આપણી સુરક્ષા...

આપણી  સુરક્ષા...

કથન : નીરવ ! હમણાંથી તું કેમ સત્સંગમાં જોઈએ એવો રસ નથી લેતો ? ઘણા દિવસથી ગેરહાજર રહે છે.

નીરવ : અરે યાર કથન ! સભામાં મન નથી લાગતું.

કથન : કેમ શું થાય છે ? દરેક યુવાસભામાં આપણી શુદ્ધિ-વૃદ્ધિ, અવનવા કેવા સુંદર કાર્યક્રમો યોજાય છે !

નીરવ : તારી વાત સાચી પણ...

કથન : પણ શુંં ? આપણને આવું સારું પોષણ મળતું હોય અને એકેય સભા ચૂકી જઈએ, તો આપણને બહુ મોટી ખોટ જાય. અને હા નીરવ, તને ખબર છે ? આ વખતે તો સંતોએ મોકલાવેલ પરિપત્રનો એક ખૂબ જ સારો ટોપિક હતો. અને 'દરેક કાર્યદિક્ષિત કરીને કરવું એ વિષય ઉપર ચર્ચા પણ ખૂબ સરસ થઈ હતી.

કથન વાક્ય પૂરું કરે ન કરે, ત્યાં તો નીરવે પોતાની વેદના ઠાલવવા માંડી...

નીરવ : બસ એ જ... આ ‘દિક્ષિત’ શબ્દ જ મને... એની સાથે મારે નથી બનતું. અને તેથી જ મને સભામાં આવવાનું મન નથી થતું. વારેવારે એ જ વાત આવ્યા કરે.....

  • તમે પોષકલીડરને મળતા રહો છો ?
  • તમારા સાક્ષીને સમયસર રિપોર્ટ આપો છો ?
  • રોજ પાંચેય માનસી પૂજા કરો છો ?
  • સંતોએ આપેલ અભ્યાસનું કેમ ચાલે છે ?
  • પંચવર્તમાનમાં કોઈ ગાબડાં તો નથી પાડતા ને ?

આ બધા પ્રશ્નોએ મને ભારેખમ કરી દીધો છે.

કથન : પણ નીરવ, આ બધું તો આપણે આપણા સુખ માટે કરવાનું હોય છે; નહિ કે જીવનમાં દુ:ખી થવા. અને આપણને પૂછનારા ક્યાં આપણા દુશ્મન છે !

નીરવ : સાંભળ કથન ! હમણાં ચાર દિવસ પહેલાં જ મેં બાઈક લીધું. સાચું કહું ! અત્યાર સુધીમાં ૮ યુવકોએ મને પૂછી લીધું કે, ‘સતોની આજ્ઞા લીધી હતી ?અરે વ્યાવહારિક સાવ નાની-સુની બાબત હોય તોય બધા બોલે... ‘મનોજભાઈને પૂછ્યું ?’ બીજી વાત કરું તો મારી કોલેજ લાઈફમાં ભણવામાં જરૂરી હોવાથી હમણા મેં ૩૦ હજારનો મોબાઈલ ખરીદ્યો. તેની જાણ થતાં જ પોષકલીડરે મને ખખડાવી નાંખ્યો. આ તે કેવું ! આ બધી બાબતથી હું કંટાળી ગયો છું. જીવનમાં કાંઈક થોડી ઘણી તો ફ્રીડમ હોવી જોઈએ ને ? આખી જીંદગી આમ બબુચકની જેમ બીજાને પૂછી પૂછીને જ જીવવાનું ? ફેમીલી સાથે બહાર ફરવા જવું હોય તોય કહે કે, સરની મરજી જાણવી પડે. આ બધું મને જેલમાં પૂરાયા હોય એવું લાગે છે. આવી તે આપણી કેવી સીસ્ટમ ? નર્યું આનું આ જ...

નીરવની વાત સાંભળી કથન બોલવા લાગ્યો,

કથન : જો નીરવ, આ સત્સંગ આપણને સૌને એક જ સરખો મળ્યો છે. મહેન્દ્ર, પિયુષ, હર્ષ વગેરે આપણા બીજા બધા ભાઈઓને તો આ બધું જરાય કઠણ નથી પડતું. એમને સત્સંગમાં ખૂબ સુખ અને આનંદ આવે છે અને એ જ સત્સંગમાં જો મને ને તને કદાચ કઠણ પડે, તો એ આપણો વાંક છે; સત્સંગનો નહિ. મહારાજ અને સંતો-ભક્તોની આજ્ઞામાં રહેવામાં ભલે થોડું કઠણ પડે, ભલે મનમાની સ્વતંત્રતા ન મળે. પણ ખરેખર એમાં જ આપણી સાચી સુરક્ષા છે. જો આ વાત આપણને સમજાઈ જાય તો પછી ચોક્કસ તેમાં આનંદથી રહી શકાય. સાંભળ નીરવ ! આ આપણી દીવાની યુવાની બ્રેક વિનાની ગાડી કહેવાય. જો તેમાં કોઈ આપણને સાવધાન ન રાખે, તો આપણે ક્યાં જઈને ઊભા રહીએ; તે નક્કી ન કહેવાય. અત્યારે આ બધા નિયમો આપણને થોડા બંઘનરૂપ ભલે લાગે, પણ આખિર એમાં જ આપણું ભલું છે. અને હા, અનુભવીઓને પૂછી પૂછીને જીવવાથી આપણું કાંઈ નથી બગડી જવાનું; પણ જો આપણા અહંમાં મનમાન્યું જીવીશું; તો બહુ મોટા વિઘ્નો આવવાના. પછી કોણ બચાવશે ?

