
સાહિત્ય જગતમાં મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે. કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. કૌરવપક્ષે ભિષ્મપિતામહ સેનાપતિ હતા. ભિષ્મપિતા પોતાના પિતા સાથે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમને કૌરવપક્ષમાં રહેવું પડ્યું હતું, પરંતુ તેમને વધારે હેત તો પાંડવોમાં હતું. આજે યુદ્ધમાં તેમની સામે તેમના અતિ વહાલા અર્જુનજી હતા, તેથી અર્જુન સામે તેઓ મન મૂકીને લડી શકતા ન હતા.
દુર્યોધનને જ્યારે આ વાતની ખબર પડી એટલે તે પિતામહ પાસે આવ્યો અને કહેવા લાગ્યો : “પિતામહ ! તમે અન્યાય કરો છો. તમારા પેટમાં પાપ છે. તમારે પાંડવોને જીતાડવા છે એટલે જાણી જોઈને અર્જુન સામે લડતા નથી. જો આવું જ કરવું હતું તો પહેલાં કેમ ન કીધું ? હું કોઈક બીજાને સેનાપતિ બનાવત.”
આમ, દુર્યોધન પિતામહને ન કહેવાનાં આકરાં વેણ કહેવા લાગ્યો. દુર્યોધનના આકરા શબ્દો ભિષ્મપિતાને કાળજામાં બાણની જેમ વાગ્યા. તેઓ આવેશમાં આવી ગયા અને પ્રતિજ્ઞા કરી નાંખી કે, “દુર્યોધન ! કાલ સાંજ સુધીમાં રણમેદાનમાં કાં તો અર્જુન નહિ હોય ને કાં ભિષ્મ નહિ હોય.”
આ બાજુ સંધ્યા ઢળી ગઈ. યુદ્ધના નિયમ પ્રમાણે યુદ્ધ બંધ થયું. કૌરવો-પાંડવો સૌ પોતપોતાની છાવણીમાં ગયા. બધાને ભિષ્મપિતાના સામર્થ્યની ખબર હતી. અને એ પણ ખબર હતી કે પિતામહ જે પ્રતિજ્ઞા કરે તે પ્રમાણે જ કરે. પિતામહની આ પ્રતિજ્ઞાથી પાંડવપક્ષની છાવણીમાં સુનકાર વ્યાપી ગયો. સૌ પોતપોતાની છાવણીમાં આરામ કરે છે, પરંતુ કોઈને ઊંઘ નથી આવતી.
ભગવાન શ્રીકૃષ્ણ પણ પાંડવ પક્ષમાં હતા. આજે તેમને પણ ઊંઘ નથી આવતી. કારણ કે, તેઓ પણ ભિષ્મપિતાની તાકાતને સારી રીતે જાણતા હતા.
અડધી રાત વીતી હશે. પરમાત્માને વિચાર થયો કે, જરા જોવ તો ખરો કે અર્જુનની શું પરિસ્થિતિ છે ? તેને ઊંઘ આવી હશે કે નહિ ? શ્રીકૃષ્ણ ભગવાન અરધી રાત્રે અર્જુનની છાવણીમાં આવ્યા ને જોયું તો અર્જુનજી તો ઘસઘસાટ ઊંઘતા હતા ! પ્રભુ પધાર્યા છે તેની એને કાંઈ જ ખબર નથી. ભગવાને અર્જુનને જગાડ્યા.
અર્જુનજી ગાઢ નિદ્રામાંથી એકદમ જાગ્યા ને જોયું તો સામે પરમાત્મા ઊભા છે. તરત હાથ જોડીને કહ્યું : “અરે પ્રભુ ! અત્યારે અરધી રાત્રે ?”
ભગવાન : “કાલે ભિષ્મપિતાએ જે પ્રતિજ્ઞા કરી છે તે તને યાદ છે ?”
અર્જુનજી : “હા પ્રભુ ! યાદ છે ને !”
ભગવાન : “પિતામહની તાકાતને તો તું જાણે છે ને ?”
અર્જુનજી : “હા પ્રભુ ! જાણું છું ને !”
ભગવાન : “તોય તને ઊંઘ આવે છે ?”
ભગવાને જ્યારે આમ કહ્યું ત્યારે અર્જુનજી એક જ વાક્ય બોલ્યા : “પ્રભુ ! તમે જાગો છો ને મારે શું ચિંતા ?”
અર્જુનજીનું આ વાક્ય સાંભળી ભગવાન ઘડીક આંખો મીંચી ગયા ને પછી એટલું જ બોલ્યા : “ભાઈ ! તું સૂઈ જા.”
આટલું કહી ભગવાન પાછા આવતા રહ્યા અને પછી બધી બાજી ભગવાને સંભાળી લીધી. ભિષ્મપિતામહ અર્જુનજી કરતાંય સામર્થ્યવાન અને શક્તિશાળી હતા, છતાં પણ ભગવાને અર્જુનને ઊની આંચ ન આવવા દીધી.
વહાલા ભક્તો ! આને કહેવાય ભગવાનનો દૃઢ આશરો. જેને ભગવાનનો આવો અર્જુનજી જેવો દૃઢ આશરો હોય, તેને માથે દુ:ખના ડુંગર તોળાતા હોય તોપણ તેના અંતરમાં જરાય થડકો ન થાય કે હવે મારું શું થાશે ? ભગવદ્આશ્રયના બળવાળો પોતાની તમામ ચિંતા ભગવાનને સોંપી ભગવાનના આશરે ભગવાનના વિશ્વાસે નચિંત રહે છે. આપણે આપણું તપાસીએ કે આપણને ભગવાનનો આવો આશરો છે ? વિશ્વાસ છે ? અને જો ખરેખર અર્જુનજી જેવો દૃઢ આશ્રય હોય તો જ વિકટ વેળાએ નચિંત રહેવાય...!