કથામૃતમ્: મહિમાની મહત્તા...

કથામૃતમ્: મહિમાની મહત્તા...

ભગવાન જેવા છે એવા અન્વય-વ્યતિરેક, સર્વાધાર, સર્વનિયંતા, સર્વકર્તા અને સર્વે સુખનું કારણ; એમ માનીને મહિમા સહિત ભગવાનમાં પ્રેમ કરીએ, તો વધારે ને વધારે ભગવાનમાં રસ આવતો જાય. પરિણામે આપણે સંપૂર્ણપણે ભગવાનમાં લાગી જઈએ.

એની ઈચ્છા ક્રિયા જ્ઞાનની શક્તિથી,
વિશ્વમાં સર્વ કોઈ સંચરે છે;
એની આજ્ઞા વિના કાંઈ ન બની શકે,
તત્ત્વ તેને બધાં અનુસરે છે...

જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ - ભગવાનની આ ત્રણ શક્તિથી આખું જગત ચેતનવંતું છે. કોઈ ભક્ત હોય, મુક્ત હોય, દેવ હોય, દાનવ હોય, કોઈ મોટું ધામ હોય કે પછી એ ધામના કોઈ સ્વામી હોય, આ બધાય સર્વોપરી પૂર્ણપુરુષોત્તમનારાયણને આધારે જ છે; એને લઈને જ એની મોટ્યપ અને શ્રેષ્ઠતા છે. આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. આપણા સહુના આત્મામાં પ્રગટ બિરાજે છે. બસ, એમને પ્રેમ કરવાની જરૂર છે.

વહાલા ભક્તો ! મારે ભગવાનમાં જોડાઈ જાવું છે અને તમને બધાને પણ મૂર્તિમય કરી મૂકવા છે, ભગવાનમાં જોડી દેવા છે. એમાં મારો પણ સ્વાર્થ છે. કેમ કે, આપણા સાથી-સંગાથી જો મૂર્તિમાં લાગેલા હોય, તો કદાચ આપણે મૂર્તિ ભૂલી જઈએ તો એને જોઈને પાછા મૂર્તિમાં જોડાઈ જઈએ.

ભગવાને મને તેમના વહાલા સંતોનો, પાર્ષદોનો, સાધકોનો અને તમારા જેવા મુમુક્ષુ ભક્તોનો બહુ સારો સથવારો આપ્યો છે; એનો મને બહુ આનંદ છે. બધા સંતો બહુ ભગવાન ભજે છે. તમેય બધા બહુ ખપ રાખો છો, ખૂબ સેવા કરો છો અને ભગવાનને રાજી કરવા, સંતો-ભક્તોને રાજી કરવા ઘણું વેઠો છો. આવા કાળે , આવો સારો સથવારો મળે જ નહીં. આ તો ભગવાનની બહુ મોટી કૃપા ! એટલે મનમાં એમ થાય છે કે, ભગવાનનો મહિમા વિચારી-વિચારી, ઘૂંટી-ઘૂંટીને આત્માને ભગવાનમય કરી નાંખવો છે. એને જગતમય કે શરીરમય રહે વા દેવો નથી. મંડ્યા જ રહે વું છે. આત્મામાં જે કાંઈ માયિકભાવ ચોંટ્યો છે તે બધો ઉખાડી નાંખ્યે પાર ! એક ભગવાન સિવાય જીવમાં કાંઈ રહે વા દેવું જ નથી. આજ નહિ તો કાલ, કાલ નહિ તો પરમ દિ, પણ જીવ ચોખ્ખો કરવો છે.

શરદપૂનમની રાતમાં જેમ ચાંદો આકાશમાં એકલો દેખાય, એમ બ્રહ્મરૂપ એવો જે આપણો આત્મા, એમાં મહારાજની મૂર્તિ દેખાય અને આનંદ આનંદ થઈ જાય, એવા સુિખયા થાવું છે; એવું અમર જીવન મેળવી લેવું છે. પિંડ-બ્રહ્માંડવાળું જીવન તો નાશવંત જીવન છે. બ્રહ્મરૂપ અને એમાં પરબ્રહ્મવાળું જીવન છે એ જ અમર જીવન છે. બહુ મોટો ટાર્ગેટ બાંધ્યો છે, બહુ મોટો પ્રોજેક્ટ ખોલ્યો છે. એના માટે બહુ મોટો હૃદયમાં ઉત્સાહ છે અને ધબધબાવીને કારખાનું હાંકીએ છીએ. હવે આ દેહ છેલ્લો; હવે બીજો દેહ જોતો નથી.

