આપણે પોતાને ઓળખીએ છીએ ?

આપણે પોતાને ઓળખીએ છીએ ?

એક ગામમાં એક સારું ફેમિલી રહેતું હતું. એક દિવસ ભગવાનને ભોજનનો થાળ ધરાવવામાં આવ્યો. ભગવાને જમી લીધા પછી ફેમિલીના સર્વે સભ્યો ડાઇનિંગ ટેબલે જમવા બેઠા. બધા જમવાની શરૂઆત કરે તે પહેલા પિતાએ ભગવાનને પ્રાર્થના કરી, “હે ભગવાન ! તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પ્રસાદરૂપે રોજ આવું સ્વાદિષ્ટ ભોજન આપો છો. એવા આશીર્વાદ આપજો કે આ પ્રસાદ જમવાથી અમારાં અંતર અને બુિદ્ધ પવિત્ર બને; જેથી અમે તમારી અને તમારા સંતો-ભક્તોની સેવા કરતા રહીએ ને તેમને રાજી કરતા રહીએ.”

જ્યારે બધાને ભોજન પીરસાઈ ગયું, ત્યારે પિતાએ જમવાનું શરૂ કર્યું. થોડું જમીને તેઓ ભોજન વિષે ફરિયાદ કરવા લાગ્યા કે, આ શાક સ્વાદિષ્ટ નથી, રોટલી પણ કોઈક કાચી તો કોઈ બળેલ છે; વગેરે...

આ સાંભળીને તેમની ફક્ત પાંચ વર્ષની દીકરીએ કહ્યું, “પપ્પા, શું એ સાચું છે કે આપણે જે કાંઈ બોલીએ તે ભગવાન સાંભળે છે અને જે કાંઈ કરીએ તે ભગવાન જુએ છે ?”

ત્યારે પિતાએ કહ્યું, “ચોક્કસ બેટા.” ત્યારે દીકરીએ કહ્યું, “ત્યારે ભગવાને તમે કરેલ પ્રાર્થના સાંભળી હશે, નહીં ?” “હા, બેટા.” “અને, તમે હમણાં કરેલ ભોજન વિષેની ફરિયાદ પણ સાંભળી હશે ?” “ચોક્કસ બેટા.”

ત્યારે ભલીભોળી દીકરીએ પૂછ્યું, “તો પપ્પા, ભગવાન તમારી કઈ વાત સાચી માનશે ? ભોજન શરૂ કરતા પહેલાં તમે કરેલ તેમના પ્રસાદની પ્રશંસા, કે ભોજન શરૂ કર્યા પછી તેમના પ્રસાદની કરેલ નિંદા ?” આ સાંભળીને પિતાને તેમની ભૂલ સમજાઈ ગઈ.

વહાલા ભક્તો, કહેવાય છે કે,

मनस्यन्यद् वचस्यन्यत्कार्ये चान्यद्दुरात्मनाम् ।
मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम् ।।

વિચારવાનું બીજું, બોલવાનું બીજું અને કરવાનું બીજું - આવો સ્વભાવ તો દુજર્નોનો છે; સજ્જનોનું તો જેવું મનમાં, તેવું જ વાણીમાં અને તેવું વર્તનમાં હોય છે.

વહાલા ભક્તો, ઉપર કહ્યા એવા દુર્જનો ભગવાન કે મોટા પુરુષને ગમતા નથી, પણ સજ્જનો જ ગમે છે. વળી, ભગવાન અને એમને અખંડ ધારી રહેલ મોટા પુરુષ ખરેખર આપણા દિલમાં શેની ઇચ્છા છે, તે જાણે છે. માટે ભગવાન તો આપણી અંતરની ઇચ્છા પ્રમાણે આપણાં ભજન અને સેવાનું ફળ આપે છે; અને મોટા પુરુષ એ પ્રમાણે આશીર્વાદ આપે છે.

આપણે રોજ સવારની પૂજામાં, માનસી પૂજામાં અને સાંજે આરતી બાદ સ્તુતિમાં રોજ ભગવાનને ઘણી પ્રાર્થના કરીએ છીએ; અરે, વર્ષોથી કરીએ છીએ તોપણ તે પ્રમાણે કેમ થતું નથી ? શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી કે પછી આપણા અંતરમાં બીજું છે ને પ્રાર્થનામાં બીજું છે ? અરે, ઘણી વાર તો અંતરમાં હોય તેવું બોલતા હોઈએ, પણ ભગવાન જાણતા હોય કે આ ક્યારે ફરી જશે તેનું નક્કી નથી.

માટે વહાલા ભક્તો, સૌ પ્રથમ તો ભગવાન પાસે ચોખ્ખી અને પાકી સમજણ માંગવાની જરૂર છે અને એ દ્વારા અંતરશુદ્ધિ કરવાની જરૂર છે. નહિ તો આપણે જ આપણને છેતરશું અને બીજાના છેતર્યા ઊગરીએ, પણ જાતના છેતર્યા કદી ન ઊગરીએ. માટે ચાલો મહારાજને પ્રાર્થના કરીએ કે,

દેખું સર્વમાં એક જ તમને રે,
એવું ‘જ્ઞાન’ આપો હરિ મને રે;

મને મારું જ અજ્ઞાન દેખાય રે,
બીજા સર્વમાં ‘જ્ઞાન’ મનાય રે.