આમાં આપણો નંબર કયો ?

આમાં આપણો નંબર કયો ?

આ વિશ્વમાં અસંખ્ય આત્માઓ છે. તે દરેકનાં કર્મસંસ્કાર, રુચિ, વાસના અને માન્યતા અલગ-અલગ હોય છે. જેઓ જીવના હજાર-હજાર જન્મને સાક્ષાત્ જોઈ શકતા હતા તેવા અનાદિસિદ્ધ સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ તે સર્વે જીવોના મુખ્ય ૪ પ્રકાર દર્શાવ્યા છે -

  1. પામર
  2. વિષયી
  3. મુમુક્ષુ
  4. મુક્ત

પામર જીવનાં લક્ષણ :

જેને આ કરવાથી પાપ થશે કે પુણ્ય થાશે એવી કોઈ વિક્તિ ન હોય. આમ રહેવાથી મારું હિત કે અહિત થાશે એવી કોઈ ભાન ન હોય. જે સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય કે સાર-અસારનો વિભાગ વિચારી ન શકે અને કેવળ ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે વિષય ભોગવવામાં જ આસક્ત રહેતા હોય; આવી જેની વિચારધારા પશુ તુલ્ય હોય, તેને પામર જીવ કહેવાય.

આ દુનિયામાં આવા પામરકોટિના જીવોને ભગવાને મનુષ્યદેહ આપ્યો હોય તોપણ તેને પોતાનો પરલોક સુધારવાનો વિચાર જ નથી હોતો. તે એવું બોલ્યા કરતા હોય છે કે, લાઇફ મળી છે તે એન્જોય કરવા માટે જ છે. તેઓ જેટલું મનમાન્યું જીવન જીવાય તેટલું સુખ અને બીજું દુ:ખ માને છે. આવા પ્રકારના આત્માઓ જે કોઈ હોય તેને શાસ્ત્રો પામર કહે છે.

વિષયીનાં લક્ષણ :

વિષયી જીવની હરેક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિષયપ્રાપ્તિ હોય છે. વિષયી જીવ પાપ, શાપ, અપરાધ વગેરેથી ડરે છે ખરા; પણ વિષયસુખ ટળી ન જાય એવા ભયથી. તે દાન દે પણ તેનું અનંતગણું પાછું મળે તે માટે. તે તેના પરિવારને પ્રભુ કે સંતનો રાજીપો મળે એવું ખાસ શીખવે પણ આ લોક-પરલોકે સુખી કરવા માટે. તે વિષયી જીવ આસ્તિક હોય છે, એટલે તેને શાસ્ત્રો કે સંતોની વાત સાચી મનાય છે, પણ જેનાથી લૌકિક સુખ-સુવિધા પ્રાપ્ત થઈ શકે એવી વાત તેને સૌથી વધુ ગમે છે અને તેવી બાબતોનો તરત અમલ કરે છે. તે એવું સાંભળે કે પૂનમ ભરવાથી આ સંકલ્પ સિદ્ધ થાશે કે આવું કરવાથી ધન, સ્ત્રી, પુત્ર વગેરેમાં લાભ થાશે, તો તે વાતનો અમલ કરવાની તેને અંતરથી ઇચ્છા થાય છે. જે સેવા, વ્રત, જપ-તપ કે આશીર્વાદથી આ લોકમાં અને મર્યા પછીય સુખી-સુખી થઈ શકાય તેવી વાત તેને તરત ગમી જાય. આવા પ્રકારના જીવોને વિષયી કહ્યા છે.

ઉપરનાં લક્ષણો આપણામાં કેટલાંક મળતાં આવે છે ? તેટલા આપણે પણ ભગવાનના જ નહિ પણ વિષયના ભક્ત છીએ. એવા પામર કે વિષયી જીવોનો મોક્ષ થાતો નથી. 

મુમુક્ષુનાં લક્ષણ :

જેને પાણવીના પૂંજા ડોડિયાની જેમ પ્રભુને પામવાની તીવ્ર ઇચ્છા રહ્યા કરતી હોય. તે માટે જેને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે સહિત એકાંતિકી ભક્તિને દૃઢ કરવાની શ્રદ્ધા બહુ સારી હોય, જે જીવ એકાંતિક સંતને ઓળખે તથા તેને સોંપાઈને તેની મરજી મુજબ વર્તે, જીવનમાં જે કાંઈ કરે તે બધું શ્રીહરિ તથા સંતો-ભક્તોને રાજી કરવા માટે જ કરે, પણ બીજા કોઈ વળતરની જેને ઇચ્છા ન હોય તેને મુમુક્ષુ જીવ કહેવાય.

