આત્મભાવે-બ્રહ્મભાવે ભજન કર્યાનો લાભ !

આત્મભાવે-બ્રહ્મભાવે ભજન કર્યાનો લાભ !

હાલા ભક્તો ! સ્મરણ કયા ભાવમાં થાય છે ? દેહભાવમાં કે આત્મભાવમાં ? એનો થોડો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણને એવી કાંઈક લટક હાથમાં આવે, એવી કાંઈક સમજણ ભેજામાં બેસે કે જેથી આત્મભાવે-બ્રહ્મભાવે સ્મરણ થાય. ઘણા યુગોથી આપણે દેહરૂપે જીવી રહ્યા છીએ. આપણે આ શરીર નહિ પણ ચૈતન્યરૂપ આત્મા છીએ અને એમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિત છે. ભગવાન પાસે દેહભાવથી નહિ, આત્મભાવે જવાય છે, માટે આત્મભાવ-બ્રહ્મભાવનો અભ્યાસ અતિ જરૂરી છે.

ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે, બ્રહ્મભાવે ભક્તિ કરે એ મને ગમે છે. શ્રીહરિએ આપણને વચ.પંચાળા-૩માં તથા બીજાં અનેક વચનામૃતોમાં સ્પષ્ટ શબ્દોમાં બ્રહ્મરૂપે ભક્તિ કરવાનું કહ્યું છે. શિક્ષાપત્રીના ૧૧૬મા શ્લોકમાં પણ સ્પષ્ટ આદેશ આપેલો છે. એ આદેશને પાળવા માટે આપણે બધા કટિબદ્ધ થઈએ.

જો આપણે દેહભાવે હરિસ્મરણ કરીએ, તો માયાના વિઘ્નોમાં અવરાઈ જવાની શક્યતાઓ રહે છે. ભગવાને વચ.ગ.અં.૨૦માં આપણને કહ્યું છે કે, “જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય, માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. દેહભાવે ભજન કરનારાને ભગવાનમાં જેમ હેત થાય, ભક્તિ થાય, રસ આવે; એમ જ્યારે પંચવિષય પ્રાપ્ત થાય, સાંસારિક સુખ કે મોટપ મળે, તો એમાં પણ એને લેવાઈ જવાય, એનું ચિત્ત ત્યાં ચોંટે. દેહભાવ એ માયાનો ભાવ છે અને માયાભાવ એ માયામાં જ વળગાડે. માયાભાવ અસત્ય છે, અવાસ્તવિક છે; એમાં રંચમાત્ર પણ વાસ્તવિકતા નથી.

આપણે જડ નથી, આપણે માયા નથી; આપણે તો ચિદ્ છીએ, માયાથી અલગ, માયાથી પર, શુદ્ધ ચૈતન્ય આત્મા છીએ. જન્મોજન્મથી દૃઢ થઈ ગયેલા માયાભાવને આત્મભાવ વડે જ ખસેડવો પડશે. હું આત્મા છું, હું બ્રહ્મ છું. આ શરીરમાં હું ભલે રહ્યો પણ હું શરીર જેવો નથી, શરીર નથી, એનાથી પર છું. શરીર મારાથી અલગ છે, હું શરીરથી અલગ છું. ભલે આપણે શરીર સાથે એક જેવા થઈ ગયેલા જણાતા હોઈએ, છતાં પણ આત્મા અને શરીર અલગ હતાં અને અલગ જ છે અને અલગ અલગ જ રહેવાનાં.

જેને આત્મનિષ્ઠા હોય એ એવી ભાવનામાં સ્મરણ-ભજન કરતો હોય કે, ‘હું આત્મા છું અને મારામાં પરમાત્મા છે. હું મારા તેજોમય સ્વરૂપમાં મહારાજની સાકાર, દિવ્ય અને અલૌકિક મૂર્તિ ધારીને રસતરબતર રહ્યો છું. આત્મનિષ્ઠાવાળાને ભૂંડા દેશાકાળાદિકનો યોગ થાય તો એને પણ અજ્ઞાની પેઠે જ ક્ષોભ થઈ આવે છે, પણ આત્મનિષ્ઠા પક્વ કરેલી હોવાને કારણે એ ક્ષોભ ઝાઝી વાર ટકતો નથી. આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. દેહભાવે ભક્તિ કરવાથી વાસના ટળવાને બદલે, અહંકાર નાશ થવાને બદલે, અજ્ઞાન નાશ થવાને બદલે વધી જવાની શક્યતા રહેલી છે અને ઊલ્ટાનો માયામાં ભાવ, આસક્તિ, સંબંધ દૃઢ થઈ જાય છે.

