
શ્રીજીમહારાજ એકવાર બધા કાઠીસ્વારોને સાથે લઈને વડતાલ જતા હતા. વચ્ચે ભાલદેશમાં મહારાજે કહ્યું કે, ‘પાણીની મશક ભરી લેજો.’ પરંતુ કાઠીઓએ જાણ્યું કે, આગળ તળાવ આવે છે. પાણીની શી જરૂર છે ? એમ વિચારી મહારાજે કહ્યું ત્યારે હા પાડી, પણ ભગવાનના વચનનો વિશ્વાસ ન આવવાથી કોઈએ પાણીની મશક ન ભરી.
વહાલા ભક્તો ! આપણેય આવું ઘણી વાર કરીએ છીએ. શાસ્ત્રો કહે છે, સંતો કહે છે કે, ભજન કરી લેજો, આત્મા ભગવાનમાં જોડી દેજો, સેવા કરી લેજો પણ આપણને એમ થાય કે હજી આગળ ઘણો સમય બાકી છે. અત્યારે ભજન કરીને શું કામ છે ? કરોડો જન્મથી આમ ને આમ જ કરવાથી હજી ઠેકાણે પડ્યા નથી.
કાઠીઓએ પાણી સાથે ન લીધું. પછી ચાલ્યા તે તળાવ આવ્યું, પણ તેમાં પાણી સૂકાઈ ગયેલું. પછી મહારાજે એટલી બધી તરસ જણાવી કે ન પૂછો વાત ! પ્રભુજી તો ઘોડીએથી ઉતરીને બેસી ગયા અને બોલ્યા કે, ‘દરબારો ! પાણી લાવો. તડકો બહુ લાગ્યો છે.’ ત્યારે કાઠીઓ કહે, ‘મહારાજ ! પાણી નથી.’ પછી મહારાજ કહે, ‘દરબારો તમે ભારે કરી, અમારું માન્યા નહીં !’
વહાલા ભક્તો ! આપણે પણ મોટાની વાત વિશ્વાસપૂર્વક તરત માનતા નથી. આપણું કાંઈક ને કાંઈક ડહાપણ વચ્ચે નાખીએ જ છીએ અને મનનું ધાર્યું કરીએ છીએ. એવી રીતે મનધાર્યું કરીને આપણે ક્યારેક સફળ થયા હોઈએ તેથી મનમાં એવું નક્કી કરી બેસીએ છીએ કે, મોટા કહે એમ કરીએ તો જ સારું થાય એવું નથી, આપણે આપણી રીતે કરીએ તોય સારું થાય. એવું મગજમાં બેસાડી દઈએ છીએ.
પછી મહારાજ કહે, ‘હવે, અમારો દેહ નહિ રહે. પાણી પાવ.’ ત્યારે સુરા ખાચર કહે, ‘મહારાજ ! ગામ છેટે નથી. ઘોડા દોડાવીને પૂગી જાશું. મહારાજ ઘોડે બેસો.’ મહારાજ કહે, ‘અમારાથી ઘોડીએ બેસાય એમ નથી, પાણી ઝટ લાવો, નહિતર હમણાં દેહ પડી જશે.’
પછી સુરા ખાચર અને અલૈયા ખાચર બંને ઘોડે સવાર થઈને નજીકના એક ખેતરમાં કણબીનો છોકરો હતો એની પાસે ગયા અને કહ્યું, ‘તારી પાસે પાણી છે ?’ ત્યારે છોકરો કહે, ‘આજે સવારે જ નવી ભંભલી પાણી ભરીને લાવ્યો છું. પેલા ઝાડ નીચે મૂકી છે.’ દરબારો કહે, ‘અમારા ભગવાનને બહુ તરસ લાગી છે, માટે તું પાણી આપ તો અમે લઈ જઈને ભગવાનને પાઈએ.’ ત્યારે છોકરો કહે, ‘ખરેખર ભગવાન છે ?’ દરબારોએ કહ્યું, ‘હા, ખરેખર ભગવાન છે.’ આ છોકરાને દરબારોનો વિશ્વાસ બેસી ગયો. એને એમ થઈ ગયું કે, ‘ભગવાન છે તો હું જ પાણી પાવા જાવ.’ છોકરો પાણીની ભંભલી લઈને દરબારો સાથે ચાલતો થયો. સુરા ખાચર કહે કે, ‘છોકરા ! ભગવાન બરાબર તરસ્યા થયા છે તેને તું પાણી પાઈશ એટલે રાજી થઈને માંગવાનું કહેશે; ત્યારે તું એમ કહેજે, મારું કલ્યાણ કરો.’ છોકરો કહે, ‘સારું .’
