
અનેકવિધ ક્ષેત્રોમાં આપણે અનેક વાર લીડર તરીકેની ભૂમિકા ભજવવાની થાય છે. આ જવાબદારીથી આપણે છટકી શકતા નથી.
આ બધી બાબતો સમજવી ખૂબ આવશ્યક છે. કેમ જે, આ પરસ્પરના સંબંધોમાં જો વધુ પડતું અંતર હશે, કોઈ વિખવાદ કે અસંતોષ હશે તો તેનાથી આપણને અને તેને હંમેશાં દુ:ખ જ રહેવાનું.
શિક્ષક અને વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને બાળકો, ગુરુ અને શિષ્ય આ બધા પરસ્પરના સંબંધો અંતરથી અત્યંત નજીક હોવા જોઈએ. આવા સંબંધોમાં જ્યારે આપણે લીડરની જવાબદારી બજાવવાની થાય ત્યારે ખાસ આપણો ફોકસ લીડર તરીકેની ફરજો ઉપર જ હોવો જોઈએ... કેમ જે, લીડરના નાતે આપણી એ જ ફરજ છે કે પોતાના ફોલોઅરને સર્વ પ્રકારે સુખદ પોષણ આપીને તેમને સહાયરૂપ થવું.
એક વ્યક્તિથી સૌ કોઈ દૂર ભાગે અને બીજી વ્યક્તિની રાખ-રખાવટ અને તેના સારા વર્તાવને લઈને કોઈ તેનાથી દૂર જવા ઈચ્છે જ નહિ - આ બંને ભેદ વ્યક્તિનાં સારા-મોળાં વર્તનને આભારી છે. પ્રેમભર્યા સમજણસભર વ્યવહારથી માણસ અનેકને વશ કરી શકે છે; અનેકનો હૃદયસ્થ થઈ શકે છે અને દુર્વ્યવહારથી અનેકને દુ:ખદાયી નીવડે છે. આ બાબતમાં LUP પ્રોજેક્ટ આપણને ખૂબ જ સારી રીતે સફળતા આપી શકે છે. તો ચાલો… શ્રીજીમહારાજ, શિક્ષક, પેરેન્ટ્સ અને ગુરુની લીડરશીપની કેટલીક વાતોના માધ્યમે આપણે એ શીખી લઈએ કે, જુદાજુદા ફિલ્ડમાં લીડરની ભૂમિકા ભજવવાની થાય ત્યારે આપણે આશ્રિત પ્રતિ... કેવા વ્યવહારો કરવા જોઈએ !
આ વિષયમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબત એ છે કે, જ્યારે આપણી ભૂમિકા લીડરની હોય ત્યારે આ બધી વાતો માત્ર પોતામાં જ ઘટાવવાની છે. જો તેનાથી ઊલટું, આપણે આશ્રિત થઈને આ બધાં લક્ષણો આપણા લીડરમાં મેળવ્યા કરીએ અને તેમની ફરજો વિચારીને તેમનામાં ખોટ જોવા લાગી જઈએ તો ઊંધું થઈ જાય. માટે લીડરની ભૂમિકા મારે પોતે ભજવવાની થાય ત્યારે મારે શું કરવું ? એ જ આમાંથી શીખવાનું છે.
શ્રીહરિ વચનામૃત ગઢડા મ.૪૭માં કહે છે કે, “મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતા આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહીં.” શ્રીજીમહારાજે પોતાના આશ્રિત એવા સંતો-ભક્તોનું હૂંફ-બળ અને પ્રેમ આપી ખૂબ જ જતન કર્યું હતું. વળી, સંતોને રમાડી-જમાડી પોતાનું અપાર સુખ પણ આપ્યું હતું અને તેની સામે વિવિધ પ્રકરણો દ્વારા કસણી કરીને તેમનું સર્વ રીતે ઘડતર પણ કર્યું હતું. આપણા મહારાજ આવા સર્વાંગી, સર્વોત્તમ અને સફળ લીડર હતા. અને તેથી જ લાખો સંતો-હરિભક્તો એમના શરણે રહી સુખી થયા હતા.
