આદર્શ બનવું છે ?

આદર્શ બનવું છે ?

‘બેટા આદર્શ ! એક અગત્યનું કામ હતું.’ ‘બોલોને અંકલ.’ ‘આદર્શ ! તું સાતમા ધોરણના મેથેમેટિક સબ્જેક્ટ ઉપર ટ્યુશન ચલાવી શકે ?’ ‘હા, હા… હું તો બારમા ધોરણનું મેથ્સ પણ લઈ શકું.’ ‘આદર્શ ! તને ઈંગ્લિશની કેવીક પક્કડ ?’ ‘અંકલ ! કોલેજમાં ફ્રેન્ડ સર્કલમાં હું ઈંગ્લિશમાં જ તો બોલું છું અને હમણાં સ્પીકીંગ કોર્ષના ક્લાસીસ ચાલુ કરવાનું પણ વિચારું છું.’ ‘માની લે કે આવતી ૨૬મી જાન્યુઆરીએ તારે ૧૫ મિનિટ દેશભક્તિ વિષે બોલવાનું થાય તો કેમ થાય ?‘અંકલ ! આપ તો જાણો જ છો... સ્કુલમાં વક્તૃત્વ સ્પર્ધા, શિક્ષક-દિન કે અન્ય કોઈ પણ ફંક્શન હોય; હું એક પણ તક ચૂક્યો નથી. પણ... આ બધી વાત આપ જાણવા છતાં પૂછો છો તે…’

‘આદર્શ ! હવે મારે તને છેલ્લે એ પૂછવું છે કે, આજ સુધીમાં સવારે મંગળા આરતીનાં દર્શન કરવાના ઠેરાવ તેં કેટલી વખત કર્યા અને એમાં સફળ કેટલી વખત થયો ?’ અંકલના પ્રશ્નો બાદ આવો મોડ મળશે એવી આદર્શને કોઈ કલ્પના જ નહોતી. તેણે કહ્યું, ‘હા, અંકલ એ બાબતમાં મારું જરા કાચું છે.’ ‘પણ આદર્શ ! તું બીજું બધું તો બીજાથી ન થઈ શકે એવું ઘણું ઘણું કરી શકે છે. ને આ સામાન્ય જેવું લાગતું મંગળા દર્શનનું સરખું કેમ નથી કરી શકતો ? બીજું ઘણુંય જોર કરે છો ને આમાં મનનો કેમ કાચો !’ આદર્શે નીચી નજરે પ્રત્ત્યુતર આપ્યો, ‘હા અંકલ આ મારી નબળી કડી છે.’

‘આદર્શ ! બસ મારે તને આ જ બાબત શીખવવી છે. નો ડાઉટ તારામાં ઘણી બધી સ્કીલ, ગુણો, આવડત વગેરે છે. ઘણી બધી બાબતોમાં તું સફળ છે; પરંતુ જો તું તારી નબળી કડીઓને અર્થાત તારી ખામી, નિમ્નતા, અસફળતા, દોષો-સ્વભાવો કે મૂર્ખામીને પણ નજરમાં રાખીશ તો તને તારી સફળતાનો છક નહિ આવે, ગુણોનો ભાર નહિ રહે, આવડતનું અહં નહિ આવે. પરિણામે દાસ રહેવાશે, કોઈની ગૌણતા નહિ થાય, બીજા અણસમજુ કે સામાન્ય નહિ લાગે, તારા વાણી-વર્તનમાં કોઈને મદની ગંધ નહિ આવે. મોટાની મયાર્દા ચૂકાઈ નહિ જાય અને સ્પષ્ટ મુદ્દો કહું તો ‘પપ્પા સામે બોલાઈ નહિ જાય...’

