આપણું ડ્રાઇવિંગ કેવું છે ?

આપણું ડ્રાઇવિંગ કેવું છે ?

‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હતા ત્યારે પણ છેક સુધી હું જ ગાડી ચલાવતો હતો. ગમે તેને પૂછી જુઓ, આજ સુધી એક્સિડન્ટ તો શું ! એકેય વખત ગાડીનો સાઇડ ગ્લાસ તૂટ્યો હોય એવું પણ બન્યું નથી. જનરલી અમદાવાદથી સુરત પહોંચતાં બીજાને ચાર કલાક નીકળી જાય, પરંતુ મારી ગાડી સવા ત્રણ કલાકમાં તો સુરતમાં એન્ટ્રી કરી જાય. રસ્તો ગમે તેવો કેમ ન હોય, ટ્રાફિકમાં પણ મારી ગાડીની સ્પીડમાં કોઈ જ ફેર ન પડે. પંચર પડયું હોય તો ટાયર બદલતા મારે નવ મિનિટથી વધારે વાર ન લાગે. આ બધી બાબતે મિહિર વગેરે કેટલાક યુવકો હજુ બે દિવસ પહેલાં જ મારાં વખાણ કરતા હતા; આમ છતાં કોઈ મારું ડ્રાઇવિંગ સારું નથી એમ બોલતા હોય તો મારે એનું નામ જાણવું પડશે.”

માત્ર પોતાની પોઝિટિવ બાબતને જ મમળાવ્યા કરતા આ ભાઈને કોણ કહે કે, તમને ગાડી આવડે છે એ તમારી માન્યતા ખૂબ ટૂંકી અને તથ્ય વિનાની છે. તમારી વીકનેસ બતાવનારનું નામ જાણવાની તમારી ત્વરા; એ તમારો અહંકાર છે. કોણ ઓળખાવે કે સારાં પાસાંઓ દર્શાવી મોળાં પાસાંને ઢાંકી દેવાની તમારી કોશિશને બચાવ કહેવાય. આવો બચાવ કરીને તમારી ખામી ઢાંકી દેવાથી ખામી તો કોઈ પ્રકારે નહિ ટળે; ખામી ટળાવનારા હિતચિંતકો ચોક્કસ ટળી જવાના, અર્થાત્ તમારી ભૂલ ઓળખાવી શકે એવી વ્યક્તિની સંખ્યામાં ઘટાડો થઈ જવાનો.

ખરા અર્થમાં ગાડી ચલાવતા આવડે છે કે નહીં ? તેનું સાચું મૂલ્યાંકન ગાડીમાં બેસનાર વ્યક્તિઓ જ સારી રીતે કરી શકે છે; ગાડી ચલાવનાર ડ્રાઈવર નહિ; કેમ જે, ડ્રાઈવરના મનમાં તો આ અંગેની વ્યાખ્યા સ્વતરફી અને મનમાની હોય છે. ગાડી ચલાવતા કોને આવડી કહેવાય ? એ પ્રશ્નનો સાચો જવાબ તો ગાડીમાં બેસનારને એકબાજુ લઈ જઈને પૂછો ને તે કોઈની શેહશરમ રાખ્યા વગર જેમ છે તેમ કહે તેનાથી જ મળે. તો ચાલો, આ બાબતે આપણે એવા જ એક પીઢ અનુભવી ભક્ત રમણકાકાને પૂછી લઈએ…

