
પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ...
એક દિવસ એક યુવાન મને મળ્યો હતો.. તેના વેવિવશાળની વાત થતી હતી, એટલે હું બોલ્યો કે, ‘ભગવાન તારું પણ ઠીક કરી દેશે, ધુબાકા દે !’ મને કહે, ‘શું કહો છો ?’ મેં કહ્યું, ‘હા હા.. થઈ જાશે, ભલા માણસ !’ પછી બીજે ત્રીજે દિવસે તેના વેવિવશાળનું નકકી થઈ ગયું. પછી એણે મારા ઉપર ફોન કર્યો. તે એટલો બધો આનંદમાં હતો ! મને કહે, ‘ગુરુજી ! મારું ગોઠવાઈ ગયું !’ તે પાછો જયારે મને રૂબરૂ મળ્યો ત્યારે કહે, ‘હું તમારા ઉપર બહુ રાજી છું.’ એટલો બધો ખુશ હતો ! તેનો આનંદ જોઈને મને મનમાં થયું, આને સ્ત્રી મળી ગઈ તો કેટલો આનંદમાં છે !
વહાલા ભકતો ! એના જેવો આનંદ આપણને ભગવાન ઓળખાણા છે, સાચા સંતો-ભકતો મળ્યા છે તેનો થવો જોઈએ, ભગવાનમાં વૃત્તિ રહે કે ભગવાન મળે ત્યારે થવો જોઈએ. એને સ્ત્રી મળી તેથી ખુશ થયો અને આપણને કાંઈક ધન,માન-સન્માન મળે કે કાંઈક ધાર્યું થાય કે કાંઈક સંકલ્પ પૂરા થાય તેની ખુશી હશે. અંતે એનામાં ને આપણામાં શું ફેર પડયો ?
ભગવાન ન મળે ત્યાં સુધી કોઈ પણ વાતમાં આનંદ ન થાય ત્યારે સાચું ભકતપણું પ્રગટ થયું કહેવાય. પ્રભુ સિવાયની અન્ય વાતમાં આનંદ થાય ત્યારે મનમાં એમ વિચારવું જોઈએ કે, આને મારે શું કરવું છે ? મારે તો એક પ્રભુ જોઈએ છે.
એક નાની નણંદે તેના ભાભીને કહયું કે, ‘ભાભી ! લાવો મેંદી મૂકીને તમારા હાથ રંગી દઉં.’ ત્યારે તે બાઈ કહે, ‘બેન બા ! હાથ રંગીને કોને દેખાડું ? એનો જોનારો મારો ધણી તો પરદેશ છે.’ જુઓ, એક સામાન્ય બાઈને પણ એમ થાય છે કે, ‘હાથ રંગવા તો મારા ધણી માટે, બીજાને દેખાડવા માટે નહીં.’ તેથી મુકતાનંદ સ્વામીએ પણ લખ્યું કે :
સજી શણગાર સુભગ તન ગોરે,
ગુણ રાખે અયત ગે’રો રે;
જ્યાં લગી પિયુડો હસરી ન બોલાવે,
આભૂષણ સર્વે ડેરો રે.
પોતાનામાં શીલ-સંતોષ આદિક કાંઈ ગુણો હોય અથવા માયિક કોઈ પણ ચીજવસ્તુ પ્રાપ્ત થાય તો હૃદયમાં હરખ ન થાય, સુખ ન થાય અને અખંડ ‘મારો મહારાજ ! મારો મહારાજ ! મારો પ્રભુ કેદિ દેખાય, તેનું સુખ મને કેદિ મળે ?’ આમ વર્તાય ત્યારે ભક્તપણું આવું કહેવાય અને ત્યારે જ ભગવાનનો મહિમા સમજણો કહેવાય.
પેલી સિદ્ધપુરની જસ્મા ઓડણ જેવી એક ખાળિયા ખોદીને જીવનનિર્વાહ કરનારી સ્ત્રીને સિદ્ધરાજ જેવો નરેશ એમ કહે કે, ‘જો તું મારી સાથે ચાલ તો હું તને પટરાણી બનાવીને મારા રાજમહેલમાં રાખું.’ આટલી મોટી લાલચથી પણ તે મજૂરી કરનારી બાઈનું મન તે મોટા રાજવી પુરુષમાં જરાય ન ડોલ્યું. આને કહેવાય પતિવ્રતા સ્ત્રી ! અને આપણું મન તો સારી કઢી ભાળે તોય ભગવાન સ્વામિનારાયણને મૂકીને તે તુચ્છ કઢીમાં ડોલી જાય; અરે..! ડોલવાની વાત શું કરવી ? આખે આખું અંદર ઘૂસી જાય તે કાઢ્યુંય નીકળે નહીં. થોડીક ભૂખ લાગી હોય તો સરખી ભગવાનની માનસી પૂજા પણ ન થાય. એટલે આપણને જેવો આપણો દેહ અને જીભનો સ્વાદ વહાલો છે, એવા પ્રભુ વહાલા નથી.
વહાલા ભક્તો ! આપણે સહુ ભગવાનને પામાવાની ઈચ્છાવાળા છીએ. માટે તમારું જીવન અનીતિ અને અધર્મમય હરગીઝ ન હોવું જોઈએ. જે મોટા મોટા વર્તમાન લોપતા હોય તે તો હરિભક્ત રહેવાને લાયક જ નથી. ગૃહસ્થના મોટા પાંચ વર્તમાન છે તે તો તમારે પાળવા જ પડે.
પંચવર્તમાન પાળી ન શકે અને પોતાને હરિભક્ત ગણાવે એવી પાખંડવાળી ભક્તિ ભગવાનને જરાય ગમતી નથી. આપણું જીવન શુદ્ધ અને સારું હોવું જોઈએ. લાખ રૂપિયા હોય પણ તે ખોટા હોય તો તેમાંથી એક સફરજન પણ ન આવે; એમ પાખંડવાળી ભક્તિથી ભગવાન ન મળે. ભક્તિ કરવી તો સાચી કરવી. ભગવાન આપણું કેટલું કેટલું રાખે છે ? આપણે એનું કાંઈ રાખવા તૈયાર છીએ ? આ તો તેની પાસેથી બધું મળે છે એટલે તેની પાસે આવીએ છીએ. બાકી તો ભગવાનની સામુંય ન જોઈએ; એ જાતના આપણે અજ્ઞાની છીએ.
જેને ભગવાનને પામવું હોય તેને ભગવાનની આજ્ઞા પાળવી જોઈએ. પંચવિષયના સુખમાંથી વૃત્તિ પાછી વાળી ભગવાનમાં લગાડવી પડે તો ભગવાનમાં હેત થાય. જેટલા ભગવાનના સુખે સુખિયા થઈએ એટલા ભક્ત અને જેટલા વિષયના માયિક સુખથી સુખિયા થઈએ એટલી ભક્તપણામાં ખામી કહેવાય. માટે બીજેથી વૃત્તિ વાળી ભગવાનમાં જોડી સાચા અર્થમાં ભક્ત બનીએ.