
વહાલા ભક્તો ! ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારે જો ભગવાનમાં હેત થઈ જાય તો પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. પ્રભુમાં પ્રીત થાય એની જગતમાં જીત થાય છે. પ્રેમ વિશ્વની અજબ શક્તિ છે. માટે ભગવાનમાં પ્રેમ કરવો એ સારમાં સાર વાત છે.
ભગવાન અને સાધુ જો વહાલા લાગે તો બેડો પાર થઈ જાય. જો જીવને ભગવાન કાં તો સંત ગમી ગયા તો તેની જીત થઈ ગઈ. માટે રોજ-રોજ થાય એટલો વધુમાં વધુ ભગવાનમાં પ્રેમ કરીએ. અરે ! પળેપળ પ્રભુમાં પ્રેમ કરીએ. પ્રેમ કરવામાં કેવળ સુખ જ રહ્યું છે. કેમ જે, પ્રેમ પ્રભુનું સમીપપણું કરાવી દે છે.
પ્રેમીભક્તને ભગવાન હૃદયમાં રાખે છે. કેમ જે, પ્રેમીભક્ત ભગવાનને પોતાના હૃદયમાં રાખે છે. પ્રેમીભક્ત ભગવાનને ભૂલવા જાય તોય ભૂલી શકતો નથી. કેમ જે, તેને એક ભગવાનમાં જ પ્રેમ છે,બીજે ક્યાંય નહીં. આત્માનો સહજ સ્વભાવ એવો છે કે, એને જેની જરૂર જણાય એ સતત સંભાર્યા કરે છે. માટે પરમાત્માની જરૂરિયાત ઊભી કરો.
જો ભગવાનની જરૂર ઊભી થાશે તો બીજા ગુણો તેની મેળે આવી જાશે. શ્રીજીમહારાજે અંત્યના ૧૪ મા વચ.માં એમ કહ્યું છે કે, “જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ. તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તેમાણસના દેહમાં તો થાય પણ પશુનેપણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવેતો તેનેમારી નાંખેછે,એવી રીતે પશુ-પક્ષીમાં સર્વત્ર દેખાય છે; તેમ જેને ભગવાનને વિશે દૃઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દૃઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય ને વિવેક થઈ આવે છે.”
વળી, પ્રેમમાં તો આત્મનિષ્ઠા પણ આવી જાય, એવી પ્રેમમાં તાકાત છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણેય પ્રેમ ભેળો કરવાનાં સાધનો છે. પ્રભુમાં પ્રેમ હોય તો ભગવાન સિવાયનું બધું ભૂલાઈ જાય; પણ આપણું હૃદય જ્યાં સુધી લુખ્ખું છે ત્યાં સુધી ભજન કરવાની મજા આવે નહીં. જેને પામવું છે, જેનું ભજન કરીએ છીએ તે શ્રીહરિમાં જ હેત નહીં. અને જેનું ભજન કરવાનું નથી, જે તજવા લાયક છે, એવી સ્ત્રીમાં પુરુષને અને પુરુષમાં સ્ત્રીને હેત છે. તે બેયને સંતાનોમાં હેત છે. તે બધાને ગાડી-બંગલા, રૂપિયા, કુટંબ-પરિવાર, મોજશોખ, પંચવિષય વગેરેમાં હેત છે; આનાથી મોટી કમજોરી કે કઠણાઈ બીજી કઈ હોઈ શકે !
વહાલા ભક્તો ! આજ દિન સુધીમાં જેનાં જેનાં કામ થયાં છે એ બધાનાં કામ ભગવાનમાં પ્રેમ થવાથી થયાં છે, ભાવને લઈને થયાં છે. ભગવાન તથા સંતો-ભક્તોમાં થોડો ઘણોય ભાવ થાય અને હૈયામાંથી અભાવ દૂર જાય તો બહુ મોટું કામ થઈ જાય.
