
ગામ મૂળધરાઈમાં કાનજીભાઈ તથા સુંદરજીભાઈ નામે બે વણિક ભાઈ હતા. બંને ભાઈ પોતાના કાંઈક કામપ્રસંગે ગઢપુર આવેલા. તેઓ સત્સંગી ન હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાન વિશે ખૂબ વાતો સાંભળેલી તેથી ગુણભાવ હતો; એટલે મંદિરે ગોપીનાથજી મહારાજનાં દર્શન કરવા ગયા. મંદિરમાં દર્શન કરી સંતોની ધર્મશાળામાં દર્શન કરવા ગયા. ત્યાં તેમને કોઠારી ભક્તિવલ્લભદાસજી સ્વામીનો સમાગમ થયો. સ્વામીએ તેમને મહારાજ અને સંતોના મહિમાની ખૂબ વાતો કરી, એટલે તે બંને ભાઈઓએ સત્સંગી થવાનો સંકલ્પ કર્યો. તેથી કોઠારી ભક્તિવલ્લભદાસજી સ્વામી તે બંને ભાઈઓને આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજ પાસે લઈ ગયા ને બંને ભાઈઓને મહારાજશ્રીના હાથે વર્તમાન ધરાવી કંઠી પહેરાવી સત્સંગી કર્યા.
આમ, સ્વામીનાં હિતવચનો સાંભળી તે બંને ભાઈ રોટલા જમીને ઘેર ગયા. ઘેર આવી તેઓ સુખેથી સત્સંગ-ભજન કરતા હતા. એમાં પછેગામના કેટલાક કુસંગી બ્રાહ્મણોને ખબર પડી કે કાનજીભાઈ અને સુંદરજીભાઈ ગઢડે જઈને સત્સંગી થઈને ઘેર આવ્યા છે. આ તેમનાથી જોયુંં ન ગયું અને તેઓએ આ બંને ભાઈઓનો સત્સંગ મુકાવી દેવાનું નક્કી કર્યું.
આ સાંભળી કાનજીભાઈ સુંદરજીભાઈ સામું જોઈને કહે, “અરે ભાઈ ! આપણે ગઢપુરમાં સંતો પાસે વાતો તો ઘણી સાંભળી હતી, પણ ચાલતી વખતે આપણા ગુરુ કોઠારી ભક્તિવલ્લભદાસજી સ્વામીએ વાત કરી હતી કે, “તમે દૂધપાક જેવું મીઠું ભોજન જમ્યા છો, તે હવે જો જો આ અમૃત સરખા દૂધપાકમાં માંખીઓ નો પડે !! તે આ માંખીઓ આવી.” આમ કહી બંને ભાઈ જેમ જમતાં જમતાં માંખીઓ ઉડાડે તેમ હાથ હલાવવા લાગ્યા.
આ જોઈ પેલા બ્રાહ્મણો કહે, “અરે, આ શું કરો છો ?” ત્યારે બંને ભાઈ કહે, “અમો માંખીઓ ઉડાડીએ છીએ. અમે સત્સંગરૂપી અમૃત જમ્યા છીએ, ને જો આ તમારા માંખીઓરૂપ શબ્દો અંદર જાય તો અમારો અમૃત સરખો સત્સંગ ઝેર થઈ જાય. અને આ કંઠી તો માથા સાટે છે, તે નીકળે તેમ નથી. તમારે જમવું હો તો પ્રેમથી જમાડીએ નહિતર ચાલતા થાવ.”
આમ કહી તેનો એક ચાકર ત્યાં હતો તેને કહ્યું કે, “આ બ્રાહ્મણોને પછેગામનો માર્ગ બતાવી આવ્ય.” આ સાંભળી તે વીસેય બ્રાહ્મણો સમજી ગયા કે, આ પાકા સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયવાળા છે, તે આપણા ડોલાવ્યા ડોલે તેવા નથી. એમ ધારીને બન્ને ભાઈઓને જય સ્વામિનારાયણ કહીને પોતાને ગામ પાછા ચાલ્યા ગયા.
આમ, કાનજીભાઈ તથા સુંદરજીભાઈ જરા પણ નિશ્ચયમાંથી ડગ્યા નહીં. પછી તો તેના નાતભાઈઓએ પણ ઘણી ઉપાધિ કરી હતી, તોપણ તેઓએ આજીવન શિર સાટે સત્સંગ રાખ્યો હતો અને ગઢપુરમાં સંતો અને દેવોની ઘણી સારી સેવા કરી મહારાજનો રાજીપો લીધો હતો.