આ બાબતમાં આપણું કેમ છે ? આપણે શ્રીહરિ તથા સંતો-ભક્તોની સેવા, સમાગમ તથા પ્રસન્નતા પ્રાપ્ત કરીને વિષય કમાવાનો વ્યાપાર તો નથી કરતા ને ? નહિ તો આવો શ્રેષ્ઠ યોગ મળવા છતાં બહુ મોટી ભૂલ રહી ગઈ ગણાશે. કારણ કે સકામ ભાવનાથી સત્સંગ કરવો એનો અર્થ છે સોનું દેવું અને ડુંગળી લેવી. ડુંગળી ગમે તેટલી ઝાઝી કે સારી હોય તોપણ તેની વેલ્યુ શું ? તેમ ધન, માન, ખાન-પાન વગેરે ગમે તેટલું ઝાઝું અને સારું મળે તોપણ પુરુષોત્તમ નારાયણની અપેક્ષાએ તે તુચ્છ અને નાશવંત છે. તેને ભોગવ્યા કરવાથી જીવને વાસના વધે, પાપકર્મ વળગે અને ભૂતયોન કે નરક-ચોરાશી જેવી અધોગતિ પ્રાપ્ત થાય છે. માટે સુજ્ઞ સંતો-ભક્તોએ આવો ખોટનો ધંધો ન કરતાં પ્રભુને પ્રસન્ન કરવા તથા પામવા માટે પાક્કા મુમુક્ષુ બનવું જોઈએ.

મુક્તનાં લક્ષણ :

આ જગતમાં રહેવા છતાં જેને જગતનો કોઈ જ કુસંગ-પાશ લાગે નહીં. સમાજના સત્તાધીશ કે સેલીબ્રિટી એ કોઈની મહોબતમાં લેવાય નહીં. બીજા કોઈ તેમને ન બગાડી શકે એટલું જ નહિ પણ પોતાનાં તન-મન-વિષય વગેરેના પેચમાં પણ આવે જ નહીં. એ સર્વેને શ્રીહરિની આજ્ઞા-મરજી મુજબ જ વર્તાવે. પોતે તો નિર્બંધ થકા અખંડ પ્રભુપરાયણ વર્તે પણ તેમના સગાં-સ્નેહી કે શિષ્યો હોય તે સહુને પણ નિર્બંધ કરી પ્રભુ પામવાના પાત્ર બનાવી દે, એવા સમર્થ સત્પુરુષને મુક્ત કે મહામુક્ત કહેવાય.

આપણા આદિગુરુ ગોપાળાનંદ સ્વામી ૭૧ વર્ષ આ લોકમાં રહ્યા. તેઓ જે સંકલ્પ કરે તે બધું જ થાય, એવી તેમનામાં સામર્થી હતી. હજારો સંતો-હરિભક્તોના હૈયાના હાર ગણાતા છતાં સતત પ્રભુમય જ રહ્યા. એટલું જ નહિ પણ અનેકને પ્રભુપરાયણ મહામુક્ત બનાવી દીધા. એવી જ રીતે મૂળજી બ્રહ્મચારી, મોટીબા અને પર્વતભાઈ જેવા હોય તેને મુક્ત કહેવાય. હાલમાં પણ જે એવા સમર્થ સદ્ગુરુ હોય તેને મુક્ત કહેવાય.

જો આપણે પામર તથા વિષયીમાંથી પ્રમોશન મેળવી મુમુક્ષુ બનવું હોય તો જે એવા મહામુમુક્ષુ તથા મુક્ત હોય તેનો મન-કર્મ-વચને પ્રસંગ રાખવો જોઈએ. તેમને સેવી-સેવીને અતિ રાજી કરવા જોઈએ.

જેમ બોટાદના શિવલાલભાઈને ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીમાં એવી નિષ્ઠા થઈ ગઈ તો તે પણ બહુ નાની ઉંમરમાં મહામુક્ત બની ગયા. આપણા મંડળના અ.નિ.શ્રીભજનપ્રકાશ સ્વામીએ અને નવાગામ-હિંમતનગરવાળા અ.નિ.દિનેશભાઈએ આપણા ગુરુજીને અતિ શ્રદ્ધાપૂર્વક દિવ્યભાવથી સેવી લીધા તો ટૂંક સમયમાં મુક્ત બની ગયા.

જો આપણે પણ એવા સમર્થ મુક્તને યથાર્થ ઓળખી મન-કર્મ-વચને સેવી લઈશું તો આપણે પણ આ જ જન્મે મહામુક્ત બની જઈશું.

હે હરિવર ! મને એવો ખરો ખપ આપજો, તીવ્ર મુમુક્ષુતા પ્રદાન કરજો. આપને આ જ જન્મે પામી જવા જેમને જેમ સેવવા જોઈએ તેમને તેમ જ સેવી શકું એવી મારા પર કૃપા કરજો.