આપણાં સુખ-દુ:ખ...

આપણાં સુખ-દુ:ખ...

વહાલા ભક્તો ! આપણાં સુખ-દુ:ખ કોઈ દુન્યવી પદાર્થો, અન્ય વ્યક્તિઓ, બાહ્ય પરિબળો કે પરિસ્થિતિ આધારિત ન જ હોવાં જોઈએ. જો તે પરિબળો આપણને સુખી-દુ:ખી કરી જાય તો એમ કહી શકાય કે આપણે તેનાં ગુલામ છીએ.

  • કાંઈક સત્તા, સંપત્તિ આદિક જોઈએ છે તે ન મળે અથવા તો મળ્યું હોય તે ટળી જાય.
  • કોઈક કાર્ય કરવામાં સફળતા ન મળે અથવા તો મળેલી સફળતા અચાનક નિષ્ફળતામાં બદલાઈ જાય.
  • આપણે ડોક્ટર, ગાયક, લીડર વગેરે કાંઈક બનવું હોય તે ન બની શકાય અથવા તો બન્યા હોય ને અચાનક એ ડીગ્રી કે મોટપ ટળી જાય.

ઉપરોક્ત આવી બધી બાબતોથી આપણે હતાશ, નિરાશ કે દુ:ખી ન થવું જોઈએ. કેમ જે, આ લોકમાં કાંઈ સ્થિર છે જ નહીં; તો ભલા એ બાબત આપણને કઈ રીતે કાયમી સુખ આપી શકવાની છે ? આ લોકનું દુન્યવી માયિક સુખ તો તુચ્છ, નાશવંત ને અંતે અપાર દુ:ખનું કારણ છે; માટે આપણને દુ:ખી કરવામાં જવાબદાર એવી માયિક સુખની પ્રબળ ઇચ્છાઓ છોડી દેવાથી જ સુખી રહેવાશે.

આધ્યાત્મિક માર્ગમાં આ મુદ્દો ગહેરાઈથી સમજવા જેવો છે. પૂ.ગુરુજીએ પોતાના નિજી ચિંતનના સારરૂપ એક દોહામાં દુ:ખનું ઉદ્ભવબિંદુ દર્શાવતાં કહ્યું છે...

કરવું છે તે અહંકાર, થાવું છે તે માન;
જોઈએ છે તે વાસના, ત્રણેય તજી દો જ્ઞાન.

જો કે આ દોહાનું યથાર્થ ઊંડાણ તો પૂ.ગુરુજી જેવા મોટા જ જાણી શકે; તેમ છતાં આપણા લેવલે આ વાતને સમજવાનો-અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ, તો એનાથી આપણા દુ:ખનાં ઘણાં બધાં દ્વારને આપણે બંધ કરી શકીએ.

જે વ્યક્તિ કાંઈક કરવાની, કાંઈક થવાની અને કાંઈક ભોગવવાની પોતાની માયિક બળવત્તર ઇચ્છાઓને ઓળખી શકે છે, દાબી શકે છે, મારી શકે છે તેનાથી દુ:ખ ઘણું દૂર રહે છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધી માયિક સુખની ઇચ્છાઓનો ત્યાગ શેના આધારે કરવો ? તો... પરમાત્માના આધારે. પરમ સુખદાતા શ્રીહરિમાં ખોવાયેલા રહેવું. એમનામાં કર્તા-હિતકર્તાપણાનો જોરદાર વિશ્વાસ રાખવો. એ જેટલું આપે તેમાં જ પરમ સંતોષ માનવો.

આમ તો પ્રભુએ આપણને જરૂરિયાતથી પણ અનેક ગણું વધુ આપ્યું છે, તેમ છતાં કેટલીક વખત આપણે એમાં સુખ માણવાને બદલે જે નથી મળ્યું તેની ઇચ્છા-લોભ રાખીને તેને મેળવવાના લાવા-ઝંખામાં ખોટા દુ:ખી થઈએ છીએ. ખરેખર આપણે સુખી જ થવું હોય તો આપણી જરૂરિયાત ઉપર સ્થિર રહી અટકવાનું હોય છે. ત્યાં અટકતા નથી એ જ બાબત આપણા દુ:ખનું કારણ બને છે. જરૂરિયાતથી ઉપરની આપણી ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ જ આપણને દુ:ખી કરી જાય છે.

દરેક માનવીના જીવનમાં સુખ-દુ:ખનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે પરંતુ જે વ્યક્તિ સમજણથી સંતોષ રાખે તે સુખી રહી શકે. બાકી તો પ્રભુએ ગમે તેટલું આપ્યું હોય તોય દુ:ખી જ રહે.

એક ભાઈ નિરાશ હતો. કોઈએ તેને જોબ અપાવીને સુખી કર્યો. રોજ ૩ કિલોમીટર ચાલીને તે ઉત્સાહથી નોકરીએ જવા લાગ્યો. અમુક દિવસો બાદ બાજુવાળાને સાયકલ પર જતો જોઈ ચાલીને નોકરીએ જવામાં તેને દુ:ખ અનુભવાયું. પછી માંડ સગવડતા કરીને તે સાયકલ લાવ્યો, પરંતુ સમજણ અને સંતોષના અભાવે એનું સગવડતારૂપ સુખ પણ દુ:ખના ચક્રની ગતિને કેમેય રોકી શક્યું નહીં.

