કથામૃતમ - ભગવાનમાં પ્રેમ કેમ થાય...?

કથામૃતમ - ભગવાનમાં પ્રેમ કેમ થાય...?

વહાલા ભક્તો ! જેટલું ધ્યાન રાખીને પ્રેમથી ભગવાનનું ભજન કરીએ એટલું થાય. મનમાં એક નિર્ણય હોવો જોઈએ કે, ‘મારે ભગવાનમાં હેત કરવું છે. મારે મારી તમામ ક્ષણો પ્રભુપ્રેમમાં જ વિતાવવી છે.’ આવો ઠરાવ હોય તો જ ભગવાનના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ કરી શકાય.

શું કરીએ તો ભગવાનમાં પ્રેમ થાય ? આ પ્રશ્ન આપણા બધાનો છે. ભગવાનમાં પ્રેમ કરવા માટે થોડીક સમજણ બદલવાની જરૂર છે. સહુથી પહેલા ભગવાનને પોતાના માનવા. તેમાં એ ધ્યાન રાખવું કે, પોતાને દેહ માનીને ભગવાનને પોતાના ન માનવા, નહીંતર ભગવાન દેહના થાય અને આત્મા સાઈડમાં રહી જાય. માટે પોતે પોતાને આત્મા માનવો. આપણે દેહ નથી, આત્મા છીએ. એ આત્મારૂપી હુંમાં હું ઠેરાવવું. અત્યારે આપણું હું દેહમાં ઠેરાણું છે, તો એને સાચી જગ્યાએ લાવવું, તો જ ભગવાનમાં સાચો પ્રેમ થશે.

હું એટલે આત્મા, એમ પોતાને પહેલાં ઓળખે અને પછી પ્રભુને પોતાના માને, તો બહુ સુખ આવે. ભગવાનને પોતાના માનવા; એટલે કે, આત્મા એવો હું તે મારા તો એક ભગવાન જ છે. ભગવાન સિવાય બીજું કોઈ મારું નથી. એમ પોતાનું સ્વરૂપ ઓળખીને ભગવાનને પોતાના સ્વીકારવા. પછી પોતાનામાં એટલે કે, આત્મામાં ભગવાનને પ્રગટ રાખીને ભગવાનનો મહિમા અને ગુણો વિચારવા. પછી પ્રભુમાં જે હેત ઊભરાય, તેને ભગવાનમાં સાચો પ્રેમ કર્યો કહેવાય.

શુદ્ધ આત્મારૂપ થઈને આવો જેટલો અભ્યાસ કરીશું, એટલું ભગવાનનું સ્વરૂપ આપણા આત્મામાં ઉપસશે. આવા અભ્યાસના ફળરૂપે આત્મામાં પરમાત્મા પ્રગટ થઈ જશે. જેમ યજ્ઞકુંડમાં આહૂતિ આપતાં-આપતા એમાંથી યજ્ઞનારાયણ પ્રગટ થાય; એમ આ બધી ભાવનાઓ આત્મામાં અને પરમાત્મામાં હોમતાં-હોમતાં આત્મામાં પરમાત્મા પ્રગટ થઈ જશે, સાક્ષાત્ દેખાશે.

ભગવાનના સ્વરૂપમાં હેતથી ભાવનાઓ હોમવી, એને જ પ્રેમ કર્યો કહેવાય. ભાવનાઓ હોમવી એટલે ‘દશ ઈન્દ્રિયોને અગિયારમું મન, એ સર્વે જે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછાં ખેંચીને બ્રહ્મઅગ્નિને વિશે હોમવાં, એને યોગયજ્ઞ કહેવાય.’ એટલે કે, હું આત્મા છું, ભગવાન સિવાય મારું કોઈ નથી. આવી ભાવના વારંવાર કર્યા કરવી.

