
એક હતું જંગલ. તેમાં ઘણાં બધાં પશુ-પક્ષીઓ આનંદ કિલ્લોલથી રહે. કાંઈક મુશ્કેલી આવે તો બધાં ભેગા મળી ચર્ચા-વિચારણા કરે. આ જંગલમાં સસલો, સર્પ, કાચબો અને શિયાળ - આ ચાર ભાઈબંધો રહે. તેઓ તમામ પશુ-પક્ષીઓનાં મુખ્ય હતાં. તેમની વચ્ચે એક દી સંવાદ થયો. તેમાં સસલાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘આ વન સળગે તો આપણે શું કરવું ?’ ત્યારે કાચબો બોલ્યો કે, ‘આ તો બહુ જ ગંભીર પ્રશ્ન કહેવાય, માટે આપણે બધાં જ પશુ-પક્ષીઓને બોલાવીને ચર્ચા-વિચારણા કરીએ. ત્યારે સર્પ બોલ્યો કે, ‘કાચબાભાઈની વાત સાચી છે.’
છેવટે એક જનરલ મીટિંગ થઈ. મીટિંગમાં સસલાભાઈએ વાત મૂકી કે, ‘આપણા જંગલમાં આગ લાગે તો આપણે બચવા માટે શું કરી શકાય ? તેના ઉપાયો સહુ રજૂ કરો.’ તમામ પક્ષીઓએ કહ્યું કે, ‘ભગવાને અમોને તો પાંખો આપી છે, માટે અમો બધાં તો ઊડી જઈશું; પણ તમો બધાં પશુઓ તમારો મત બતાવો કે, જો જંગલ સળગે તો તમારે બચવાના કેવા ઉપાયો કરી શકાય ?’ સૌ પોતપોતાના વિચારો જણાવવા માંડયા.
સસલાએ કહ્યું : ‘મારા તો સો મત છે કે હું તો બખોલમાં પેસી જઈશ.’
સર્પે કહ્યું : ‘મારા તો લાખ મત છે. હું શું કામ ભાગું ? હું તો ઝાડ ઉપર ચડી જઈશ.’
કાચબાએ કહ્યું : ‘મારા તો કરોડ મત છે. હું મારો રસ્તો કરી લઈશ. હું તો ધરતીમાં પેસી જઈશ.’
આ બધાના વિચારો સાંભળી શિયાળે કહ્યું : ‘જુઓ ભાઈ, મારો તો એક જ મત છે કે વનમાં આગ લાગે તો વન છોડી નાસી છૂટવું. આ બાજુથી આગ લાગે તો પેલી બાજુ ભાગી જવું અને પેલી બાજુથી આગ લાગે તો આ બાજુ ભાગી જવું. ગમે તેમ ભાગી જવું, પણ જંગલમાં રહેવું નહીં.’ શિયાળની આ વાત સાંભળી તેના મિત્રો બોલ્યા કે, ‘આપણે શું કાયર છીએ કે આમ ભાગી જઈએ ?’ સહુનો એક મત ન થતાં છેવટે મીટિંગ પૂરી થઈ.
પછી તો વનમાં એક દી ખરેખરો દવ લાગ્યો. દવથી બચવા સસલો બખોલમાં પેસી ગયો, સર્પ ઝાડ ઉપર ચડી ગયો, કાચબો ધરતીમાં ખાડો કરી અંદર પેસી ગયો અને શિયાળ તો ભાગી ગયું. દવ આખા વનમાં ફરી વળ્યો. જેટલાં પ્રાણીઓ ભાગી ગયાં તેટલાં બચી ગયાં, બાકીનાં બધાં પ્રાણીઓ શેકાઈ ગયાં. જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે શિયાળ પોતાના ભાઈબંધની દશા જોવા આવ્યું.
તેણે દરમાં જોયું તો, સો મતવાળો સસલો સડસડી ગયેલો. ઝાડ ઉપર જોયું તો લાખ મતવાળો સર્પ લડબડી રહ્યો હતો. કરોડ મતવાળો કાચબો ધરતીમાં કડકડી ગયો હતો. આ જોઈ શિયાળ બોલ્યું :