
વહાલા ભક્તો, કહેવાય છે કે આ સૃષ્ટિમાં ઘણા સમય પહેલાં એક સમય એવો હતો કે ત્યારે પૃથ્વી પરના બધા જ મનુષ્યો ઈશ્વરના જેવી દિવ્યતા-દેવત્વ ધરાવતા હતા, પરંતુ તેઓએ તેમની દિવ્યતાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. તેથી ભગવાને બધા મનુષ્યો પાસેથી તે દિવ્યતા છીનવી લેવાનું અને તેને એવી જગ્યાએ છુપાવવાનું નક્કી કર્યું કે જેથી તે મનુષ્યો તે દિવ્યતાને ક્યારેય શોધી ન શકે.
પછી ભગવાન વિચારવા લાગ્યા કે આ દિવ્યતાને ક્યાં છુપાવવી ? પછી પ્રભુને વિચાર આવ્યો કે, ‘તે દિવ્યતાને પૃથ્વીની અંદર ઊંડી દાટી દઉં.’ ત્યારે વળી વિચાર આવ્યો કે, ‘ના, મનુષ્યો પૃથ્વીમાં ખોદીને તેને શોધી કાઢશે.’ વળી તેમણે વિચાર્યું, ‘ચાલો, તેને સમુદ્રમાં ઊંડી ડુબાડી દઉં.’ ત્યારે વળી તેમને થયું કે, ‘મનુષ્ય સમુદ્રમાં ડૂબકી મારવાનું શીખી જશે અને તેને ત્યાંથી શોધી કાઢશે.’
છેવટે ભગવાને નક્કી કર્યું કે, ‘તેને ઊંચામાં ઊંચા પર્વતની ટોચ ઉપર સંતાડી દઉં.’ તેમ કરવા જતા હતા ત્યાં વિચાર આવ્યો કે, ‘ના ના, મેં સર્જેલા મનુષ્યો એવા બુદ્ધિશાળી છે કે તેઓ તે પર્વત પર ચઢી જશે અને ત્યાંથી તે દિવ્યતાને લઈ લેશે.’ આમ ભગવાનને તે દિવ્યતા છુપાવવા માટે જ્યારે એવી કોઈ જગ્યા જ ન મળી કે જ્યાં મનુષ્યો પહોંચી ન શકે, ત્યારે તેમણે મનુષ્યોની તે દિવ્યતાને તે મનુષ્યોમાં જ એટલે કે તેમના આત્મામાં જ છુપાવી દીધી.
વહાલા ભક્તો, આપણી દિવ્યતા પણ આપણી અંદર જ છુપાયેલી છે, તેને જન્મોજન્મના ઘણા લાંબા સમયથી સાવ ભૂલી ગયા છીએ. તે આપણી દિવ્યતા શી છે ? તો આપણે સત્, ચિત્ અને આનંદમય એવા આત્મા છીએ; દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ આદિકના પ્રકાશક, નિયામક, શાસક અને તેમનાથી સ્વતંત્ર છીએ; પોતાના સુખે જ સદા સુખી છીએ. આ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં પણ કહેલ છે.
આ દિવ્યતા આપણી પાસે આપણી અંદર જ છે, છતાં આપણને અનુભવાતી નથી. તો શું કરવું ? તો તેનો ઉપાય બતાવતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના ૨૦મા વચનામૃતમાં કહે છે કે, “જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુવે છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુવે છે અને નારદ- સનકાદિક જેવો સુખિયો પણ થાય છે.”
વળી, તે પ્રયત્નની સાથે પરમાત્માની પ્રાર્થના કરવાની પણ જરૂર છે, તે માટે ઈશાવાસ્યોપનિષદમાં પરામાત્માને જે પ્રાર્થના કરવાનું કહેલ છે તે આપણે પણ કરીએ કે,
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्।
तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये।।
(ईशावास्योपनिषत् : १५)
“હે સર્વનું પોષણ કરનારા પ્રભુ ! સત્ય એવા આત્માનું અને આપ પરમાત્માનું દ્વાર સુવર્ણમય પાત્ર-આચ્છાદનથી ઢંકાયેલું છે, અર્થાત્ જેના વડે મનન-ચિંતન કરીને આત્મા અને પરમાત્માને પમાય છે, એવું મનરૂપ તે દ્વાર લોભામણા માયિક વિષયોથી ઢંકાઈ ગયું છે, બંધ થઈ ગયું છે. તેને સત્ય એવા આત્મા અને પરમાત્માનાં દર્શન માટે આપ ઉઘાડો.”
