
ગત વેકેશનમાં ગુડ્ડુ સંતો પાસેથી તબલા તો શીખ્યો હતો અને ઘણી વાર તે બાળસભામાં વગાડવા પણ લાગ્યો. પણ આ વખતે તો ૧૦માની એક્ઝામ ગઈ એટલે હાશકારોય મોટો અને વેકેશનય મોટું. ગુડ્ડુએ વિચાર્યું કે, પૂ.ગુરુજીએ સંગીત શીખવાની આજ્ઞા કરી છે માટે આ વખતે તો ગિટાર, પિયાનો અને ઓક્ટોપેડ ત્રણેય શીખવાનું સ્ટાર્ટ કરી દઉં. તેણે પપ્પાને વાત કરી અને પૂ.ગુરુજીની મરજી જાણી પપ્પાએ પણ હા પાડી. અને બીજા જ દિવસે તે એક મ્યુઝિક એકેડમીમાં દાખલ થઈ ગયો. સંગીતનો શોખીન તો પહેલેથી જ હતો અને હવે તો લાઇસન્સ મળી ગયું. થોડા દિવસ ગયા અને પપ્પા પાસે જીદ કરી નવો casio અને octopad પણ લઈ લીધાં. પણ એકેડમીમાં ઘણા બધાને ગાતા જોઈ તેને થયું, હું તો નાનપણથી કીર્તન ગાઉં છું. તો સાથેસાથે થોડું વોકલ પણ કરી લઉં તો ઓલરાઉન્ડર થઈ જઈશ. તેથી તેના ફ્રેન્ડ પાસેથી વોકલ ટીચરે શું શીખવાડયું તે જાણી ચોરીચૂપે તેની પણ પ્રેક્ટિસ કરવા લાગ્યો. ગયા વેકેશનમાં તો ફક્ત તબલા જ હતા, પણ આ વખતે તો ભાઈને ચાર ચાર આઇટમ મળી ગઈ. ગિટારમાં કંટાળો ચડે એટલે પિયાનો પકડે, અને પિયાનોમાં થાકે તો ઓક્ટોપેડ મંતરે. કોઈ સમય નક્કી કરી એકસરખી પ્રેક્ટિસ તો ફાવે જ નહીં. અને વળી જો કોક વચમાં ક્રિકેટ માટે બોલાવે તો હડુડુડુ હુબ કરતો ભાગી જાય. ટાંટિયો ટકાવીને બેસે તો એ ગુડ્ડુ શાનો ? આમ ને આમ આનંદ મસ્તીમાં અઢી મહિના જતા રહ્યા.
અનાયાસે કોઈ કામસર સંતો અમદાવાદ પધાર્યા. અને તેના પપ્પાએ અભરખા સાથે સંતોને ગુડ્ડુની વાત જણાવી. તેથી સંતોએ ગુડ્ડુને બોલાવીને પૂછ્યું કે, બેટા ! ગિટારમાં ત્રીજા તારને કયા સૂરમાં મેળવવો પડે ? જવાબ શું આપે ? કાંઈ ખબર જ નહોતી. તેથી સ્વામીએ કહ્યું, ચાલ પિયાનોમાં સ્કેલ વગાડી બતાવ. અને માંડમાંડ બે સ્કેલ વગાડયા, ત્યાં તો વારેવારે આંગળી ફસાય. ઓક્ટોપેડમાં પણ હજી સ્ટીક પકડતા જ ફાવ્યું નહોતું. આ બધું જોઈ સંતોએ ગુડ્ડુને કહ્યું, બેટા ! ગિટાર-પિયાનોમાં ટીંગ ટીંગ, પીંગ પીંગ કરવાથી કે ઓક્ટોપેડને ગમે તેમ ઢીબ ઢીબ કરવાથી કાંઈ નહિ આવડે. મારું માન તો કોઈ એક ફિલ્ડ પકડી સતત તેની પ્રેક્ટિસ કરવા માંડ. આમાં તો તારો સમય પણ બગડયો અને તારા પપ્પાના પૈસાય બગડયા. અને એક સૂત્ર હંમેશાં યાદ રાખજે, “એક સધે સબ સધે, સબ સધે સબ જાય”
વહાલા ભક્તો, આપણે પણ ઘણી વાર ગુડ્ડુની જેમ ઓલરાઉન્ડર થવા કે મોટા અભરખા સાથે દિશારહિત કેવળ વ્યર્થ મહેનત કરતા હોઈએ છીએ. પરિણામે આપણો સમય અને શક્તિ પણ બગડે છે અને અંતે કાંઈ હાથમાં આવતું નથી. પૂ.ગુરુજી ઘણી વાર કહે છે કે, ‘પાણીની જરૂર હોય તો દસ જગ્યાએ પાંચ પાંચ ફૂટના ખાડા કરવા કરતાં એક જગ્યાએ ૫૦ ફૂટનો કૂવો ખોદીએ તો ચોક્કસ પાણી મળે, નહિતર તરસ્યા મરીએ.’ ઇતિહાસમાં નજર કરીએ તો જેમણે જેમણે એક ધ્યેય પાછળ દૃઢતા રાખી મહેનત કરી છે તેમના જ ધ્યેય સિદ્ધ થયા છે, તેમને જ કાંઈક મળ્યું છે અને તેમના દ્વારા જ સૌને કંઈક પ્રાપ્ત થયું છે.
