
સંવત ૧૮૭૨, સન્.૧૮૧૬માં સ્વામિનારાયણ ભગવાન ધર્મપુર રાજ્યમાં પધાર્યા હતા. ત્યાંનાં રાજમાતા કુશળકુંવરબા બહુ મહાન ભક્ત હતાં. તેમણે શ્રીહરિ તથા સંતો-ભક્તોનો રાજીપો લેવા બહુ જ સેવા કરી. વસંતપંચમીનો રંગોત્સવ પૂરો થયો, પછી કુશળકુંવરબાએ હજારો રૂપિયા શ્રીહરિના ચરણોમાં અર્પણ કરીને વિનંતી કરી, ‘હે પ્રભુ ! આ સર્વે ધન આપના આ સત્સંગીઓને વહેંચી દો.’ મહારાજ કહે, ‘અમારા ભક્તોને અમારે ધન દેવું નથી. જો તમે અમને અર્પણ કરી દીધું હોય તો અમને ગમે તેને આપીશું.’
કુશળકુંવરબા તરત જ બોલ્યાં, ‘મેં તો તમને અર્પણ કર્યું, હવે તમારી નજરમાં આવે એને આપી દો.’ પછી પ્રભુએ રાજ્યના નોકર-ચાકરને બોલાવ્યા. તેમની સામે કરુણાદૃષ્ટિથી જોયું. પછી કોઈને ખોબો, ધોબો કે કોઈને મૂઠી ભરી-ભરીને તે ધન આપવા લાગ્યા. તે વખતે આ વાત સાંભળીને એક ટેલિયા ભૂદેવ દોડાદોડ આવ્યા. તેમણે પુત્રને જનોઈ આપવા તથા પુત્રીને પરણાવવા માટે આર્થિક સહાયની અપેક્ષા જણાવી. પછી તેની ઇચ્છા મુજબ મહારાજે એક હજાર રૂપિયા તેને પ્રેમથી આપી દીધા. આ સમયે કુશળકુંવરબાઈએ પૂછ્યું, ‘તમે અમારા માણસોને આટલા બધા રૂપિયા આપ્યા અને તમારા ભક્તોને તો એક કોડી પણ ન આપી તેનું શું કારણ ?’
પરમ કૃપાળુ પ્રભુએ પ્રત્યુત્તરમાં જણાવ્યું : ‘આ લોકનું આ બધું સુખ તો માયિક, તુચ્છ અને નાશવંત છે; એવું ધૂળ જેવું સુખ અમે અમારા વહાલા ભક્તોને શું કામ આપીએ ? જેમ કોઈ અજ્ઞાની બાળકને રાજી કરવું હોય તો ગાજર જેવી ખાવાની વસ્તુ આપીએ. કાષ્ઠ, માટી કે ખોટી ધાતુનાં રમકડાં આપીએ તોય રાજી થઈ જાય, પણ કોઈ જ્ઞાની પીઢ વ્યક્તિને રાજી કરવા એવાં રમકડાં આપીએ તો શું તે રાજી થાય ? તેમ અમારા વહાલા સાચા સંતો-ભક્તો સમજણે કરીને પીઢ થયેલા છે. તેમને તો અમારે અક્ષરધામમાં અમારું અલૌકિક, અવિનાશી અને અપરંપાર જે સુખ છે તે આપવું છે. કારણ કે, અમારા સંતો-ભક્તો તેવા સુખથી રાજી થાય એવા સમજુ છે.’
વહાલા ભક્તો ! આમાં આપણું કેમ છે ? તે વખતના સંતો-ભક્તો તો એવા સમજુ અને શાણા હતા. આપણે નાના બાળક જેવા અજ્ઞાની તો નથી ને !! આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણનો અભિગમ ધન-સંપત્તિ પ્રત્યે કેવો હતો ? તે આપણે સહુએ આજે ખાસ શીખવા જેવો છે.
એકવાર કુશળકુંવર રાજમાતા મહારાજને રાજ્યનો ખજાનો પાવન કરવા લઈ ગયાં. તેમાં ધન, સોનું-ઝવેરાત, હીરા-માણેક વગેરે જથ્થાબંધ હતું, તે દેખાડ્યું. પછી લાખો-કરોડોની એ સંપત્તિ શ્રીહરિને સમર્પિત કરવાની પ્રાર્થના કરી. તેના વડે મોટા ઉત્સવ-સમૈયા, યજ્ઞ અને વિપ્રચોરાશી જેવું સત્કાર્ય કરવાની લાલચ દેખાડી; પરંતુ આટલી બધી બેસુમાર સંપત્તિ સામેથી મળી રહી હતી તે વિષે આપણા ઇષ્ટદેવ શ્રીહરિએ રાણીબાને કહ્યું, ‘આ સત્તા-સંપત્તિ તો માણસના મળ સમાન છે. તેનો આવડો મોટો ટોપલો તમે માથે ઉપાડ્યો છે, તેને બીજાને માથે નાખવા ચાહો છો; પણ મૂર્ખ સિવાય બીજો એ નરકને કોણ ઉપાડશે ? જે સત્પુરુષ હોય તે તો કદી ગ્રહણ નહિ જ કરે. કદાચ કોઈ અસત્પુરુષ ગ્રહણ કરે ખરા ! આ તમારી સર્વે ધન-સંપત્તિ મોટા શહેરના શેઠિયાના સંડાસ-પાયખાના સમાન છે. અમારે એની કોઈ જ જરૂર નથી.’ આવું-આવું કહીને તીખા શબ્દોમાં ઘણો જ તિરસ્કાર કર્યો. આમ પોતાના અંતરમાં ધન-સંપત્તિ અને સત્તા પ્રત્યે જે અણગમો પડ્યો હતો તે અભાવ આપણ સહુને જણાવ્યો.
