એક ક્ષણ

એક ક્ષણ

સંગત  સારી  હોય  તો  પથ્થર  પણ   તરી  જાય  છે,
ને ખરાબ હોય તો સોનાની નાવ પણ ડૂબી જાય છે.

આપણા જીવનની દિશા નક્કી કરવામાં બે પરિબળો મુખ્ય ભાગ ભજવે છે: આપણા નિર્ણયો અને આપણી સોબત. ઘણી વાર આપણી સોબત જ આપણા નિર્ણયો પર હાવી થઈ જાય છે. સારો મિત્ર કે સારી સોબત આપણને ઊંચાઈઓ પર પહોંચાડી શકે છે, તો એક ખરાબ સોબત ક્ષણવારમાં આપણને પતનના માર્ગે પણ ધકેલી શકે છે. આ શાશ્વત સત્યને આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક કથાઓમાં વારંવાર વણી લેવામાં આવ્યું છે.

આવી જ એક હૃદયસ્પર્શી અને બોધદાયક કથા “પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા” નામના ગ્રંથમાં આવે છે. તેમાં ભગવાન સ્વામિનારાયણ સંગશુદ્ધિનું મહત્ત્વ સમજાવવા એક અત્યંત સુંદર દૃષ્ટાંત આપે છે. આ વાર્તા માત્ર એક પ્રાણીની નથી, પરંતુ તે દરેક મનુષ્યને પોતાના જીવનમાં વિવેક રાખવા અને કુસંગથી બચવા માટેની ચેતવણી છે. તો ચાલો, આપણે એ ‘લાખેણા ઘોડા’ની કથામાં ઊંડા ઊતરીએ અને તેમાંથી જીવનભરનો બોધપાઠ મેળવીએ.

એક બાપુ પાસે “લાખેણો” નામનો અત્યંત જાતવંત અને સમજદાર ઘોડો હતો. તે એટલો વફાદાર અને તાલીમ પામેલો હતો કે માલિકનો માત્ર ખોંખારો સાંભળીને તેમની પાસે હાજર થઈ જતો. એક દિવસ મુસાફરી દરમિયાન માલિકે એક સરોવર કિનારે આરામ કરવા માટે રોકાણ કર્યું અને લાખેણાને લીલું ઘાસ ચરવા માટે છૂટો મૂક્યો. ચરતી વખતે લાખેણો થોડે દૂર ગયો, જ્યાં તેની મુલાકાત એક ગધેડા સાથે થઈ.

ઘોડાની જાતવંતી ચાલ અને સુંદરતા જોઈ ગધેડાએ વાત શરૂ કરી. તેણે લલચાવનારા અવાજે કહ્યું, “ભાઈ, તું અહીં જ રોકાઈ જા. અહીં બારેમાસ કૂંપળીઓ ફૂટે છે અને મીઠું પાણી પીવા મળે છે. આપણે બંને સાથે મળીને મોજ માણીશું, એકથી ભલા બે !” લાખેણાએ સ્વાભિમાનથી જવાબ વાળ્યો, “ના ભાઈ, મારું નામ ‘લાખેણો’ છે, હું મારા નામને લજવું નહીં. હું મારા ધણીના ઇશારે ચાલનારો છું, મારું મનધાર્યું ક્યારેય કરું નહીં. મારી વૃત્તિ હંમેશાં મારા માલિક પાસે જ હોય છે.” આ સાંભળી ગધેડો ખિજાઈને બોલ્યો, “અરે મૂરખ ! હવે તો સ્વતંત્રતાનો જમાનો છે. આપણા ઉપર વળી ધણી કેવો ? જો, મેં તો મારા માલિકની બીક ક્યારનીય તજી દીધી છે. હું તને મારી કળા બતાવું.”

પછી તેણે પોતાની વાત માંડી : “મારો માલિક મારી પાસે અણતોળ્યો બોજ ઊપડાવતો અને રોજ ધોકાવતો. એક દિવસ મેં ઘાસ જોઈને જાણી જોઈને પછાડ ખાધી અને ખૂબ માર સહન કર્યો, પણ ઊભો જ ન થયો. છેવટે મારો માલિક કંટાળીને મને છોડીને જતો રહ્યો. હવે હું અહીં રાજ કરું છું. તું પણ એમ જ કરજે. માલિક બે-ચાર ચાબખા મારે તોપણ અહીંથી જવાનું નામ ન લેતો.”