દરેક શિક્ષકને હંમેશાં એવી જ ભાવના હોય છે કે, મારા તમામ વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સથી પાસ થાય. પરંતુ આ માટે શિક્ષક વિદ્યાર્થીની સફળતા-અસફળતામાં પોતાને પણ જવાબદાર માને તો રિઝલ્ટમાં ઘણો બધો ઉમેરો થઈ શકે. શિક્ષક પોતે ખૂબ શ્રદ્ધા રાખી એક જ વાતનું અનેક વાર રિપિટેશન કરીને ભણાવે, વિદ્યાર્થીની સફળતા માટે પોતે ખેવના રાખીને મહેનત કરે તો કામ સરળ થઈ જાય.
ખરા શિક્ષક સરળ મેથડ અપનાવીને એવી રીતે ભણાવે છે કે જે તે બાબત વિદ્યાર્થીને સહજ યાદ રહી જાય, ગળે ઊતરી જાય, સરળતાથી મગજમાં બેસી જાય; અરે, સ્કૂલમાં જ કંઠસ્થ થઈ જાય. આદર્શ શિક્ષક કોઈ પણ બાબત ભણાવતા પોતે કદી થાકતા નથી અને એવી જ રીતે વિદ્યાર્થીને પણ થાક મહેસુસ થવા દેતા નથી. આવા શિક્ષક વિદ્યાર્થીના દિલમાં આજીવન જીવંત રહે છે; પરંતુ એક-બે વાર સમજાવી પોતે પોતાની જવાબદારીથી છૂટા થઈ જનાર શિક્ષક માત્ર કહેવા પૂરતી જ જવાબદારી નિભાવે છે. ટીચિંગ હંમેશાં બળજબરી કે પ્રેસરથી નહિ પણ પ્રેમ, પ્રોત્સાહન અને લાગણીથી કરવું જોઈએ - આ બાબત ભૂલીને ભણાવનાર શિક્ષકને વિદ્યાર્થીઓ પણ કાયમ માટે ભૂલી જાય છે.
આજે કેટલાક માતા-પિતાની એ ફરિયાદ હોય છે કે, “મારો છોકરો મારું કહ્યું કરતો નથી; મારી વાત સાંભળતો નથી.” પણ આ માટે તેઓ કદી પોતાનો વાંક સમજી નથી શકતા. ખરેખર જો તેના મૂળમાં જાય તો અનેક કારણો એવાં મળી આવે કે, જેમાં પોતાની જ કાંઈક ભૂલ હોય. કેમ જે, બાળક તો કોરી પાટી છે; જો નાનપણથી એનું ઘડતર કરવાનું કામ સારી રીતે થાય તો કદાચ એક પણ ફરિયાદ ન આવે, એવો તે આદર્શ બની શકે. બાળકને માત્ર લાડ લડાવીને પ્રેમ જ આપવાથી તેનું સર્વાંગી ઘડતર થઈ જતું નથી. મોહવશ થઈને બાળકની બધી જ અવ્યાજબી ઈચ્છાઓ પૂરી કરનાર માતા-પિતાને આગળ જતા રડવું પડે છે. આ વાત ભૂલી જઈને બાળકોના ઘડતરમાં ધ્યાન નહિ આપીને કોઈ માતા-પિતા પોતાના બાળકની ફરીયાદ કરે, તો એ સર્વથા અનુચિત છે.
ગુરુ-શિષ્યના સંબંધમાં પણ આવું જ કાંઈક છે. ગુરુએ પોતાને આશરે આવેલ શિષ્યના દોષો ટળાવવાથી માંડી તેને શ્રીજીમહારાજનો મુક્ત બનાવવા સુધીની પોતાની ફરજ સમજવી-નિભાવવી જોઈએ. શિષ્યના શારીરિક સુખ-દુ:ખથી માંડીને તે પ્રભુને પામી ન જાય ત્યાં સુધી તેની ઉપર પૂરું ધ્યાન આપી તેનું ઘડતર કરતા રહેવું, યશ-કીર્તિ-માન વગેરે જેવાં આધ્યાત્મિક વિક્ષેપકોથી તેને બચાવવો. આ બધી ફરજો આધ્યાત્મિક લીડર એવા ગુરુની છે. જો આ વાત તેઓ સારી રીતે સમજતા હોય તો તેમના થકી એક સુંદર આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે.