‘રમણકાકા ! આપે આજ સુધી ઘણું ટ્રાવેલિંગ કર્યું છે તો કહો… જલ્પેશ, રોહન, હર્ષ અને વિજયભાઈ આ ચારના ડ્રાઇવિંગ બાબતે આપનું શું મંતવ્ય છે ?’ ચોખ્ખાબોલા રમણકાકાએ થોડું વિચારીને સ્પષ્ટ શબ્દોમાં બોલવા માંડયું, “મારી દૃષ્ટિએ સૌથી સારું ડ્રાઇવિંગ હર્ષનું કહેવાય.” “કાકા ! કેમ ખબર પડે કે બીજા બધા કરતાં તેનું ડ્રાઇવિંગ સારું છે ?” રમણકાકાએ કહ્યું, “હર્ષની ગાડીમાં અને અન્યની ગાડીમાં બેસી બંનેની કમ્પેર કરો ત્યારે જ તમને પ્રેક્ટિકલ ફરક જણાય. મને તો અનુભવ છે; હર્ષનું ડ્રાઇવિંગ એવું સેફ અને સુખદાયક કે ન પૂછો વાત. તેની ગાડીમાં બેઠા હોઈએ તો પેટમાં પાણી પણ ન હલે. છ-છ કલાક ટ્રાવેલિંગ કરવામાં પણ તમને જરાય થાક ન લાગે. હડદા તો નામે ન આવે. તમતમારે સુખેથી ઊંઘી જાવ ને ! કોઈ જ ચિંતા નહીં. વળી, સીટબેલ્ટ બાંધવાની પૂ.ગુરુજીની આજ્ઞામાં તે કોઈ વાતે કોમ્પ્રોમાઇઝ કરતો જ નથી. બેલ્ટ બાંધ્યા પછી જ ગાડી ચાલુ કરવાનો તેનો નિયમ એ ચાર વર્ષથી બરાબર પાળે છે. આ બધું જોતા-અનુભવતા મને હર્ષનું સારું લાગે છે.

હા, સાથોસાથ આ બાબતે રોહનનું પણ કહી દઉં. રોહન ગાડી ચલાવે ત્યારે આપણો શ્વાસ ઊંચો રહે. થોડી ઘણી ઊંઘ આવી હોય એય બમ્પ આવે એટલે ઊડી જાય. રોહન ડ્રાઇવિંગ કરતો હોય એટલે આપણે સમજી જ રાખવાનું કે ઘરે પહોંચીને તરત સર્વે અંગોને રેસ્ટ આપવો જ પડશે. હા, તે બીજા કરતાં આપણને ૧૫ મિનિટ વહેલા જરૂર પૂગાડી દે; પરંતુ આપણા માટે અમદાવાદને બદલે અક્ષરધામ ક્યારે આવી જાય એનું કાંઈ જ નક્કી નહીં. સ્પીડબ્રેકર વખતે તેની શોર્ટ બ્રેક આપણને એવા ફંગોળી દે કે આગળની સીટ જાણે આપણી માલિકીની બની જાય. ગાડીમાં જાણે કે માણસને બદલે માલસામાન કે પથરા ભર્યા હોય એમ ઉલાળતો જાય. ગાડીમાં બેઠેલાની કેવી દશા થતી હશે એની એને કાંઈ પડી ન હોય. બસ એને તો એક જ ધૂન કે… ‘મને ધીમી ગાડી ન ફાવે.’ મેં એને આ બધી બાબતે ઘણી વાર ટોક્યો છે પણ હજુ કોઈ ફેરફાર…

આવું રફ ડ્રાઇવિંગ કરનારની ગાડીમાં બેસનાર કદાચ તેને મોઢામોઢ ભલે ન કહે; પણ અંતરમાં તો ચોક્કસ સમજે કે ગાડી ચલાવવામાં કાંઈક ફેર છે. અરે, એકની એક જ ગાડી ચલાવનારા બે ડ્રાઈવર હોય તેમાં પણ સુજ્ઞને તેનો ખ્યાલ આવી જાય કે, ઓ ભાઈ ચલાવતા હતા ત્યારે જેવો આરામ મળતો હતો તેવો આરામ આ ભાઈ ચલાવે છે એમાં નથી મળતો. ડ્રાઈવર ભાઈઓ મને માફ કરે… કેટલીક વાર સ્થૂળભાવમાં જીવનારા ડ્રાઈવરોને પોતાને એ ખ્યાલ જ નથી હોતો કે ડ્રાઇવિંગ કરવા બાબતે મારે પણ આવી બધી ઘણીક ભૂલો થાય છે. ને કેટલાકને ખ્યાલ આવતો હોય તો એ અહંકારવશ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી હોતા. તેઓ પોતાની ભૂલને કેમેય પોતાની માથે આવવા ન દેતાં સામેની વ્યક્તિ, પરિસ્થિતિ કે સંજોગો પર ઢોળી દેતા હોય છે. પોતાની કમજોરી પર કેન્દ્રીકરણ ન કરનાર આવા સ્વકેન્દ્રિત લોકો કદી સાચા અર્થમાં ડ્રાઈવર નથી બની શકતા.