વળી, આપણી ઉપર કહી તેનાથી બીજી અતિશય શ્રેષ્ઠ દિવ્યતા તો એ છે કે દિવ્ય તેજોમય આત્મારૂપ એવા આપણામાં સદા સાકાર, સચ્ચિદાનંદરૂપ, સર્વજ્ઞ, સર્વસમર્થ, સર્વકર્તા, સર્વોપરિ, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ, નિર્ગુણ, સ્વયંપ્રકાશ, સ્વતંત્ર, અતિ કરુણાળુ, વાત્સલ્યમૂર્તિ, જેના દર્શનમાત્રથી સર્વ પ્રકારના સુખનો અનુભવ થાય તેવા, જેને પામ્યા પછી આત્મા સદા નિર્ભય, પૂર્ણકામ અને દિવ્ય સુખનો ભોક્તા બની જાય તેવા, વળી અસંખ્ય સદ્ગુણો, ઐશ્વર્ય વગેરેના નિધિ; એવા પરબ્રહ્મ વિરાજમાન છે, પણ તેનો આપણને અનુભવ નથી થતો. તેનો અનુભવ કરવાનો ઉપાય બતાવતાં કઠોપનિષદમાં કહેલ છે કે,
अणोरणीयान् महतो महीयानात्माऽस्य जन्तोर्निहितो गुहायाम्।
तमक्रतु: पश्यति वीतशोको धातु: प्रसादान्महिमानमात्मन:।।(कठोपनिषत् : अ.१, व.२, मं.२०)
દરેક આત્માની હૃદયરૂપી ગુફામાં પરમાત્મા વિરાજમાન છે, તે જે કાંઈ સૂક્ષ્મ છે, તેનાથી પણ સૂક્ષ્મ છે, અને જે કાંઈ મહાન-વિશાળ છે, તેનાથી પણ મહાન-વિશાળ છે. જે આત્મા કામ્ય કર્મોમાં અનાસક્ત થઈને પરમાત્માના આ મહિમાને જાણે છે, તે પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી વીતશોક અર્થાત્ સર્વ પ્રકારના શોકથી મુક્ત થાય છે, અર્થાત્ પરમાત્મા જેવો સચ્ચિદાનંદરૂપ બની જાય છે.
શ્રીજીમહારાજે પણ સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, “માયા થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે; કહેતાં જેમ ભગવાન શુભ-અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ-અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”
વહાલા ભક્તો, આવી છે આપણી અને આપણી અંદર વિરાજમાન પુરુષોત્તમનારાયણ એવા મહારાજની દિવ્યતા ! તે દિવ્ય ખજાનાને મૂકીને તુચ્છ અને નાશવંત માયિક વિષયોને મેળવવા ને ભોગવવા ફાંફા મારવા તે તો રાજાની રાણી થઈને ઠીકરું લઈને ભીખ માંગવા બરોબર છે. આપણા વહાલા ગુરુજીને પણ સતત આત્મારૂપ થઈ દિવ્ય પરમાત્મા એવા મહારાજને જાણવા-માણવાનું તાન છે, તેથી જ તેમણે આપણને તે તાન ચઢાવવા કહ્યું છે.
મારે મારો આતમા, જોવો છે રે જોવો છે;
એમાં છે પરમાતમા, એમાં જીવ પ્રોવો છે...મારે૦
હરિનું સરનામું છે, અક્ષરરૂપ આત્મા;
આત્મામાં જોવાય છે, અખંડ એ પરમાત્મા...મારે૦
દરવાજો છે આત્મા, હરિ પાસે જાવાનો;
જ્ઞાનરૂપી દરવાજેથી, શ્રીજીને હું જોવાનો...મારે૦
માટે ચાલો ભક્તો, આપણે પણ આ ધામભાવે અખંડ સ્મરણ વર્ષમાં સંતોનાં સેવા-સમાગમ, શ્રીહરિનું ભજન-સ્મરણ, કથાશ્રવણ વગેરે કરીને આપણી અંદર જ રહેલ દિવ્ય ખજાનાને જાણીએ ને માણીએ.