
વહાલા ભક્તો ! એક વાત ધ્યાનમાં લ્યો : આ જગતના કોઈ પણ માણસો સાથે સંબંધ બગડે એ એટલું બધું નુકસાનકારક નથી, જેટલું ભગવાન સાથે સંબંધ બગડવાથી નુકસાન થાય. માટે પરમાત્મા ની સાથે આપણે રોજ રોજ સંબંધ ઘનિષ્ઠ કરતા રહેવું. આપણા દિલમાં ભગવાનની મૂર્તિ, એમનાં ચરિત્રો, એમનો સ્વભાવ, એમનાં લટકાં મટકાં એ આદિ દિવસે દિવસે વધારે ગમવું જોઈએ; તો આપણે ભગવાન સાથે સંબંધ ઘાટો થયો કહેવાય અને એ સંબંધની જે ઘાટ્યપ છે એ આપણને ચોક્કસ તારી દે છે.
ભગવાને નરસિંહ મહેતાનાં બાવન કામ કર્યા, મીરાંબાઈ માટે ઝેરનું અમૃત કર્યું, સખુબાઈનાં કામ કર્યા. એક વાર તો સખુબાઈ જાત્રાએ ગયા હતા. તે વખતે ભગવાન પોતે સખુબાઈનું રૂપ લઈને એના ઘેર પધાર્યા અને સખુબાઈને કરવાનાં કામ પોતે જાતે કરવા લાગ્યા. એકવાર એની સાસુએ સખુબાઈના રુપે રહેલા ભગવાનને બહુ માર્યા, થાંભલે બાંધી દીધા, ખૂબ દુ:ખ દીધું. તે બધું પ્રભુએ પોતે એક ભક્તને કારણે માથે લઈને ખમી ખાધું. આવા પરોપકારી, દિલ ના દયાળુ, ખમી ખાય એવા આ દુનિયામાં ભગવાન સિવાય બીજા કોણ હોઈ શકે ? માટે કહું છું કે, ‘ભગવાનની સાથે સારો મેળ રાખજો, ઘાટો સંબંધ બાંધજો.’
આ દુનિયામાં ઘણા ચતુર અને ડાહ્યા માણસો રાજકીય માણસો સાથે, અધિકારીઓ સાથે, કામના માણસો સાથે, ધનવાન અને આબરુદાર માણસો સાથે ખૂબ સારા ઘનિષ્ઠ સંબંધો જાળવી રાખે છે. કેમ જે, જિંદગીમાં ક્યારે કેવી તકલીફ આવે ને એમાં કોની જરુર પડે એનું કાંઈ નક્કી નહીં. અને જયારે જરૂર પડે તે સમયે કાંઈ સંબંધ બાંધી શકાતો નથી. તરસ લાગે ત્યારે કૂવો નથી ખોદાતો. એ બધી પૂર્વતૈયારીઓ રાખવી પડે છે. ડાહ્યો માણસ એને કહેવાય કે, જે સદા પૂર્વ તૈયારી રાખે.
ઘણા માણસને પૂર્વ તૈયારી શબ્દ ગમતો જ નથી. એ લોકો એમ જ બોલતા હોય છે, એ તો ટાણે બધું થઈ રહેશે. આવું માનીને અગાઉ કાંઈ ભણે-શીખે કે તૈયારી રાખે નહીં. આવા માણસો ઓછી બુદ્ધિના અને જાડધારા કહેવાય. આપણે એવા તો ન થાવું, પણ એવાનો સંગ પણ ન કરવો અને એવાની વાતને આદર પણ ન આપવો; નહિતર આપણે પણ એના જેવું જ જીવવા લાગીયે. પછી કોઈકવાર એમાંથી જ મોટી તકલીફ ઊભી થાય.
હવે એક સવાલ પૂછું? પૂર્વ તૈયારી વગર આત્યંતિક કલ્યાણ પામી શકાય ખરુંં? આપણા પૂર્વજો જે કોઈ સંતો-ભક્તો કલ્યાણને પામ્યા, એના બધાના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ખબર પડે કે, બધાએ વર્ષો સુધી દાખડા કરીને પૂર્વ તૈયારી કરી છે, ત્યારે આત્યંતિક કલ્યાણને પામ્યા છે. કોઈ વડાપ્રધાન થાય, કોઈ માણસ કલેક્ટર થાય, ડૉક્ટર થાય કે એન્જિનિયર થાય તે બધા પૂર્વ તૈયારી વગર થાય? એણે કેટકેટલા વરસ સુધી અભ્યાસ કરીને પૂર્વ તૈયારી કરી હોય ત્યારે તે તે સ્થાન ઉપર પહોંચે છે. તો આપણે પૂર્વ તૈયારી સાથે કેમ કોઈ મતલબ જ નથી ? માટે સાવધાન થઈને પૂર્વ તૈયારીરુપે પરમેશ્વરની સાથે ગાઢ સંબંધ બાંધો.
ભગવાન સાથે આપણે એવો સંબંધ હોવો જોઈએ કે, તેવો સંબંધ બીજા કોઈ સાથે ન હોય. સૌથી અધિક સંબંધ પરમેશ્વર સાથે રાખો, સૌથી અધિક હેત પરમેશ્વર સાથે રાખો, સૌથી વધારે આધાર માત્ર પરમેશ્વરનો જ રાખો.