વહાલા ભક્તો ! આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના વિચારો-સંસ્કારો ને સિદ્ધાંતો આવા હતા. તેઓ માયા અને માયાની સુખ-સગવડતાને ધૂળ જેવી તુચ્છ તથા મોક્ષ બગાડનારી માનતા. બિનજરૂરી ધન, જમીન, સત્તા ને સંપત્તિનો યોગ મુમુક્ષુ ભક્તો માટે દારૂ, ભાંગ અને ડ્રગ્સના ડોઝની જેમ ભાન ભૂલાડનાર ગણતા. તેમના પગલે ચાલતા મોટા પરમહંસ સંતો પણ ધન, સંપત્તિ અને સત્તાને મહાદુ:ખદાયી માનતા. બિનજરૂરી સુખ-સગવડતા મળે ત્યારે તેનો ખેદ અનુભવતા. આપણું કેમ છે ? આપણું માનવું આપણા ઇષ્ટદેવ અને આપણા વડવા જેવું છે કે જગતના જીવ જેવું ? જો આ જ જન્મે અખંડ સત્સંગ-ભજન પરાયણ રહી પ્રભુને પામવું જ હોય તો આપણે પણ તેમના રાહે જ ચાલવું જરૂરી છે.
એની રીત્યે રીત આપણી રે, બીજી રીત્યે બાધ;
પરહરો પરી પાપણી રે, વળગીએ વરાધ.
ફોગટ પડતા બીજા ફંદમાં રે, આવે દુ:ખ અત્યંત;
નિષ્કુળાનંદ આનંદમાં રે, સદા રહોને સંત.
આનું પ્રત્યક્ષ પ્રમાણ આપણી નજર સામે જ છે કે, આપણી પાસે જેમ જેમ ભૌતિક સુખ-સગવડતા અને ધન-સંપત્તિ વધી રહ્યાં છે તેમ - તેમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઘટી રહ્યાં છે. આપણા વડવાઓ પાસે આજ જેવો ભૌતિક વિકાસ ન હતો, પણ આપણા કરતાં ભજન વધુ કરતા. તેમની સમજણ, સાધુતા અને સ્થિતિ આપણા કરતાં અનેકગણી શ્રેષ્ઠ હતી. એટલે જ તેઓ ભગવાનને અતિશય વહાલા લાગતા હતા.
ભગવદ્દગીતાજીમાં ભગવાનને કેવો ભક્ત અતિ વહાલો લાગે છે ? તેનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે —
यो न ह्रष्यति न द्वेष्टि न शोचति न कांक्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान् य: स मे प्रिय: ।।
પ્રભુને પ્રાણપ્યારા એવા ગોપાળાનંદ સ્વામીએ આનો અર્થ આવો કર્યો છે. જે ભક્ત ધન, સ્ત્રી અને પુત્રાદિક પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો હરખાઈ જાતો નથી. વળી એવું મનમાન્યું ન મળે કે જેવું-તેવું મળે તો ખીજાઈ જાતો નથી. જે ભક્ત મનમાન્યાં ધન-સ્ત્રી, ખાન-પાન કે ગાડી-બંગલાની અપેક્ષા રાખતો નથી અને સામેથી મળેલું હોય તેપણ કદાચ ટળી જાય તો શોક કરતો નથી. જેનાથી ભૌતિક સુખ, સગવડતા અને સન્માન મળે એવાં દાન-પુણ્યરૂપી શુભકર્મોથી તથા અશુભ કર્મરૂપી ખોટા માર્ગથી જે ભક્ત સો ગાઉ દૂર રહેવા ટેવાયેલ છે. અને મારાં ભજન-સ્મરણ, ધૂન-કીર્તન અને સત્સંગનું જ જેને તાન રહે છે એવો ભક્તિમાન્ ભક્ત હોય તે મને-ભગવાનને બહુ જ વહાલો લાગે છે.
જો આપણી સમજણ તથા રુચિ આવી જ હોય તો આપણે પણ પ્રભુને વહાલા લાગતા હોઈશું. જો જગતના જીવ જેવી જ આપણી પણ માન્યતા હોય તો આપણામાં અને જગતના જીવમાં શું ફેર ? હે પ્રભુ ! હું જલ્દીમાં જલ્દી આવો આપનો પ્યારો બની શકું એવી કૃપા કરજો.