પછી તેમણે મહારાજ પાસે જઈને પાણી આપ્યું. મહારાજ પાણી પીને બોલ્યા, ‘હાશ ! આજ પાણી મળ્યું ન હોત તો આ દેહ રહેત નહીં. દરબારો તમે પાણી લઈ આવ્યા. માંગો માંગો.’ ત્યારે દરબારો કહે, ‘આ છોકરાએ નવી ભંભલી લાવીને ખેતરે પાણી રાખ્યું હતું, તેથી તે તમારે કામ લાગ્યું. તમારે આશીર્વાદ દેવો હોય તો આ છોકરાને દ્યો.’
મહારાજ કહે, ‘એ છોકરા ! તું જે માંગે તે અમે આપીએ.’ ત્યારે છોકરો કહે, ‘મારું કલ્યાણ કરો.’ એટલે મહારાજે સુરા ખાચર સામું જોયું. ‘આને કલ્યાણનો શબ્દ ક્યાંથી આવડ્યો !’ મહારાજ કહે, ‘આ અમારા માંહીલા કોઈક ફૂટી ગયા છે.’
પછી મહારાજ કહે, ‘છોકરા ! તારી માથે હું બહુ રાજી છું. હવે અમે છેલ્લા શ્વાસ સુધી જે કાંઈ દાન-પુણ્ય, સમૈયા, સાધુ-બ્રાહ્મણોને જમાડીએ, યજ્ઞ આદિ કરીએ એનું બધું પુણ્ય તને આપશું.’ ફરી મહારાજ છોકરાને કહે કે, ‘બીજુ માગ.’ ત્યારે છોકરો બોલ્યો કે, ‘મહારાજ ! મારું કલ્યાણ કરજો.’ ત્યારે મહારાજ કહે, ‘બહુ સારું છોકરા, તારી સાત પેઢીનું કલ્યાણ કરીશ.’
ત્યારે સુરા ખાચર તો બોલી ગયા, ‘ભણું મહારાજ, એટલું બધું દેવાય !’ ત્યારે મહારાજ કહે,આ છોકરાને તમારા વચનમાં વિશ્વાસ આવ્યો અને એણે અમને ભગવાન માન્યા એનો આ રાજીપો છે.’ ત્યારે સુરા ખાચર અને અલૈયા ખાચર કહે કે, ‘ધણીનો કોઈ ધણી નહીં. આવી દયા અને આવી ઉદારતા પરમેશ્વર વિના બીજા કોઈમાં જોવા ન મળે.’
વહાલા ભક્તો ! આમ વિશ્વાસ આવે તો કામ થાય, આજ્ઞા પળાય અને મોટાની તકે સેવા થઈ જાય તો તકદીર ખૂલી જાય ભગવાન કે ભગવાનના મોટા સંતો-ભક્તોનો વિશ્વાસ આવવો તે અતિ મહત્ત્વપૂર્ણ બાબત છે. વચ.ગ.મ.૬માં મહારાજે કહ્યું કે, “જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે, તે જ્યારે હૂંડી જે શાહુંકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હૂંડી માંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ-નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. જેમ હૂંડી માંથી રૂપિયા નીસરે છે તેમ.”