શ્રીજીમહારાજ વચ.લો.૧૭માં પોતાની મેળે બોલ્યા જે, “જુઓને, ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે.” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તોપણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દૃઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય; એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તોપણ એની મતિ અવળી થાય નહીં.....”

જ્ઞાન આત્મનિષ્ઠાને, દૃઢ કરવી અપાર;
ત્યાર પછી સ્મરણ કરવું, કરવો હરિમાં પ્યાર.

આત્મનિષ્ઠાની દૃઢતા કર્યા પછી જેટલું સ્મરણ કરીએ એટલું આપણી પાસે કાયમ ટકી રહે, લૂંટાઈ ન જાય, નાશ ન થાય, આપણા હાથમાંથી જતું ન રહે. આપણા ગ્રંથોમાં ભૂંડા દેશકાળાદિકનું બહુ જોર વર્ણવ્યું છે. માટે પ્લીઝ ! ક્યારેય મનમાં એવો વહેમ ન રાખવો કે, ‘હું નિર્વાસનિક છું એટલે મને ભૂંડા દેશાકાળાદિક અસર કરે નહીં.’ એ કરે જ ! આજે ન કરે તો કાલે કરે, બે દી પછી કરે; પણ એની અસર થયા વિના રહે જ નહિ; માટે ક્યારેય એવી બંઠાસ મારવી નહિ કે, મને કાંઈ ન થાય.

બ્રહ્મભાવની ભૂમિકામાં ભેળું કરેલું હરિહેત-ભક્તિ સદા ટકે છે, એનો નાશ નથી થતો; જ્યારે દેહભાવે કરેલો પ્રેમભાવ-ભક્તિ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને ભસ્મીભૂત થઈ જાય છે. દેહભાવવાળો પોતે પોતાને સાવ કુસંગી, વાસનાવાળો, મેલો ફીલ કરે; જ્યારે બ્રહ્મભાવવાળાને એવું થાય જ નહીં. એ છે આત્મભાવે-બ્રહ્મભાવે ભજન કર્યાનો લાભ !

આ દેહ તો આપણે મફતનો માથે લીધો છે. પોતાને સાકાર માની દેહાભિમાન ધારણ કર્યું છે કે, ‘હું આ દેહ છું, આ મારું નામ છે, આ મારું કુળ, કુટુંબ છે. આ મારો આકાર છે.’ આમ, પોતાને સાકાર માન્યા પછી પોતાને કર્તાપણું મનાયું કે, ‘હું કર્તા છું, આ મેં કર્યું, આ હું કરીશ.’ આવો અહંકાર દૃઢ થઈ જવાથી આત્માની વૃત્તિઓ; કે જે ભગવદ્આકારે કરવાની હતી, એ મજબૂતપણે જડ-નાશવંત દેહાકારે વર્તવા લાગી. દેહાકાર પોતાનામાં ઠાંસીને ભર્યો હોવાથી જે વૃત્તિ મૂર્તિ આકારે રાખવાની હતી એ જ વૃત્તિ દેહમાં ફસાઈ ગઈ, રોકાઈ ગઈ. અને હવે એને દેહમાંથી ઉખાડીને મૂર્તિ આકારે કરવામાં મોઢે ફીણ આવી જાય છે.

વહાલા ભક્તો ! દેહમાં ફસાઈ ગયેલી વૃત્તિને કાઢવા માટે આત્મનિષ્ઠા દૃઢ કરવી પડશે. પોતાને આત્મા માનીને ભગવાનમાં હેત કરીએ, ભજન-સ્મરણ કરીએ, તો વાસનામાત્ર બળી જાય અને આત્મામાં જ ભગવાનનાં દર્શન થઈ જાય. શરીરથી નોંખા પડવાનો રોજ થોડો થોડો અભ્યાસ કરીએ તો આ થાય. આમાં બહુ ફાયદો છે.