એક સિક્કાની બે બાજુ...

એક સિક્કાની બે બાજુ...

વહાલા ભક્તો ! આપણે એ વાત સારી રીતે સમજીએ છીએ કે પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી કોઈ કાળે થઈ શકતી જ નથી. તેમની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર તેમની પોતાની કૃપાથી જ થાય છે અને તે પૂર્ણ પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના પ્યારા સંતો-ભક્તોની કૃપા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો રાજીપો મેળવવો અનિવાર્ય છે.

આ દૃષ્ટિએ શ્રીહરિના પ્યારા સંતો-ભક્તોનો રાજીપો એ આપણા આધ્યાત્મિક માર્ગની સૌથી મોટી મૂડી છે. એક દૃષ્ટિએ કહીએ તો એ જ આપણા આધ્યાત્મિક માર્ગનું પેટ્રોલ છે, એ જ આપણા આધ્યાત્મિક જીવનનું ઓક્સિજન છે. તેથી આપણે સહુ વધુ ને વધુ સંતો-ભક્તોનો રાજીપો મેળવવા માટે સદા લાલાયિત હોઈએ છીએ અને તેને માટે સેવા-ભજન આદિક કરતા હોઈએ છીએ; પરંતુ ખરેખર સાચા અર્થમાં આપણને રાજીપો જ મળી રહ્યો છે અથવા આપણે રાજીપો જ સ્વીકારી રહ્યા છીએ કે રાજીપાના નિમિત્તે કાંઈક બીજું પણ મેળવીને તેનાથી જ સંતુષ્ટ થઈ જઈએ છીએ ? આ એક મોટો પ્રશ્ન છે. કેમ જે, રાજીપો અને વખાણ બંને એકસાથે જ આવતાં હોય છે. તે બેમાંથી આપણે શું સ્વીકારીએ છીએ ? તે અગત્યનું છે. તે બંનેમાં ખૂબ પાતળી ભેદરેખા હોય છે; પરંતુ વહાલા ગુરુજી અને પૂ.દયાળુ સ્વામીએ કથામાં સમજાવેલ અમુક સંકેતોને આધારે તે ભેદરેખા સમજવાનો થોડો પ્રયાસ કરીએ.

જો વખાણ સ્વીકારાતા હોય તો...

  • સદ્વિચાર ઘટતા જાય.
  • બીજાથી પ્રભાવિત થવાનું ઘટી જાય.
  • બીજાની ગૌણતા થાય.
  • ફુલાવાનું મન થાય, હાલ-ચાલ ઘમંડવાળી થતી જાય.
  • રાજીપો આદિ પોતાની લાયકાતનું ફળ મનાય.
  • રાજીપો આદિ સાંભળીને સ્વશ્રેષ્ઠતાનું ભાન થાય.
  • માનની અસરમાં આવી જવાય અને અપમાન સહન કરવું અઘરું પડે.
  • બાહ્યવૃત્તિ વધે.
  • ભજન, ધર્મ-નિયમ આદિ પ્રથા હોવાથી પરાણે કરવું પડે.
  • બીજાના દોષ આદિક નજરમાં આવવા લાગે.
  • નિંદા-ટીકાની ઝાઝી અસર થાય.
  • મનધાર્યું થવાનું વધી જાય.
  • વખાણ-ચાહના આદિથી જ સંતોષ મનાઈ જાય.
  • પ્રાપ્ત સદ્ગુણ વગેરેથી તૃપ્ત રહેવાય.
  • રાજીપા સ્વરૂપે વખાણાદિક ન મળે તો ખિન્ન થઈ જવાય.

જો રાજીપો જ સ્વીકારાતો હોય તો...

