કથામૃતમ - પ્રભુ વિના આપણું કોઈ નથી

કથામૃતમ - પ્રભુ વિના આપણું કોઈ નથી

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...

વહાલા ભક્તો ! આપણા વેદો, ઉપનિષદો અને પુરાણો આપણને સતત એવી યાદી આપે છે કે, હે આત્માઓ ! તમારું સર્વસ્વ એક અને માત્ર એક પરમાત્મા જ છે. ભગવાન સિવાય તમારું કોઈ હતું નહિ, છે નહિ અને આગળ કોઈ હશે નહીં. ભારત દેશના સંતો આપણને સતત યાદી આપે છે કે, આ મનુષ્યજન્મ ઘડી-બે ઘડી પૂરતો છે અને એ પણ સત્યને પામવા માટે છે. માટે સાવધાન થઈ સત્ય એવા પરમાત્માને જે પ્રકારે પમાય તે રીતે વર્તી ભગવાનને પામી જાવ, પામી જાવ, પામી જાવ. એમાં મોડું કરશો મા. જો અધૂરું રહી ગયું તો ફરીને પાછું જન્મ-મરણના ચક્કરમાં આવવું પડશે. ફરી ગર્ભવાસની પીડા, જન્મનું જબરું દુઃખ, બાલ્યાવસ્થાની બબાલ, આધિ, વ્યાધિ ને ઉપાધિના તાપ, અંતે મૃત્યુની મોકાણ આ બધું સહન કરવું પડશે. માટે અત્યારથી જ સમજી-વિચારીને ભગવાનમાં હેત કરો...પ્રભુમાં પ્રીત કરો.

જો પરમાત્મા સાથે આપણે સારો સંબંધ હશે તો એ અંતકાળે આવીને ઊભા રહેશે. અને પ્રભુ તો જન્મ-મરણ, ગર્ભવાસ, લખચોરાશી, જમપુરી આદિ તમામ દુ:ખો થકી આપણી રક્ષા કરવા સમર્થ છે. સ્વામી કહે છે :-

  વળી અંતકાળે આવો છો-જીવન જાણું છું,
              રથ વે’લ વિમાન લાવો છો-જીવન જાણું છું;
વળી ઘણેમૂલે ચઢી ઘોડે-જીવન જાણું છું,
             આવો છો સખા લઈ જોડે-જીવન જાણું છું.

જ્યારે આપણો અંતકાળ આવશે ત્યારે મહારાજ આવીને ઊભા રહેશે. ખાટલામાં પડ્યા હોઈશું, કાં દવાખાનામાં હોઈશું, કાં ક્યાંક ભટકાણા હોઈશું તો રોડ માથે લોહીલુહાણ પડ્યા હોઈશું, એ પરિસ્થિતિમાં કોણ આપણી પાસે આવે ? આજે આપણને જોવા મળે છે, વોટ્સએપમાં ક્લીપો આવે છે કે, ગમે તે માણસ ગમે તેને ટલ્લે ચઢાવીને જતા રહે છે. પેલો માણસ પડી જાય તોય એ ભટકાડનારા ઉભાય નથી રહેતા. બીકના માર્યા ભટકાડનારા ન ઊભા રહે તે તો ઠીક પણ ઘાયલ થયેલાના માથામાંથી લોહી વહી જતું હોય, ત્યારે જે કોઈ માણસો રસ્તા પરથી નીકળે ત્યારે જાણે કાંઈ થયું જ ન હોય એ રીતે શાંતિથી આવ-જા કરતા હોય છે. ઓલ્યો લોહીલુહાણ હાલતમાં પડ્યો‌ હોય, તોપણ જેને જીવદયા કહેવાય એ આજ જાણે મરી પરવારી હોય એમ વર્તતા હોય છે. પેલાને ઉઠાવીને કોઈ દવાખાને પણ ન લઈ જાય !

માટે વહાલા ભક્તો ! સ્વાર્થથી ભરેલા આ લોકમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય આપણું કોઈ નથી. એવા સમયે તો મહારાજ આવશે. ત્યાં આપણાં મા-બાપ, છોકરાં કે સ્ત્રી કોઈ કામ નહિ લાગે, પણ પ્રભુ સાથે સારો મેળ રાખ્યો હશે તો તે આવીને ઊભા રહેશે. બીજું કોઈ નહિ આવે. ઘણી વાર તો એવા સંકટ સમયે સગાં-સંબંધીને ખબરેય ક્યાંથી હોય ? અને ખબર પડ્યા પછી કદાચ આવે તો તેનાથી થઈ પણ શું શકે ? ત્યારે તો જો આપણે ભગવાન સાથે સારો સંબંધ હોય તો તે ઉગારે.

