
રાકેશ અને રવિ, એ બંનેની આધ્યાત્મિક હિસાબ દેવાની જોડ છે. તેઓ રૂબરૂ કે ફોન-વોટ્સએપ દ્વારા રોજ અચૂકપણે આધ્યાત્મિક હિસાબ આપી જ દે. જ્યારથી આ પ્રકરણ શરૂ થયું, ત્યારથી બંને મિત્રોએ હિસાબ દેવામાં એક પણ દિવસ મિસ થવા દીધો નથી. આવી નિયમિતતાનો યશ દેવો હોય તો એકલા રાકેશને જ દેવાય. માત્ર રાકેશને જ કેમ ? કારણ એનું એવું કે, બહુધા હિસાબ દેવાની પહેલ કરતો હોય, સામે ચાલીને સંભારતો હોય તો એ રાકેશ જ. રવિ આ બાબતે મોટે ભાગે આળસ-ગાફલાઈ સેવે. ઊંઘ આવે તો ઘણીવાર હિસાબ દીધા વિના સૂઈ જાય, આપવા ખાતર હિસાબ આપે. એમાં પણ જે તે બાબતનાં કોઈને કોઈ બહાનાં એની પાસે હોય જ. તેમ છતાં આજ દિન સુધી રાકેશે સૂતા જગાડીને પણ પરસ્પર હિસાબ લીધો-દીધો છે. આ તેની મુમુક્ષુતા અને નિયમપાલનને કારણે જ આજે રવિ કરતાં તે આગળ છે.
મહિનાના અંતમાં પરસ્પર આધ્યાત્મિક હિસાબ તપાસતાં રવિએ રાકેશની એક પણ બાબતમાં ચોકડી ન જોઈ. તેની સામે પોતાના લિસ્ટમાં મોટે ભાગે ચોકડી હતી. આ જોઈ રવિ તેને પૂછવા લાગ્યો,
રવિ: રાકેશ ! તું શું સમજે છે, કે તારે મંગળા, સવારની કથા, ચેષ્ટા, વાંચન, માનસી વગેરે એકેયમાં ક્યારેય ચોકડી નથી પડતી ? શું તને કોઈ મુશ્કેલી આડી નથી આવતી ?
રાકેશ: રવિ ! મને મુશ્કેલી તો નથી આવતી, વિચારો આવે છે.
રવિ: વિચારો ? શેના વિચારો ?
રાકેશ: મને એ વિચાર આવે છે કે, પૂ.ગુરુજી અને સંતો આપણા માટે કેટલું બધું કરે છે ! કેવો પ્રેમ આપે છે ! વળી, વળી, પ્રેમ આપવા ઉપરાંત તેઓ ઘણી બધી બાબતોમાં આપણને ખમી ખાતા હોય છે; જેનો આપણને ખ્યાલ પણ નથી આવતો. આપણને વહાલા મહારાજ અને સંતોના લાડલા બનાવવા આપણા મુકેશ અંકલ પણ આપણું કેવું ધ્યાન રાખે છે ! રવિ, સંતો-ભક્તોના આ નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણા બદલ આપણે એમને શું દઈ શકવાના !
રવિ: રાકેશ ! તારી વાત સાચી, પણ આ વાતને ને હિસાબમાં એકેય ચોકડી ન પડવાને શું લેવા દેવા ? તું કહેવા શું માંગે છે ?
રાકેશે પોતાની વાત ચાલુ જ રાખી...
રાકેશ: રવિ ! મહારાજ અને સંતો-ભક્તો આપણી અવળાઈ સામું ન જોઈને આપણને સૌને કેવા નિભાવી લે છે ! જાણે કે આપણા કલ્યાણની ગરજ એમને ન હોય ! આપણા દોષો-સ્વભાવો ટળાવી આપણને સુખી કરવા તેઓ કેવી મહેનત કરે છે ! વળી, સુંદર સમજણ આપીને આપણને અવળા માર્ગથી પણ બચાવે છે. આપણી ભૂલો બાબતે વિશાળ દિલ રાખીને આપણને માફી આપ્યા જ કરે છે. અને આપણે જાતના જીવ આ બાબતે કાંઈક બીજું જ અવળું વિચારતા હોઈએ છીએ. હમણાંનો જ એક ક્રિટિકલ કેસ... હું તેમાં થોડું જાણું છું, મુકેશ અંકલે તેમાં કલાકોના કલાકો આપ્યા છે. ખરેખર તો મોટા જ સહન કરી લેતા હોય છે.
આપણે એક આપણો ગુજરાતનો નકશો લઈને બેસી ગયા હોઈએ છીએ ને એમને આખી દુનિયાનું જોવાનું હોય છે. આપણે આપણા સાત્ત્વિક અહંમાં જે તે પ્રસંગોને ન્યાયના ત્રાજવે તોળતા હોઈએ, ને તેમની દૃષ્ટિ આપણને સાધુતાની ચરમસીમા સુધી પહોંચાડવાની હોય છે. તેઓ આપણું ઘડતર કરીને આપણને સુખી કરવા માગતા હોય અને આપણે ઘણીવાર એમની જ સામા પગ ભરાવીને બેઠા હોઈએ. આ દૃશ્ય ખૂબ કરુણ છે, રવિ ! ખૂબ કરુણ છે.