આ દેહમાં અને આ દુનિયામાં કાંઈ સ્થિરતા નથી, સુખ નથી, શાંતિ નથી. બધું વિકારવાન અને દુ:ખરૂપ જ છે. આમાં કાંઈ મજા નથી. અક્ષરધામની દુનિયા બહુ સારી. ત્યાં દિવ્યદેહ મળે અને દિવ્યસુખ મળે. ત્યાં કાળ નથી, કર્મ નથી, માયાના કોઈ વિકાર નથી. મહારાજ અને મુક્તોની સાથે નર્યું સુખ જ ભોગવવાનું, કેવળ આનંદ આનંદ ! આંહીં તો કાંકરાવાળી ખીચડી ખાતા હોય એવું સુખ છે, ઊંટના બેસણા જેવું છે.

વહાલા ભક્તો ! તમે સંસારમાં છો અને ધન, સ્ત્રી, કુંટુંબ-પરિવાર બધું તમારી સાથે જોડાયેલું હોય તેથી તમને આંચકા અને દુ:ખ આવે, પણ તેનો વૈરાગ્ય કેળવવામાં ઉપયોગ કરી લેવો. આપણે ભગવાનનો પ્રગટપણે સ્વીકાર કરીને આપણો આત્મા પરમેશ્વરને અર્પણ કરી દેવો છે માટે પહેલા તો આત્માની વૃત્તિઓ જ્યાં જ્યાં બીજે જાય છે, એને પકડી પકડીને ભગવાનના સ્વરૂપમાં કાં આત્માના સ્વરૂપમાં હોમ્યા કરવી છે. અને પછી આખો આત્મા મૂર્તિમાં હોમી દેવો છે. પછી ભગવાનની મૂર્તિ દેખાશે. એટલું થઈ જાય ત્યારે અક્ષરધામના મુક્ત થઈ ગયા, પરમપદ પામી ગયા. આવું તાન રાખવું છે, બાકી બીજા કશામાં મજા જેવું છે નહીં.

આજ-કાલ આજ-કાલ કરતાં વર્ષ કેડે વર્ષ ચાલ્યાં જાય છે. શરીર ઘસાતું જાય છે, યાદશક્તિ ઓછી થાતી જાય છે, આંખ્યોમાંથી તેજ ઘટતું જાય છે, કાને સંભળાતું ઓછું થાય છે, એ રીતે આપણે ભાળીએ તેમ શરીર ખવાતું જાય છે. આપણા હાથમાંથી છટકતું જાય છે. હવે જો ભગવાનમાં પ્રેમ ન કરી લીધો, જીવ ભગવાનમાં ન જોડી દીધો, તો આ શરીર તો આપણી સાથે જોડાયેલું રહેવાનું નથી. ને ભગવાન સાથે જોડાઈ શકાયું નહિ હોય, તો આપણો આત્મા લટકી જશે.

આપણું મુખ્ય કર્તવ્ય ભૂલી બીજું બધું કરવા રહે શું તો મરાઈ જાશું, માટે બીજું બધું મેલો ઊંચું. જેને કરવું હોય એ કરે, પણ આપણે તો આપણો જીવ ભગવાન સાથે ચોંટાડી દેવો છે. આ લોકમાંથી તો ઝટ ભગાય. પિંડ-બ્રહ્માંડમાં મોહ રાખ્યા જેવો નથી. અંબરિષ રાજાએ, દાદાખાચરે, પર્વતભાઈએ જેવી ભક્તિ કરી, એવી આપણે પણ ધબધબાવે રખાય. આ લોકમાં જન્મીને બીજું શું કરવાનું છે? આપણા પહેલા કેટલાય મથી મથીને મરી ગયા, ધૂળમાં ધૂળ થઈ ગયા, આંહીંથી શું લઈ ગયા ? માટે આપણે એના એ રસ્તે દોડ દોડ ન કરાય, પાછા વળાય અને પોતાનું લક્ષ્ય વિચારીને તેની જલદી પ્રાપ્તિ થાય તે રસ્તે આગળ વધાય.

ઓહો હો ! મહારાજ કેટલું સુખ આપે છે ! મોટા સંતોની કેટલી બધી કૃપા છે ! હરિભક્તોની પણ કેટલી બધી કૃપા છે ! આપણા મહારાજ તો કેવા દયાળુ છે ! જો એમને તકે તક એકાદ વાર રાજી કરી દીધા, તો એ જેટલું આપે તેટલું કોટ બ્રહ્માંડમાં કોઈ કદી આપી શકે નહીં. માટે હવે તો એક ભગવાન અને તેના અતિ વહાલા સંતો-ભક્તો માટે જ જીવી નાખવું છે, તક આવ્યે ખરો રાજીપો કમાઈ લેવો છે, માટે થાઓ સાવધાન....!!! |||