એકવાર શ્રીજીમહારાજ ગામ સારંગપુરમાં બિરાજમાન હતા. તે સમે જીવા ખાચરે મહારાજને કહ્યું કે, ‘મહારાજ ! વરસાદ વિના મોલ સુકાય છે માટે દયા કરીને વરસાદ કરો.’ ત્યારે મહારાજ બોલ્યા કે, ‘વરસાદ કરવો તે ક્યાં અમારા હાથમાં છે ? તે તો પરમેશ્વર કરે ત્યારે થાય.’ ત્યારે વસ્તા ખાચર કહે, ‘કરો તો તમારા હાથમાં છે ને, ન કરવો હોય તો તમારી મરજી.’ પછી મહારાજ ઓસરીથી હેઠા ઊતર્યા ને ચોકમાં ફરવા માંડ્યા ને ‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...’ એમ બોલતા જાય ને આકાશમાં જોતા જાય. ત્યાં તો આકાશમાં ખાટલા જેવડું વાદળું દેખાણું ને તે વૃદ્ધિ પામીને વરસવા માંડ્યું ને બહુ મેઘ વરસ્યો. પછી જીવા ખાચરના ઓરડાની પછીત પડી ત્યારે મહારાજ બોલ્યા જે, “ઓરડામાં નાના છોકરાનું ઘોડિયું છે તે લઈ લ્યો.” પછી લીધું ત્યાં તો તરત કરો પડ્યો, ને પછી તો જીવા ખાચરનું આખું ઘર પડી ગયું. આમ વરસાદ ત્રણ દિવસ સુધી વરસ્યો તેથી મહારાજ રાજગર બ્રાહ્મણના ઘરમાં રહેવા ગયા અને સંતો ચોરામાં જઈને ઊતર્યા.

તે સમયે ત્યાં કોઈક બ્રાહ્મણનું ઘર પડ્યું ને તેની હેઠે ઢોર દબાણાં એટલે તે બ્રાહ્મણ મહારાજ પાસે દોડતો આવ્યો ને બોલ્યો કે, ‘મારાં ઢોર મોભ હેઠે દબાણાં છે તે કોઈક કાઢો.’ પછી મહારાજ પોતે દોડીને ગયા ને પોતાનો ખભો દઈને મોભ ઊંચો કરીને તેનાં ઢોર કઢાવ્યાં. તે વખતે મહારાજને ખભા ઉપર કાપો પડી ગયો હતો. એનાં સગાંવહાલાં બધાં અડખે-પડખે જ રહેતાં હતાં, તોપણ કોઈ ઢોર બચાવવા ન આવ્યાં.

આવા દયાળુ પરમાત્મા સાથે ખૂબ સારા સંબંધ રાખવા પણ તેમની સાથે ક્યારેય બગાડવું નહિ. આપણે ભગવાન સાથે બગાડ્યું કોને કહેવાય ? તો આપણે બીડી પીએ, દારુ પીએ, જુગાર રમીએ, ચોરી કરીએ, કુદૃષ્ટિ કરીએ, ભૂંડાઘાટ કરીએ, અનીતિનું દ્રવ્ય ઘરમાં લાવીએ, પરસ્ત્રી કે પરપુરુષ સાથે ન કરવાના ગોરખધંધા કરીએ; આવાં અનેક પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કામો કરીએ એટલે પ્રભુ સાથે આપણા સંબંધો બગડે અર્થાત્ ભગવાનનો આપણા પર જે રાજીપો હોય તે કુરાજીપામાં પરિણમી જાય. ભગવાનને આપણા પર જે લાગણી હોય તે નાશ પામે અને ભગવાન આપણી પણ તેમના શરણાગત હોવા છતાં બીજા જીવની જેમ ઉપેક્ષા કરે, તેને ભગવાન સાથે બગડ્યું કહેવાય.

ઘણાં બાઈ-ભાઈ, ત્યાગી-ગૃહી ભક્તો ભગવાનની સાથે દિનપ્રતિદિન સંબંધને ઘાટા કરતાં જાય છે; તો ઘણા મૂર્ખાઈમાં અવળા સંગદોષે કાં તો વધારે પડતાં સુખ, સગવડતા, ધન-સંપત્તિના યોગને કારણે ભગવાન સાથે જે પોતાને ઘાટો સંબંધ હોય એ પણ પાતળો, પાતળો કરતાં જાય છે. માટે ભગવાન સાથે બગાડવું નહિ પણ એની સાથે ખૂબ ઘાટા સંબંધ થાય એમ જીવવું. દરેક ક્રિયામાં એ અનુસંધાન રાખવું કે આનાથી મારો ભગવાન સાથેનો સંબંધ ઘાટો થશે કે પાતળો ? આવા અનુસંધાન સાથે જીવીશું તો ક્યારેય ભગવાનના ગમતા બહાર વાણી વર્તન નહિ થાય અને ભગવાન બહુ રાજી થશે.