ભગવાનમાં રહેવા લાગી. પછી મહારાજે સોમફૂઈ જીવ્યા ત્યાં સુધી બધી જ ખબર રાખી-રખાવી ને અંતે અક્ષરધામમાં પોતાની સેવામાં રાખ્યાં.
વહાલા ભક્તો, પૂ.ગુરુજીએ એક દોહામાં કહ્યું છે કે...
નોધરા ને એકલા, જ્ઞાન જો રહી શકાય;
તો જ હરિની જરૂર પડે, તો જ ખરું હેત થાય.
વહાલા ભક્તો ! ભગવાન ને મોટા એકાંતિક સત્પુરુષમાં અલૌકિક દયા ને કરુણા રહી હોય છે. તે આપણને આ લોકનાં બંધન છોડાવી ભગવાનની મૂર્તિમાં જોડવા માટે આવી કરુણા કરે ત્યારે રાજી થવું. કેમ જે, જ્યાં સુધી બીજો આધાર હશે ત્યાં સુધી મહારાજની જરૂર પણ નહિ પડે ને ખરું હેત પણ નહિ થાય. માટે એક ભગવાનને આધારે જીવશું તો જ મહારાજની જરૂર પડશે ને ખરું હેત થશે.