એક વાતનો ખ્યાલ રહે કે, એ ભાવમાં બિલકુલ વાસ્તવિક ભાવના જોઈએ, કોઈને બતાવવાની નહિ; તો બહુ સુખ આવશે. અંદરથી ભર્યા ભર્યા રહેવાશે. પ્રભુને પ્રેમ બહુ ગમે છે. માટે વહેમમાં નહિ પણ પ્રેમમાં જીવન જીવતાં શીખીએ. પ્રેમીભક્તને ભગવાન વિના નથી રહેવાતું અને ભગવાનને તેવા ભક્ત વિના નથી રહેવાતું. બેયને એકબીજાની અરસપરસ બહુ જ તાણ રહે છે, ખેંચાણ રહે છે. ભક્તને ભગવાન મળી જાય તો ગોળના ગાડાં મળ્યાનો આનંદ થાય છે અને ભગવાનને ભક્ત મળી જાય પછી કાંઈ ન જોઈએ; સુખનો સાગર છલકે. એ બંને એકબીજાની સામું જોઈ રહ્યા છે અને બીજું બધું ભૂલી ગયા છે. આપણે બીજું બધું સંભારવા રહ્યા એમાં ભગવાન ભૂલી ગયા. વર્ષોથી ભગવાન સિવાયનું સંભારીએ છીએ, તો પણ બીજું સંભારવાની ભૂખ ભાંગી નહીં. અને હજી કરોડો જન્મ સુધી કે કરોડો યુગો સુધી ભગવાન સિવાયનું બીજું સંભાર્યા કરીશું, ચિતવ્યા કરીશું, વિચાર્યા કરીશું તો પણ એમાંથી કશું જ મળશે નહીં. માટે ભગવાનનો મહિમા સમજી ભગવાનમાં પ્રેમથી જોડાઈ જઈએ. તેમાં આનંદનો પાર નથી, શાંતિનો પાર નથી; એમ સર્વે શાસ્ત્રો અને સર્વે અનુભવી સંતો કહે છે. માટે ભગવાનમાં પ્રેમ કરવા ભગવાનના નામનો આધાર લઈને નામીએ સહિત નામ જપવું.
ભગવાન અને સંતો વહાલા નથી લાગતા એનું કારણ એ છે કે આપણને રૂપિયા બહુ વહાલા લાગે છે. જેને રૂપિયા બહુ વહાલા હોય, રૂપિયાનો આશ્રય હોય, રૂપિયાની ખેંચ હોય, પ્રોપર્ટી, સમૃદ્ધિ, ઘરેણાં, ગાડી-બંગલા, મોજશોખનાં-ભોગનાં સાધનો વગેરે બહુ ગમતાં હોય એને ભગવાન અને સાધુ ક્યાંથી ગમે ? ખાર ભૂમિમાં આંબા ન થાય. અને કદાચ ગોટલું પડયું હોય અને વરસાદના પાણીથી આંબો ઊગે ખરો, પણ બે-ત્રણ પાંદડાં કાઢીને સુકાઈ જાય. એમ આપણે કાંઈક શિબિરમાં-ઉત્સવમાં કે સમૈયામાં થોડો સમય સંતના યોગમાં આવી ગયા હોઈએ ત્યારે આપણા હૃદયમાં થોડી ઘણી ભક્તિ ઊગે, બે-ત્રણ પાંદડાં કાઢે અને પછી એની મેળે સુકાઈ જાય. ત્યાં કાંઈ કેરીઓ ન આવે. એનું કારણ એ કે આપણને માયા બહુ ગમે છે. જે માયાએ આપણને જન્મ-મરણ કરાવ્યું છે, ગર્ભવાસનાં દુઃખ દીધાં છે, જમપુરીમાં મોકલ્યા છે. આધિ-વ્યાધિ-ઉપાધિમાં આપણને બાળ્યા કરે છે; એ માયા આપણને હજી વહાલી લાગે છે. એનો અભાવ ક્યાં આવે છે ?
વહાલા ભક્તો ! આપણે અંદરથી પરમાત્માની જરૂરિયાત ઊભી કરવાની જરૂર છે. આપણે બીજું બધું બહુ ઊભું કર્યું છે, પણ પ્રભુમાં પ્રેમ ન ઊભો કરી શક્યા. કેમ જે, બીજે-ત્રીજે પ્રેમ કર્યો, બીજું જ સંભાર્યું, બીજું જ ચિંતવ્યું, બીજું જ વિચાર્યું. તેથી ભગવાન તો સાઇડમાં રહી ગયા અને ભગવાન વિનાની બીજી ઇચ્છાઓ ટળી નહી