
બીજાને આપણી જેટલી જરૂરિયાત ઓછી એટલી આપણી વૃત્તિ ભગવાનમાં વધુ રહે. આપણને બીજાની જરૂર પડે એ ઠીક છે. તો બીજાને આપણી જરૂર કેમ પડે છે ? એનાથી શું થાય ? એ કેમ ઓછી થતી નથી ? ઓછી થઈ જાય તો શું થાય ? આપણને બીજાની જરૂર પડે એટલે શું થાય ?
બીજાને આપણી જરૂરિયાત વધુ રહે છે એનો એક અર્થ એ કે, આપણે એમને માટે અનિવાર્ય બની ગયા છીએ. એટલા આપણે એમનામાં વધુ રોકાયેલા રહીએ. એમને જેટલો સમય આપવો પડે એટલો ભગવાનનું ચિંતન-મનન કરવાનો સમય ઓછો મળે. નાના નાના પ્રશ્નો માટે પણ એ આપણી સલાહ લે. તેથી આપણે એટલું વધુ વિચારવું પડે. એમને કાંઈ વિચારવાનું રહેતું નથી. સહેજ કાંઈ થાય એટલે આપણે તરત ઈન્વોલ્વ થઈને, એમનો પ્રશ્ન એ પોતાનો જ પ્રશ્ન સમજીને શ્રીકૃષ્ણ ભગવાનની જેમ ચિંતાનો ટોપલો માથે લઈ લઈએ અને એ અર્જુનની જેમ સૂઈ રહે.
આનાથી જે કરવા જન્મ્યા છીએ એ બાજુ પર રહી જાય અને બીજું જ કરવા પણ લાગી પડાય અને એમ જ લાગે કે, “હું તો બધાને મદદ જ કરું છું ને ! આ પણ ભગવાનની જ સેવા છે ને !” આપણને બીજા ઓળખે, બીજા આપણને પૂછીને બધું કરે, એ રાગ, એ યાત્રા યુગોથી શરૂ જ છે. આ વિચિત્ર માયા છે. એ જે દિવસે બંધ થશે તે દિવસે આપણે સાચા માર્ગે હોઈશું. સદ્.મુક્તાનંદ સ્વામી પણ કોઈ વાત પૂછે તો એની સામું જોઈ રહે અને જવાબ આપવો ઘટે એટલો આપીને ધ્યાનમાં લાગી જતા. પૂ.ગુરુજી પણ કહે છે કે, “આપણા આત્માને પરમાત્મામાં જોડ્યા વિના છૂટકો જ નથી. એ આ જન્મે કરીએ કે હજાર જન્મે. આપણી વાસના-દોષો બાળ્યા વિના આપણે ભગવાન પાસે રહી શકવાના નથી.” સદ્.ગોપાળાનંદ સ્વામી પણ કહે છે કે, પહેલાં પોતાની જાતને સત્સંગી કરવી, પછી બીજાને કરાવવા જવું.
બીજાને આપણી જરૂરિયાત ઓછી થઈ જાય, કોઈ પૂછે નહિ, ગણે નહિ તો બધું શૂન્ય લાગે. એ ગમતું નથી એનું મુખ્ય કારણ છે, આપણા અહંનું પોષણ અટકી જાય તે છે ! સમાજમાં મને બધા ઓળખે, સારો ગણે, મોટો ગણે; એ ગ્રંથીનું પોષણ બંધ થતાં, “કોઈને હવે મારી કદર નથી. મેં આ બધાને માટે કેટલું કર્યું ! હવે એ મોટા જ્ઞાની થઈ ગયા. હવે શેના ભાવ પૂછે ?” આમ વિચારો આવવા લાગે, જ્યાં ત્યાં વરાળ નીકળ્યા કરે અને બ્રહ્મભાવે સતત હરિસ્મરણ તો ક્યાંય પડ્યું રહે. વિશ્વામિત્રએ તપ તો ઘણું કર્યું પણ ત્રિશંકુ અને શુન:શ્ચેપ જેવાઓને સારા લાગવા, પોતાના અહંને પોષવા, પોતાના તપના બળે એ બધાનું કામ કરી આપ્યું અને તપનું ફળ વેડફી નાંખ્યું. રાજપાટ છોડીને તપશ્ચર્યા તો ખૂબ આકરી કરી પણ ઠેર ના ઠેર આવીને ઊભા રહ્યા. મોડું ખૂબ થઈ ગયું ! જો સવળું સમજીએ તો એમ થાય કે, “બીજા આપણને જેટલું ઓછું પૂછે એટલો ભગવાન માટે વધુ સમય મળશે. ભગવાને મને હવે આ વિચિત્ર માયાથી છોડાવ્યો છે. એમનો ખૂબ આભાર.”
આપણને બીજાની જરૂર પડવી જોઈએ; એ સારું છે. એમાં નિર્માની, દાસ, દીન રહેવાય છે. “મારે કોઈની જરૂર નથી.” એમ થાય તો અહંકારરૂપી એવરેસ્ટની ટોચે બેઠા છીએ. માટે, બીજાને આપણી જરૂર ન પડે એવું જીવન બની જાય તો ભગવાનનો મોટો પાડ માની, સતત હરિસ્મરણમાં લાગી જઈને, વાસના-દોષોના ભુક્કા કાઢીને ચૂપચાપ ધામ ભેળા થઈ જવામાં શ્રેય છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે, “તમે ખૂબ કરુણા કરીને અમને એવા સત્પુરુષ આપ્યા છે, તો એમના બળે અમે બીજે ક્યાંય ન રોકાતાં-બંધાતાં, તમને પામી જઈએ; એવી કૃપા કરો !”