વહાલા ભક્તો ! જો આપણે વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક, શૈક્ષણિક કે આધ્યાત્મિક ક્ષેત્રે લીડર હોઈએ તો આપણા વ્યક્તિત્વમાં આશ્રિત પ્રતિ... ક્ષમાભાવના, ધીરજ વગેરે જેવા ગુણો ખાસ હોવા જ જોઈએ. લીડરશીપમાં આપણે તો જ સારી રીતે સફળ થઈ શકીએ, જો આપણામાં માફી આપી દેવાની - ખમીખાવાની વિશાળતા હોય. શિક્ષક પોતાના વિદ્યાર્થી પાસેથી ઓવર અપેક્ષા રાખ્યા કરે, પેરેન્ટ્સ વાત-વાતમાં બાળકોને ધમકાવ્યા કરે અથવા તો ટોર્ચરિંગ કર્યા કરે, ગુરુ પોતાના શિષ્યોને દંડ દીધા કરે, કંપનીનો માલિક કર્મચારીઓ ઉપર વારેવારે ક્રોધ કરે, તો આ બધા સંબંધોમાં નીચેના ફોલોઅર લીડરથી દૂર રહેવાનું ને તેમની સાથે ઓછું બોલવાનું પસંદ કરતા હોય છે.
આમ, જે લીડર પોતાની ફરજ બજાવવાનું એક બાજુ મૂકીને માત્ર સામાની જ ફરજ શીખવવા જાય, તો કામ બગડી જાય છે. ખરેખર તો કોઈ પણ ક્ષેત્રમાં ફોલોઅરને રસ જળવાઈ રહે અને તે ઉત્સાહથી કાર્ય કરી શકે એવો માહોલ ઉત્પન્ન કરવાની સંપૂર્ણ જવાબદારી લીડરે પોતાને શીરે રાખવી જોઈએ.
લીડરે ખૂબ જ મોટમના, પોઝિટિવ રહેવું જોઈએ. જે લીડર ફોલોઅરની અસફળતાના કારણભૂત જવાબદાર તરીકે હિંમતપૂર્વક પોતાને દર્શાવી શકે તેને જ સાચો લીડર કહેવાય. લીડરનું કાર્ય ફોલોઅરની ભૂલ પોતે માથે લઈને પણ તેને ભાંગવા ન દેવો, નાહિંમત થવા ન દેવો, ને હંમેશાં મોટીવેટ કરતા રહેવું એ છે.
પોતાના ફોલોઅરની મુશ્કેલી જેને પોતાની જ મુશ્કેલી લાગતી હોય એવા લીડર પ્રત્યે સૌને સહાનુભૂતિ થાય છે. ઘણી વાર આપણને લીડર બનવું સારું લાગે છે, પણ લીડર તરીકેની ફરજો બજાવવાનું અઘરું લાગતાં આપણે જવાબદારી બાબતે આંખમીચામણાં કરતા હોઈએ છીએ. પરિણામે આવા સંજોગોમાં આપણી નીચેના વ્યક્તિઓને જ તેનું સહન કરવું પડતું હોય છે.
આપણે લીડર હોવા છતાં આપણી જવાબદારીમાં આવતી બાબતોનું સોલ્યુશન કરવાનું કામ ન કરીએ, આશ્રિત પ્રતિ સહાનુભૂતિ ન દાખવીએ, ત્યારે તેને મૂંઝવતા પ્રશ્નો તેના માટે ડબલ બોજારૂપ બની જતા હોય છે. વળી, જે તે કાર્ય ન કરી શકવામાં તેની મુશ્કેલી કે તેની વિચારધારાનો તપાસ ન કરતાં માત્ર સારા રિઝલ્ટની જ અપેક્ષા રાખીએ ત્યારે તો ફોલોઅરને આપણો ખૂબ જ ત્રાસ અનુભવાય છે. માટે ચાલો આપણે આદર્શ લીડર બની સૌને સુખરૂપ થવાનો પ્રયાસ કરીએ.