
એક પૌરાણિક કથા મુજબ વિંધ્યાચળ પર્વતને એકવાર વિચાર આવ્યો કે, સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે તો મારી કેમ ન કરે ? પછી તેણે સૂર્યને કહ્યું, ‘તમે એક વાર મારી પ્રદક્ષિણા કરો.’ સૂર્યદેવ કહે ‘તે શક્ય નથી.’ એટલે વિંધ્યાચળ પર્વત કહે ‘તો હું મારું શરીર અતિશય વધારીશ.’ પછી વિંધ્યાચળ અતિ વધવા લાગ્યો. પરિણામે ધરતીનું વાતાવરણ જોખમાયું.
પછી દેવો-ઋષિઓએ વિંધ્યાચળના ગુરુ અગત્સ્ય ઋષિને પ્રાર્થના કરી. તેથી અગત્સ્ય ઋષિ વિંધ્યાચળ પર્વત પાસે આવ્યા. ત્યારે વિંધ્યાચળે ગુરુને દંડવત કર્યો. તે જ વખતે ગુરુએ કહ્યું ‘જો તું મને ગુરુ માનતો હો તો હું પાછો ન આવું ત્યાં સુધી તું આમને આમ સૂતો રહેજે.’ એમ કહી ઋષિ જતા રહ્યા.
વિંધ્યાચળ ગુરુભક્ત હતો. તેથી ગુરુના વચને વર્ષો સુધી એમને એમ રહ્યો. ત્યારે તેને કોઈએ કહ્યું કે ‘તારા ગુરુ કેવા ? તારી ઈચ્છા પૂરી ન થવા દીધી.’
ત્યારે વિંધ્યાચળે બહુ સરસ વાત કરી કે ‘તમે મને કોઈ શિખામણ દેતા નહીં. કેમ જે, હું મારા ગુરુ કરતાં મને કે તમને મોટા કે બુદ્ધિશાળી માનતો નથી. અગત્સ્ય ઋષિ મારા ગુરુદેવ છે. તેઓ જે કરતા હશે તે મારા હિત માટે જ હશે; તેવો મને મારા ગુરુમાં દૃઢ વિશ્વાસ છે. માટે આમને આમ યુગો જાય તોપણ હું મારા ગુરુનું વચન લોપીશ નહીં. હવે ખબરદાર કોઈ મારા ગુરુ વિશે કાંઈ પણ બોલ્યા તો !’
પછી રામચંદ્ર ભગવાને ઋષિમુનિઓ સાથે વિંધ્યાચળ પર્વતના મુખ્ય શિખર ચિત્રકૂટની ચૈત્ર સુદ-૧ થી ચૈત્ર સુદ-૯ સુધી ૧૧ પરિક્રમા કરી. તે સમયે વિંધ્યાચળ નાચી ઊઠ્યો અને કહે, ‘જો મેં ગુરુવચનમાં વિશ્વાસ રાખ્યો તો જેના રોમરોમમાં અનંત સૂર્ય-ચંદ્ર ઊડતા ફરે છે એવા નારાયણે પોતે મારી પરિક્રમા કરી.’
વિંધ્યાચળની આવી ગુરુનિષ્ઠાથી ખુશ થઈને ભગવાને ઋષિઓને કહ્યું કે, ‘હવેથી દર ચૈત્ર મહિનામાં જે કોઈ આ પર્વતના ચિત્રકૂટ શિખરની પરિક્રમા કરશે તેના સર્વે મનોરથો સિદ્ધ થશે.’ ભગવાને આપેલા આ વરદાનને કારણે હજી સુધી હજારો સંતો-ભક્તો ચૈત્ર માસમાં ચિત્રકૂટની પ્રદક્ષિણા કરે છે.
જો સુખી થાવું હોય તો ડહાપણ ડોળ્યા વગર મોટા સંતના વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખવો. કોઈ તેમના વિશે બોલે તો વિંધ્યાચળની જેમ જવાબ આપવો કે, તમે ગમે તેટલા ડાહ્યા હો છતાં મારા ગુરુ કરતાં તો હું તમને અધિક માનતો નથી.’ આવી નિષ્ઠા આપણે પણ રાખશું તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે.
શ્રીહરિએ ગ.મ.૪૫માં કહ્યું છે કે, “ભગવાન અને ભગવાનના સંત રાજી થાય તેવું કર્મ કર્યું હોય અને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તોપણ તે ભૂંડાં કર્મ નાશ થઈ જાય અને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના સંતો-ભક્તો રાજી થાય એમ જ કરવું. અને પોતાનાં સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે, ભગવાન અને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય અને કૃપા કરે તેમ જ વર્તવું.”
સંબંધીઓને પણ આવી રીતે શું કામ સમજાવવું ? તો શ્રીહરિએ વચ. ગ.મ.૪૫માં કહ્યું છે, “ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે; અને સૂર્ય-ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે; અને દેવલોક-મૃત્યુલોકને વિશે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે તેને તો સદ્ગ્રંથને વિશે કહ્યા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.”
વહાલા ભક્તો ! જીવ તો ભવ બગાડે તેવો છે. તેને નિર્માની થાવું ગમતું નથી. ભગવાન આપણું એકાદ કામ કરે, ક્યારેક સારું સ્વપ્ન આપે, ધ્યાન-ભજનમાં ક્યારેક સુખ આપે, કાંઈક નાનો પરચો આપે એટલે આપણી ચકલી ફલેકે ચઢે. પછી કોઈને ન ગાંઠીએ; માટે ધ્યાન રાખવું, ભગવાનને પ્રાર્થના કરતા રહેવું તો પાર પડાશે.
જેમ જેમ પ્રભુ પાસે જઈએ તેમ રસ્તો શિખરની ટોચની જેમ બહુ કરાળ અને સાંકડો હોય છે. માટે જેને અક્ષરધામ સુધી પહોંચવું છે તેને બહુ સાવધાની સાથે આ માર્ગમાં ઉપર ચઢવું પડે છે. સંતો-ભક્તો થોડા પણ ગૌણ થાય તો ઘણા ઊંચે ચડયા હોય ત્યાંથી નીચે પડવું પડે. કરેલું ભજન, સેવા, દાન વગેરે ધોવાઈ જાય.
શ્રીહરિ તથા સત્પુરુષ તો અલૌકિક રીતે વર્તતા હોય છે. આપણે સમજુ થઈને તેમાં અલૌકિકભાવ રાખીને તેમના વિશ્વાસુ બનીએ તો આધ્યાત્મિક માર્ગનાં ઊંચામાં ઊંચાં શિખરો સરળતાથી સર કરી શકીએ.