રવિ પોતાના પ્રશ્નના ઉત્તરની રાહ જોતો થકો આ બધી વાતો સાંભળતો રહ્યો. પરંતુ પોતાના વિચારોમાં ખોવાયેલો રાકેશ તો આગળ બોલ્યે જ જાય છે...
‘સાંભળ રવિ, મારી જ વાત કરું. થોડાં વર્ષો પહેલાં હું પણ આ બાબત નહોતો સમજતો. પરંતુ હવે દિલમાં એમ થાય છે કે, આપણને આત્યંતિક કલ્યાણ આપવા, વિના સ્વાર્થે કોઈ આટલો બધો દાખડો કરતા હોય તો તેમના આ ઉપકાર બદલ આપણે તેમના ઋણી રહેવું જોઈએ. જ્યારે એક જ ઈષ્ટદેવ, એક જ ગુરુના, શિષ્ય થઈને આપણે અંદરો-અંદર આથડીએ ત્યારે એમને પણ દુ:ખ થાય ખરું, હો ! માટે આપણે ભલે કદાચ આપણા તરફથી એમને સુખ ન આપી શકીએ, પણ દુ:ખ તો ન જ અપાય. તેમના હૈયાને ઠેશ પહોંચે એવું જીવન તો હરગીજ ન જીવાય. આપણે તેમના પ્રેમ સામું જોવું જોઈએ.
રવિ ! તેમના આપણા પ્રત્યેના પ્રેમના વિચારોએ જ મારું જીવન બદલ્યું છે. હવે મને આજ્ઞા લોપવામાં, નિયમ તોડવામાં કે તેમને ન ગમતું કરવામાં બહુ બીક લાગે છે. મનમાં ધ્રાસકો પડે છે કે, એમને નહીં ગમે તો...? મને એમ થાય છે કે, તેમણે મારા માટે આટઆટલું કર્યું છે, તો હવે મારે તેમને હૃદયવેધક વેદનાસભર રિસ્પોન્સ ન દેવાય.
રવિ, આપણા પૂ.ગુરુજી અને સંતો રાત-દિવસ એક કરીને આપણને સમય આપે, સમજણ આપે અને તોપણ આપણે તેમનું ન માનીને પંચવર્તમાન લોપીએ, એ તદ્દન ખોટું કહેવાય. વળી, અંકલની વાત કરું તો તેઓ પોતાનાં કુટુંબ-વ્યવહાર-નોકરી-ધંધા બધું આઘુંપાછું કરીને પણ સંતોના એક વચને સત્સંગમાં કેવો ભોગ આપે છે ! આ બધું આપણા માટે કરે છે, તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.
રવિ, આ બધા તેમની કરુણાના વિચારોને લઈને જ હું રાત્રે જાગીને પણ બધા નિયમ કરી લઉં છું. અને તેથી જ મારે હિસાબમાં એકેય ચોકડી નથી પડતી. કોઈનું નેગેટિવ જોવામાં કે કોઈનો અભાવ લેવામાં મને અંદરથી ના આવે છે. હવે મને પાકું સમજાઈ ગયું છે કે, આ મહારાજના લાડલાઓનો કોઈ કાળે ક્યારેય અભાવ ન જ લેવાય. જો લઈએ તો એનું દુ:ખ જે તે વ્યક્તિને થાય ન થાય, પણ વહાલા મહારાજને બહુ થાય.
રવિ ! દેહના સુખ સારું કે આળસ-પ્રમાદમાં આપણે મંગળા ન કરીએ તો તેઓને કાંઈ ખોટ નથી જવાની. આપણે પાળવા યોગ્ય નિયમોમાં આળસ-ગાફલાઈ ન રાખીએ, તેમજ મનથી છેતરાઈને કાંઈક ભૂલો ન કરી બેસીએ, એ માટે તો સંતોએ આપણને પરસ્પર હિસાબ આપવાનું કહ્યું છે. આ આપણા ભલા માટેની બાબતમાં જો આપણે શૂરવીર થઈએ અને દેહ સુખ સારું તેમાં બાંધછોડ ન કરીએ, તો રાજીપાની અઢળક કમાણી કરી શકીએ.’ રાકેશ પાસેથી સાંભળેલ આવી કરુણાની ફીલિંગ રવિને સ્પર્શી ગઈ. હવે તેને સમજાઈ ગયું. પોતાના પ્રશ્નનો ઉત્તર તેને મળી ગયો. છેલ્લે તેણે સંતો, વડીલો અને ગુરુજનોને પોતાની કોઈ ચિંતા કરવી ન પડે એમ રહેવાનો, તેમજ હિસાબમાં એક પણ ચોકડી ન પડે એમ જીવન જીવવાનો ઠરાવ પણ કરી લીધો.
વહાલા ભક્તો ! આપણે પણ વિચારી લઈએ કે, મને રાકેશ જેવા વિચારો કેટલાક આવે છે ? જો મહારાજ અને સંતો-ભક્તોના ઉપકારો યાદ આવ્યા કરશે તો જરૂર આપણે કૃતજ્ઞ રહી શકીશું, ને આપણામાં સુધારો કરી શકીશું. અને જો મોટાની કરુણાની આવી કોઈ ફીલિંગ જ નહિ હોય, એમના પ્રેમને સમજતા જ નહિ હોઈએ, તો એમના હોવા છતાં આપણે ત્રણ પાનના વડલાની જેવા જ રહીશું; આપણામાં કોઈ બદલાવ નહિ આવે.