વહાલા ભક્તો ! પરમેશ્વર બધામાં છે અને બધાના છે અને એ સર્વેસર્વા છે. માટે બધું જ કરવા સમર્થ છે. એવા ભગવાનની સાથે મારે અને તમારે ઘાટો સંબંધ બાંધી દેવો જોઈએ, જરાય પાતળો નહીં. તમે કહેશો કે, કેટલી હદ સુધીનો ઘાટો સંબંધ બાંધવો જોઈએ ? તો...
જેવો આ દેહ સાથે આત્મા ને સંબંધ લાગી ગયો છે તેવો. આપણે બધા જ આત્મા છીએ, શરીર નથી. દેહના ગુણ-સ્વભાવથી એકદમ અલગ છીએ. શરીરના ગુણધર્મો આત્મા ના ગુણધર્મોથી બિલકુલ ઑપોઝિટ છે. શરીર જડ છે, જયારે આત્મા ચેતન છે. શરીર જડ છે તે કેમ ખબર પડે ? તો આત્મા નીકળી જાય પછી શરીર હાલતું-ચાલતું કે કાંઈ જ જાણી શકતું નથી; માટે શરીર જડ છે અને આત્મા ચેતન છે.
બીજું એ કે, શરીર જન્મે છે, આત્મા જન્મતો નથી. શરીર મરે છે, આત્મા મરતો નથી. શરીર બાળ થાય, યુવાન થાય, વૃદ્ધ થાય વગેરે શરીરમાં વિકારો થાય છે, જયારે આત્મામાં કોઈ વિકાર થાતો નથી તે નિર્વિકારી છે. વળી શરીર દુ:ખરુપ છે અને આત્મા સુખરુપ છે. શરીર અંધકારમય છે જયારે આત્મા પ્રકાશમય છે. આવો શરીર અને આત્મા વચ્ચે બહુ મોટો ભેદ છે. કોઈ પ્રકારે એકબીજા સાથે કશું મળતું નથી. શરીર હાથ-પગ વગેરે અવયવોવાળું સાકાર છે જયારે આત્મા ને આકાર નથી. વળી શરીર ને ઈન્દ્રિયો છે જયારે આત્મા ને આંખ-કાન-નાક વગેરે એકેય ઈન્દ્રિય નથી. બંનેમાં આટલું બધું વિપરીતપણું હોવા છતાં તે બંને કેટલાં એકમેક થઈને રહે છે ! આત્મા એ શરીર સાથે કેટલો ઘાટો ઘનિષ્ઠ સંબંધ બાંધ્યો છે ! કેટલું એકત્વ કર્યું છે ! કેટલો ઓતપ્રોત થઈ ગયો છે !
આમ આપણે શરીર સાથે જેટલો ઘાટો સંબંધ કરી રાખ્યો છે એટલો ઘાટો સંબંધ પરમ કૃપાળુ પરમાત્મા ની દિવ્ય અલૌકિક મૂર્તિ સાથે કરી નાંખવો છે. પણ એને માટે પહેલા એક કામ કરવું પડશે, તે શું ? તો, દેહ સાથે છૂટાછેડા લેવા પડશે. જેમ પતિ સાથે ઘનિષ્ઠ સંબંધથી જોડાયેલી પત્ની ને કોઈક કારણસર અણબનાવ થાય, ત્યારે જો તેને બીજા પતિ સાથે સંબંધ બાંધવો હોય તો સામાજિક અને કાયદાકીય રીતે છૂટાછેડા લેવા પડે છે. તેમ આપણે જો પરમેશ્વરની સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવો હોય તો આ દેહ સાથે છૂટાછેડા લઈ, આપણા સાચા પતિ પુરુષોત્તમ સાથે તેવો સંબંધ બાંધવો પડશે.
વહાલા ભક્તો ! આપણા સાચા પતિ તો એક પુરુષોત્તમનારાયણ જ છે. આપણે દરેક આત્મા એ આ શરીર સાથે તો વ્યભિચારભાવથી જોડાણ કર્યું છે. આ શરીર આપણું સગું નથી, આપણા કાયમી સાચા સગા તો એક માત્ર પુરુષોત્તમ જ છે. આપણે ભૂલમાં આપણા પતિ ને પડ્યા મૂકીને આ દેહરુપ ભડવા સાથે વ્યભિચારભાવ કર્યો છે. કોઈ બાઈને પોતાના પતિ થી જુદા પડીને કોઈક પરપુરુષ સાથે જોડાણ થઈ ગયું હોય, પછી પાછું એને પોતાના પતિ સાથે જોડાવું હોય તો પેલા પરપુરુષને પડતો મકૂવો પડે. એમ આ આપણું શરીર છે એ પરપુરુષ સમાન છે. ખરેખર આપણો સાચો પતિ પુરુષોત્તમ છે. પુરુષોત્તમ સાથે જો અતિ ઘનિષ્ઠ સંબંધ બાંધવો હોય તો આ શરીર સાથેથી છૂટાછેડા લીધા વિના પુરુષોત્તમને પરણી શકાતું નથી.
આપણે મુસીબત એ થઈ છે કે, આ દેહ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધ્યો છે, એકત્વ સાધ્યું છે તે લફરુંં મૂકવું નથી અને પુરુષોત્તમ સાથે પરણવું છે, એ તો કેમ બને ? જો શરીર સાથે નાતો નહિ તોડીએ તો પૂર્ણ પુરુષોત્તમરુપી આપણા સાચા વર આપણા હાથમાં આવવાના નથી. માટે દેહ સાથે સંબંધ તોડી પુરુષોત્તમ સાથે જોડીએ તો કાયમી આનંદ આનંદ અને આનંદ જ મળશે, ક્યારેય દુ:ખી નહિ થઈએ...
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના
રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...