આટલું કહેતા કથનને અચાનક પતંગિયાની એક સુંદર વાત યાદ આવી. તેણે નીરવને કહેવા માંડી.

કથન : એક પતંગિયાનું બચ્ચું પોતાના જન્મ બાદ ઈંડાનું કોચલું તોડીને ઝડપથી બહારની દુનિયામાં આવવા મથતું હતું. સ્વતંત્રપણે દુનિયામાં વિહરવા માટેની તેની તીવ્ર ઈચ્છા અને મથામણ જોઈ, કોઈ એક બાળકે સળી દ્વારા કોચલું તોડીને તેને બહાર કાઢ્યું. પતંગિયુ ઈંડામાંથી બહાર આવી ખુશ ખુશ થઈ ગયું. પરંતુ અંતે પરિણામ એ આવ્યું કે, ઈંડામાં રહીને તેણે પોતાના શરીરને જોઈએ એવું પક્વ ન કર્યું હોવાથી, તેની પાંખોમાં ઊંચે ઊડી શકવાનું બળ ન રહ્યું. અને છેવટે એ પતંગિયું બાહ્ય રીતે સ્વતંત્ર લાગવા છતાં ક્યારેય આકાશમાં ઉડવા સક્ષમ ન થઈ શક્યું.

પતંગિયાની આ વાત કહ્યા બાદ કથને તેનો સાર સમજાવતા કહ્યું,

કથન : સાંભળ નીરવ, આજ્ઞા બહાર જઈ સ્વતંત્રપણે દુનિયામાં વિહરવું આપણને બહુ ગમે છે. આ બાબતે સંતો-ભક્તોની રોક-ટોક કે નિયમો આપણને ગમતા નથી. પરંતુ ખરેખર એ બોર્ડરલાઈન જ આપણી સાચી સુરક્ષા છે. જો આપણે પતંગિયાની જેમ તેનાથી બહાર જઈશું, તો કાચા રહી જઈશું. તેની સામે ભલે થોડું કઠણ પડે; પરંતુ, આ સત્સંગમાં રહી સંતો-ભક્તોની મદદથી ઘડાઈને પક્વ થઈ જઈશું, તો સુખી થઈશું. જો સ્વતંત્ર થઈને આપણી ઈચ્છાઓ મુજબ સુખી થઈ જવાના હવાતિયા મારીશું, તો ક્યાંક પાંખ હોવા છતાં ઊડી શકવા સમર્થ નહિ રહીએ. માટે પક્વ થવા માટે પ્રભુએ આપેલ સત્સંગને મૂકીને આપણે ક્યાંય ભટકી પડવું ન જોઈએ.

આ વાત અને તેનો સાર સાંભળી નીરવના મનમાં કંઈક ચમકારો થયો. તેણે કથનનો આભાર માની, હવે પછીથી સત્સંગમાં સવળું સમજી આગળ વધવાનો મનોમન ઠરાવ કરી લીધો. આ પ્રસંગે કથને તેને એ પણ કહ્યું કે,

કથન : જો કોઈ પણ અઘરી વાત પોતાના સુખની અને પ્રગતિની લાગવા માંડે તો હવે પછી એ આપણા માટે અઘરી નહિ રહેતા આનંદદાયી બની જાય છે. વળી, આપણા લક્ષ્યમાં સપોર્ટ કરનારા અને તેમાં સાવધાની આપનારા તમામ વ્યક્તિઓ પણ આપણને આપણા પરમ હિતેચ્છુ લાગવા માંડે છે. માટે હવે પછીથી ‘સત્સંગનું બંધન જ સાચી મુક્તિ છે’ એમ સમજી આગળ વધજે.

વહાલા યુવાનો ! ખરેખર મહારાજે આપણને આ સત્સંગ પરમ સુખી થવા માટે જ આપ્યો છે. જો તેમાં રહી આપણા કલ્યાણ માટે આપણે તમામ ભીંસણ ખમતા રહીશું, આજ્ઞા-નિયમો પાળવામાં અને કોઈના અન્ડરમાં રહેવામાં જ પોતાનું ભલું માનીશું, સવળું વિચારી સત્સંગમાં રસબસ થઈશું, તો તેના માધ્યમે જ શ્રીહરિજી મહારાજને પામી જઈશું. બીજાની આજ્ઞામાં રહી બીજાને આધીન વર્તવાનું આપણને ભલે થોડું અઘરું પડે, પણ જો તેને પોતાની ખોટ સમજીને વહેલી તકે પૂરી દઈશું, તો આ દિવ્ય સત્સંગ જરૂર એક દિવસ આપણા માટે સુખનો મહાસાગર બની જશે...