કદલી, સીપ, ભુજંગ-મુખ, સ્વાતિ એક ગુન તીન;
જૈસી    સંગતિ    બૈઠિએ,   તૈસોઈ    ફલ    દીન.

અર્થ : સ્વાતિ નક્ષત્રનું વરસાદી ટીપું એક જ હોય છે, પણ તે કેળાના પાન પર પડતાં કપૂર, છીપમાં પડતાં મોતી અને સાપના મુખમાં પડતાં ઝેર બની જાય છે. જેવી સોબત હોય છે, તેવું જ ફળ મળે છે.

ગધેડાના શબ્દો ઝેર બનીને લાખેણાની રગોમાં વ્યાપી ગયા. તેની અત્યાર સુધીની સ્વામીભક્તિ અને વિવેકબુદ્ધિ પર લાલચની ભાવના હાવી થઈ ગઈ. તેનું મન માલિકમાંથી ભાંગી ગયું.

થોડીવાર પછી જ્યારે બાપુએ લાખેણાને બોલાવ્યો, ત્યારે તેણે સામે જોયું પણ નહીં. બાપુને આશ્ચર્ય થયું કે આને આમ અચાનક શું થઈ ગયું ! તેઓ જાતે જઈને જ્યારે તેના પર ચોકડું ચડાવવા ગયા, ત્યારે લાખેણો જાણી જોઈને ત્યાં જ જમીન પર પડી ગયો.

પોતાના સંતાન જેવા, પોતાના ઇશારે ચાલનારા ‘લાખેણા’નું આવું રૂપ જોઈને બાપુનું હૃદય ઘવાયું. તેમનો વિશ્વાસ તૂટી ગયો અને એ જ અસહ્ય દુઃખ ક્રોધ બનીને તેમની આંખોમાં ઊતર્યું. તેમણે ક્રોધમાં આવીને મ્યાનમાંથી તલવાર કાઢી અને એક જ ઝાટકે લાખેણાનું માથું ધડથી અલગ કરી નાખ્યું.

શું એક પળના કુસંગની સજા મૃત્યુ હોઈ શકે ? આમાં વાંક કોનો ગણાય ? ગધેડાના ઝેરી શબ્દોનો, ઘોડાની ક્ષણિક લાલચનો કે માલિકના અત્યંત ક્રોધનો ?

પારખીને  કરજો  પસંદગી  મિત્રોની, કેમ કે
દિલમાં વસતા સૌ કોઈ દિલદાર નથી હોતા,
કુસંગની   અસર  એવી   થાય  છે  કે,  સારા
ઇરાદાઓ પણ  કાયમ  વફાદા ર નથી હોતા.

‘લાખેણા’ની કથા અહીં પૂરી થાય છે, પણ તે આપણા માટે એક સળગતો પ્રશ્ન છોડી જાય છે. શું આપણે આપણા જીવનમાં રહેલા ‘ગધેડાઓ’ને ઓળખી શકીએ છીએ ? આજના આધુનિક યુગમાં કુસંગ માત્ર ખરાબ મિત્રો પૂરતો જ સીમિત નથી. સોશિયલ મીડિયા પરની નકારાત્મકતા, ખોટી વિચારધારાઓ, વ્યસનો તરફ દોરી જતી લાલચો – આ બધા આજના ‘ગધેડા’ છે, જે આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી શકે છે.

આ વાર્તાનો સાર એ છે કે ક્ષણિક સુખ અને સ્વતંત્રતાના ભ્રમમાં આવીને પોતાના મૂળ સિદ્ધાંતો અને વફાદારીને ક્યારેય ન ત્યજવાં જોઈએ. ‘લાખેણા’ જેવો શ્રેષ્ઠ ઘોડો પણ જો વિવેક ચૂકી જાય તો તેનું પરિણામ મૃત્યુ આવે છે. આથી આપણે સૌએ આપણી સોબતની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક કરવી જોઈએ અને કોઈના ખોટા વિચારોથી પ્રભાવિત થતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ. સાચી શક્તિ બંધન તોડવામાં નથી, પરંતુ વિવેક જાળવીને સાચા-ખોટાનો ભેદ પારખવામાં છે.