પછી તે આત્માની જે વૃત્તિઓ છે તેને ભગવાનના સ્વરૂપમાં હોમવી. કહેતાં મારા સ્વરૂપમાં સાક્ષાત્ સાકારમૂર્તિ પુરુષોત્તમનારાયણ રહ્યા છે. એ જ મારા આત્મા છે, એ જ મારો આનંદ છે. એમના સિવાય કાંઈ જ મારું નથી અને કાંઈ જ મારું થવાનું નથી અને થશે પણ નહિ. હે સર્વાત્મા ! તમે એક જ મારા પ્રેમાસ્પદ છો.’ એમ અંતરદૃષ્ટિ રાખી ભગવાનમાં ભાવના હોમ્યા કરવી, એનું નામ જ્ઞાનયજ્ઞ.

આવો યોગયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ સત્સંગીમાત્રએ અખંડ કરવો જોઈએ, એવું શ્રીજીમહારાજનું કહેવું છે. એ રીતે અભ્યાસ કરવાથી આત્મા પરમાત્માને અવલંબી જાય છે અને તેથી પરમાત્માના સ્વરૂપમાં અતિશય પ્રેમ પ્રગટે છે. પછી ભગવાન અતિશય ગમવા લાગે, એની જ ભૂખ રહ્યા કરે.

જેટલું આપણને આપણું હું વહાલું લાગે છે; એટલે કે, આપણું સ્વરૂપ વહાલું લાગે છે, એટલા જ પરમાત્મા વહાલા લાગે, એને જ આત્માની ભૂમિકાએ ભગવાનમાં કરેલો સાચો પ્રેમ કહેવાય. આવો પ્રેમ પ્રગટ કરવો, એ જ આત્માનું કર્તવ્ય છે. અક્ષરધામના મુક્ત એ જ કામ કરે છે અને એમાંથી એને અપાર સુખ આવે છે. આપણે ભગવાનનું સ્વરૂપ અને આપણું આત્મસ્વરૂપ ભૂલીને અને આપણા દેહને હું માની જગતમાં પ્રેમ કરીએ છીએ, એટલે જ હેરાન થઈએ છીએ.

ભગવાનમાં પ્રેમ કરવા માટે ભગવાનનો મહિમા વિચારવો જોઈએ. તે માટે ભગવાનનો મહિમા જણાવનારા શબ્દોને ખૂબ વિચારવા અને વાગોળવા.

કોટી બ્રહ્માંડનો નાથ સર્વોપરી, તે વિના સ્થાન છે કોણ ખાલી;
દિવ્યતનુ તોય સર્વત્ર વ્યાપી રહે, કોણ એના સમો શક્તિશાળી
સૂર્ય એણે કર્યો ચંદ્ર એણે કર્યો, આભ ભરી ઊગતા કીધ તારા;
પવન જળ અનળ દળ વાદળો સૌ કર્યાં, પ્રાણીમાં ચેતનાના ફૂવારા

સર્વત્ર પ્રભુ બિરાજી રહ્યા છે. પરમાત્મા મૂર્તિમાન છે, છતાંય અનંતકોટી બ્રહ્માંડમાં પોતે પોતાના તેજથી વ્યાપીને રહ્યા છે. એને અંતર્યામી સ્વરૂપ કહો, દ્રષ્ટા કહો કે અન્વયસ્વરૂપ કહો.

અક્ષરધામમાં મુક્તોને સુખ દેવા માટે જે સાકારમૂર્તિ શ્રીહરિજી મહારાજ રહ્યા છે, તેને વ્યતિરેક સ્વરૂપ કહેવાય.પ્રભુ સર્વની અંદર પ્રવેશીને સૌનું નિયમન કરે છે, તે તેમનું અન્વયસ્વરૂપ છે. ભલે અત્યારે આપણને પૂર્ણપુરુષોત્તમનારાયણની ધામસ્થ મૂર્તિ દેખાતી નથી, કે નથી અન્વયસ્વરૂપ દેખાતું, પરંતુ તે ભગવાન પરમસત્ય છે. એને વિશ્વાસથી જ સત્ય માની સ્વીકારી લ્યો કે, ભગવાન મારા આત્મામાં મૂર્તિમાન બિરાજે છે. અને એ જ ભગવાન પોતાની શક્તિએ કરીને અન્વયસ્વરૂપે બધામાં બિરાજ્યા છે.

