
વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આ વર્ષ સં.૨૦૭૮ને ‘આત્મનિષ્ઠા વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને આત્મનિષ્ઠાના અભાવે આપણામાં ઘણીક ઉણપો રહી જાય છે અને તેને કારણે ભજન-ભક્તિ અને ઉપાસનામાં વિક્ષેપો પણ રહ્યા કરે છે. માટે આ આત્મનિષ્ઠા વર્ષમાં આત્મનિષ્ઠાની દૃઢતા કરવી જ જોઈએ.
જો કે, જીવને અનેક જન્મોથી દેહાધ્યાસ હોવાથી પોતાને આત્મા માનવો કે આત્મનિષ્ઠાની દૃઢતા કરવી, તે ધસમસતી નદીમાં સામા પ્રવાહે તરવા જેવું કઠણ તો છે; પરંતુ આપણે શ્રીહરિજી મહારાજના શરણે થયા હોવાથી વહાલા મહારાજે આપણને આવી અઘરી આત્મનિષ્ઠા કેળવવામાં પણ ખૂબ મોટું કન્સેશન આપ્યું છે. આ વાત સાંભળીને તમને થોડું આશ્ચર્ય તો થશે કે, ‘શું કન્સેશન આપ્યું છે ? પરંતુ આ વાત આશ્ચર્ય કરવા જેવી નથી, પણ ખૂબ આનંદ માણવા જેવી છે. તે કન્સેશન શું ? તો શ્રીહરિજી મહારાજે પોતાના પ્યારા પરમહંસોને લખેલ પત્ર અર્થાત્ વેદરસમાં સ્પષ્ટ શબ્દોમાં આવું કહ્યું છે કે,
"જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિષે કામ-ક્રોધાદિકના અતિશે સંકલ્પ ઉત્પન્ન થાય, તે પરમહંસને એમ વિચાર કરવો જે, ‘આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું.’ વળી, તે દ્રષ્ટાનો વિચાર જીવનમુક્તના લક્ષણને દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, પુરુષોત્તમની મૂર્તિને લક્ષે યુક્ત ને જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિને વિષે સ્વતંત્ર એવા જે જીવનમુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે, ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખાપર્યંત સંભારીને, મૂર્તિને વિષે અતિશય લક્ષે કરીને તે સંકલ્પને તે જીવનમુક્ત શમાવે છે તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખશિખાપર્યંત ચિંતવન કરીને અંગઅંગને ખોટાં કરે ને પોતાને દ્રષ્ટા માને.
અને (તે અંગોને કેવી રીતે ખોટાં કરે ? તો,) વિચાર કરવામાં નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટાં કરે, અને મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે, છાતીનો વિચાર કરે ત્યારે છાતીને ખોટી કરે, હાથનો વિચાર કરે ત્યારે હાથને ખોટા કરે, પેટને વિચારે ત્યારે પેટને ખોટું કરે, કેડનો વિચાર કરે ત્યારે કેડને ખોટી કરે, પિંડીનો વિચાર કરે ત્યારે પિંડીને ખોટી કરે, વાંસાનો વિચાર કરે ત્યારે વાંસાને ખોટો કરે, પગનો વિચાર કરે ત્યારે પગને ખોટા કરે; એ સર્વે જે પોતાના દેહનાં અંગ તેના વિચારનો કરનારો જે આત્મા, તે આત્માને વિષે અર્થાત્ પોતાને વિષે પોતાપણું માને અને આ દેહને ખોટો માને.
એ વચન અમે કહ્યું છે તેને જે માનશે તેને થોડાક દિવસે વિચાર કરતાં કરતાં પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે અને દેહ તો શૂન્ય આકાશ ભેળે આકાશ જેવો જણાશે, પણ કરચરણાદિક ચિહ્નરૂપે નહિ જણાય, શૂન્ય આકાશ સરખો જણાશે. જેમ આકાશને વિષે વાદળાંની ઘટા જણાતી હોય ને પછી વાયુ જ્યારે અતિશય લાગે ત્યારે તે ઘટા આકાશને વિષે લીન થઈ જાય છે, તેમ આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગ્રત અવસ્થાને વિષે અતિશય જ્યારે લાગે છે, ત્યારે જાગ્રતને વિષે ઘોર સુષુપ્તિ વર્તે છે, તેણે કરીને આ દેહ શૂન્ય થઈ જાય છે.
અને વળી, જ્યારે એવી રીતે વિચાર કરશે, ત્યારે આ દેહ શૂન્ય પાષાણ જેવો થઈ જાશે અને સંકલ્પ પણ પાષાણ જેવા થઈ જશે. અને સમુદ્ર જેવા કામ-ક્રોધાદિક ઘાટના સમૂહ થતા હશે, તોપણ એ સર્વે શમી જાશે. અને હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચનરૂપે કરીને તેના હૃદયને વિષે પ્રવેશ કરીને, આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. તે વિચારે કરીને તેને આત્માને વિષે અહંપણું મનાશે. પછી તે આત્મારૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે. આ વિચાર છે તે કોઈક વિશ્વાસી ગૃહસ્થ હોય ને પૂછે, તો તેને પણ બતાવવો.
બીજું, આ વિચાર કરતાં કરતાં જેમ બીજાનો દેહ પોતાના દેહથી નોખો જણાય છે, તેમ પોતાનો દેહ પણ પોતાના આત્માથી નોખો જણાશે. બીજું, આ કાગળને વિષે તમારે અર્થે બ્રહ્મવિદ્યા સંબંધી વિચાર જે અમે લખીએ છીએ તે વિચાર અમારા અંતરના રહસ્યરૂપ છે અને સર્વે ઉપનિષદના પણ રહસ્યરૂપ છે."
આ શ્રીહરિએ વેદરસરૂપ પત્રમાં કહેલા બેઠા શબ્દો છે. આ વાતને શાંતિથી વાંચીને વિચારીએ, તો ખ્યાલ આવે કે, મહારાજે આત્મનિષ્ઠા કેળવવામાં ૯૯% જેટલું કન્સેશન આપી દીધેલું છે. આપણે તો મહારાજના વચનના બળે થોડા દિવસ આવો દિલથી અભ્યાસ કરવાનો છે. અને જો મહારાજના વચનના વિશ્વાસે એવો અભ્યાસ કરવાની આપણી દૃઢતા હોય, તો આપણા હૃદયમાં એ આત્મજ્ઞાન સંબંધી વિચારને પણ મહારાજ પોતે પ્રકાશી આપવાના છે. આ મહારાજની કેટલી મોટી કરુણા કહેવાય..!!
વળી, વચનામૃત ગ.પ્ર.૨૦માં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે’ દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુવે છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેની મૂર્તિને જુવે છે અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે, તેટલી પોતાને આળસે કરીને રહે છે.”
આમ, વહાલા મહારાજ તરફથી આટલું બધું કન્સેશન મળવા છતાં આત્મનિષ્ઠા ન કેળવીએ, તો તે આપણી જ આળસ-ગાફલાઈ છે. માટે ચાલો, આ આત્મનિષ્ઠા વર્ષમાં વહાલા મહારાજ તથા પૂ.ગુરુજીને રાજી કરવા માટે તેમને અભિષ્ટ એવી આ આત્મનિષ્ઠા કેળવવામાં રહેતી ગાફલાઈ ટાળીએ, તો મહારાજ કૃપા કરીને ખૂબ ટૂંક સમયમાં આત્મનિષ્ઠાની દૃઢતા, તેઓ પોતે જ કરાવી દેશે.