છેલ્લું વાક્ય સાંભળતા જ આદર્શ વિચારમાં ચડી ગયો. ‘ખરું ને આદર્શ બેટા !’ આમ કહી આંખમાં આંખ પરોવી અંકલે સ્મિત કર્યું, પણ આદર્શથી રહેવાયું નહીં, એ તો રડી જ પડયો. ‘અંકલ ! આપની વાત સાવ સાચી છે. ગઈ કાલે પપ્પાને સમજવામાં હું ભૂલ ખાઈ ગયો. પપ્પા બોલ બોલ કરીને મારી વાતને પૂરી સાંભળતાં-સમજતાં નથી. એમ માની મારાથી તેમની સામે ઊંચા અવાજે બોલાઈ ગયું. હું હમણાં જ ઘેર જઈ તેમની માફી માંગી લઈશ.’ અંકલે આદર્શને સાંત્વના આપતા સમજાવવા માંડયું, ‘બેટા, તું તારી આ બાબત સુધારવા માટે રડે છો, મહેનત પણ ઘણી કરે છો તેથી આ પ્રસંગે મારે એક-બે વાતો કરી તને હેલ્પ કરવી છે.’ આમ કહી બોલવા માંડયા,

‘આદર્શ બેટા ! બાહ્ય માનુષી સ્વભાવો તથા દૈહિક ભૂમિકાથી થતા વ્યવહારો એક જુદી વાત છે અને આંતરિક ઊંચાઈ-આધ્યાત્મિકતા એક જુદી વાત છે. બની શકે કે, માંગરોળના ગોરધનભાઈ જેવા ઉચ્ચકક્ષાના ભક્તોને વ્યવહાર ન પણ આવડતો હોય. ગઢપુરના દાદાખાચર, થાણા ગાલોલના માવાભક્ત કે વડોદરાના નાથભક્ત જેવા ભક્તોને વ્યવહારમાં અમુક લોકો છેતરી જતા હોય, પરંતુ તેઓ પ્રભુના કૃપાપાત્ર હોય અને તેની સામે કોઈ ગઢપુરના જીવાખાચર જેવા કદાચ વ્યવહારમાં પાવરધા હોય, પરંતુ જો આધ્યાત્મિક ઊંચાઈ ન હોય તો પ્રભુના હૃદયસમા ન બની શકે.

આ માર્ગમાં જો આપણે ઉપલક દ્રષ્ટિએ જોઈશું તો બહુ ખોટ જશે. જે બાહ્ય સામાન્ય બાબતોથી આપણે સામાને વિષે ગૌણભાવ કરીએ છીએ, એવી જ કોઈક ખામીઓ આપણામાં પાછી ઘણી બધી હોય છે ને તે આપણાથી ઘણો દાખડો કરવા છતાં છૂટતી નથી હોતી. આવા વિચારથી પણ જો આપણે સામાની સહજ પ્રકૃતિને સહજ લઈ શકીએ, તો બીજાને વિષે ગૌણભાવ થતો અટકી જાય અને તેમના અપરાધથી બચી જવાય.

આદર્શ ! તારા માટે સમજાય એમ કહું... બની શકે તારા પપ્પા તારા જેટલું ભણ્યા નથી, એટલે તારા જેવું એમને કમ્પ્યુટર ચલાવતા ન આવડે, મોબાઈલના દરેક ફંક્શનોની ખબર ન પણ હોય, જાહેરમાં તારા જેવું બોલી ન શકે, દરેક મેનર્સ જાળવી જાળવીને વાણી-વર્તનના સંબંધોમાં પૂરું પરફેક્શન લાવી ન શકે. બોલવામાં થોડું આગળ-પાછળ કે લાંબુ થઈ જાય, પણ એમની ભાવના તારા કરતાં અનેક ગણી વધુ હોય. ઘણા વર્ષોના સત્સંગથી અનુભવમાં એ તારા કરતાં ઘણા બધા આગળ હોય, સહજપણે કોઈના કહ્યા વગર સવારે ૪.૦૦ વાગ્યે જાગી પૂજામાં પ્રભુ સાથે લાગી જતા હોય. નિષ્ઠા, મહિમા, દાસત્વ વગેરેમાં મજબૂત હોય, જ્યારે આવી બધી બાબતોમાં તું એમની પાસે ખૂબ ટૂંકો પડતો હોય.