જલ્પેશ અને વિજયભાઈનું ડ્રાઇવિંગ આમ તો રોહનની અપેક્ષાએ થોડું ઘણું સારું છે, પણ હર્ષ તો હર્ષ છે. એકવાર મેં તેને આ બાબતે પૂછતાછ કરવા માંડી તો તેમાંથી મને બહુ મોટું આધ્યાત્મિક રહસ્ય પણ જાણવા મળ્યું. એ રહસ્ય છે… પ્રગટભાવ.

હર્ષ જ્યારે પણ ગાડી ચલાવવાનું શરૂ કરે ત્યારથી એવું અનુસંધાન રાખે છે કે, ‘મારી બાજુની સીટમાં મારા મહારાજ સાક્ષાત્ બિરાજે છે. ને પાછળની સીટમાં પૂ.ગુરુજી અને સંતો બેઠા છે.’

બસ આ ભાવને લઈને જ હર્ષની ગાડીમાં… અરે, સાચું કહું તો એના જીવનમાં પણ કોઈ પ્રકારના રોદા નથી આવતા. તે સમયે સમયે સંતો-ભક્તોને મળીને જીવનરૂપી ગાડીમાં પેટ્રોલ પુરાવી લે છે, તેમનાં સૂચનોને અનુસરીને એ મુજબ ડાયવર્ઝન લેતો રહે છે, જરૂર પડયે તરત જ ગાડીને સર્વિસ કરાવી લે છે. વળી, નિજદર્શન કરતા રહીને તે જીવનરૂપી ગાડીમાં સમયે સમયે ટાયરની હવા, ઓઈલ, કુલન્ટ પાણી વગેરે આ બધું ચેક કરતો રહે છે. તેથી તેની ગાડી રોડ ઉપર અટકીને ઊભી નથી રહી જતી. ને મોત નીપજાવનાર એક્સિડન્ટ તો ક્યારેય નથી થતો.”

વહાલા ભક્તો ! ખેર, આ લૌકિક માર્ગમાં આપણે ખરા અર્થમાં ગાડીના ડ્રાઈવર બની શકીએ-ન બની શકીએ; આધ્યાત્મિક માર્ગમાં તો સુજ્ઞ ડ્રાઈવર બનવું જ પડશે. આ માર્ગે આપણે એવી રીતે ડ્રાઇવિંગ કરી જાણવાનું છે કે કોઈ પણ સંજોગોમાં પ્રભુપ્યારા સંતો-ભક્તો સાથે આપણે અથડાઈ ન જઈએ. જેમ કુશળ ડ્રાઈવર ગમે તેવા ટ્રાફિકમાં પણ રસ્તો કરી લે છે, તેમ આપણે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણો મોક્ષ મેળવી લેવાનો છે. પોતાને કે સામાને ઈજા ન પહોંચે એવી સાવધાનીથી અને નિશ્ચિત સમયે મંજિલ સુધી પહોંચી જઈએ એટલી સ્પીડથી ગાડી ચલાવવાની છે. જો આપણે ‘મને ડ્રાઇવિંગ આવડે જ છે’ એમ માની પોતાની ભૂલો છાવરીશું તો સુધારો નહિ થાય. પછી મોટા કદાચ નભાવી તો લેશે; ક્યારેક તેઓને મને-કમને આપણી પાસે ડ્રાઇવિંગ પણ કરાવવું પડશે, પરંતુ આ સેવા દ્વારા આપણે તેમને જોઈએ એવા સુખરૂપ નહિ થઈ શકીએ.

હા, ફ્રી ઓફ ચાર્જ ડ્રાઇવિંગ શીખવનારા અનુભવી સંતો-ભક્તોનો સાથ અને માર્ગદર્શન લઈને જો આપણે વહેલી તકે જીવનરૂપી ગાડી ચલાવવાનું સારી રીતે શીખી લઈશું, તો સર્વાત્મા શ્રીહરિ અને તેમના લાડલા મુક્તોના સેવક તરીકે આપણે તેમના ઉપયોગમાં આવી શકીશું. વળી, નિશ્ચિત સમયે નિશ્ચિત સ્પીડથી અક્ષરધામરૂપી ડેસ્ટિનેશનને પામી મહારાજનો મહાઆનંદ પણ પામી શકીશું.