
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન
ભગવાને ભારત ભૂમિમાં આવો મનુષ્ય અવતાર આપ્યો, આવો સત્સંગ આપ્યો; અને આપણે પરમાત્માનું સ્મરણ ન કરીએ તો બહુ મોટી નુકશાની ભોગવી રહ્યા છીએ. એ આપણી જિંદગીમાં દુ:ખી થવા માટેની બહુ મોટી પોલ છે, બહુ મોટું છિદ્ર છે. એ એક બહુ મોટી ભ્રાંતિ છે, ભ્રમણા છે, ભાન ભૂલેલાપણું છે. આપણે બહુ ખોટી ક્રિયા કરી રહ્યા છીએ. આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ; એ જ મોટામાં મોટી ભૂલ, મોટામાં મોટી નુકશાની, મોટામાં મોટી મૂર્ખામી, મોટામાં મોટું ગાંડપણ, મોટામાં મોટો સનેપાત-ચિત્તભ્રમ છે.
આપણે જેને વિપત્તિ માની છે તે વિપત્તિ નથી. આપણે જેને સંપત્તિ, સુખ, શાંતિ માની છે; તે ખરેખર સુખ, શાંતિ નથી.
હે પ્રભુ ! એ જ વિપત્તિ કહેવાય કે, જેમાં તમારું સ્મરણ-ભજન ન થાય.
શાસ્ત્રકારોએ ભગવાનની સતત સ્મૃતિ રાખવા ઉપર આટલું બધું વજન આપ્યું છે. આ વાત આપણા અંતરમાં ચોંટી જવી જોઈએ. એ ભુલાવું જ ન જોઈએ કે, મારો અવતાર ભગવાન સંભારવા માટે છે. ભગવાન ભૂલવા એના જેવું કોઈ પાપ નહિ, ભગવાન સંભારવા જેવું કોઈ પુણ્ય નહીં. ભગવાન ભૂલી જવા જેવી કોઈ અધોગતિ નહિ, ભગવાન સંભારવા જેવી કોઈ ઊર્ધ્વગતિ નહીં. ભગવાનનું સ્મરણ કરીએ એમાં સુખ, સુખ ને સુખ જ છે.
ભોળાનાથ સતીને માનસમાં કહે છે :
આ જિંદગી એક સ્વપ્નું છે. જેટલું ભજન થશે એટલું સાથે આવશે અને સુખ દેશે. બાકી ગમે એટલો રૂપિયો રળશું, મોટપ મેળવીશું, કહેવાતી ક્ષુલ્લક કળા, વિદ્યા, ગુણોમાં પારંગત થશું; પણ અંતે એ પૈકીનું આપણા હાથમાં કાંઈ નહિ રહે. આપણે આના પહેલાં ક્યાંક જન્મ્યા તો હોઈશું ને ? ત્યાંય આખી જિંદગી તૂટી મરીને કાંઈક તો કર્યું હશે ને ? મર્યા પછી એમાંનું કાંઈ આ જન્મમાં સાથે આવ્યું ? તો આ જન્મનું કાંઈ પછી સાથે આવવાનું છે ? માટે એ બધું અસત્ છે અને ભજન જ સત્ છે.
ભગવાનમાં જે આસક્તિ છે એ ગુણ છે અને ભગવાન સિવાય બીજે સુખબુદ્ધિ, આસક્તિ છે તે દોષ છે. ભગવાનમાં પ્રેમ એ આપણી ઉન્નતિ છે. ભગવાન સિવાય બીજે પ્રેમ, ખેંચાણ, સુખબુદ્ધિ, સારાપણાની ભાવના, સત્યપણાની ભાવના; એ આપણી અધોગતિ છે, ભ્રષ્ટબુદ્ધિ છે, અજ્ઞાનતા છે, મૂર્ખાઈ છે. આપણા હૃદયમાં ભગવાન સિવાય બીજે પ્રેમ થાય એ આત્માને થયેલો માયિક વિકાર કહેવાય. જો ધનમાં ખેંચાણ થાય તો લોભ કહેવાય, સ્ત્રીમાં ખેંચાણ થાય તો કામ કહેવાય, ખાવામાં ખેંચાણ થાય તો સ્વાદ કહેવાય.
પોતાના આત્માને સુખી કરી પરમધામ પામવાની વાટ પકડી લેવી હોય તો ભગવાનને અખંડ સંભારવા.
આ વાત ગંભીરપણે ન વિચારીએ, જીવનમાં ન ઉતારીએ તો પાછળથી રોવા તૈયાર રહેવાનું રહેશે. માટે સૌએ ચેતી જઈને ભગવાનમાં જોડાઈ જાવું.
આપણા આદિગુરુ સદગુરુવર્ય શ્રીગોપાળાનંદ સ્વામી એવું કહેતા હતા કે, નિરંતર ભગવાનનો સંબંધ રાખવો. પણ તેમાં જો કાંઈક અંતરાય આવે તોપણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ ને નિરંતર ભગવાનનું સમીપપણું રાખે એને ઉપાસના કહીએ.