સાંભળ આદર્શ ! કેટલીકવાર એવું બને કે, તું આધ્યાત્મિક માર્ગના એકાદ ટોપીક ઉપર સારામાં સારું બોલતો-લખતો કે વિવરણ કરતો હોય ને એ મૌન રહી અનુભવ કરતા હોય. માટે હું તને ટૂંકમાં એટલું જ કહું છું કે, “તું તારી સારપમાં સલવાઈ જઈને તારા પપ્પા ને સમજવામાં ભૂલ ન કરતો. હંમેશાં તેમનો આભારી રહી તેમને અનુસરવાનું રાખજે.”

કેટલીક વાર આપણાં ગુણો, આવડત, કળા, શક્તિ વગેરેમાં આપણી નિમ્નતા, દોષો, મૂર્ખામી વગેરે સુખેથી છૂપાઈ જતા હોય છે. પરંતુ જો આપણે પોતાની નબળી કડીને નજર સમક્ષ રાખીએ અર્થાત્ આપણી પોતાની કસરને જાણી રાખીએ તો અન્યના અવગુણ કે દોષો-સ્વભાવો દેખાય જ નહીં. આપણે કોઈક ફીલ્ડમાં કાંઈક જાણતા-સમજતા હોઈએ, એનો મતલબ એ નથી કે, આપણે સંપૂર્ણ છીએ; અનેક ફીલ્ડમાં આપણે સાવ અજાણ હોઈએ છીએ. તેથી આપણી આવડતનો ગર્વ કરવો યોગ્ય જ નથી. કોઈ ચામડી કે હાડકાના ડોક્ટરે પોતાના ફીલ્ડમાં ભલે માસ્ટરી મેળવી હોય, પણ એને હૃદય, આંખ વગેરે જેવાં શરીરનાં અન્ય અંગો વિષે કશી ગતાગમ ન પડે. આપણે કોઈ સર્વાંગ સંપૂર્ણ છીએ જ નહીં. પ્રભુએ જ આપણું સર્જન આવા પ્રકારનું કર્યું છે કે, જેથી આપણને અહં ન આવે. માટે આ બાબતને સમજી બીજાના બાહ્ય સ્વભાવાદિકને નજરમાં ન લેવા; પોતાની ખામીને નજર સમક્ષ રાખી પોતાને નાના અને બીજાને હંમેશાં મોટા માનવા.

બેટા આદર્શ ! આ બધી વાતો જો તું આત્મસાત કરવા ઈચ્છતો હો તો તારે વર્તન કરતા પણ વિચારોના પ્રવાહ તરફ વધુ ધ્યાન દેવું પડશે. અને ખાસ… મમ્મી-પપ્પાનાં પગલે ચાલી તેમની આજ્ઞા અધ્ધરથી ઝીલવી પડશે. જો આ ઉંમરે આ પ્રથમ પગથિયા ઉપર ધ્યાન આપીશ તો વહાલા મહારાજ, પૂ.ગુરુજી તથા સંતો તારું જીવન જોઈ ખૂબ જ રાજી થશે. અને તારું ‘આદર્શ’ એવું નામ ખરા અર્થમાં સાર્થક થશે. આટલી વાતો કરી અંકલે આદર્શનો ખભો થાબડીને આ અંગેનો અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું. અંકલની વાતોથી ખુશ થઈ આદર્શ પોતાની શુદ્ધિ-વૃદ્ધિ બાબતની પ્રોમિશ આપીને છૂટો પડયો.

વહાલા ભક્તો ! આપણું કેમ ? જાે આપણે પોતાની કસરને અને અન્યના ગુણોને કેન્દ્રમાં રાખીશું, તો સ્વશ્રેષ્ઠતા અને અહંકારથી બચી જઈશું...આવી વાતો અંતરમાં ધારીશું, આદર્શની જેમ આ અંગેનો અભ્યાસ કરીશું તો આપણું જીવન પણ પ્રભુ અને પ્રભુપ્યારાઓની કૃપાથી ચોક્કસ ‘આદર્શ’ બની જશે.