  • સદ્વિચારો વધી જાય, શુભ સંકલ્પોમાં ઉમેરો થાય.
  • કૃતજ્ઞતાનો ભાવ ઊભો થાય.
  • રાજીપો મળવામાં જે કોઈ નિમિત્ત બન્યા હોય તેનો આભાર મનાય.
  • વધુ નિર્માની થવાય.
  • પોતાની લાયકાત કરતાં મોટાએ વધુ રાજીપો આપ્યો છે એમ મનાય અને હજુ વધુ તેમના ગમતામાં રહેવાનો ભાવ થાય.
  •  હૃદય પીગળે અને વધુ ગદ્ગદિત થવાય.
  • માન-અપમાનને સહજ લઈ શકાય, માનની અસરથી નિર્લેપ રહેવાય અને અપમાન સહન કરવાની ક્ષમતા વધે.
  • અંતરવૃત્તિ વધે.
  • ધર્મ-જ્ઞાનાદિકમાં અંત:કરણની માંગ રહ્યા કરે, ભજનની ભૂખ રહે, પરાણે ન કરવું પડે.
  • બધાના ગુણ આવે, સારા લાગે, દિવ્ય મુક્ત લાગે.
  • નિંદા-ટીકાની અસરને સહજ કાપી શકાય.
  • દરેક સંજોગોમાં મનગમતું છોડી શકાય.
  • ભગવાન તરફ જવાના ભાવ વધવા લાગે, તેની ઉતાવળ વધી જાય.
  • વધારે સદ્ગુણો લેવાના માર્ગે લઈ જાય.
  • બાહ્ય સ્વરૂપે રાજીપો મળે કે ન મળે પરંતુ સંતો-ભક્તોને સુખરૂપ થયાનો જ આનંદ રહે.

વહાલા ભક્તો ! રાજીપો અને વખાણ બંને એક સિક્કાની બે બાજુ છે. તે બંને એકસાથે જ પ્રાપ્ત થતાં હોય છે; પરંતુ આપણે બેમાંથી જેને સ્વીકારીએ તે આપણને ભગવદ્પ્રાપ્તિના માર્ગે પ્રગતિ તરફ કે અધોગતિ તરફ લઈ જતા હોય છે. આપણે રાજીપો સ્વીકારીએ છીએ કે વખાણ ! તે પ્રાય: બાહ્ય પ્રકલ્પોને આધારે નક્કી કરી શકાતું નથી. પરંતુ આપણા અંત:કરણમાં ચાલતા ઉપર મુજબના પ્રવાહોને આધારે આપણે વખાણ કે રાજીપો તે બેમાંથી શું સ્વીકારીએ છીએ ? તે ખ્યાલ આવે છે.

જો આપણે રાજીપાને બદલે વખાણ સ્વીકારતા હોઈએ તો ભગવાનની પ્રાપ્તિ માટે કરેલ સર્વે મહેનત માયા માટે થઈ જાય છે અને જો રાજીપો જ સ્વીકારતા હોઈએ તો ભગવદ્પ્રાપ્તિની સ્પીડ ખૂબ વધી જાય છે. માટે જો જલ્દીથી ભગવાનને જ પામવાનો એક ઈશક હોય તો અંત:કરણમાં ચાલતા પ્રવાહોથી સાવધ રહી સંતો-ભક્તોની મદદ લઈ તેમની કૃપાથી રાજીપાના માર્ગે આગળ વધવાનો વિશેષ પ્રયાસ કરીએ.

હે પરમ હિતકારી મહારાજ ! જન્મોજન્મથી અમે માન-વખાણના જ ચાહક રહ્યા છીએ અને તેના જ હેવાયા થઈ ગયા છીએ. તેથી આ જન્મે પણ ઘણી વાર આપનો તથા આપના વહાલાઓનો રાજીપો જ સ્વીકારવાને બદલે
માન-વખાણ સ્વીકારીને માયામાં જ ગોથાં ખાતા રહીએ છીએ.
આપ જ કૃપા કરીને આપની માયાથી બચાવજો, શુદ્ધ રાજીપાના ચાહક બનાવજો અને આપ જ કૃપા કરીને આપની પ્રાપ્તિ કરાવજો...!!