થોડા દિવસ બાદ બાઇકવાળાને જોઈ તેને પેડલ મારવાનું કઠણ પડવા લાગ્યું ને ફરી પાછું દુ:ખ શરૂ થઈ ગયું. સમય જતાં એકવાર તે બાઇક પણ લઈ આવ્યો ને માનવા લાગ્યો કે બસ હવે શાંતિ; હવે તો હું સુખી થઈ ગયો. થોડા સમય પછી આર્થિક સગવડતા થતાં હવે બાજુવાળાની કાર જોઈને તેને કાર લેવાના વિચારોમાં પોતાની બાઇક સામાન્ય લાગવા માંડી.

છેવટે તે ફોર વ્હીલ લઈ આવ્યો. પરંતુ હજુ પણ કારના નવા નવા મોડલમાં તેનું મન લલચાયા કરતું હતું, એને લઈને તેના વિચારોમાં સતત એ જ વાત રમતી હતી કે હવે તો હું ધનવાન છું. ચાલુ ગાડીમાં મારું માન શું ? કંપનીમાં જવાનું હોય અને આવી ગાડી મને કેમ શોભે ? આમ હવે જ્યારથી તેના વિચારોમાં કારનું નવું મોડલ ચડ્યું છે ત્યારથી પોતા પાસે ફોર વ્હીલ હોવા છતાં તેને એનું સુખ ચાલ્યું ગયું છે. હજુ નવી કાર મેળવવાના વિચારોમાં તે વ્યર્થ દુ:ખી છે.

આ વ્યક્તિ ક્યાં અટકશે ? શું હવે તેને આગળ ઇચ્છા નહિ થાય ? ઇચ્છાઓનો કોઈ એન્ડ જ નહિ ? આવું તે કેવું જીવન ? તેના સુખની બોર્ડરલાઇન કઈ ? કઈ ગાડીમાં તે કાયમી સુખી થશે ? તેને સારામાં સારી કાર તો શું; પ્લેન મળશે તોપણ તે દુ:ખી જ રહેવાનો. સંતોષરૂપી સમજણ આવ્યા વિના ગમે તેટલું હોવા છતાં તે સુખી નહિ જ રહી શકે.

વહાલા ભક્તો ! આપણને પણ આજ દિન સુધી પૈસો-પ્રતિષ્ઠા-માન-મોટપ વગેરે ઘણું ઘણું મળ્યું છે તોય સુખી નથી થયાં, તો હવે આગળ શું મળશે ત્યારે આપણે સુખી થઈશું ? બસ હવે આટલું ધન ઘણું, આટલું માન-સન્માન ઘણું, આટલી આયુષ્ય ઘણી, આટલું ભોજન ઘણું; એમ થવું જોઈએ ને !

શું ડોકટરની વોર્નિંગ આવે કે તમારે ડાઈટિંગ કર્યા વિના છૂટકો જ નથી ત્યારે જ અટકવાનું ? રિપોર્ટમાં ડાયાબિટીસ આવે ત્યારે જ ગળપણ છોડવાનું ? આપણા ઘરમાં સારામાં સારી ફોર વ્હીલ હોવા છતાં ડાઈટિંગ માટે રોજ ૩ કિલોમીટર ચાલવું પડે... ઘરમાં સારામાં સારું ભોજન બનાવ્યું હોવા છતાં કાચું ખાઈને જીવવું પડે... આવી બધી પરિસ્થિતિઓ આવી પડે એ પહેલાં જ આપણે જાગી જઈએ તો એ આપણી સુજ્ઞતા કહેવાય.

હજુ થોડું... હજુ થોડું... એમ ખાધા જ કરીએ, ભોગવ્યા જ કરીએ, ઇચ્છ્યા જ કરીએ તો પછી આગળ જતાં દુ:ખ જ ભોગવવું પડે. આપણે મોબાઇલના મોડેલ બદલ્યા કરીએ; અનેક પ્રકારનું ખાવામાં પાછું વળીને જોઈએ જ નહિ, નવાં નવાં કપડાંઓ અને સાધનો ખરીદ્યા કરીએ, ઘરમાં વધુ પડતું ફર્નિચર-રાચરચીલું અને જાકમજોળ કરીએ તો આ બધા આપણા ફંદા છે, મોજશોખ છે; નહિ કે આપણી જરૂરિયાત.

આપણી મહત્ત્વાકાંક્ષાનો તો કોઈ એન્ડ જ નથી. પરિણામે આપણી પાસે શું-કેટલું હોય તો આપણે પોતાને સુખી-ધનવાન માનીએ, એ કહેવું મુશ્કેલ છે; માટે આપણી સાચી જરૂરિયાત તપાસી ત્યાં અટકવું જોઈએ.

જીવનમાં દરેક બાબતની બોર્ડરલાઇન બાંધવી જોઈએ. આપણને ભગવાને હાલ જે માન-મોટપ આપ્યાં છે, સુખ-સંપત્તિ ને આબરૂ આપી છે; કમસેકમ તેમાં તો સંતોષ માનવો જ જોઈએ. કેમ જે, પ્રભુએ આ બધું આપણી પાત્રતા કરતાં ઓલરેડી વધુ જ આપ્યું છે. પ્રભુ ક્યારેય આપણને જરૂરિયાતથી જરાય ઓછું આપતા નથી; એ તો આપણી જરૂરિયાતની અંતિમ રેખા જ ખોટી હોય છે...