એકવાર વિચારીએ કે, જો આઈન્સ્ટાઈન કરિયાણાની દુકાન ચલાવતા હોત તો ખગોળશાસ્ત્ર અહીં સુધી પહોંચ્યું હોત ? થોમસ આલ્વા એડિસને દસ-પંદર ટ્રાય કર્યા પછી બલ્બ શોધવાને બદલે ફાનસ વેચવાનો ધંધો કર્યો હોત તો દુનિયામાં આવી ઝગમગાટ હોત ? ડો.એ.પી.જે અબ્દુલ કલામે indigenousનું સ્વપ્નું સેવ્યું જ ન હોત તો ભારતનું હવાઈદળ આટલું મજબૂત હોત ? પણ આવા વિરલ વ્યક્તિઓએ એક ધ્યેય પાછળ અથાગ પ્રયત્ન કર્યો, તેના પરિણામે અનેક અઘરાં કાર્યો સરળતાથી સિદ્ધ થઈ ગયાં. જો કોઈ ખરા દિલથી મંડાઈ પડે તો તે ઉત્તર ભારતના દશરથ માંઝીની જેમ ગામડા ગામનો સામાન્ય માણસ હોય, તોપણ હથોડા ટાંકણા વડે પર્વતમાં રસ્તો કરવારૂપી અજોડ કાર્ય કરી શકે. પણ આજના ઝડપી યુગમાં સૌને ઝડપથી પૈસાવાળા થાવું છે માટે ત્રણ-ચાર ધંધા એકસાથે કરે. શું રિલાયન્સ પહેલેથી પેટ્રોલ-ડીઝલ વેચે છે ? પહેલેથી જીઓ ચલાવે છે ? ના, પહેલાં તો એકમાત્ર કાપડથી શરૂઆત થઈ. પછી તેમાં સફળતા મળતાં અન્ય ક્ષેત્રો ઉમેરાતાં ગયાં. માટે જ જગતમાં કહેવાય છે —“એક રહો નેક રહો”
એક ભાઈ પાણીનું પૂર આવતાં માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો. હજુ એક મિનિટ પૂરી થાય તે પહેલાં તો હનુમાનચાલીસા ચાલુ કરી. અને લાગ્યું કે હનુમાનજી નહિ આવે માટે રામ ભગવાનને યાદ કરી લઉં; એમ વારાફરતી બધાને સંભાર્યા. છેવટે તે ડૂબી ગયો અને નરકમાં ગયો. ત્યાં તેણે યમરાજાને પ્રશ્ન કર્યો કે, ‘કોઈએ મને કેમ ન બચાવ્યો ?’ ત્યારે તેમણે કહ્યું, ‘તારા જેવાને કોણ બચાવે. તને બચાવવા માતાજી તૈયાર થયાં ત્યાં તેં હનુમાનજીને યાદ કર્યા તે રસ્તામાં હતા ત્યાં તો તેં રામને સંભાર્યા. ખરેખર તને કોઈની નિષ્ઠા નથી.’ ‘અમે તો બધાને માનીએ કોઈ વાડામાં ન માનીએ.’ આવું કહેનારા રેઢિયાળ ઢોરની જેમ હડધૂત થાય છે અને ‘એકનિષ્ઠ જ સર્વત્ર પ્રતિષ્ઠિત થાય છે.’
આપણે પણ આપણને મળેલા ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશરો, નિષ્ઠા રાખીએ અને ગમે તેવાં સુખ-દુ:ખ આવે, તોપણ નિ:સંશયપણે તેમને જ શરણે રહીએ, તો નિશ્ચય આ લોક-પરલોકમાં મોટા સુખને પામીએ. વળી, સર્વ સુખના ધામ એવા પુરુષોત્તમનારાયણને પામવા માટે કોઈ એક સાચા સદગુરુનું છત્ર સ્વીકારીને તેમને જ સમર્પાઈને રહીએ તો જરૂર તેમની પ્રસન્નતા અને આશીર્વાદ મળતાં શ્રીહરિ મળે જ. પણ આપણે તો સૌ સંતો સમાન એમ માનનારાને આ પ્રાપ્તિ કદી ન મળે. હા, ‘આદર સૌનો હોઈ શકે, પણ આસ્થા તો એકની જ હોવી જોઈએ.’
જેમ કોઈ રાજ્યને જીતવા તેના તમામ ગામોને જીતવાં જરૂરી નથી, એક રાજધાની જિતાઈ ગઈ તો સમગ્ર રાજ્ય જિતાય જ ગયું; તેમ કામ, ક્રોધ આદિ તમામ દોષોને જીતવા માટે તેના ઉદગમસ્થાન એવા એક દેહાભિમાનને બ્રહ્મભાવ તથા ધામભાવનો અભ્યાસ કરી જીતી લઈએ તો બાકીના તમામ દોષો આપોઆપ જ જિતાઈ જાય. વળી, રાજ્યના અનેક સીમાડાઓથી થોડા થોડા સૈનિકો પ્રવેશે તો રાજધાની સુધી કદી પહોંચી ન શકે, પરંતુ એક જગ્યાએથી હજારો સૈનિકો પ્રવેશે તો ટૂંકસમયમાં રાજધાની પ્રાપ્ત થાય; તેમ પંચવિષય તથા માનાદિના સુખમાં આપણી વૃત્તિરૂપી સેના વહેંચાઈ જાય તો કદી સર્વ સુખનું કેન્દ્ર એવી મહારાજની મૂર્તિને પામી ન શકાય. માટે જે સિદ્ધ કરવાથી તમામ સાધના પૂર્ણ થાય છે તેવી પુરુષોત્તમનારાયણની મૂર્તિને પ્રાપ્ત કરવા ચાલો મંડાઈ પડીએ.