ભગવાનની સામું આપણે જોઈ રહેવું એટલે કે, માત્ર મૂર્તિ સામું જોઈ રહેવું એટલું જ નહિ, પરંતુ કર્તાપણે તેમનું અન્વયસ્વરૂપ સર્વત્ર વ્યાપીને રહ્યું છે, એની સામું પણ જોઈ રહેવું. અર્થાત્, બધું એ જ કરે છે, એમ ભગવાનનો મહિમા વિચારતા રહેવું. મૂર્તિ તો એકદમ સ્થિર ઊભી હોય એ કાંઈ કરતી ન દેખાય. પરંતુ, જે કાંઈ કાર્યમાત્ર થઈ રહ્યાં છે તે એક માત્ર ભગવાનના કર્તૃત્વને લઈને જ થઈ રહ્યા છે. માટે એ અન્વયસ્વરૂપ કર્તામૂર્તિ અને વ્યતિરેક અકર્તામૂર્તિ બંનેનું અનુસંધાન રાખીને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરવો.

ભગવાનની મૂર્તિને આત્મામાં ધારીને પછી, જે કાંઈ કોટી બ્રહ્માંડમાં
થઈ રહ્યું છે તે આ ભગવાન જ કરી રહ્યા છે; એમ ભગવાનનું કર્તૃત્વ સ્વીકારવું, તો જ આપણું કર્તૃત્વ ભગવાનમાં વિલીન થશે. ‘હું કરું છું’ એ જ અહંકાર છે. પરંતુ ‘કર્તા એક ભગવાન જ છે’ એમ સ્વીકારીએ, એટલે અહં ઓગળી જાય. પછી આપણું અસ્તિત્વ પણ ભગવાનમાં અતિ હેતથી ગળી જાય અને ભગવાન મળી જાય. આ પરમેશ્વરને પામ્યાની થીયરી છે.

આપણે જ્યારે ભગવાન શ્રીહરિને સાકાર માનીએ છીએ, ત્યારે માત્ર મૂર્તિ પૂરતાં જ ભગવાનને ભગવાન માનીએ છીએ. ભગવાનનાં દર્શન કરતી વખતે, એમાં હેત કરતી વખતે, ‘પ્રભુ સર્વત્ર વ્યાપીને રહ્યા છે’ એવું આપણે અનુસંધાન રાખી શકતા નથી. પરંતુ, બધામાં ભગવાન વ્યાપીને રહ્યા થકા મને દર્શન આપે છે; એમ મનાય તો હૃદયમાં અહો ! અહોપણું રહ્યા કરે. વળી, બ્રહ્મરૂપે થઈને ભગવાનમાં જે પ્રેમ થાય, એ પ્રેમ સર્વ ખામીઓને ટાળનારો છે, વાસના બાળનારો છે અને ખરેખર આત્મામાં પરમાત્માને પ્રગટાવનારો છે.

આવો બ્રાહ્મી ભૂમિકાનો પ્રેમ ભગવાનમાં થવો મહાદુર્લભ છે. દૈહિક પ્રેમ તો બધાય કરે છે. જે રીતે છોકરાને પ્રેમ કરે, પત્નીને પ્રેમ કરે એમ ને એમ ભગવાનમાં પ્રેમ કરે; પણ એ બધો તો દેહભાવવાળો પ્રેમ છે. આમ લાગે સારું , પણ છેવટે એ બધો પ્રેમ રેળાઈ જાય છે. અને આવી રીતે ભગવાનને પ્રેમ કરતાં કરતાં જીવ પાછો સંસારમાં પ્રેમ કરવા લાગી જાય છે. પરિણામે ભગવાનનું સુખ આવ્યું હોય એ બધું જતું રહે. તેથી અંતરમાં વિષયની વાસના ઊભી થઈ જાય અને એની પીડા શરૂ થઈ જાય છે. માટે પ્રેમ તો બ્રાહ્મી ભૂમિકાથી થાય એ જ સાચો. જે પ્રેમ કદી રેળાતો નથી. માટે બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં પ્રેમ કરવાનો અભ્યાસ કરવો...